અદના વૃંદાનાં આકર્ષક વિચાર, વ્યવહાર અને વાણી

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

દરેક માતાપિતાએ પોતાના સંતોનોમાં રહેલી કલાની કદર કરવી જોઈએ..

કાળા વાળ અને એ જ રંગની આંખો. દરેક ભાવની ચાળી ખાતો ચહેરો અને એ ચેહરાથી લઈ પગની પાની સુધીનો એકસમાન પાતળો દેહ. એનું સર્જન જાણે નવ રસની રજૂઆત કરવા માટે થયું હોય તેમ જ્યારે એ પરંપરાગત શાસ્ત્રીય નૃત્ય કરે ત્યારે તેની કાયા સાથે ભાવક પણ નાચી ઉઠે. એ જ્યારે નાટક, સિનેમા કે જાહેરખબરમાં અભિનય કરે ત્યારે તેની અદાકારીથી દર્શક મંત્રમૃગ્ધ થઈ ઉઠે અને એ જ્યારે મહેફિલમાં હસ્તલિખિત કવિતાઓનું સુરીલા સ્વરમાં પઠન કરે ત્યારે તેની રચનાઓ પર શ્રોતાઓ દોબારાની દાદ દઈ ઉઠે. એ વૃંદા છે. વૃંદા નથવાણી.
વૃંદાની ઉંમર ૧૯ વર્ષ છે. એ બી.એસસી. આઈટીનો અભ્યાસ કરે છે અને એક સ્કૂલમાં એક્ટીવીટી મેનેજમેન્ટ સંભાળે છે. વધતા સમયમાં તે બચ્ચાંઓને ડાન્સ શીખવે છે, પોતે અભિનય કરે અને શીખે છે. કવિતાઓ લખે છે, સ્ક્રીપ્ટ તૈયાર કરી આપે છે અને મંચ સચાલન કાર્ય પણ કરે છે. આ બધાની સાથે વૃંદા ભણવા સિવાય રસોઈ શીખે છે અને ઘરકામ પણ કરી લે છે. ૧૯ વર્ષની વૃંદાએ હમણાં જ ‘વી ડ્રામાસ્ટીક’ નામની નાટકને લાગતી-વળગતી પોતાની એક અલગ અને આગવી સંસ્થા સ્થાપી છે. વૃંદાને ભવિષ્યમાં પોતાની વી ડ્રામાસ્ટીક સંસ્થાને ખૂબ ઊંચાઈઓ પર લઈ જવી છે અને મુંબઈનાં પૃથ્વી થિયેટર સમકક્ષ એક થિયેટર બનાવવું છે, જ્યાં માત્ર ઉંચ્ચ ગુણવત્તાલક્ષી નાટકો જ ભજવવામાં આવે. નાનકડી વૃંદાનું મોટું સપનું વર્તમાન નાટકની કક્ષા અને વિષયવસ્તુનો વિકાસ કરવાનું છે. વૃંદા રાજકોટને ખૂબ ચાહે છે એટલે તેને આ બધું રાજકોટમાં જ કરવું છે.
૧૯ વર્ષની વૃંદાને નાનપણમાં એ જરા પણ ખબર ન હતી કે તે નાની ઉંમરમાં મોટી અભિનયકારા બનશે. નાટકો, જાહેરખબરો, ફિલ્મોમાં કામ કરશે. એક પાત્રીય અભિનયથી લઈ કથક, ભરતનાટ્યમ સહિત મંચ આધારિત દરેક કલામાં વૃંદાને મહારથ હાંસલ છે. અભિનય અને નાટ્ય સિવાય વૃંદા ગાયન-વાદન અને લેખનમાં પણ શ્રેષ્ઠ રજૂઆતની સિદ્ધિ ધરાવે છે. વૃંદા ભણવામાં પણ હોશિયાર જ હશે એવું ધારવાની જગ્યાએ સ્વીકારી જ લેવું પડે.
