ઈલેક્ટ્રિક ડિસ્પ્લે અને ઈમરજન્સી લાઈટમાં રાજકોટની રોનક વધારતું નામ : ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યારે ઈલેક્ટ્રિક લાઈટનું ઉત્પાદન થતું ન હતું ત્યારે છેક દિલ્હીથી લાઈટ અને લેમ્પની આયાત કરવી પડતી હતી. આ બધામાં ઘણો સમય લાગતો હતો વળી, કેટલીક વાર ઈલેક્ટ્રિક લાઈટ બંધ પડે અથવા ખરાબ નીકળે તો તેનું રિપેરિંગ માત્ર દિલ્હીમાં જ થતું! આપણે ત્યાં ઈલેક્ટ્રિક લાઈટનાં પ્રોડ્કશન અને રિપેરિંગ ક્ષેત્રે મર્યાદા હતી. ગુજરાતીઓને ઈલેક્ટ્રિક ક્ષેત્રે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોવાથી રાજકોટનાં અરવિંદભાઈ ભૂતએ ૧૯૮૦ની સાલમાં ઘર આંગણે ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની સ્થાપના કરી. અરવિંદભાઈનો પારિવારિક વ્યવસાય સાડી બનાવવાનો હતો. પરંતુ અરવિંદભાઈને આ વ્યવસાયમાં જોડાવવું ન હોવાથી તેમણે ડિપ્લોમા એન્જીનીયરનો અભ્યાસ પૂર્ણ કરી રાજકોટમાં આવેલા વૈશાલીનગર રૈયા રોડનાં પોતાના ઘરમાંથી જ ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝનાં નામથી ઈમરજન્સી ઓટોમેટિક લાઈટ અને ડિસ્પ્લે બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો.
મગનલાલ આઈસ્ક્રીમની લારી લઈને ઊભા રહેતા મગનભાઈ રાત્રે દીવો અને ફાનસનો ઉપયોગ કરતાં હતા. આ જોઈને અરવિંદભાઈએ ૧૯૮૦ની સાલમાં ઈમરજન્સી લાઈટ બનાવી. જે બેટરીથી ચાલતી લાઈટ તેમણે મગનભાઈને આપી. આ બેટરીથી ચાલતી ઓટોમેટિક લાઈટની માંગ આગળ જતા સરકારી અને ખાનગી ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં નીકળી. ટૂંકાગાળામાં ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની જ ઈમરજન્સી લાઈટ બધે જોવા મળે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આજથી સાડા ત્રણ દાયકા પહેલા રાજકોટની બધી જ ઈમરજન્સી સ્ટ્રીટલાઈટ ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની જ હતી.
અરવિંદભાઈએ બેટરીથી ચાલતી ઈમરજન્સી લાઈટ બનાવ્યા બાદ ટોકન નંબર ઈન્ડીકેટર, ડિજીટલ ક્લોક, સિક્યુરિટી એલાર્મ ક્લોક, સેફટી ફાયરના સાધનો બનાવવાની શરૂઆત કરી. જે બધી પ્રોડક્ટ્સ માટે સમગ્ર ગુજરાતમાંથી ગ્રાહકોની માંગ ઉભી થવા લાગી. ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની પ્રોડક્ટ્સ અને પ્રગતિ જોઈ રેલ્વેએ પણ પોતાની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અરવિંદભાઈને પ્લેટફોર્મ પરનાં ટોકન નંબર ઈન્ડીકેટર અને ડિજીટલ ક્લોક બનાવવા કહ્યું. આટલું જ નહીં પરતું ૧૯૮૯ની સાલમાં ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝનાં સ્થાપક અરવિંદભાઈએ અમદાવાદનાં રેલ્વે પ્લેટફોર્મ માટે માસ્ટર ક્લોક બનાવી, જે માસ્ટર ક્લોક પ્લેટફોર્મ પરની બધી જ ક્લોકનું સંચલાન કરે છે. આગળ જતા ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ દ્વારા ૧૯૯૫ની સાલમાં રેલ્વે માટે એનાઉસમેંટ સિસ્ટમ બનાવવામાં આવી. જેમાં આવતી-જતી ટ્રેનનું અને અન્ય માહિતીનું પ્રસારણ થતું. વાત અહીંથી અટકતી નથી. ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝએ કોચ ગાઈડ સિસ્ટમ, ઈન્ડીકેટર, ઓટોમેટિક સિગ્નલ લેમ્પ, એલઈડી અને સોલર સિસ્ટમ પણ બનાવી. જે પ્રોડક્ટ્સ પણ સક્સેસફૂલ રહી. આકાશવાણી અને દૂરદર્શનના પ્રોગ્રામ રેકોડિંગ માટે રેકોર્ડરની ક્ષમતા ઓછી હતી તો ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝએ લાંબો સમય ચાલી શકે તેવું રેકોર્ડર બનાવ્યું. જેની નોંધ દિલ્હી અને મુંબઈના ટ્રાન્સમીટરે લઈ તેમણે પણ ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝનાં રેકોર્ડર મંગાવ્યા. આમ, ધીમેધીમે રાજકોટના ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની પ્રોડક્ટ્સ દિલ્હી અને મુંબઈ સુધી પહોંચી.
