આ યુવાને નાની ઉંમરમાં કેટલી પરિપક્વતા, ઠાવકાઈ દર્શાવેલ છે તે આશ્ચર્યની વાત છે. તેમના લખાણમાં ઝાકળ જેવી તાઝગી અનુભવાય છે. સાવ સામાન્ય વિષયને પણ તેઓ પોતાના વિચારો અને કલમની તાકાતથી અસામાન્ય બનાવી નાખે છે. – હરનેશ સોલંકી
ભાઈશ્રી ભવ્ય રાવલ સાથે મારે ઘણાં વર્ષોથી પરિચય છે. તેઓ જ્યારે કોલેજ વિદ્યાર્થી હતા ત્યારથી લગભગ. અમોને મળાવવામાં મારા આદર્શ શ્રી બક્ષી સાહેબ નિમિત્ત બન્યા. ભવ્યભાઈ પણ બક્ષીબાબુનાં ચાહક. ઘણીવાર મારી ઓફિસે આવે. અને અમો બંને બક્ષી સાહેબ અને તેમના ગુજરાતનાં પ્રદાનને યાદ કરીએ. ત્યારે મેં ભવ્યભાઈમાં એક અંગારો જોયેલ. અને અમારા અરસપરસ મેગેઝીન માટે મેં સમયાંતરે તેમની પાસે લખાવ્યું. ત્યારબાદ તો તેમને પત્રકારત્વનો કોર્ષ પણ કર્યો. એક નવલકથા પણ પ્રકાશિત કરી. તેના વિમોચનમાં પણ ભાગ લેવાનો સુઅવસર મળ્યો.. એમના લખાણમાં તેજાબ અને હૃદયમાં ગુલાબ અને આંખમાં અમી જેવું વ્યક્તિત્વ ધરાવતા ભવ્યભાઈ આજે તો પોતાની આત્મકથાસમ ફેસબુક ઉપર ડેઈલી ડોઝ આપી રહ્યાં છે ત્યારે આપણને થાય કે આ યુવાને નાની ઉંમરમાં કેટલી પરિપક્વતા, ઠાવકાઈ દર્શાવેલ છે તે આશ્ચર્યની વાત છે. તેમના લખાણમાં ઝાકળ જેવી તાઝગી અનુભવાય છે. સાવ સામાન્ય વિષયને પણ તેઓ પોતાના વિચારો અને કલમની તાકાતથી અસામાન્ય બનાવી નાખે છે. ભવ્યભાઈનાં લખાણમાં બક્ષીબાબુનું ઝનુન, મેઘાણીની વીરતા અને નર્મદનો વિવાદ સ્પષ્ટ થાય છે. તેઓના લખાણમાં નવા નવા શબ્દો અને નિખાલસતા એવી કે સમગ્ર પરિવાર સાથે બેસીને તેમનું લખાણ વાંચી શકાય. અમારા ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળના કેટલાક હીરલાઓ છે તેમાંના એક ભવ્યભાઈ પણ છે. આપણને સહુને ગર્વ થાય. આપણને સહુને એને મળવાનું મન થાય. એની પાસે બેસી જગતભરનાં વિધ વિધ વિષયો ઉપરની ચર્ચાઓ થાય. એક મોજનાં અને બોજ વગરનાં, અમિતાભનાં બંગલાનું નામ છે જલસા….. બસ… આ જલસાના માણસ છે. જિંદગી જીન્દાદિલીથી જીવનારા માણસ છે. જે કાંઈ પણ કરે તે દિલથી કરે તેવા માણસ છે. મને એમના વિશે આ લખવાની તક આપવા બદલ તેમનો આભારી છું. અને ભવિષ્યમાં પોતાની આગવી શૈલીથી સાહિત્યનાં અને બિઝનેશનાં ક્ષેત્રમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી મારી અંગત અને સમગ્ર બક્ષી પરિવારની ઢેર સારી શુભકામનાઓ..
આભાર સહ..
– હરનેશ સોલંકી