અફસોસ.. તેને ક્યારેય રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર, અર્જુન એવોર્ડ માટે લાયક ન સમજવામાં આવ્યો તેનો ખેદ હતો. આનંદ.. ત્યાં જ અચાનક એક દિવસ ફોનમાં જણાવવામાં આવ્યું કે, ‘સર.. તમે પદ્મશ્રી છો..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

સિયાલકોટ.. ૧૯૬૫.. એ પોતાના સાથી સૈનિકો સાથે બંકરમાં બેઠો હતો. અચાનક બહાર સાયરન વાગવાનો અવાજ આવ્યો. તેને થયું રોજની માફક ચા પીવા આવવા માટેની જાણ કરતી ઘંટડી વાગી. એ સાથી સૈનિક સાથે બહાર આવ્યો પણ.. આ શું? આ પાકિસ્તાની સેનાનાં હુમલાનાં એલર્ટનું સાયરન હતું. ચારેબાજુઓથી ધડાધડ ગોળીઓ વરસવાની શરૂ થઈ. તે અને તેની સાથે રહેલા ત્રણ સૈનિકો બહારની દિશામાં ભાગ્યા અને આશરે પોણો કલાક સુધી હુમલાખોરો સામે બચતાં રહ્યાં અને લડ્યા. ત્યારબાદ વિરોધીસેનાને વધુ લડત આપવા તેને પોતાની જગ્યા બદલાવી પડી. તે જેવો ટેકરી ઉપરથી નીકળ્યો કે એક લડાકુ વિમાન તેની ઉપરથી પસાર થતું ગયું અને તેને પગથી લઈ માથા સુધી ૭ ગોળીઓથી વીંધી નાખ્યો. એ પહાડી પરથી ગબડી સાંકળા રસ્તા પર આવી પડ્યો. જ્યાં ભારતીય સેનાનાં વાહનોની અવરજવર હતી. રસ્તા પર તેને એક ટ્રક કચડતું આગળ નીકળી ઉભું રહ્યું. એ બેહોશ થઈ ગયો હતો.
૦ ૦ ૦ ૦
દિલ્હી.. ૧૯૬૭.. દોઢ વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ દિલ્હીની રક્ષા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો તે સૈનિક જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેને માલૂમ પડ્યું કે એક ગોળી તેની પાંસળીમાં લાગવાથી તેનું કમરથી નીચેનું શરીર લકવાગ્રસ્ત થઈ ચૂક્યું છે. ડોકટરોએ તેને જણાવ્યું કે, તેને ઠીક થતા અને ચાલતા હજુ ઘણો સમય લાગશે. તેની પાંસળીનાં હાડકાંમાં એક ગોળી રહી ગઈ છે. જે ક્યારેય નીકળી નહીં શકે. તેને ફિજિયોથેરાપી માટે મુંબઈની રક્ષા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો.
કોલબા, મુંબઈની સેના હોસ્પિટલમાં ઘાયલ થયેલા સૈનિકની મુલાકાતે જે.આર.ડી ટાટા આવ્યાં. તેમણે તેને પુણેની ટેલ્કો કંપનીમાં સુપરવાઈઝરની નોકરી આપી.
૦ ૦ ૦ ૦
જર્મનીનું હેડેલ્બેર્ગ.. ૧૯૭૨.. પેરાલંપિક ગેમ્સ, સ્વિમિંગ સ્ટેડીયમ.. દર્શકોથી ખાચોખચ ભરેલા એ મેદાનમાં તે ચારમાંથી ત્રણ રાઉન્ડ જીતી ચૂક્યો હતો. ઈતિહાસ બસ એક કદમની દૂરી પર હતો. વિશ્વમાં ભારતને ગૌરવ પ્રાપ્ત થનારી ઘટના બનવા જઈ રહી હતી. જ્યારે ચોથો રાઉન્ડ પૂરો થયો ત્યારે તેને થયું એ જીતી ચૂક્યો છે પણ તેને એ ખ્યાલ ન હતો કે તેણે પોતાની જીત સાથે વિશ્વ વિક્રમ સ્થાપિત કરી દીધો છે.
માત્ર ૩૭.૩૩ સેકેંડમાં ૫૦ મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ કરી તેણે ભારત માટે સૌ પ્રથમ પેરાલંપિકમાં ગોલ્ડ મેડલ જીત્યો. પેરાલંપિકમાં ભારતનું નામ સ્વર્ણ અક્ષરે અંકિત થઈ ગયું.
