એકસો વર્ષનાં અમરત બાને જાજેરા અભિનંદન

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

અભાવમાં પણ આત્મસંતોષ રાખી આનંદથી જીવનારી ઔરતની કર્મકથા

આજની જીવન મિરર કહાણી જે સ્ત્રી પર છે એ સ્ત્રીએ પોતાનાં જીવનમાં ૮૪ વર્ષ સુધી સતત તાપ, ટાઢ અને તોફાનોની પરવા કર્યા વિના, તારીખીયા કે ઘડિયાળમાં જોયા વિના માત્રને માત્ર દિવસ-રાત ઘરકામ કર્યું છે. અમરત નામની મહિલાએ ક્યારેય પોતાનો જન્મદિવસ ઉજવ્યો નથી પણ ઘણાનાં જન્મરા ઉજળા કર્યા છે. અમરત નાનપણમાં શાળાએ ગઈ નથી પણ એની પાસેથી શીખવા-સમજવા જેવું ઘણું છે. અમરતએ હોમસાઈન્સ કે મેનેજમેન્ટનાં કોઈ વર્ગો કરેલા નથી પણ એણે એકલા હાથે કમાઈને દસ વ્યક્તિઓનું ભરણ-પોષણ કર્યું અને કાચા મકાનમાંથી ચાલીસ સભ્યો રહી શકે તેવા ત્રણ માળનું પાક્કું ઘર બનાવી બતાવ્યું. અમરતએ મોટી હોસ્પિટલ કે સિનેમા ગૃહ જોયા નથી, બીજી નોકરી કરતી મહિલાઓની જેમ પરિવાર જોડે રજાનાં દિવસે બાગબગીચા કે રેસ્ટોરાંમાં જમ્યું નથી. એનાં કામમાં ક્યારેય રજાનો વાર જ ન આવતો. અમરતએ સાસરે આવી ભાગ્યે જ રાજકોટનું જકાતનાકું વટ્યું હશે. અમરતનાં જીવનમાં સ્ત્રી સહજ બીમારી કે મજબૂરીને કોઈ સ્થાન ન હતું. આજ સુધી મેં જોયેલી તમામ ઔરતોમાં એકાદ-બે ઔરતને બાદ કરતા અમરત બીજી કે ત્રીજી એવી ઔરતો હતી જેનો જન્મ માત્ર બીજાનાં જન્મારા સુખી કરવા માટે થયો હોય અલબત્ત અમરતનું એકસો વર્ષનું જીવન જ કામ, કામ અને બસ કામ વચ્ચે પસાર થયું..
આ જીવન મિરરનું માધ્યમ બનનાર મુરબ્બી મિત્ર પરેશ રાજગોર સાથે જ્યારે સદીની મહાન સ્ત્રીમાં જેની ગણના કરી શકાય તેવી આ મહિલાને મળવાનું થયું ત્યારે સમજાયું કે, આદિકાળથી આધુનિક યુગ સુધી સમાજનાં દરેક ક્ષેત્રમાં મહિલાઓનું મહત્વ અને વર્ચસ્વ શું કામ છે? જે મહિલાને મહિલા દિવસ શું છે એ ખબર નથી એ મહિલાની મહિલા દિવસને સમર્પિત કહાણી..
એનું નામ અમરત બારૈયા છે. બધા એને અમરત બા કહી બોલાવે છે.