અરવિંદભાઈના બે સંતાન પ્રશાંતભાઈ ભૂત અને રવિભાઈ ભૂત પણ સમયની સાથે પિતાનાં નકશે કદમ આ વ્યવસાયમાં જોડાઈ ગયા. પ્રશાંતભાઈએ અમદાવાદની એલ.ડી. કોલેજમાંથી ઈ.સી.નો અભ્યાસ કરી અમેરિકાની મેરિલેન્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટરની પદવી મેળવી કોલકામ અને સિસકોમ જેવી નામાંકિત કંપનીમાં બે-બે વર્ષ સુધી નોકરી કરી ૨૦૦૭ની સાલમાં ટેક્નોલોજીના અપગ્રેડ સાથે પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયા. ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝમાં જોડાઈને તેમણે ઓલ ઈન્ડિયામાં ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝનો બિઝનેસ ડેવલોપ કર્યો. પ્રશાંતભાઈએ ભારતને ઈન્ટરેસ્ટ રેટ ડિસ્પ્લે એટલે કે, વ્યાજ દર ડિસ્પ્લેની ભેટ આપી જેમાં બદલાતા વ્યાજના દરની પળેપળની માહિતી મળે છે. હાલમાં પ્રશાંતભાઈ મુંબઈથી ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝનો વ્યવસાય સંભાળી આ એન્ટરપ્રાઈઝમાં રિસોર્સ મેનેજમેંટ, લાઈઝનિંગ અને ટાઈયપનું કામકાજ સંભાળે છે. બીજી તરફ રવિભાઈ ભૂતએ ગાંધીનગરની ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલૉજીમાંથી બી.ટેકનો અભ્યાસ કરી ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝમાં માર્કેટમાં ઈન્ટરએક્ટિવ બોર્ડ, સ્પોર્ટ્સ સ્કોર બોર્ડ, ઓટોમેટિક બેલ, બેટરી બેકઅપ, ડિજીટલ ક્લોક, ઓટોમેટિક સાયરન, સી.એન.સી.પાર્ટ કાઉન્ટ મશીન બનાવવામાં પોતાનું યોગદાન આપવા સાથે રાજકોટથી ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝનું કામકાજ સંભાળી રહ્યા છે.
ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝનાં સ્થાપક અરવિંદભાઈ ભૂત જણાવે છે કે, ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ દ્વારા બનાવવામાં આવતી ઓટોમેટિક બેલ સિસ્ટમનો સ્કૂલ, કોલેજ, હોટેલ અને ઈન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગ થાય છે. જેમાં વર્કિંગ ડે કે વેકેશન માટે સમય સેટ કરી શકાય છે. નાની-મોટી રિંગનું પણ સેટઅપ કરી શકાય છે તેમજ રજાના દિવસે બેલને ઓફ મોડમાં પણ રાખી શકાય છે. તો ઓટોલાઈટની કેલેન્ડર ક્લોક બેન્ક, કોર્પોરેટ ઓફિસ, ઈન્ડસ્ટ્રીઝ, શો રૂમ, ટ્રાવેલ્સ-ટુરિઝમ, હોટેલ્સ-રેસ્ટોરન્ટ માટે ઉપયોગી છે. જે આલ્ફાન્યૂમેરિક ડિસ્પ્લેમાં સમય અને તારીખ દર્શાવે છે. ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની ડિજીટલ ક્લોક એલઈડી અથવા ૭ સેગમેન્ટ ડિસ્પ્લેથી બનેલી ડિજિટલ ક્લોક રીઅલ ટાઈમ અને માઈક્રો કંટ્રોલ આધારિત છે. જે ૧ ઇંચથી ૪ ફૂટ સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. જે જીપીએસ અને સોલાર સાથે જોડાયેલી છે. જેનો ઉપયોગ ઈન્ડીયન રેલ્વે, સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ, કોર્પોરેશન, કોર્પોરટે ઓફિસ અને એરપોર્ટમાં થાય છે. ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની ઈલેક્ટ્રોનિક પ્લેટ એટલે કે, એલઈડી ડોટ મેટ્રિક્સ ડિસ્પ્લેનો ઉપયોગ કોર્પોરેટ ઓફિસમાં ઓફિસરના હોદ્દા અને નામ દર્શાવવા માટે થાય છે. આ સિવાય પહેલા બોર્ડ કે બેનર દ્વારા માહિતી રજૂ થતી પરંતુ એકવીસમી સદીના ટેક્નોલૉજીકલ યુગમાં ડિજીટલ રિપ્લેસમેન્ટ ઈલેક્ટ્રોનિક નોટિસ બોર્ડ બનાવવામાં આવ્યા છે. બેંકોમાં વ્યાજ દર, ગોલ્ડ રેટ, સિલ્વર રેટ, એક્સચેન્જ રેટ, બ્રાન્ચ ફેસેલિટી, નવી યોજના માટે, સ્કૂલ-કોલેજના એસેમ્બલી હોલ અને ઓડિટોરિયમમાં કોઈ એક્ટિવિટી, ફંક્શન, એક્ઝામ ટાઈમ ટેબલ, સ્ટુડન્ટ અચીવમેન્ટ કે અન્ય નોટિસ માટે, મલ્ટિપ્લેક્સ અને મૂવી થિયેટર્સમાં મૂવીના નામ અને ટાઈમ, કેન્ટિંગમાં ફૂડ મેનૂ અને તેની પ્રાઈઝ માટે, કોર્પોરેટ ઓફિસમાં વેલકમ મેસેજ, એન્ટરપ્રાઈઝ અચીવમેન્ટ અને ટાર્ગેટ અને મોલમાં નવી પ્રોડકટ, ખાસ ઓફરની વિગત આપવા માટે જે ઈલેક્ટ્રોનિક નોટિસ બોર્ડ ઉપયોગમાં લેવામાં આવે છે એ ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝના હોય છે. આ ઉપરાંત પણ આપણા ઘર, ઓફિસ અને રેલ્વેની ઈમરજન્સી લાઈટ મોટાભાગે ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની જ હોય છે. તેમાં સોલાર પેનલ કનેક્ટિવિટી સાથે ઈમરજન્સી લાઈટ આપી છે. ઓટોલાઈટ દ્વારા ઘર અને ઓફિસ માટે એલઈડી લેમ્પ અને લાઈટ તેમજ રેલ્વે અને ટ્રાફિક સિગ્નલ માટે એલઈડી ફ્લેઝર, એલઈડી ટેઈલ, એલઈડી ટ્રાફિક લાઈટ્સ પણ બનાવવામાં આવે છે. તદુપરાંત બેડમિન્ટન, બાસ્કેટ બોલ, બોક્સિંગ/રેસલિંગ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, મલ્ટિસ્પોર્ટ, કરાટે, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વોલીબોલ અને મેરેથોન માટેનાં સ્કોરબોર્ડ બનાવવાનું કામકાજ ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ કરે છે.
સમયના આગ્રહી, કર્તવ્યનિષ્ઠ અને આધ્યાત્મિક અરવિંદભાઈનાં જણાવ્યા અનુસાર ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝનાં સંપૂર્ણ સ્ટાફને એકપણ પ્રકારનું વ્યસન નથી. ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ નિર્વ્યસની લોકોને જ કામ કરવા માટેની તક આપે છે. ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ મારફતે આઈએસઓ પ્રમાણિત ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સમાં ક્રાંતિ કરનારા અરવિંદભાઈને તાજેતરમાં જ ભૂતપૂર્વ ઈલેક્ટ્રોનિક ટ્રેડ એસોશીએશન પ્રેસિડન્ટ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.
