આદમી હું.. આદમી સૈ પ્યાર કરતા હું.. ગે હોવું ગુનો નથી..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

ઋષિકેશ સઠવાણેનો જન્મ મહારાષ્ટ્રનાં યવતમાલમાં ૧૯૭૪ની સાલમાં થયો છે. તેનો ઉછેર અને કારર્કિદીની શરૂઆત પોતાની જન્મભૂમિ યવતમાલમાં જ થઈ. બાર ધોરણ સુધી સારા ક્રમાંકે પાસ થઈને ઋષિકેશે એક વર્ષ સુધી આઈઆઈટીમાં ભણવા જવા માટેની તૈયારી શરૂ કરી. આઈઆઈટી પ્રવેશ માટે દિવસ-રાતની મહેનતનાં પરિણામ સ્વરૂપે તેને એકાદ વર્ષમાં આઈઆઈટીમાં એડમિશન મળી ગયું. આઈઆઈટી મુંબઈથી ફિઝીક્સ વિષયમાં બી.ટેક.ની ડિગ્રી મેળવ્યા બાદ ઋષિકેશે અમેરિકાથી માસ્ટરનો અભ્યાસક્રમ પૂર્ણ કરી એમબીએની પદવી હાંસલ કરી.
યુવાની સુધી ઋષિકેશ શારીરિક અને માનસિક રીતે સતત પોતાને બીજાથી અલગ અનુભવી રહ્યો હતો. એ પોતાના વ્યક્તિગત અને દૈહિક અનુભવોને લઈને ખૂબ મુંજવણમાં હતો. કારણ કે, તે કોઈ એવી વ્યક્તિને ઓળખતો ન હતો જે તેના જેવી જ હોય. વૈચારિક તર્ક-વિતર્ક અને અસમંજસતા વચ્ચે એક દિવસ આઈઆઈટીનાં ભણતર દરમિયાન મનોવિજ્ઞાનના ક્લાસરૂમમાં સમલૈંગિકતા વિષયક ઉલ્લેખ થયો. એ સમયે ઋષિકેશને ખબર ન પડી કે જે વિષયક ઉલ્લેખ થઈ રહ્યો છે એ વિષય તેને લગતો છે. એ પોતે સમલૈંગિક છે. પરંતુ જ્યારે ઋષિકેશને એકવાર આઈઓવા સ્ટેટ યુનિવર્સિટીમાં ગે સપોર્ટ ગૃપમાં બીજા આત્મવિશ્વાસી સમલૈંગિકો સાથે વાત કરવાનો અવસર મળ્યો ત્યારે તેને ખબર પડી કે એ પણ કેટલાંક લોકોની જેમ સમલૈંગિક છે. ઋષિકેશે સમલૈંગિક તરીકે સ્વયંનો સ્વીકાર કરી લીધો.
૧૯૯૭ની સાલમાં જ્યારે ઋષિકેશએ પોતાના માતાપિતાને આ વાત જણાવી ત્યારે શરૂઆતમાં તો તેના માતાપિતા આ વાતનો સખત વિરોધ કર્યો. પોતાનો પુત્ર ગે છે એ જાણી ઋષિકેશનાં માતાપિતા પર આભ ફાટી પડ્યું. તેઓ ક્યારેક અપરાધભાવ અનુભવતા તો ક્યારેક દુ:ખી-દુઃખી થઈને રડી પડતા. ઋષિકેશ ખુદને પુરુષ તરીકે સ્વીકારવા કે ઓળખાવવા તૈયાર ન હતો એ સમયે તેમના માતાપિતા ઈચ્છતા હતા કે જો ઋષિકેશનાં લગ્ન કોઈ છોકરી સાથે કરી દઈએ તો બધુ આપોઆપ સરખું થઈ જશે. ઋષિકેશ માતાપિતાની આ ઈચ્છાથી સહેમત ન થયો. ઋષિકેશને થયું તે કોઈપણ છોકરીની જિંદગી આ રીતે બરબાદ ન કરી શકે. ઋષિકેશની બહેને ભાઈ ઋષિકેશની મનોવ્યથા માતાપિતાને સમજાવી.
અમેરીકામાં દક્ષિણ ભારતીયો માટે સૌથી જૂનું એક LGBTQ ગૃપ છે. જ્યારે સમલૈંગિક લોકોના પરિવાર અને મિત્રો માટે PFLAG ગૃપ છે. આ બંને સંસ્થાઓએ ઋષિકેશની શારીરિક અને માનસિક પરિસ્થિતિનો પરિચય પરિવારથી કરાવવામાં તેને ઘણી મદદ કરી. શરૂઆતમાં ઋષિકેશનાં ગેપણાનો સખત વિરોધ કરનારા તેના માતાપિતાએ અંતે ઋષિકેશનો જેવો છે તેવો સ્વીકાર કર્યો.
ઋષિકેશનો પરિવાર ૨૦૦૭ની સાલમાં જ્યારે અમેરિકામાં સ્થાયી થયો ત્યારે થોડો ખચકાટ અનુભવતા હતા. આમ છતાં તેમણે ટ્રીકોનની સાથે સન ફાંસીસકોની ગે પ્રાઈડ પરેડમાં ભાગ લીધો. એ સમયે ઋષિકેશને મહેસૂસ થયું કે તે કેટલો ખુશકિસ્મત છે! તેને પોતાના પરિવારનો અઢળક સ્નેહ અને સાથ-સહકાર મળ્યો. હવે ઋષિકેશને અમરિકી નાગરિકતા મળી ચૂકી હતી. ગે તરીકે તેનો માનભેર સ્વીકૃત કરી શકે તેવા તેના કેટલાંક દોસ્તો બની ગયા હતા. અમેરિકાની એક પ્રતિષ્ઠિત ઇલેક્ટ્રિક કંપનીમાં ઋષિકેશ મહત્વનો હોદ્દો ધરાવતો થઈ ગયો હતો.
