એક અસાધ્ય રોગ સામે અવેરનેસ ફેલાવી અસાધારણ પરિણામ અને પરિવર્તન લાવનારા અરુણ દવેને તમે ઓળખો છો?

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

લોકલ કક્ષાએ જેની નોંધ ન લેવાઈ તેની ગ્લોબલ પ્લેટફોર્મ પર પ્રસંશા થઈ

આજે એક એવા વ્યક્તિત્વની વાત જે યોગ્ય માર્ગદર્શનનાં અભાવે ડોક્ટર ન બની શક્યા તો માતાપિતાએ એને શિક્ષક બનાવ્યા. આગળ જતા એમણે એ કરી બતાવ્યું જે કોઈ ડોક્ટર, શિક્ષક કે અન્ય વ્યક્તિ કરી તો શું વિચારી પણ ન શકે.
એનું નામ અરુણ દવે. બધા એને અરુણ દવે એઈડ્સવાળા કહી બોલાવે. રાજકોટમાં જન્મી, રહીને સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર અરુણ દવેને વિજ્ઞાન વિષય ગમતો. તેમનું સપનું મોટા થઈને ડોક્ટર બનવાનું હતું. પરંતુ યોગ્ય દિશાસૂચન ન મળતા તેઓ સરકારી શાળાનાં શિક્ષક બની રહ્યા અને આજે આ આર્ટસનાં વિદ્યાર્થી અને સરકારી શાળાનાં શિક્ષક અરુણ દવે વિશ્વભરમાં એઈડ્સ અવેરનેસનો પર્યાય બની ચૂક્યા છે.
એક્વાયર્ડ ઈમ્યુનોડેફિશ્યન્સી સિન્ડ્રોમ એટલે કે ફક્ત એઈડ્સનું નામ સાંભળી ભલભલાને પરસેવો છુટી જાય તેવાં એઈડ્સ અવેરનેસની છેલ્લાં ત્રણ દાયકાથી સંપૂર્ણ તન-મન-ધનથી ક્રાંતિકારી કામગીરી કરી રહ્યા અરુણ દવેનાં બાને ૧૯૮૧ની સાલમાં ગર્ભાશયનું કેન્સર થયું. એ સમયે તેમણે કેન્સર જાગૃતતા અભિયાન શરૂ કરવાનું વિચાર્યું. વિશ્વમાં દર વર્ષે લાખો લોકો કેન્સરથી મૃત્યુ પામે છે ત્યારે કેન્સરથી બચવા શું કરવું, તેનાં લક્ષણો અને કેન્સર બાદની સારવાર અંગે અરુણ દવેએ જરૂરિયાતમંદોને જાણકારી આપવાનું કામ શરૂ કર્યું. કેન્સર પરનાં કોઈ ખાસ પુસ્તકો કે ઈન્ટરનેટ ન હોવાથી તેમણે ડોક્ટર્સને મળીને માહિતીઓ એકઠી કરી. ધીમેધીમે કેન્સર વિશે તેઓ બીજા કેન્સરનાં ડોક્ટર પાસે ન હોય એટલું જ્ઞાન ધરાવતા થઈ ગયા. આ બધું એકધારું પાંચ-છ વર્ષ સુધી ચાલ્યું.
૧૯૮૬ની સાલમાં કેન્સર વિષયક એક ડોક્ટર્સ મીટમાં અરુણ દવેને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે ચર્ચામાં કેન્સર કરતા પણ જીવલેણ જણાતા ગંભીર રોગ એઈડ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એચઆઈવી નામનાં વાયરસ અંગે અરુણ દવેને સંશોધન કરતા જાણ થઈ કે જો એઈડ્સ સામે જાગૃતતા કેળવવામાં નહીં આવે તો એક દિવસ એઈડ્સ નામની બીમારી પૂરા વિશ્વનો અંત લાવશે. એઈડ્સ તો કેન્સર કરતાં પણ વધુ ગંભીર અને જીવલેણ છે. જેમાં એઈડ્સ ફેલવવાનાં કારણોમાં અસુરક્ષિત શારીરિક સંબંધ, એઈડ્સ વાયરસગ્રસ્ત સોય કે સીરીન્જનો ઉપયોગ અને એચઆઈવીગ્રસ્ત લોહી ચડાવવું મુખ્ય કારણ છે. એઈડ્સ થવાના મુખ્ય કારણોમાં અસુરક્ષિત શારીરિક સંબંધ સિવાયનાં કારણોમાં ડોક્ટરે સાવચેતી રાખવાની હોય છે. માત્ર શારીરિક સંબંધોમાં જ માણસે તકેદારી રાખવી પડે. આથી અરુણ દવેએ રેડલાઈટ એરિયામાં જઈને એઈડ્સ અવેરનેસ કેમ્પેઈનનાં ભાગરૂપે દેહ વ્યાપાર કરતી મહિલાઓમાં અસુરક્ષિત યૌન સંબંધ ન બાંધવા અંગે જાગૃતતા ફેલવવાનું ક્રાંતિકારી કદમ ઉઠાવવાનું નક્કી કરી લીધું.