અરવિંદભાઈનાં બંને સંતાનો પ્રશાંતભાઈ અને રવિભાઈએ સ્માર્ટ વર્ક દ્વારા પિતાના બિઝનેસને સમગ્ર ઈન્ડિયા સુધી પહોચાડ્યો છે ત્યારે આવનારા સમયમાં તેઓ ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ દ્વારા સ્માર્ટ હોમ્સ ઓટોમેશન પર કામ કરશે તેવું જણાવે છે. જેથી કોઈપણ સમય અને સ્થળથી ઘરની ઈલેક્ટ્રિક વસ્તુઓને ચાલુ બંધ કરી શકાય. ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની સ્માર્ટ હોમ્સ ઓટોમેશન સિસ્ટમ જ્યારે અમલમાં આવી પ્રોડક્ટ્સ સ્વરૂપે બજારમાં આવશે ત્યારે ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ અને રાજકોટની યશ કલગીમાં અનેરી સિદ્ધિનું એક વધુ પીંછુ ઉમેરાશે.

ફેક્ટ ફાઈલ : ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ
સ્થાપના : ૧૯૮૦
સ્થાપક : અરવિંદભાઈ રસીકલાલ ભૂત
સંચાલક : પ્રશાંત અરવિંદભાઈ ભૂત (મુંબઈ), રવિ અરવિંદભાઈ ભૂત (રાજકોટ)
બ્રાન્ચ : રાજકોટ અને મુંબઈ
પ્રોડક્ટસ : ઓટોમેટિક સ્કૂલ બેલ, કેલેન્ડર ક્લોક, ડિજીટલ ક્લોક, એલઈડી સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક નેઈમ પ્લેટ અને નોટિસ બોર્ડ, આઉટ ડોર ટાઈમ એન્ડ ટેમ્પરેચર ડિસ્પ્લે, સ્પોર્ટ્સ સ્કોર બોર્ડ, ટોકન નંબર ઈન્ડીકેટર, વર્લ્ડ ક્લોક
સ્ટાફ : ૭ (રાજકોટ)
વિઝન : (આરડીએસઓ) રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ મુજબ કરવું, સ્માર્ટ હોમ્સનું ઓટોમેશનમાં ડેવલોપમેન્ટ લાવવું

ગુરુમંત્ર : ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝનાં સ્થાપક અને સંચાલક પિતા-પુત્રોનો ગુરુમંત્ર છે કે, નથીંગ ઈઝ ઈમપોશિબલ. અશક્ય કશું જ નથી. ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની સફળતા પાછળ ગુણવત્તા, વિશ્વાસનીયતા અને નિષ્ઠા રહેલી છે. ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝનાં સંચાલક પ્રશાંતભાઈ અને રવિભાઈ તેમના પિતા અરવિંદભાઈને જ પોતાના ગુરુ માને છે. રવિભાઈએ ડો.અબ્દુલ ક્લામની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર વાંચીને તેમાંથી પ્રેરણા લીધી છે. આથી ડો.કલામ સાહેબ રવિભાઈના પથદર્શક અને માર્ગદર્શક બન્યા છે. તો પ્રશાંતભાઈ ટેકનોલોજી સાથે અપ ટુ ડેટ રહેવાનું સૂચવે છે. મોટી-મોટી કંપનીઓ સામે પણ ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ કઈ રીતે અલગ તરી આવી પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે છે એ ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ પાસેથી જ શીખવા જેવું છે. એક્સલ્યુસિવ, એડવાન્સ અને સ્માર્ટ વર્ક ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની યુએસપી જણાય આવે છે.

બોક્સ : ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ છેલ્લાં સાડા ત્રણ દસકથી ઈલેક્ટ્રિક ડિસ્પ્લે આધારિત પ્રોડક્ટ્સ બનાવવાનાં કામમાં મહારથ ધરાવે છે. રાજકોટ સહિત મોટાભાગે જ્યાં પણ તમને ઈલેક્ટ્રિક ડિસ્પ્લે પર કોઈપણ આંકડાકીય કે શાબ્દિક માહિતી જોવા મળે એ ઈલેક્ટ્રિક ડિસ્પ્લે ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝનું હોય શકે છે. એલઈડી આધારિત જાહેર માહિતી સિસ્ટમ્સ, આરડીએસઓ એલઈડી સિગ્નલ લેમ્પસ માટે સપ્લાયરની મંજૂરી તેમજ ઈન્ડસ્ટ્રીઝ, પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર્સ, હોટેલ્સ, બેન્ક, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે માટે ડિસ્પ્લે, ઓટોમેશન અને એમ્બેડેડ સિસ્ટમની વિશાળ શ્રેણી ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝ ઓફર કરે છે.