પ્લેહાઉસમાં ત્રણ વર્ષની ઉંમરે સૌ પ્રથમવાર એક પાત્રીય અભિનય ભજવનાર વૃંદા ૧૫ વર્ષની ઉંમરે એક નાટ્યસ્પર્ધામાં ભાગ લે છે, જ્યાં તેને શ્રેષ્ઠ અભિનયકારાનો એવોર્ડ મળે છે. અહીંથી તેની જાજરમાન કારકિર્દીની શરૂઆત થાય છે. કલાજગતની કસબીઓ પહેલી જ વારમાં વૃંદાની અંદર રહેલા અભિનયનાં ઓજસને પારખી ગયા. એ દિવસથી વૃંદાને વિવિધ પાત્રનાં અભિનય મળતા રહ્યા. વૃંદાએ એક પાત્રીય અભિનય કર્યા, નાટકોમાં ભાગ લીધાં. જાહેરખબરમાં ચમકી, બોલીવુડમાં પણ મોકો મળ્યો. પોતાના અવાજ અને આવડતથી એન્કરીંગ કર્યું. ધીમેધીમે વૃંદા માટે મંચ મંદિર બની ગયું જ્યાં તેને ઈશ્વર મળ્યાનાં અસીમ આનંદની અનુભૂતિ થવા લાગી.
વૃંદાએ નાની ઉંમરે પ્રમાણમાં મોટું કામ કર્યું છે છતાં તેને હજુ થોડો અસંતોષ છે. આ અંગે વૃંદા કહે છે, ‘ટીન-એજ ઉંમરમાં બધા પાત્રોનો અભિનય મળવો મુશ્કેલ બને છે. કારણ, ટીન-એજમાં ન બાળકનું પાત્ર ભજવવા મળે, ન પીઢ યુવતી કે મહિલાનો ભાગ ભજવી શકાય. આ સમયે મેં નૃત્ય અને લેખન પર ધ્યાન દોર્યું.’
વૃંદાનાં પિતા સરકારી નોકરિયાત છે. મમ્મી હાઉસવાઈફ છે. એક ભાઈ છે જે કોલકત્તામાં આર્ટ એન્ડ ફિલ્મ લાઈન સાથે જ સંકળાયેલો છે. વૃંદા પરિવાર વિશેની વાત કરતા જણાવે છે કે, ‘મારાં કૌશલ્ય વિકાસમાં મારાં મમ્મીનો ફાળો અગત્યનો છે. મારી કલાને સૌથી વધુ પ્રશંસા અને પ્રોત્સાહન આપનાર મારા મમ્મી છે. હું જ્યારે જ્યાં પણ જાવ ત્યારે ત્યાં મમ્મી અચૂક સાથે આવે છે. કોઈપણ સંજોગમાં એ મને સદાય સાથ-સહકાર આપતા રહે છે. એવું કહી શકાય મારા મમ્મી પડદા પાછળનાં અસલ કસબી છે. દરેક માતાપિતાએ પોતાના સંતોનોમાં રહેલી કલાની કદર કરવી જોઈએ.’
વૃંદા અભિનય ક્ષેત્ર વિશેના અનુભવો અને પડકારો જણાવતા કહે છે કે, ‘તમે સારો અભિનય કરી શકો છો એટલે તમને કામ કરવા મળે છે એવું નથી. હું સારો અભિનય કરી શકું છું અથવા લોકોને મારો અભિનય સારો લાગે છે તેમ છતાં આ ક્ષેત્રમાં કામ કરવા તમારે સામેથી પૈસા આપવા પડે એવી પરિસ્થિતિ છે. આયોજક અને નિર્માતા સામેથી પૈસા માંગે છે અને પૈસા આપવાની જગ્યાએ પૈસા લઈને કામ કરાવે છે. જોકે આવું માત્ર કલાનાં આ ક્ષેત્રમાં પૂરતું જ નથી, લગભગ બધે આ પ્રકારનું જ શોષણ થાય છે. એમાં પણ જો તમે સુંદર હોવ અને સ્ત્રી હોવ તો ક્યારેક અન્ય માંગણીઓ પણ થતી હોય છે. મને ઘણા છેતરામણા પ્રસ્તાવ આવે છે તેમ છતાં એક અભિનેત્રી તરીકે મને ગર્વ છે કે હું ક્યારેય કોઈ લોભ, લાલચ અને મોહમાં આજ સુધી આવી નથી, કલાક્ષેત્રમાં મેં કદી કઈ ખોટું કે ખરાબ કર્યું નથી, કરીશ નહીં.’
