આર્દ્રા નક્ષત્ર, અષાઢ મહિનો, ચોમાસું અને તેનો વરસાદ સાથેનો સંબંધ કવિ ધાધ અને ભડ્ડરીની દ્રષ્ટિએ..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 4.00 out of 5)
Loading...
આધુનિક હવામાન ભવિષ્યવક્તાઓને પડકાર આપનારા હવામાન વિજ્ઞાની કવિ ધાધ અને ભડ્ડરીની કહેવત અનુસાર આ વર્ષે ચોમાસામાં અનિશ્ચિત-અનિયંત્રિત વરસાદ પડશે : હાલમાં જ્યાં-જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં-ત્યાં ચોમાસા દરમિયાન મેઘમહેર યથાવત રહેશે
સત્તાવીસ નક્ષત્રોમાનો એક નક્ષત્ર આર્દ્રા છે. આર્દ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થતાં દેશના બધા ખેડૂતો પોતાના ખેતરનાં ઓજારોની સાથે તેની પૂજા કરે છે અને ત્યારબાદ વાવણી કરવાનું શરૂ કરે છે. આર્દ્રા એકમાત્ર એવો નક્ષત્ર છે જેની ખેડૂતો પૂજા કરે છે. આર્દ્રા શબ્દથી ખબર પડે છે કે આ વર્ષાઋતુનું નક્ષત્ર છે. ‘આદ્ર’નો અર્થ થાય છે – ભીનું અથવા ભેજવાળું. અંગ્રેજીમાં તેને વેટ, વાટરી કે હ્યુમીડ કહે છે. આર્દ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય એ પહેલાં ચોમાસું બેસવું તેને સારી નિશાની માનવામાં આવતી નથી. આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશતા પહેલા સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં હોય છે. પ્રાચીન માન્યતા એવી છે કે મૃગશીર્ષ નક્ષત્રમાં કુદરત અને પૃથ્વી તપે તો વરસાદ સારો થવાની સંભાવના હોય છે. કવિ ધાધ કહે છે કે,
तपै मृगशिरा जोय तो बरखा पूरन होय।
એટલે કે જો મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન ગરમી વધારે પડે તો સમજવું કે આ વર્ષે વરસાદ સારો થશે. ધાધ પોતાની બીજી કવિતામાં તેને બીજા પ્રકારે વર્ણવતા કહે છે,
अम्बाझोर बहै पुरवाई। तौ जानौ बरखा ऋतु आई।।
જો ગ્રીષ્મનાં અંતમાં કેરીના વૃક્ષોને પણ હલબલાવી નાખે એવી તેજતર્રાર હવા વહે તો સમજી લેવું કે હવે વર્ષાઋતુ આવવાની છે. જ્યારે સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં હોય ત્યારે ગ્રીષ્મ ઋતુનો અંત આવે છે. આર્દ્રા નક્ષત્ર ૨૨-૨૩ જૂન ૨૦૧૯ની રાત્રે ૧૨:૫૯ વાગ્યાથી પ્રારંભ થયું છે એટલે કે ૨૩ જૂન પહેલા સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં હતો. મૃગશીર્ષ ૮ જૂન ૨૦૧૯ની રાત્રે ૧૨:૧૧ વાગ્યે પ્રારંભ થયું હતું. મૃગશીર્ષ દરમિયાન ગરમી પડવી જોઈએ. એ સમયે વરસાદ થવો એ વર્ષાઋતુ માટે અનુકૂળ હોતું નથી. કવિ ધાધ જેઠ મહિનાના તાપને વર્ષાઋતુ માટે શુભ સંકેત સૂચવતા કહે છે,
जेठ मास जो तपै निरासा। तो जानौ बरखा की आसा।।
જો જેઠ મહિનામાં ખૂબ ગરમી પડે તો વરસાદ ચોક્કસ થશે. આ વર્ષે જેઠ મહિનાની ગરમી પણ સંભવતઃ રેકોર્ડ સ્થાન પર રહી છે. તેથી વરસાદ સારો થવાની શક્યતા છે પરંતુ કવિ ધાધ જેઠ મહિનાના તાપનાં લીધે વરસાદનાં સંકેત આપતા એક ચેતવણી આપતા કહે છે,
तपा जेठ में जो चुई जाय। सभी नखत हल्के परि जायँ।।
જેઠ મહિનાનાં અંતિમ દસ દિવસોને ‘દસતપા’ કહે છે. આ સમય દરમિયાન જો વરસાદનું એક ટીપું પણ પડ્યું તો સમજો કે, હવે વરસાદનાં બધા જ નક્ષત્રો દરમિયાન વરસાદ હળવો રહેશે. ધાધ આર્દ્રા નક્ષત્રનાં વર્ષાઋતુ સાથેના ઘનિષ્ઠ સંબંધોને આલેખતા કહે છે,
आदि न बरसे आर्द्रा, हस्त न बरसे निदान।
कहै घाघ सुनु घाघीनी, भयै किसान-पिसान।।
આર્દ્રા નક્ષત્રનાં પ્રારંભ અને હસ્ત નક્ષત્રના અંત સમયે વરસાદ ન થયો તો કવિ ધાધ પોતાની પત્નીને સંબંધીને કહે છે કે, આ પરિસ્થિતિમાં ખેડૂત પિસાઈ જાય છે એટલે કે બરબાદ થઈ જાય છે. આર્દ્રા નક્ષત્ર શરૂ થતા જ વરસાદનો પ્રારંભ થવો જોઈએ. હમણાં દેશમાં જ્યાં-જ્યાં વરસાદ થયો છે ત્યાં-ત્યાં આ વર્ષે ખેતી ઘણી સારી થશે. આ વાતને સાબિત કરતા કવિ ધાધ બીજી કવિતામાં કહે છે.