અમરત બાની ઉંમર પૂરા સો વર્ષ છે. અમરત બાનો જન્મ ચોટીલા પાસેનાં જીંજુડા ગામે થયો છે. એ ૧૪ વર્ષનાં હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનાં એક નાનકડાં ગામ જીંજુડામાંથી પરણીને રાજકોટનાં રાજપૂતપરામાં સાસરે આવેલાં. અમરત બા અભણ છે. એ સમયે છોકરીઓને અક્ષરજ્ઞાન આપવામાં આવતું નહીં અને નાની ઉંમરે બાળવિવાહ થઈ જતા. ૧૪ વર્ષની ઉંમરે સાસરે આવી અમરતએ પતિ લક્ષ્મણને મદદરૂપ થવાનું વિચાર્યું. મોંઘવારી તો પૈસાનો જન્મ થયો એ દિવસની હતી એટલે અમરતએ બે-ચાર આનામાં લોકોનાં એઠા ઉટકવાનું કામ શરૂ કર્યું. જુવાન અમરતનું કામ એકદમ ચપળ અને ચોખ્ખું. તેને ઘર દીઠ સાફ-સફાઈનાં મહિને કુલ ત્રણ રૂપિયા મળતા. ધીમેધીમે તો અડધા રાજપૂતપરાનાં પરિવારોમાં અમરત કામે જવા લાગી. ૧૪ વર્ષની ઉંમરે પારકા ઘેર કામ કરવા જનાર અમરત બાએ પોતાના જીવનનાં ૮૪ વર્ષ પારકા ઘર કામ કર્યા. હમણાં બે વર્ષ અગાઉ ૯૮ વર્ષની ઉંમરે તેણે ઘરકામ બંધ કર્યું અને આજે પણ સો વર્ષની ઉંમરે સદી જીવી ગયેલાં અમરત બાની તંદુરસ્તી જળવાઈ રહેલી છે. તેઓ પોતાના ત્રણ માળનાં મકાનમાં આરામથી ચઢી-ઉતરી શકે છે. કોઈપણ પ્રકારની દવાનું સેવન કરતા નથી. જમવામાં કે જીવવામાં કોઈ પરેજી પાળતા નથી. તેઓ તન અને મનથી સંપૂર્ણ તંદુરસ્ત છે.
નાનપણમાં ગામડેથી રાજકોટ શહેરમાં પરણીને આવેલી ૧૪ વર્ષીય અમરત સવારથી સાંજ સુધી પારકા ઘરનાં ઠામ-વાસણ માંજવા જાય. વધતા સમયમાં મસાલાઓ ખાંડે. ક્યારેક કોલસાનાં ડેલામાં જઈ કપચી કોલસાની બોરીઓ સારે. નાની-મોટી મજૂરી કરવામાં અમરત ક્યારેય પાછી ન પડે. આસપાસ કે ગમે ત્યાં, કોઈપણને ત્યાં સારા-માઠા પ્રસંગે અમરત રસોઈમાં મદદ કરવા અને વાસણ ધોવા પહોંચી જાય. ઘરકામ કરવામાં અમરતની આવડત જોઈ ભલભલા મોમાં આંગળા નાખી જતા.
સમયની સાથે અમરતએ એક પછી એક છ દીકરા અને બે દીકરીને જન્મ આપ્યો. દીકરા-દીકરીઓ જેમજેમ મોટા થતા ગયા તેમતેમ અમરતબેન તેમને ભણાવતા ગયા. બધા દીકરા-દીકરીઓ પણ પોતાની માને મદદ કરાવે. જોતજોતામાં આ કુટુંબનાં દરેક સભ્ય પારકા ઘરકામમાં જોડાઈ ગયા. બધા પોતાનાથી બનતું અમરત માને કામમાં સહાયરૂપ થાય. કોઈ ફળિયું ધોવે, કોઈ વાસણ વીછડાવે, કોઈ ઓસરી વાળી આપે, કોઈ કચરા-પોતા કરાવે તો કોઈ કપડાં ધોવડાવે.. સાથેસાથે અમરત મા આઠેય સંતાનોનાં ખર્ચા ઉઠાવે, ભણાવે અને આગળ જતા બધાને મેટ્રિક સુધી ભણાવી-ગણાવી પગભર બનાવી પરણાવ્યા પણ ખરા.. આજે તેમનાં દીકરા-દીકરીનાં સંતાનોનાં સંતાનોને ત્યાં સંતાનો છે. હાલમાં અમરત બાનાં પારિવારિક સભ્યોની સંખ્યા ૪૦ જેટલી છે અને બધા એક જ છત નીચે અમરત બાનાં પરસેવાથી ભેગી કરેલી પાઈપાઈથી બંધાવેલા પાક્કા મકાનમાં રહે છે.
