અસ્કામત

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 votes, average: 5.00 out of 5)
Loading...

કૂણાં તડકા, સ્વચ્છ પાણી અને નિર્મળ પવનવાળા રંગીલા શહેરનાં ગીચ વિસ્તારમાં આવેલી એકતા સોસાયટીના મધ્યમ વર્ગીય ટેનામેન્ટસની વસાહતમાં રહેતી સર્જનાને પોતાનો ટુ બેડ હૉલ કિચેનનો પ્રમાણમાં નાનકનો સ્વપ્ન મહેલ આજે થોડો વધુ ફેલાઈને પહોળો અને આલીશાન લાગી રહ્યો હતો. વહેલી સવારથી ઊઠીને હાથમાં ઝાડું પકડી આખા ઘરમાં આમતેમ ચહલકદમી કરતી સર્જનાનું મન કોણ જાણે છેલ્લાં કેટલાંક દિવસોથી ભાવનામયી રીતે સ્થિર ન હતું. અકારણ અંતરનાં ઊંડાણમાં કઈક ખટકતું-ખૂચતું હતું.

       બે દિવસથી કામવાળી બાઈ લીલાબેન ઘરકામ કરવા પાછી ક્યારે આવશે એ કહ્યાં વિના રજા પર ચાલી ગઈ છે. આ કામવાળા પણ.. ઘરની સાફસૂફી કરવાની હોવાથી પતિ દીપક કામનું ભારણ સ્વેચ્છાએ સમજીને સવારે ટીફિન લીધા વિના ઑફિસ ચાલ્યાં ગયા છે. અવારનવાર કેન્ટીનમાં જમવાનાં લીધે હમણાંથી એ થોડાં દૂબળા થઈ ગયા હોય તેવું લાગે છે. કોશા પણ હૉસ્ટેલનું જમી-જમીને સૂકાતી જાય છે. સાંજની રસોઈમાં કોશાને ભાવતું પનીરનું શાક અને પાલકનાં પરાઠા બનાવવા છે. દિપક માટે વેજ. પુલાવ પણ આ હજુ શાકવાળો કેમ નહીં આવ્યો? સર્જનાએ બારી બહાર નજર કરી.

       તહેવારો નજીક આવતાની સાથે કામ વધતું જાય છે તો બીજી તરફ તૈયારીનાં નામે મીંડું. દિવાળીનું ફરસાણ બનાવવાનું અને નાની-મોટી ચીજવસ્તુની ખરીદી કરવાની બાકી છે. એ બધા વચ્ચે પહેલાં ઘરની સાફ-સફાઈ અને હા, હોસ્ટેલમાં રહી એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતી એકની એક સંતાન દીકરી કોશા આજ સાંજે દિવાળી વેકેશનની રજાઓમાં ઘરે આવી જશે એટલે તેને ભાવતી વાનગીઓ પણ પીરસવી પડશે. અધૂરાંમાં પૂરી કોશાની અનેક અવનવી ફરમાઈશો.

       ડ્રોઈંગ રૂમની બારીનો મખમલી પડદો હટાવી સર્જનાએ જોયું, વિન્ડો ગ્લાસ પાસે ઉપરની બાજુ છજા પર કબૂતરનો માળો ગંદકી સાથે બદબૂ ફેલાવતો હતો. એક ક્ષણ થયું, ‘ચકલીનો માળો હોય તો ના હટાવાઈ પણ આ તો કબૂતરનો માળો. સાવરણી મારી તોડી પાડું? તોડી પાડીશ તો પાછો બનાવશે. ખૈર જવા દ્યો..

       નવા વર્ષની સાફ-સફાઈની શરૂઆત ક્યાથી કરવી તેની અસમંજસ વચ્ચે સર્જનાનાં પગલાં અનાયાસે સ્ટોરરૂમ તરફ મંડાઈ જાય છે. કાતિલ અંધકારમય સાંકળા ઓરડામાં પ્રવેશતાંની સાથે જ અવાવરું સૂકી વાસ નાકમાંથી શ્વાસમાં ઊતરી સર્જનાને છીંક આવી જાય છે. ગૂંગળામણમાં સંકોચાઈને વધતાં ધબકારા સાથે એ સ્ટોરરૂમની લાઈટ ઓન કરે છે.

