અબ ઔર કોઈ રુખ્સાર નહીં

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

અબ ઔર કોઈ રુખ્સાર નહીં

પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર શાહપરામાં ગામમાં રહેતા ૩૨ વર્ષીય અબ્દુલ શાહ અને ૩૦ વર્ષીય સબીદા બીબીના ઘરે બે પુત્રો બાદ ત્રીજા સંતાનમાં દીકરી જન્મી. એનું નામ રુખ્સાર રાખવામાં આવ્યું. અબ્દુલ શાહ અને તેનો પરિવાર દીકરી રુખ્સારનાં જન્મથી ખુશ હતો. એક દુર્ગમ્ય વિસ્તારમાં બે ઓરડાવાળા મકાનમાં અબ્દુલ દરજી કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો. વધતી જતી મોંઘવારી અને જરૂરિયાતો વચ્ચે અબ્દુલ અને સબીદા પોતાના ત્રણ બાળકો સાથે અત્યંત ગરીબીમાં પોતાનું જીવન પસાર કરી રહ્યાં હતાં. આ બધા વચ્ચે અબ્બા-અમ્મી અને ભાઈજાનની લાડકી ગુડિયા રુખ્સાર બેગમ જેમ-જેમ મોટી થતી જતી હતી તેમ-તેમ પોતાની માસૂમિયત અને નિર્દોષતાથી તે તરત જ બધાની વહાલી અને લાડલી બની જતી હતી.
બધું જ બરાબર ચાલી રહ્યું હતું ત્યાં જ એક દિવસ અચાનક.. ફૂલની કડી જેવી કુમળી રુખ્સારની તબિયત ખરાબ થવા લાગી. શરૂઆતમાં સામાન્ય તાવ આવતા તેને સ્થાનિક ડૉક્ટરની સારવાર આપવામાં આવી. રુખ્સારની તબિયત સુધરવાના બદલે વધુ ખરાબ થઈ ગઈ. રુખ્સાર ભયાનક ઝાડા-ઉલ્ટીનો શિકાર બની. અબ્દુલ મીયા અને સબીદા બીબી પોતાની પંદર મહિનાની દીકરી રુખ્સારને અન્ય ડૉક્ટર પાસે લઈ ગયા. જ્યાં રુખ્સારને ઘણીબધી દવાઓ અને ઈન્જેકશનનો સામનો કરવો પડ્યો. આમ છતાં તેના રોગના લક્ષણોમાં કશો જ ફર્ક દેખાતો ન હતો. દિન-પ્રતિદિન રુખ્સારની તબિયત વધુને વધુ ખરાબ થતી જતી હતી. અબ્દુલ અને શબીદા પોતાની દીકરીની બિમારીથી ચિંતિત હતા એવામાં કેટલાંક લોકોએ તેમને હકીમ અને પીરનો આસરો લેવા સૂચવ્યું તો કેટલાંક લોકોએ આ શૈતાની સાયાની માર કહી. દુનિયાદારીની સમજ અને જાણકારીથી અજાણ શાહ પરિવારે આ બધી બાબતોને નજરઅંદાજ કરી રુખ્સારને મોટા દવાખાને લઈ ગયા.
