એકરારનામા

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.83 out of 5)
Loading...

માય ડિયર સ્વરા..

એક સ્ત્રી જેની દરેક આદત, શોખ, પસંદ-નાપસંદ, મૌન પાછળનાં રુદન, ગુસ્સા પાછળનાં અટ્ટહાસ્ય, સાહસ અને સ્વાભિમાનશીલ વ્યક્તિત્વથી હું પૂરેપૂરી રીતે પરિચિત છું. જે સ્ત્રીનાં આચાર-વિચાર અને વ્યવહાર સંપૂર્ણપણે મારાં વ્યક્તિત્વમાં વણાઈ ચૂક્યાં છે. જે સ્ત્રીનાં હાથમાં હાથ પરોવી વિશ્વાસપૂર્વક મેં નાની-મોટી ખરીદીથી લઈ જિંદગીના મોટાંમાંમોટાં મહત્વપૂર્ણ નિર્ણયો આંખના ઈશારે પલકારામાં કરી લીધા હતાં. જે સ્ત્રીની સાથે એકબીજાનાં સગા-સ્નેહી, સબંધી, સમાજ વિરુદ્વ જઈ લગ્ન કર્યાં હતાં. જે સ્ત્રી લગ્ન પહેલાંના બે અને લગ્ન બાદનાં સાડા ત્રણ વર્ષથી મારાં જીવન અસ્તિત્વનો અભિન્ન અંગ બની ગઈ છે. જે સ્ત્રીએ મારી પ્રતિષ્ઠા, પ્રગતિનાં પાયા નાંખ્યા છે અને જે એકમાત્ર સ્ત્રીને ખુશ રાખવી મારાં માટે ઈશ્ર્વરીય ફરમાન સમજ્યું છે. એ સ્ત્રી એટલે મારી પત્ની તું – સ્વરા..

તું મને તરછોડીને ગઈ છે ત્યારથી હું તારા વધુને વધુ પ્યારમાં પડી રહ્યો છું! આશ્ચર્ય તારા જવાનું નથી પણ એક અચરજ થાય છે કે, જે વ્યક્તિ મારી સાથે નથી, મને એકલો મૂકીને બહું દૂર ચાલી ગઈ છે અને તેનાં ગયા બાદ હું તેનાં પ્રેમમાં પહેલાં કરતાં પણ વધુ ગળાડૂબ થઈ શકું છું! લાગી રહ્યું છે કે મહોબ્બતની સાચી અને શુભ શરૂઆત તો હવે જ થઈ છે. આશિક બની આજે તારા જેવી ચાહક માટે કશુંક લખવાનો મોકો મળ્યો છે – માય ડિયર સ્વરા..

હદય જખ્મી થાય છે ત્યારે જ તો જિંદગી અને પ્રેમસંબંધ ખૂબસૂરત અને રસપ્રદ બને છે. મારાં જેવા નાલાયક, નિક્કમાનો તિરસ્કાર કરી બધા જ બંધનમાંથી મુક્ત થઈ સ્વતંત્ર રીતે આપણી વચ્ચે આવેલી જુદાઈ અને ઝગડાઓનો સીધો સરળ રસ્તો તે મને એકલું છોડી જવું પસંદ કર્યુ છે, આજે તારા ગયા બાદ.. ડ્રેસીંગ ટેબલનાં અરીસા પર, બારીના કાચ, પડદા પર, ફોટો ફ્રેમ, ફર્નિચર પર ધૂળ બાઝી ચૂકી છે. ટી.વી.નું રીમોટ, ફ્રિઝનું ડોર, મેકઅપ બોક્સ, કૂકરની સીટી.. જાણે બધું જ તારા વિના સ્થગિત, અચેતન અને જડ થઈ ગયા છે. હવે આ થંભી ગયેલા વાતાવરણની ગતિવિધિ વચ્ચે સમજાય છે કે, તું હતી તો ઘરમાં એક જાનદાર અને શાનદાર માહોલ સર્જાયેલો રહેતો. સઘળે દિવ્યતા અને સૌમ્યતાનું બંધારણ રહેતું અને આજ..

હું જ્યાં નજર કરું છું ત્યાં નિસ્તેજતા અને ગમગીનીનું સામ્રાજ્ય પથરાયેલું મહેસૂસ કરી રહ્યો છું. એક સિંહરન, એક સ્પંદન, એક ઝાટકો લાગી આવે છે. જ્યારે તારા વિચારો વિજળીની માફક સ્ફોટક રીતે મારાં મન-મગજ ઉપર ત્રાટકી માનસિકતાને તહેસનહેસ કરી નાંખે છે. તારી આશીકાના આદતો મને જૂની ખાંસીની જેમ વળગીને પજવી રહી છે. પહેલાં સવાર તારા હાથે બનાવેલી ગરમાગરમ ચાથી ઊગતી અને રાત મારાં હોઠોના હૂંફાળા ચુંબનોથી આથમતી હતી. બિસ્તર પર, કિચનમાં, બાથરૂમની અંદર, ઘરની ચાર દિવાલો વચ્ચે શરારત, શૈતાની અને નઝાકતનું સમાગમ થતું. જ્યારે આજકાલ તો દરેક દૈનિક વિધિમાં કોઈ સ્વચ્છતા જ નથી, શિસ્તતા નથી. માય ડિયર સ્વરા તું નથી..