       પીળા પ્રકાશ પથરાયેલાં ખૂણામાં મૃત સાસુ-સસરાની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર વંદાઓનું આશ્રયસ્થાન બની રહ્યાં હતાં. એક તરફ લાકડાનું ઘોડિયું ત્રાસું પડ્યું હતું, તૂટેલી ડોલમાં જૂનવાણી લાકડાં-પતરાનાં રમકડાઓ ભરેલા હતાં, વિદેશથી અંકલે મોકલાવેલું બાયનોક્યુલર વપરાશમાં આવ્યાં વિના સળી રહ્યું હતું. રેડિયો, બંગળીઓનું બૉક્સ, કોડીઓ, લખોટીઓ અને સાપસીડીની રમતની કૂકરી તથા તેનાં પાસાં. સર્જનાનાં ચહેરા પર દરેક અલગ-અલગ વસ્તુની સાથે સંકળાયેલા કિસ્સા અજીબોગરીબ ભાવ ઉપજાવતા જતાં હતાં. આમ, સ્ટોરેજ રૂમ બાળપણની ખાટી-મીઠી યાદને જીવંત બનાવતો જાય છે.

       સર્જનાનાં લગ્ન સમયે એક આખો ખટારો ભરાઈને સામાન પિયરથી આવ્યો હતો. આસપડોશના લોકોને જોતાં થયું હશે સર્જના પોતાનાં માવતરથી કેટકેટલું લાવી પણ એ જાણ્યા-અજાણ્યાં આત્માઓ શું જાણે સર્જના શું લાવી હતી.

       એક પતરાની પેટીને પોતાનાં દુપટ્ટાથી ઝાપટીને સર્જનાએ ખોલી. કપડાનાં ટુકડાઓ સીવીને બનાવેલી ઢીંગલી-ઢીંગલો, ડ્રોઈંગ કરવાની પીંછીઓ, લખવાની સ્લેટ, ચોકનું પેકેટ અને ચોક ખાવાની આદત. એ કેમ ભુલાઈ? ઊગતી યુવાનીના પ્રથમ પગથિયે કોલેજકાળમાં પ્રથમ પ્રણય થતા કાચું કુંવારું હૈયું પ્રિતેશને ધરી આપ્યું હતું અને પ્રેમની પ્રથમ સૌગદ સ્વરૂપે તેણે હક્કથી માંગણી કરતાં કહ્યું હતું, ‘સર્જના તું મને વારંવાર કહેતી હોય છે કે તું કંઈ માગતો નથી. આજ હું માગું છું અને વિશ્વાસ છે એ તું આપીશ. આજ પછી ક્યાંરેય તું ચોક નહીં ખાય. લગ્ન બાદ ગર્ભવતી થઈ એ સમયે ભૂતડો ખાધો હતો અને પ્રિતેશ સાથેનો સંબંધ એ દરમિયાન બાગમાં ખીલેલા ગુલાબની જેમ મહેકી ઊઠેલો. એણે લગ્નમાં ગિફ્ટ આપેલું મેકઅપ બૉક્સ પણ અહિયાં જ ક્યાંક હોવું જોઈએ.

       સર્જનાએ સામાન ઊથલપાથલ કર્યો. મેકઅપ બોક્સની ખોજ કરતાં સર્જનાનાં હાથમાં બે દિવસ સુધી ભૂખ્યાં રહ્યાં બાદ બચકાનાં જીદ આગળ ઝૂકીને પપ્પાએ લાવી આપેલા સ્કેટિંગ એક પ્લાસ્ટિક બેગમાં વિટળાયેલા મળી આવ્યાં. સ્કેટિંગને સર્જનાએ ગળે લગાવ્યા. સ્કેટિંગ પાસે ધૂળનાં થર જામી ગયેલાં મેકઅપ બોક્સને સર્જનાએ ભાવુકતાથી પ્રેમભર્યો સ્પર્શ કર્યો.

       અસ્તિત્વની આપવીતીને બયાન કરતો ઓરડો કેટલો ગંદો અને બદબોદાર હોવા છતાં ભૂતકાળનાં મઘમઘતા સ્મરણોને તરોતાઝા કરાવતા ખુશ્બોદાર ઈતિહાસને પોતાનાં ગર્ભમાં સંગ્રહીને બેઠો હતો. જીવનખંડની ચીજવસ્તુની અગત્ય અને આત્મીયતા જેમ-જેમ રજકણો ખંખેરાતી જાય તેમ-તેમ સ્પષ્ટતાથી સમજાતી જતી હતી.