રુખ્સારને બેલાઘાટ જિલ્લા હોસ્પિટલ દાખલ કરવામાં આવી. જ્યાં રુખ્સારની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે, તેના જમણા પગમાં સોજો છે જેને અડકવાથી દુ:ખાવો થાય છે. આ રુખ્સારની બિમારીનું મુખ્ય કારણ છે. રુખ્સારના ઝાડા તેમજ લોહીનાં પરિક્ષણ અને ડૉક્ટરી તપાસનાં આધારે ૧૩ જાન્યુઆરી ૨૦૧૧નાં રોજ દોઢ વર્ષીય રુખ્સાર ખાતૂનને પોલિયોના દર્દી તરિકે જાહેર કરવામાં આવી…
રુખ્સાર પોલિયોગ્રસ્ત છે. એ વાત જ્યારે ડોક્ટરોએ અબ્દુલ અને સબીદાને કહી ત્યારે શરૂમાં એ બંનેને કશું સમજાયું નહીં. તે બંને અવાક હતા. રુખ્સારને તેના માતાપિતા બીજી સામાન્ય જરૂરિયાતો પૂરી પાડવામાં તો ઉણા ઉતર્યા જ હતા લેકીન બે ટીપાં પીવડાવવામાં પણ…. અબ્દુલનાં ખભ્ભા પર માથું રાખી ચોધાર આંસુ વરસાવતી સબીદાને એ દિવસને યાદ આવી ગયો જ્યારે ગામમાં બે આરોગ્ય કર્મચારી મહિલાઓ સફેદ કપડામાં તેનાં ઘરે પોલિયોના ટીપાં પીવડાવા આવી હતી. સબીદાએ તે સમયે પોતાના બે દિકરાને પોલિયોનાં ટીપાં પીવડાવ્યા હતા પરંતુ રુખ્સાર બિમાર હતી. આથી સબીદાએ પોતાની દીકરીને પોલિયોના ટીપાં પીવડાવવાની ના પાડી હતી. જો તે દિવસે માત્ર બે ટીપાં રુખ્સારને મળી ગયા હોત તો….કદાચ…રુખ્સાર….હવે ફક્ત અફસોસ….
રુખ્સારને બી.સી. રોય પોલિયો ક્લિનિકમાં દાખલ કરવામાં આવી. જ્યાં સવા વર્ષની રુખ્સારના પોલિયોગ્રસ્ત ભાગની સારવાર શરૂ થઈ. સમય પસાર થતો ગયો.. આઠ વર્ષ પછી..
આજે માતાપિતાનાં વિશ્વાસ, ભાઈઓની કાળજી, પરિવારના પ્રેમ અને અલ્લાહતઆલાની રહેમત તથા ડોક્ટરોના પ્રયત્નો અને સારવાર ઉપરાંત રુખ્સારનાં આત્મવિશ્વાસથી તેણી જિંદગીના ૯ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. હવે એ ચાલી તો શકે છે પણ પોલિયોગ્રસ્ત જમણા પગની તકલીફ ક્યાંક ખૂંચે છે. હજુ પણ રુખ્સારના માતાપિતા પોતાની બાળકીનાં દુઃખો માટે સ્વયંને જવાબદાર ગણે છે. રોટરી ક્લબની મદદથી રુખ્સાર ભણી રહી છે.
રુખ્સાર ખાતૂન ભારતમાં પોલિયોનો અંતિમ દસ્તાવેજી અને જાણીતો કેસ છે. જે રોગને નાબૂદ કરવા માટે રાષ્ટ્રના નોંધપાત્ર પ્રયાસનું પ્રતીક બની ગયો છે. આ કેસ મીડિયામાં જાણીતો બન્યા બાદ રુખ્સારને રોટરી ઇન્ટરનેશનલ દ્વારા રાષ્ટ્રીય ઘટનાઓ માટે આમંત્રિત કરવામાં આવી છે. રુખ્સાર એક શાબ્દિક પોસ્ટર બાળક છે, એક પ્રેરણા છે, એક પરાક્રમનું પ્રતીક છે. જો કે પ્રચાર સિવાય રુખ્સારનું જીવન ભાગ્યે જ બદલાઈ રહ્યું છે, તેનું ભાવિ ધૂંધળું છે. અને માત્ર રુખ્સાર જ નહીં રુખ્સાર જેવા હજારો બાળકો આપણા દેશમાં જીવી રહ્યાં છે. પોલિયો ક્લિનિકમાં દાખલ છે, સારવાર હેઠળ છે.