૦ ૦ ૦ ૦
આનું નામ મુરલીકાંત પેટકર છે. સાંગલી નજીકનાં કેન્દરી ગામમાં જન્મેલા મુરલીકાંતને નાનપણથી જ ખેલકૂદમાં દિલચસ્પી હતી. તેનું સપનું બોક્સર બનવાનું હતું. તેણે બોક્સિંગમાં ઘણા મેડલ્સ પણ જીત્યા છે. તેઓ ભારતીય સેનામાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ યુનિટમાં હતા. દેશપ્રેમ સાથે ખેલપ્રેમ ધરાવતા મુરલીકાંત આર્મીમાં થનારી બોક્સિંગ, સ્વિમિંગ, શોટપુટ અને જેવેલિયન થ્રો જેવી રમતોમાં ભાગ લેતા. પોતાના જીવન દરમિયાન યુદ્ધથી લઈ રમતગમતનાં મેદાને જંગમાં તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદકો જીતેલા છે. મુરલીકાંત મૂળ ઈએમઈ સિકંદરાબાદ ખાતે બોક્સર હતા.
૧૯૬૫નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જખમી થયા બાદ મુરલીકાંત પેટકરે સેનામાંથી સેવા નિવૃત્તિ લઈ લીધી હતી. હવે તેમનું લક્ષ્ય જંગનાં મેદાનની જગ્યાએ રમતગમતનાં મેદાનમાં ભારતને વિજયી બનાવી દેશનું નામ રોશન કરવાનું હતું. મુરલીકાંતને ૧૯૬૮ની સાલમાં ઇઝરાઈલમાં યોજાનારી સમર પેરાલંપિકમાં ભારતનું પ્રતિનિધત્વ કરવાનો અવસર સાંપડ્યો. જ્યાં તેઓ ટેબલ ટેનિસમાં બીજા ક્રમે આવ્યા.
મુરલીકાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા રહેતા હતા. બોક્સિંગ અને ટેબલટેનિસ તેમની ગમતી રમતો હતી. આમ છતાં આગળ જતાં તરણ સ્પર્ધામાંનો ઉત્કૃષ દેખાવ મુરલીકાંત સહિત સમગ્ર દેશને ગૌરવ પ્રદાન કરનારો રહ્યો. વિતતા વર્ષો સાથે મુરલીકાંતની આસપાસની વ્યક્તિઓને એ પણ લાગ્યું કે તેઓ બધી રમતો રમે છે આથી એક રમત પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અથવા કોઈ એક રમતમાં તેમનું શ્રેષ્ઠ કૌશલ્ય પ્રદર્શિત થતું નથી. દેશમાં પણ પેરાલંપિક રમતો માટે સરકાર જાગૃત કે ઉત્સાહિત નહતી.
મુરલીકાંત ઓઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા હતા ત્યારે જાણીતા ક્રિકેટર વિજય મર્ચન્ટ, કપીલ દેવ, બિશન સિંઘ બેદી સહિત અન્ય ક્રિકેટરો તરફથી મળેલી આર્થિક સહાયથી જર્મનીમાં થનારા પેરાલંપિક ખેલમાં ભારતનાં ૭ સદસ્યવાળા દળમાં તેમને સ્થાન તો મળી ગયું પરંતુ એ સમયે પેરાલંપિકમાં મુરલીકાંતનાં જવાથી કોઈ ખુશ ન હતું. મંત્રીયો સિવાય લોકો પણ જાતભાતની વાતો કરી રહ્યા હતા. વિરોધનાં વંટોળ વચ્ચે મુરલીકાંત જર્મની પેરાલંપિક ગેમ્સમાં ભાગ લેવા પહોંચી ગયા જ્યાં ન માત્ર તેઓ ગોલ્ડ મેડલ વિજેતા થયા પરંતુ ૫૦ મીટર તરણ સ્પર્ધામાં જીત સાથે પેરાલંપિક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો. વિરોધીઓ માટે મુરલીકાંત રાતોરાત વહાલા બની ગયા.