૧૮૮૬ની સાલમાં એઈડ્સ નામનાં રોગે ભારતમાં દસ્તક દીધી. ૧૯૮૮ની સાલમાં અરુણ દવેએ એઈડ્સ પ્રિવેન્શન ક્લબની સ્થાપના કરી આ જીવલેણ રોગ સામે વૈશ્વિક કક્ષાએ જંગ છેડી.
સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા અને શિક્ષકની ફરજ બજાવતા અરુણ દવે જ્યારે રેડલાઈટ એરિયામાં એઈડ્સ અવેનરેસ કેમ્પેઈન ચલાવ્યું ત્યારે તેમનાં ઘર-પરિવાર અને સમાજમાં ઉહાપોહ મચી ગયો. અરુણ દવે વેશ્યા વિસ્તારમાં એચઆઈવી જાગૃતતા માટે જતા એટલે કુટુંબી સભ્યો અને સ્કૂલમાં નોકરી કરતાં ઉપરી અધિકારી અને સહ કર્મચારીઓએ પણ અરુણ દવેથી આભેડછેટ રાખી. અલબત્ત આ દંભી સમાજ સિવાય રેડલાઈટ એરિયામાં પણ અરુણ દવેનો સદંતર બહિષ્કાર થયો.
કોઇપણ નવતર વિચાર પહેલાં તિરસ્કાર અને પછી જ સ્વીકાર પામે એ જાણતા અરુણ દવેએ એઈડ્સ રોગ સામે બાથ ભીડવાની જાણે નેમ લઈ લીધી હતી. છેક ચાર વર્ષની અથાક તપસ્યા પછી માંડમાંડ તેમને રેડલાઈટ એરિયામાં પ્રવેશ સાથે કોઈ વાત સંભાળનાર મળ્યું પણ સ્વીકારનાર કેટલા? જોકે તેમણે એનો પણ રસ્તો શોધી કાઢ્યો.
અરુણ દવે રેડલાઈટ એરિયામાં જઈ નાના બાળકોને ભણાવે, ગરીબ બાળકોને નાની-મોટી વસ્તુઓ ભેટ આપે. તેમની જોડે શેરી રમતો રમે. નાસ્તો કરાવે. આમ, ધીમેધીમે એ બધા બાળકોની ધંધો કરતી માતાઓ સાથે અરુણ દવેનો પરિચય થતો ગયો. લાગણીનાં સંબંધો બંધાયા અને અરુણ દવેનાં રાહબળ હેઠળ હજારો વેશ્યાઓએ દેહ વ્યાપાર બંધ કરી અન્ય વ્યવસાયમાં જોડાઈ. આટલું જ નહીં એઈડ્સગ્રસ્ત લોકોનાં સંતાનોને દત્તક લેવાથી લઈ તેની રહેવા-જમવા અને ભણવાની જવાબદારી પણ અરુણ દવે ઉઠાવવાનો નિર્ણય કરી લીધો. એઈડ્સ સંલગ્ન ઐતિહાસિક કામગીરીએ હવે અરુણ દવે અરુણ એઈડ્સવાળા તરીકે એઈડ્સનો પર્યાય બનાવી દીધા હતા. ટૂંકમાં એઈડ્સ અવેરનેસ સિવાય એઈડ્સ એજ્યુકેશન, હેલ્પ, ગાઈડેન્સ એન્ડ અરુણ દવે એક સિક્કાની બે બાજુઓ બની ગયા.
૧૯૯૫ની સાલમાં અરુણ દવેએ વિશ્વભરમાં સૌ પ્રથમ વખત એઈડ્સ મોબાઈલ હેલ્પલાઇન શરૂ કરી. ૨૦૦૭ની સાલમાં તેમણે એઈડ્સ અંગેનું સામાયિક પણ બહાર પાડ્યું. અનેક સંસ્થા, શાળા-કોલેજ અને યુનિ.ને પોતાના એઈડ્સ કેમ્પેઈનમાં સામેલ કરી. રાજકોટમાં જ અરુણ દવેએ શાળા, વિદ્યાર્થી અને વાલીઓ સંગે મળી એઈડ્સ એવરનેસનું પ્રતિક ગણાતી રેડ રિબન બનાવવાનો વિશ્વ વિક્રમ ત્રણ-ત્રણ વાર સર્જ્યો. જોતજોતામાં તો who, unaids, undp, unesco, uno, unicef વગેરે જેવી સંસ્થાઓએ અરુણ દવેની એઈડ્સ અવેરનેસ કામગીરીની નોંધ લેતા વૈશ્વિક કક્ષાએ તેમને બિરદાવ્યા. વિદેશમાં યોજાતી એઈડ્સ કોન્ફરેન્સમાં તેમને અવારનવાર તેડાવવામાં આવ્યા.