આ વાર્તા આપણા સુધી પહોચાડનાર આરોગ્ય કર્મચારી ડો. મિરલ દોંગા જણાવવા માંગે છે કે, ભારતનાં કરોડો લોકોનાં નીચા જીવનધોરણ, આરોગ્ય અને સ્વચ્છતાની નિમ્ન ગુણવત્તાને કારણે આપણને પ્રમાણમાં મોડી પોલિયો મુક્તિ મળી. આ બધા વચ્ચે ગૌરવ લેવા જેવી બાબત છે કે, હોસ્પિટલોમાં અસંખ્ય દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે, એક ખાટલો ખાલી થાય તો ત્યાં બીજા દર્દીઓનો વારો આવે એવી પરિસ્થિતિમાં આજે ભારત સ્વાસ્થ અને સુખાકારી ક્ષેત્રે પોલિયો મુક્ત ભારતની સિદ્ધિ હાંસલ કરી શક્યું છે. જે પાછળ સઘન પલ્સ પોલિયો રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ જવાબદાર છે. લાખોની સંખ્યામાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ સમયાંતરે નદી-નાળા, પહાડો, રણ, જંગલ, ગ્રામીણ, દુર્ગમ-અંતરિયાળ, ઈન્ડસ્ટ્રીયલ ઝોન, શહેરી વસાહત સહિત એકપણ વિસ્તારનું કોઇપણ બાળક ‘દો બુંદ જિંદગી કી’થી બાકી ન રહી જાય તે માટે પૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરે છે.
રુખ્સાર પછી આજ સુધી એકપણ પોલિયોનો કેસ નોંધાયો નથી. વાત આટલાથી પૂરી થતી નથી. કારણ, આ રોગના જીવાણુ અશુદ્ધ પાણી ને ખોરાકથી ફેલાય છે. વળી, આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે પણ પોલિયોના કેસ નોંધાય છે. માટે જ કોઈ કારણોસર સુરક્ષાની એક પણ કળી તૂટે તો આ રોગ આપણા દેશમાં પહોંચીને તારાજી સર્જી શકે છે. એટલે જ પોલિયો મુક્ત ભારતમાં રુખ્સારની જેમ ભવિષ્યમાં એકપણ બાળક આ રોગનો શિકાર ન બને તે માટે સઘન પોલિયો ઝુંબેશ ચાલે છે.
અબ ઔર કોઈ રુખ્સાર નહીં’ એટલે ભારતને પોલિયો મુક્ત રાષ્ટ્ર તરીકે જાળવી રાખવું હોય તો આ મિશનનો ભાગ બનો. શરૂઆત તમારા ઘરથી કરો. અહીં એવું લાગતું હશે કે હવે તો દરેક માણસ જાગૃત છે, શિક્ષિત છે. બધા જ માતાપિતા પોતાના બાળકનું રસીકરણ કરાવે છે. સમાજ સુધરી ગયો છે. તેમ છતાં જિંદગીનાં અમૂલ્ય બે ટીપાંથી પાંચ વર્ષ સુધીનું તમારું કે કોઈપણનું એકપણ બાળક વંચિત ન રહી જાય તેની તકેદારી રાખીએ તેવું જણાવી પોતાના વ્યક્તિગત અનુભવો પરથી ડો. મિરલ ડોંગા અરજ કરે છે કે, તમારા સુધી આવતા આરોગ્ય કર્મચારીઓ પાસે રહેલી દો બુંદ જિંદગીથી તમારા સંતાનની જિંદગી સજાવી-બચાવી લો.

બોક્સ : મિરર મંથન : દોરા-ધાગાની માન્યતામાં જીવતા, હકીમો-બાબાઓને અનુસરતા અનેકો લોકો દવાની જગ્યાએ દુવા પર વિશ્વાસ ધરાવે છે. જો બધા જ લોકોની જેમ રુખ્સાર ખાતૂનનાં માતાપિતા અબ્દુલ અને શબીદાએ રુખ્સારની તબીબી સારવાર કરવાની જગ્યાએ કોઈ ચમત્કારી કે ચીલાચાલુ બાબાનો આશરો લીધો હોત તો?