મહારાષ્ટ્ર સરકારે સમગ્ર ઘટનાનો શ્રેય લઈ લેતા મુરલીકાંતને અઢળક પુરસ્કારો આપ્યા, મહારાષ્ટ્ર ભૂષણનું સન્માન આપ્યું. મફતની દવાઓ અને મુસાફરી પૂરી પાડવામાં આવી. સમય પસાર થતો ગયો. વધતી ઉંમરે મુરલીકાંતે રમતગમત ક્ષેત્રમાંથી નિવૃત્તિ લઈ લીધી. દેશ, સરકાર અને તેમનાં ચાહકો મુરલીકાંતને ભૂલી ગયા. ૧૯૬૫ ભારત-પાકિસ્તાન યુદ્ધનાં જવાન અને પેરાલંપિક ગોલ્ડ મેડાલીસ્ટ એથલીટ મુરલીકાંત પેટકર ભૂતકાળ બની ગયા.
વર્ષો બાદ.. વર્ષોથી.. ભારત-પાકિસ્તાન યુદ્ધનાં વીર જવાન અને પેરાલંપિકમાં દેશને સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીતાવનારા રમતવીર મુરલીકાંત પેટકરને એક ખેદ હતો, થોડી ફરિયાદો હતી. ભારત સરકારે તેને ક્યારેય રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર કે અર્જુન એવોર્ડ માટે લાયક ન સમજ્યા. એમણે પોતાનો રોષ ઘણીબધી સરકારી કચેરીમાં જણાવ્યો. તેમની એકપણ ચિઠ્ઠી, ઈમેઈલ કે ફોનકોલનો જવાબ આપવામાં આવ્યો નહતો.
દેશ સેવા, સમર્પણ કરવા અને શાન વધારવા બદલ મુરલીકાંત પેટકરએ ત્રણ-ત્રણ વખત અર્જુન એવોર્ડ માટે અરજી કરી જે નકારવામાં આવી. ગત વર્ષ એવું જણાવવામાં આવ્યું કે, હવે પુરસ્કાર આપવા માટેની નીતિઓ બદલાઈ ચૂકી છે. ૪૪ વર્ષ પછી અર્જુન એવોર્ડ કેમ આપી શકાય?
અભિનેતા સુશાંતસિંહે મુરલીકાંત પેટકરનાં જીવન પર ફિલ્મ પણ બનાવવાનું નક્કી કર્યું. કદાચ લોકો આ ભૂલેલા વીર જવાન અને રમતવીરમાંથી કઈક પ્રેરણા લઈ શકે, કદાચ સરકારની આંખો ઉઘડે, કદાચ રમતગમત મંત્રાલય બીજા કોઈ રમતવીરને આવો અન્યાય ન કરે. કદાચ બીજું ઘણુંબધું…
૦ ૦ ૦ ૦
હમણાં એક દિવસ પુણેનાં બાહરી વિસ્તારમાં ત્રણ માળની ઈમારતનાં પહેલાં માળે પોતાના પરિવાર સાથે રહેતા મુરલીકાંત પેટકરને એક ફોન આવે છે, ‘મુરલીકાંત પેટકર, સર.. તમે પદ્મશ્રી છો. જયહિન્દ…
૦ ૦ ૦ ૦
મુરલીકાંત પેટકરનાં ગાલ ભીના થઈ ગયા. તેણે મનોમન ઈશ્વર, જી.ઓ. સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, રાહુલ દ્રવિડ, અભિનવ બિન્દ્રા સહિત તમામ એવાં વ્યક્તિઓનો આભાર માની લીધો જેણે તેનાં કિસ્સાને મંત્રાલય સ્તર સુધી પહોંચાડી એક રમતવીરને યોગ્ય પુરસ્કાર પ્રાપ્ત કરાવ્યું.

મિરર મંથન : મુરલીકાંત પેટકર જેવાં અસંખ્ય જવાનો અને રમતવીરો અસલ જિંદગીનાં વીરનાયક છે. આ એવા વીર દેશભક્તો છે જેને હરહંમેશ પ્રાથમિક સુવિધાઓથી લઈ જરૂરી સન્માન માટે જજુમવું પડ્યું છે. આપણા દેશમાં ક્રિકેટ સિવાયની રમતગમતનાં પ્રસારણ, પ્રચાર-પ્રસાર, પ્રસંશા અને તેમનાં ખેલાડીઓનાં પ્રદર્શન, પ્રોત્સાહન, પુરસ્કાર વિશે જે પ્રકારે ઉદાસીનતા જોવા મળી રહી છે તે અત્યંત ગંભીર બાબત છે. જો સરકાર, સંગઠન કે કોઇપણ સંસ્થા વિવિધ રમતગમત અને તેનાં ખેલાડીઓ પ્રત્યે ઉત્સાહ અને કાળજી નહીં દાખવે તો?