તારા હાથોથી બનાવેલી આંગળીઓ ચાટવા મજબૂર કરી જતી કાજુ, કિસમીસ-એલચીથી ભરપૂર અને તારા પ્યારથી શરાબોર સેવૈયા-સુખડી નથી. હું મક્કા તરફ મોં કરીને નમાઝ અદા કરવા બેસું છું તે સમયે મારી સામે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવાવાળી મારી સ્વરા નથી. આપણે મંદિરમાં જતાં અને મસ્જિદમાં પણ.. સુખડી પણ ખાતા અને સેવૈયા પણ.. તારો માસૂમ ચહેરો મારી આંખોમાં ફર્યા અને મીઠડો અવાજો કાનમાં ગુંજ્યા કરે છે. મગજનાં બંદીઘર અને યાદોના કારાગૃહમાંથી તારી જ કહેલી જૂની યાદોના પડધા પડ્યા કરે છે, તું કહેતી હતી ને કે,

‘મને ગમતી વ્યક્તિ પૈસાદાર નહીં પરંતુ દિલદાર હોવી જોઈએ. તે ભલેને દસ બાય બારના એક નાનકડા ઘરમાં રહે પણ તેનાંમાં મુજ પ્રત્યે આવતી મુશ્કેલીઓને માત આપી દે તેટલી શક્તિ હોવી જોઈએ. મહિને આઠથી દસ હજાર રૂપિયા કમાનાર કપલ સુખી જ રહે છે ને એક ટાઈમ નહીં જમશું તો ઉપવાસ અને રોજા થઈ જશે. ભૂખે તો નહીં જ મરીએ, મારે દૌલતમંદોની દોગલી દુનિયામાં નહીં, પરંતુ તારા જેવા દોસ્તોની દિલેર દુનિયામાં જીવવું છે. તને ખુશ કરવો છે. જ્યાં પરિસ્થિતિ વિપરીત હશે ત્યા આપણી પ્રીત પ્રેમપૂર્વક બધાં પ્રશ્ર્નોનાં નિરાકરણ લાવશે. નસીબ, ભાગ્યમાં માનનાર સ્ત્રી હું નથી. મારાં માટે સારા-નરસા સૌ પ્રસંગો ઈશ્ર્વરીયદેન છે. તારું મને મળવું એ પણ કોઈ રોમાંસ અને રોમાંચથી કમ નથી.’

અને તારી વાત સાંભળી હું કહેતો કે,

‘તારી વાત સાચી છે સ્વરા, કપડાં કાઢી સ્ત્રીને ચોંટી ચુંબનો કરવામાં રોમાંસ નથી. તું સભ્ય છે, શાલીન છે, શિષ્ટ, સંસ્કારી છે. હું આશા-અપેક્ષા-સપનામાં નહીં પરંતુ સંતોષમાં માનનાર પુરુષ છું. એક પતિ કે પ્રેમિ તરીકેની મારી કશી જ એક્સપેટેશન તારી પાસેથી ક્યાંરેય હતી નહીં, રહશે પણ નહીં.’

હવે જ્યારે વાસના-ચાહના-કામના નામનાં શબ્દોએ આપણી આ ફીલિંગ અને ફિલસૂફીનો ફતવો બનાવી દીધો છે ત્યારે સમજાઈ રહ્યું છે કે આખરે શું હતું એ બધું? બધી જ માયા હતી? જૂઠ હતું કે ફરેબ હતું? મારી આંખનું સત્ય તારી નજરનું પાપ સાબિત થઈ ગયું સ્વરા. મારી દ્વષ્ટિની પાર ઉતરી જાય તેવી સ્ત્રીનાં જલદ અને મનસ્વી રંગ-મૂડ-મિજાજ-લયમાં હું ધસમસતો આકર્ષાઈને તણાઈ ગયો. મને પર-સ્ત્રી સાથે મારું પુરુષત્વ અજમાવવાનો મોકો મળી ગયો. મારુ પુરુષત્વ ઊભરાઈને ઓગળી ગયું. દિલબહલાવ એ મસ્તરુમાની રાતનો રંગીન, સૂકા ચહેરાને કડક, રોમેરોમને જીવંત કરી દેતી પસીનાદાર પરફ્યૂમની વાંસવાળી નશીલી પળો, હાંફીને થાંકી જવાઈ અને યાદ કરી ઉંઘમાંથી પણ જાગી જવાઈ.. બસ સ્વરા..