       આજે કેટલીક જૂની વસ્તુઓનું સ્થાન નવી વસ્તુઓએ લઈ લીધું હતું. પરંતુ જૂની વસ્તુઓએ હજુ પણ પોતાની કિંમત અને કાર્યક્ષમતા ગુમાવી ન હતી. એ થોડી નકામી થઈ તો પણ કેટલી પ્રિય અને માયાળુ લાગતી હતી. લગ્ન બાદ શરૂના વર્ષોમાં દર અગિયાર મહિને બદલાતા ભાડાનાં મકાનથી લોન લઈ લીધેલા પોતાની માલિકીના ઘર સુધીની સફર દરમિયાન કેટલીક વસ્તુઓ કરકસરમાં જીવેલા દરેક પળનો અમૂલ્ય દસ્તાવેજ હતી. માટીનાં કોડિયા, હાથે ગૂંથેલું આભલા ટીકી સ્ટોનનું તોરણ, લાકડાના દાંડિયા. સર્જનાને લગ્ન પહેલાંની મમ્મી અને મામાનાં ઘરની નવરાત્રિ-દિવાળી નજર સામે તરી ગઈ.

       સર્જના એક પછી એક વસ્તુને અનુભવતી ઉપરઉપરથી ઝાપટીને ધૂળ સાફ કરતી જતી હતી. તેની આંખો લાકડાનાં એક પાયો તૂટેલા રાઈટીંગ ટેબલ અને લોકપ્રિય સામાયિકોનાં જૂનાં અંકોમાં જઈ ચઢી. પ્રેમ અને લગ્ન સંબંધોએ સર્જનાને ઘણું-ખરું લખતા-વાંચતાં કરી દીધી હતી.

       કરોળિયાનું જાળું કેટલી મહેનતથી ગૂંથાય છે. જોવામાં પણ કેટલું આકર્ષક! શું મારે સ્ટોરરૂમ સાફ કરવા માટે કોઈ જીવનું ઘર તોડી નાખવું જોઈએ? ના. અનેક મનોમંથન વચ્ચે વિતેલી યાદોનાં વિચારોનો વંટોળ સર્જનાનાં અંતરમાંથી કાનમાં કહી રહ્યો હતો કે, મારે મન સંગ્રહાયેલી વસ્તુની કિંમત ઘરની ઈમ્પોટેટ અને આધુનિક ગેઝેટથી પણ વધુ કિંમતી છે. જેમાં અધૂરી, અણગમતી કે ક્યારેય ન ભૂલનારી ખુશીઓની શ્રેષ્ઠ તવારીખની દાસ્તાન જોડાયેલી છે.

       સર્જનાએ ભરબપોર સુધી ભાદરવાની આગ ઝરતી ગરમીમાં તમામ નાની-મોટી ચીજવસ્તુઓને ખંખેરીને ધૂળ સાફ કરી. જાણે પોતાનો ભૂતકાળ સજાવતી હોય તેમ કોઠારને કલાત્મક રીતે સજાવ્યો. ફર્શને ઘસીને પોતું મારીને ચકચકિત કર્યું. સર્જનાએ નિર્ણય કર્યો, દર દિવાળીએ નહીં પરંતુ દર મહિને સ્ટોરરૂમ સાફ કરવો આથી થોડું જૂનું જીવાય જાય અને નવું થઈ જવાય. વસ્તુ સાથે થોડો વર્તમાન સાફ થયો તેવું મહેસૂસ થયું.

       વ્યસ્તતાથી એક માત્ર સ્ટોરરૂમ સાફ કરવામાં થાકેલી સર્જના મોડી બપોરે હાશકારા સાથે સોફા પર આવીને બેસી ત્યાં જ ડોરબેલ વાગી. સોફા પરથી ઊભા થઈને દરવાજો ખોલતાંની સાથે જ કોશા સર્જનાને ..મ્મી…કહેતી વહાલ વરસાવતી ચોટી ગઈ.

       ઘરમાં પ્રવેશતા દીપકે કહ્યું, ‘અરે.. તે હજુ ઘરની સફાઈ કરી નથી? અને હા, આ વખતે સાફસૂફી કરવાની વધુ જરૂર નથી કેમ કે..

       પપ્પાની વાત કાપી દીકરી કોશા બોલી, ‘કેમ કે આપણે આ દિવાળી કેરેલા ટુર પર જઈએ છીએ.

       યેસ.. સો પાછળથી બંધ ઘર પાછું અવાવરું અને ગંદુ થઈ જવાનું. જાવ કોશા દીકરા તારો સામાન અંદર મૂકી પેકિંગ શરૂ કરી દો, પછી શોપિંગમાં જવું છે ને?’