સૌ પ્રથમ કેન્સર અને ત્યારબાદ એઈડ્સ અવેરનેસથી અનેક જિંદગીઓને નવસર્જન આપનાર અરુણ દવેએ ઘણાબધા લોકોને આત્મહત્યા કરતા બચાવ્યા છે. જીવનમાં બીમારી અને સંબંધોથી કંટાળી ગયેલાઓને વૈજ્ઞાનિક અભિગમથી સાચી અને જરૂરી માહિતી આપી તેઓ દુઃખિયાનાં બેલી બન્યા છે. યુવા સમસ્યા અને પારિવારિક પ્રશ્નોનાં નિરાકરણથી લઈ પ્રિ-મેરેજ એન્ડ મેરેજ કાઉન્સેલિંગમાં તેમની હથોટી છે. વળી, શિક્ષકો હોય કે મોટીવેશનલ ગુરુ કે કોઈ મલ્ટીનેશનલ કંપનીનાં કર્મચારીઓ.. અરુણ દવેને સૌનાં ગાઈડેન્સ સેમિનાર લેવાનાં આમંત્રણ આવે.
દિવસે શાળાએ બાળકોને ભણાવી, અન્ય કામકાજ પતાવી અરુણ દવે વધતા સમયમાં ફેસબુક પર એક એઈડ્સ અવેરનેસનું પેઈજ ચલાવે છે. જેમાં ૨૦૦થી વધુ દેશોનાં યુવક-યુવતીઓ સાથે તેઓ સીધા સંપર્કમાં જોડાયેલા છે. આખી રાત તેઓ એ ફેસબુક પેઈજ અને પોતાના મોબાઈલ હેલ્પલાઈન નંબર ૯૮૨૫૦૭૮૦૦૦ દ્વારા લાખો લોકોમાં એઈડ્સ અવેરનેસ ફેલાવે. અલબત્ત અરુણ દવે પોતાના એઈડ્સ અવેરનેસ ફેસબુક પેઈજને પોતાની સૌથી મોટી ઉપલબ્ધી ગણાવે છે.
આજ સુધીમાં ૪૦ જેટલા ડોગ શો યોજનાર અરુણ દવે પ્રાણી અને પ્રકૃત્તિ પ્રેમી છે. કુદરત સાનિધ્યમાં ફોટોગ્રાફી કરવાનો અને સંગીત સાંભળવા-ગાવાનો તેમને જબરો શોખ છે. ઈશ્વર પર અપાર શ્રદ્ધા અને સ્વાયમાં અખૂટ આત્મવિશ્વાસ ધરાવતા અરુણ દવે ભવિષ્યમાં એઈડ્સની દવા શોધાઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે તેમજ તેઓ એઈડ્સ વિષય પર એક ફિલ્મ બનાવવા પણ ઈચ્છે છે. અરુણ દવે એઈડ્સવાળા એક સારા મિત્ર, મદદગાર અને માર્ગદર્શક છે.

બોક્સ : અરુણ દવેએ છેલ્લાં ત્રણ દાયકાનાં જીવનમાં ત્રણ લાખ જેટલાં એઈડ્સગ્રસ્ત લોકોનાં જીવનને નજીકથી નિહાળ્યું. એચઆઈવી વાઈરસની વિકરાળ વાસ્તવિકને તેઓ મોરની કળા જેવી ભદ્ર સમાજની વચ્ચે લઈ આવી કોઈની પરવા કર્યા વિના એઈડ્સ અવેરનેસ ફેલાવતા રહ્યાં છે. આ કામગીરીમાં તેમને અનેક જાતભાતની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે, કરી રહ્યાં છે. એઈડ્સ અવેરનેસ કેમ્પેઈન થકી તેઓ એઈડ્સગ્રસ્તની દર્દીઓની સારવાર કરનારા મસીહા કહેવાયા. ધર્મ કે શર્મની લઘુતાગ્રંથીને ત્યજી તેમણે એ કરી બતાવ્યું જેનો વિચાર પણ માણસને સંકોચ જન્માવે છે. અરુણ દવેની સમાજ અને એઈડ્સ રોગ સામે જાબાજ મર્દાનગી દાખવવાનું પરિણામ એ આવ્યું કે, આજે એઈડ્સ જેવો ભયંકર રોગ કંટ્રોલમાં છે. આ અંગે લોકોમાં જાગૃતતા આવી રહી છે. શું તમને સવાલ નથી થતો કે, જો અરુણ દવેએ જ્યારે એઈડ્સ અવેરનેસ કેમ્પેઈનની શરૂઆત કરી ત્યારે તેનો વિરોધ થતા તેમણે એઈડ્સ અવેરનેસ કેમ્પેઈન બંધ કરી દીધું હોતું તો?