હું તારી માફીને લાયક નથી. ઈમાનદારી, વફાદારી અને જવાબદારીની ક્રિયામાં સૌ એ પોતપોતાનું મુકદ્દર પોતાની રીતે તરાશવાનું હોય છે. આ જિંદગી ક્ષમતા અને દક્ષતાની કસોટી છે. હું જાતે જ મારી જાતની અંદર સર્ચલાઈટ ફેંકીને સ્વયંની કમી અને ઉણપને શોધવા-સુધારવામાં સફળ સાબિત થઈ શક્યો નહીં. અસત્યની ઢાલ કે બનાવટી મુખૌટા પણ મારી હિનતાગ્રંથી કે લઘુતાગ્રંથીને તારી પાસે ઢાંકી શક્યાં નથી. સારી સ્ત્રી પાસે મૂર્ખ અને નિર્દોષ બની રહેવાનાં ઘણાં ફાયદા છે પણ મારી મૂર્ખતા અને નિર્દોષતા એ મને તારાથી વિખૂટો પાડી દીધો છે, માય ડિયર સ્વરા..

તું અને હું બંન્ને ધર્મ અને કર્મમાં શ્રદ્વા રાખનાર સ્ત્રી પુરુષ છીએ. આપણાં બંન્નેના ભિન્ન ધર્મ અને કર્મની આ વિશિષ્ટ ખાસિયત છે કે મારું મઝહબ, મારું ઈમાન મને પાંચ-પાંચ શૈરી-કે-હયાત રાખવાની પરવાનગી આપે છે અને તારો ધર્મ એક સખી-શૌતનનની પણ રજામંજુરી આપતો નથી. આ પરથી મારો ધર્મ અને કર્મ સત્ય કે પછી તારા ધર્મની પવિત્રતા અને માન્યતા? હિંદુસ્તાની ઔરતની તેનાં પતિ પ્રત્યેની ન્યોછાવર થઈ જવાની ભાવના, લૂંટાઈને કુરબાન થઈ જવાની ભક્તિ કોઈ ધર્મ કે મઝહબને આધીન નથી. મારુ કર્મ જેહાદમાં, મુકાબલા, પ્રતિશોધમાં, ખુંવારી ને ખુમારીમાં છે. તારુ કર્મ અહિંસા, પવિત્રતા અને સત્ત, ચિત્ત, આનંદનાં આત્મશોધમાં છે. તું આટલી નાદાન, આટલી નાસમજ કે જુનવાણી વિચારસરણીમાં માનનાર સ્ત્રી તો ન હતી માય ડિયર સ્વરા..

હું ન્યાયી કે સત્યવાદી નથી. પણ તારા પ્રત્યે હંમેશાં મે સમર્પિત રહેવાની કોશિશ કરી છે. સ્વયંના લાભાર્થે તને ફક્ત ને ફક્ત ચાહીને પ્રેમ કરવાની હેતુહિન પ્રવૃત્તિ મે ક્યાંરેય કરી નથી. જે રીતે સ્ત્રીને સજાવટ અને પુરુષને સમજાવટ કરતાં સરસ આવડે છે એ રીતે તે મારાં ઘર, વ્યક્તિત્વ, જીવનની સજાવટ ખૂબ સુંદર રીતે કરી તારી ફરજ નિભાવી જાણી છે. બીજી તરફ એક પર-સ્ત્રી સાથેના સંબંધોની સમજાવટ સ્પષ્ટપણે કરવામાં હું નિષ્ફળ નિવડ્યો. વખત જોઈ વર્તન કે વાણી વિલાસ કરતાં મને આવડ્યું નહીં અને આજ તારા જન્નતનશીન થયાં પછી તારી કબર પાસે બેસીને હું આત્માને ભીંજવી નાંખતી, ખુલ્લી સૂકી આંખે આપણાં બંન્નેની જિંદગીભરની દાસ્તાનને પ્રકટ કરી રહ્યો છું. તારા વખાણ કે સ્પષ્ટતા કરી હું તને રીઝવાની કે મનાવવાની રસમ નથી નિભાવી રહ્યો. જાણુ છું બહું મોડુ થઈ ગયુ છે. મારી વાતોમાંથી ટપકતો વિષાદ એ ફક્ત તારી જુદાઈનાં દર્દનું પરિણામ છે. અકલ્પનીય અનુભવમાંથી શબ્દોરૂપી થોડી ઝિલમિલ ધૂંધળી લાગણીઓ ઊભરાઈ રહી છે.

સ્વરા, આ શબ્દો, આ બાઝીગરી, બંદગી, આ પશ્ચાતાપની અભિવ્યક્તિ સિવાય બીજું કંઈ જ નથી. મારે તારી જેમ ભાગવું નથી. જીવવું છે. હારવુ નથી. માટે ખુદાને દિનરાત બસ એ જ કહું છું કે, મારી મુરાદ પૂરી કરી દે મૌલા. ફરી મારાં જીવનમાં સ્વરા કોઈને કોઈ સ્વરૂપે તું આવી જાય અને તારો સ્નેહ-સાથ-સહકાર મળે તો જિંદગી નવ્ય, જીવ્ય, દિવ્ય અને અંતે ભવ્ય બની જાય. માય ડિયર સ્વરા..

લિ.

તારો ઈમરામ

* સમાપ્ત *