અમરત બા જ્યારે પરણીને સાસરે આવેલાં ત્યારે એમનું રાજપૂતપરાનું મકાન કાચું ચૂના-માટી અને નળિયાનું હતું. નવ પરણિત અમરતએ પતિનું ઘર સંભાળતા, સાસુ-સસરાની સેવા ચાકરી કરતા, બાળકો ઉછેરતા અને સાંસારિક જીવનની નાની-મોટી જવાબદારીઓ અદા કરતા પોતાનાં જીવનનાં સાડા આઠ દસક સુધી પારકા ઘેર કામ કરી કરીને મોંઘાદાટ શહેરોમાં ગણના થતા રાજકોટ શહેરમાં ઈંટ, પથ્થર અને સિમેન્ટનું પાક્કું ઘરનું ઘર ઉભુ કર્યું. આટલું જ નહીં પરંતુ વાર-તહેવારે કૌટુંબિક વહેવારો સાચવતા ગયા. એક પછી એક આઠ સંતાનોનાં વિવાહ પ્રસંગ આવ્યા. આગળ જતા સંતાનોનાં સંતાનોનાં માંગલ્ય પ્રસંગની ઘડીઓ આવી. સાસુ, સસરા અને મા-બાપ પરધામે ગયા. પતિ લક્ષ્મણ પણ છોડી ગયો. જીવન ક્યારેય સીધી લીટીનું હોતું નથી. જિંદગીની વસંત શું અને પાનખર શું? આ બધા વચ્ચે સો વર્ષની અમરત ડોશી અડીખમ રીતે પોતાની જવાબદારીઓ એક પછી એક નિભાવતી ગઈ.
આજની તારીખે પણ અમરત બાને ગુલામીનાં દિવસોની દાસ્તાન યાદ છે, તેમને આઝાદીની લડાઈઓથી લઈ ભારત-પાકિસ્તાનનાં યુદ્ધ અને દુષ્કાળ, પૂર, ભૂકંપ જેવી હોનારતો અને તારાજીઓ સાંભરે છે. જીણી આંખો કરી પાતળા અવાજે એ કહે છે કે, રાજપૂતપરામાં હું વજુની બાને ત્યાં કામે જતી. નંદુબેન એનું નામ. આજે તો વજુ મોટો માણહ છે. પછી એને આગળ શું બોલવું એ સૂઝતું નથી. ઘર કામ કરીને એમનાં હાથ બરછટ થઈ ગયા છે. શરીરે કરચલીઓ પડી ગઈ છે. જો કે યાદશક્તિ અને નજરો હજુ પ્રમાણમાં સારી છે. થોડીવાર રહી એ કહે છે, હું જ્યાં કામ કરવા જાઉં ત્યાં પોતાનું ઘર સમજી કામ કરતી. આજેય સંઘાય જોડે સંબંધુ છે. પારકા ઘેરનું કામ ક્યારેય પારકું ગણી નથ કર્યું. અમરત બાની આ વાતોમાં એમનાં દીકરા અને તેમની વહુઓ અને અને દીકરાનાં દીકરા અને એમની વહુઓ પણ હકારમાં હાજરી પૂરાવે. કેટલાંક ઘરોમાં અમરત બા જ્યારે ઠામ ઉટકવા જતા ત્યાંથી વધ્યું ભાણું આપતા. અમરત બા એ થેલીમાં નાખી લઈ આવતા તો એક દિવસ એ જ્યાં કામ કરવા જતા ત્યાં શેઠાણીને આ લાગી આવ્યું. એણે અમરત બાને થાળી લઈ આપી. આ રીતે અમરત બાને એની જૂની શેઠાણીઓ ક્યારેક સાડલો મોકલે તો ક્યારેક મીઠાઈ અને ફરસાણનાં પડીકા. જોડે એવું પણ કહેણ આવે કે, અમરત બા જેવું ઘરકામ કરવાવાળું કોઈ મળતું નથી.
અમરત જેવું ક્યાંથી કોઈ મળી શકે? અમરત જેવી સ્ત્રીઓ સદીમાં એક થાય છે. જે સદી સુધી જીવી જાણે અને સદીની મહાન સુંદર સ્ત્રીઓ, મહિલા ઉદ્યોગ સાહસિકો, શ્રેષ્ઠ નાયિકાઓ, આદર્શ સ્ત્રી પાત્રોમાં ગણના થયા વિના પણ સદીની મહાન મહિલા હોવાનું પુરવાર કરે. મહિલા દિવસ નિમિત્તે એકસો વર્ષનાં અમરત બાને જાજેરા અભિનંદન..

જીવન મિરર : જો દરેક દીકરી, પ્રત્યેક મા, હરેક છોકરી, બધી બહેનો, સઘણી સ્ત્રીઓ.. અમરત જેવી બનવાનું, જીવન જીવવાનું નક્કી કરી જાણે તો?