चढ़त बरसे अदरा उतरत बरसे हस्त।
बीच बरसे माघा चैन करे गिरहथ।।
જો આર્દ્રા નક્ષત્રનાં પ્રારંભમાં હસ્ત નક્ષત્રના અંતમાં અને મઘા નક્ષત્રની મધ્યમાં વરસાદ થાય તો ખેડૂતો આનંદિત થઈ ઉઠે છે કેમ કે, તેમને પાકને અલગથી પાણી આપવાની જરૂરિયાત રહેતી નથી. એટલે કે જો આ નક્ષત્ર શરૂ થતાં જ વરસાદ થઈ જાય તો ખેતીને વરસાદનો ભરપૂર લાભ મળી શકે. એનાથી એક ચિત્ર સ્પષ્ટ થાય છે કે આ વર્ષે વરસાદ સારો થવાની શક્યતા છે. આ સંકેતને સમજીને ખેડૂતો પાક માટે બીજ વાવશે તો નુકશાન નહીં થાય. આર્દ્રાનું મહત્વ સમજાવતા કવિ ધાધ આગળ કહે છે કે,
आर्द्रा चौथ मघा पंचम।
આર્દ્રા નક્ષત્ર વરસાદનું મુખ્ય નક્ષત્ર છે. આ નક્ષત્ર દરમિયાન જો વરસાદ વરસે તો શરૂઆતના આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય અને શ્ર્લેષા આ ચાર નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના હોય છે. આવી જ રીતે જો મઘા નક્ષત્રમાં વરસાદ રહે તો નક્ષત્રો પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદ અવશ્ય થશે.
अद्रा गैलै तीनि गैल, सन, साठी औ कपास।
हथिया गैलै सबै गैल, आगिल पाछिल नास।।
જો આર્દ્રા નક્ષત્ર પસાર થઈ ગયું અને વરસાદ ન થયો તો કપાસ સહિતનાં ત્રણમાંથી કોઈ પાક નહીં થાય. આ જ પ્રકારે જો હસ્ત નક્ષત્રમાં વરસાદ ન થાય તો આગળ અને પાછળ વાવેલો પાક નાશ પામશે. તમારે ત્યાં વરસાદ વરસ્યો હોય કે ન વરસ્યો હોય.. આર્દ્રા નક્ષત્રમાં વરસાદ થાય છે કે નહીં તેના આધાર પર આ વર્ષના વરસાદનું ચિત્ર સ્પષ્ટ થાય છે. પુનર્વસુ નક્ષત્રનો પ્રારંભ ૬ જુલાઈ ૨૦૧૯ની રાત્રે ૨.૩૩ વાગ્યે થશે. ત્યાં સુધી આર્દ્રા નક્ષત્ર જ ફેલાયેલું રહેશે. આ સમય દરમિયાન તમારા વિસ્તારમાં જેટલો વરસાદ થશે એટલો વરસાદ આ ચોમાસા દરમિયાન રહેશે.
કવિ ધાધની જેમ ભડ્ડરી પણ એક મોટા હવામાન વિજ્ઞાની હતા. ભડ્ડરી એક મહત્વનો સંકેત આપે છે કે જે તમને આ વર્ષનાં વરસાદનો સંકેત આપશે. એ માટે આ હકીકત જાણવી અત્યંત જરૂરી છે. ભડ્ડરી કહે છે,
आगे रवि पाछे चलै मंगल जो आषाढ़।
तौ बरसै अनमोल ही पृथी अनंदै बाढ़।।
ભડ્ડરીનું માનવું છે કે જો અષાઢ મહિનામાં સૂર્ય આગળ અને મંગળ તેની પાછળ હશે તો તો વરસાદ વધારે થશે અને પૃથ્વીવાસીઓની ખુશીઓમાં વધારો થશે પરંતુ પોતાની બીજી કવિતામાં ભડ્ડરી ચેતવણી આપતા કહે છે,
आगे मंगल पीछे भान। बरसा होवै ओस समान।।
જો મંગળ ગ્રહની પાછળ સૂર્ય ગ્રહ હોય તો હળવો વરસાદ થાય છે. ૨૩ જૂન ૨૦૧૯ના રોજ સૂર્યોદય કાળમાં સૂર્ય મિથુન રાશિમાં 6’5” પર છે, જ્યારે મંગળ મિથુન રાશિમાં 29’04” છે આ પ્રકારે મંગળ ગ્રહ સૂર્યની સરખામણીમાં ગતિમાં આગળ ચાલી રહ્યો છે એટલે કે વરસાદની સંભાવના ઓછી જ છે. આથી સ્પષ્ટ છે કે, આ વર્ષે અન્ય વર્ષોની સરખામણીમાં વરસાદ ઓછો થશે. એનો અર્થ એ છે કે વરસાદ થશે, પરંતુ અનિશ્ચિત-અનિયંત્રિત.
આધુનિક હવામાન ભવિષ્યવક્તાઓને પડકાર આપનારા હવામાન વિજ્ઞાની કવિ ધાધ અને ભડ્ડરીની કહેવત પરથી ખ્યાલ આવે છે કે, આ વર્ષે દેશભરમાં હાલમાં જ્યાં-જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં-ત્યાં ચોમાસાની સમગ્ર ઋતુ દરમિયાન મેઘમહેર યથાવત રહેશે પરંતુ જ્યાં-જ્યાં હજુ સુધી વરસાદ વરસ્યો નથી ત્યાં-ત્યાં ચોમાસા સમગ્ર ઋતુ દરમિયાન મેઘમહેર અનિશ્ચિત-અનિયંત્રિત રહેશે.
ReplyForward