       ઓકે પોપ્સ.કોશા અંદરનાં રૂમમાં ગઈ.

       સર્જના, બીજી એક વાત.કિચેન તરફ જતી સર્જનાનાં પગ થંભી ગયા. આપણી કામવાળી ચંપાનાં ઘરવાળા મુન્નાને ઓળખે છે તું?’

       ભંગારનું કરે છે એ?’

       હા. તે આજ સવારે સોસાયટીના નાકે મળ્યો હતો. તેને મેં કાલે બોલાવ્યો છે.

       શું કામ?’

       અરે.. શું કામ શું? પેલા મ્યુઝયમ જેવા સ્ટોરરૂમનો ભંગાર આપવા.

       સ્ટોરરૂમનો સામાન?’ સર્જનાએ દીપકને પૂછ્યું. ભંગારમાં?’

       હા. હવે આમ આંખો ફાડી મારી સામે શું જુએ છે? પૈસાની ચોખવટ પણ કરી છે. વધુ તો મારે કાઈ કહેવાય નહીં તો પણ કેટલીક નાની-મોટી ચીજવસ્તુઓનાં નામ આપી મે પૂછી લીધું કે કેટલાં પૈસા આપીશ? તો મારો બેટો કહે ભંગારનું તો શું કહેવું સાહેબ… મોટાંભાગે તો કચરો જ નીકળે. અળસ અમારાં કામમાં શું આવે તમે જ કહો? ભંગારમાં કામની વસ્તુ બહું ઓછી. મુન્નો હળવેકથી પછી બોલ્યો કે, પાંચસો રૂપિયા આપીશ. આ તો તમે મારી બૈરીનાં શેઠીયા એટલે બાકી કચરા જેવા ભંગારને કોઈ બીજો હાથ પણ ના લગાવે.દીપક એક શ્વાસભેર બોલી જાય છે.

       પછી?’

       પછી શું? મેં કહ્યું કાલે આવી જ ઉપાડી જજે બધો સામાન. બોલ છું ને હું અસ્સલ પરફેક્ટ હસબન્ડ? તારું કેટલું કામ સરળ કરી આપ્યું? ભંગારનાં પાંસસો રૂપિયા વધતાં તને આ દિવાળી બોનસ મળશે?’

       મતલબ?’

       ના હોગા બાંસ ના બજેગી બાંસુરી. આખરે જૂની વસ્તુ સંગ્રહી રાખી તો સાચવવી પડે ને? સાચવી રાખીએ એટલે સાફ-સફાઈ કરવાની મથામણ. તો મેં વિચાર્યું, આ દિવાળી કેમ ના એ સ્ટોરરૂમને ખાલી કરી થોડું રિનોવેશન કરી તેને પૂજાનો અથવા તારા લેખનને પ્રોત્સાહન મળી રહે તેવો સ્ટડી રૂમ બનાવીએ?’

       સર્જનાનો જસબાતી ચહેરો થોડુંક કડવાશભર્યું હસીને બોલી ઊઠે છે,

       સ્ટોરરૂમનો સામાન ભંગારમાં આપી દેવો છે પણસર્જના ચૂપ થઈ ગઈ.

       દીપક સર્જનાની સામે જોઈ રહે છે. થોડીક ક્ષણોનું કાળું ઝૂલસતું ગમગીન મૌન પછી, ‘નવું વર્ષ એ નવીનતા લઈ આવે છે. નવું વર્ષ એ પ્રતીક છે નવ સંકલ્પ અને નવકાર્યનાં આરંભનો. સર્જના વિતેલી ગઈકાલના, અવર્ણીય યાદોના, અગણિત અનુભવોનાં પૂરાવા ન હોય. તારા હૈયાનાં કમાડ સમા સ્મરણો સ્ટોરરૂમની વસ્તુઓમાં કે વાર-તહેવાર વાગોળાતો ભૂતકાળ એક નાનકડા ઓરડામાં પુરાયેલો નથી. સમજી? મારે આ નવા વર્ષે સ્ટોરરૂમ નવા રૂપરંગમાં જોઈએ છે.

       કિચેન તરફ જતી સર્જનાનાં ચહેરા પર આછું સ્મિત અને મૌન સંમતિની સાથે અસ્કામતો અણમોલ હોય છે તેવું મહોર મારતું હતું.

* સમાપ્ત *