આ દરમિયાન ઑકટોબર ૨૦૧૬માં એક ગે ડેટિંગ વેબસાઈટ પર ઋષિકેશ અને વિનની મુલાકાત થઈ. ઓનલાઈન દોસ્તીનાં બે દિવસ બાદ જ ઋષિકેશ અને વિન ડિનર માટે મળ્યા અને ધીમેધીમે આ દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ. ઋષિકેશ અને વિને ડિસેમ્બર ૨૦૧૬માં ઓસ્ટ્રેલીયામાં રોડ ટ્રીપ પર જવાનું નક્કી કર્યું. રોડટ્રીપને અંતે તે બંને સિડનીમાં વિનના ભાઈના લગ્નમાં ગયા જ્યાં વિનના પરિવારે ઋષિકેશ સાથે જાણે તે પોતાના ઘરનો સભ્ય હોય તેવું વર્તન કર્યું. ઋષિકેશ વિન અને તેના પરિવારથી વધુ પ્રભાવિત થયો.
અમેરિકાથી પરત આવીને ઋષિકેશ અને વિન એકબીજાને મળતા રહ્યા. દિન-પ્રતિદિન તે બંનેનો પ્રેમ ગાઢ થતો ગયો. એપ્રિલ ૨૦૧૭માં ઋષિકેશે વિયતનામનાં હો ચી મીન શહેરમાં જન્મેલા વિન સમક્ષ લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો.
વિનનો પરિવાર ૧૯૯૦ની સાલમાં અમેરિકામાં સ્થાયી થયો ત્યારે તેની ઉંમર આઠ વર્ષની હતી. તેણે શિક્ષણની શરૂઆત કેલિફોર્નિયાથી કરી અને હાલમાં વિન અંગ્રેજી અને ગણિતનાં અધ્યાપક છે. ઋષિકેશની જેમ જ ઘણા વર્ષો સુધી વિનનાં માતાપિતા પણ વિન ગે હોવાનો સ્વીકાર કરી શક્યા ન હતા. ઋષિકેશ અને વિનનાં માતાપિતાઓ માટે સંતાનોનાં ભવિષ્યની ભારોભાર ચિંતા હતી. સમાજ શું કહેશે? ભવિષ્યમાં શું થશે? આ બને સાથે કોણ પરણશે? પરંતુ કહ્યું છે ને કે જોડીઓ તો સ્વર્ગથી બનીને આવે છે. ઋષિકેશ અને વિનની સામ્યતા, સમજણ અને સ્નેહ જીવનભરનાં અતૂટ સંબંધોમાં પરિણમી ગયા.
ઋષિકેશ અને વિનએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. ઋષિકેશ અને વિને પરિવારની હાજરીમાં જૂન ૨૦૧૭માં સગાઈ કરી. ઋષિકેશ અને વિનનાં જીવનમાં ખુશીનો માહોલ છવાયો.
૩૦ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ મહારાષ્ટ્રનાં યવતમાલની એક શાનદાર હોટેલમાં ઋષિકેશ અને વિનનાં ભારતીય રીતિ-રિવાજથી લગ્ન થયા. આશરે એકસો જેટલાં મહેમાનોની હાજરી વચ્ચે પીઠી, મહેંદી, નાચગાન જેવા કાર્યક્રમોની સાથે રિસેપ્શન યોજાયું. ગૃપ ફોટો પડ્યા. પારિવારિક સભ્યો અને દોસ્તોની વિશેષ ઉપસ્થિતિમાં ઋષિકેશ અને વિને એકબીજાને હારમાળા અને વીટી પહેરાવવી. યુટ્યુબ પર મંગલાષ્ટકનાં ગાન સાથે સૌ નાચી ઉઠ્યા. આનંદો.. આનંદો..
થોડા દિવસો મુંબઈમાં પસાર કરીને ઋષિકેશ અને વિન પાછા અમેરિકા આવી ગયા છે. તે બંને માટે લગ્ન કરવા જરૂરી હતા કારણ તે બંને બાળક દત્તક લેવાની કોશિશમાં હતા આથી જ ગયા વર્ષેથી તે બંને ફોસ્ટર કીડ પ્રોગ્રામના ક્લાસની શરૂઆત કરી ચૂક્યા છે. થોડી વધુ ટ્રેનિગ લઈને ઋષિકેશ અને વિન એક બાળકને દત્તક લઈ લેશે. મજાની જિંદગી..

મિરર મંથન : ઋષિકેશ અને વિન પાસે યુએસનું નાગરિત્વ છે. તેઓ કેલિફોર્નિયામાં રહે છે. અમેરિકામાં સમલૈંગિક લગ્નને કાનૂની મંજુરી છે. ભારતીય દંડ સંહિતા ૩૭૭ અનુસાર સમલૈંગિક શારીરિક સંબંધ બનાવવો ગેરકાનૂની છે. સમલૈંગિક લગ્ન સંબંધ બાબતે ભારતીય કાયદામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. સાથોસાથ એવો કોઈ કાનૂની કાયદો પણ નથી જે સમલૈંગિકને હિંદુ રીતિ-રીવાજ મુજબ લગ્ન કરી શકતા રોકે. જો ભારતમાં સમલૈંગિક શારીરિક સંબંધને સ્વીકૃતિ મળતો અને લગ્નની કાયદેસરની અનુમતિ આપતો કાયદો બની જાય તો?