શેરી નાટક, એકાંકી, દ્રીઅંકી, જાહેરખબર અને ફિલ્મોમાં અભિનય સિવાય વૃંદાએ અસલ જિંદગીમાં નાટક નિર્માતાની ભૂમિકા પણ ભજવી છે. તે એક અભિનયકારા, ન્યૃત્યકારા, ગાયિકા, કવિયત્રી સિવાય લેખિકા અને નિર્માતા પણ છે. સ્કૂલમાં નોકરી કરે છે એટલે ટિચર પણ છે. વૃંદાએ રાજકોટ સહિત ભારતનાં અનેક શહેરોમાં પોતાનાં અભિનય કૌશલ્યને રજૂ કર્યું છે. સ્કૂલ, યુનિવર્સીટી, શહેર, રાજ્યકક્ષાથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી અભિનય સ્પર્ધામાં વૃંદા અવ્વલ આવી છે. વૃંદાએ વિવિધ નાટકોમાં ભજવેલા પાત્રો અને અનેક અલગ-અલગ સ્પર્ધાઓમાં જીતેલા ઈનામોની સૂચી બહુ લાંબી છે. વૃંદાની સિદ્ધિઓ તેની ઉંમર કરતાં પ્રમાણમાં ઘણી મોટી છે.
વૃંદા માટે અભિનય એ આત્મસંતોષનો વિષય છે. તે કહે છે, ‘હું હિરોહીન બનવા કે ફેમસ થવા એક્ટિંગ કરતી નથી, મારા માટે એક્ટિંગ એ મનની શાંતિ છે. કલાનું સાચું સુખ પણ એ જ છે. જ્યાં તમે પ્રખ્યાત નહીં પણ પ્રમાણિક રહી પરમાનંદને પામી શકો.’
અભિનયજગતમાં એક દિવસ જેનું મોટું નામ થશે તેવી મહત્વકાંક્ષી વૃંદા છેલ્લે એવું કહી વિરમે છે, ‘હકીકત અને કલ્પના અલગ હશે. પણ, સાકાર કરવા સપનું તો જોવું પડે છે. અસ્તુ.’

મિરર મંથન : દરેક વ્યક્તિની અંદર કઈકને કઈક કલાકીય આવડત રહેલી હોય છે. કોઈ સરસ ગાયક હોય તો કોઈ સરસ વાદક, કોઈ સરસ લેખક હોય તો કોઈ સરસ કવિ, કોઈ સરસ અભિનયકાર હોય તો કોઈ સરસ ચિત્રકાર.. વગેરે વગેરે. હરેક વ્યક્તિની અંદર એક કલાકાર છુપાયેલો હોય છે. વૃંદાની જેમ ઘણી વ્યક્તિઓની અંદર પણ કોઈને કોઈ કલા છુપાયેલી હશે. કેટલાંક માતાપિતા પોતાના સંતાનોમાં રહેલી કલાની કદર નથી કરી જાણતા, જો યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિઓ દ્વારા દરેક વ્યક્તિની અંદર રહેલી કલાને જરૂરી પ્રોત્સાહન, પ્રસંશા અને પ્લેટફોર્મ આપવામાં આવે તો?