એક પચ્ચીસ વર્ષનો છોકરો સરહદેથી કહેડાવે છે : સમાજ-દેશ પાસે મેળવવાની નહીં, આપવાની ભાવના રાખો..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

એનું નામ પાર્થિક છે. આખું નામ પાર્થિક કાલરીયા. પાર્થિકનાં પિતાનું નામ મનસુખભાઈ અને માતાનું નામ નીતાબેન છે. પાર્થિકની ઉંમર ૨૫ વર્ષ છે. પાર્થિક ડોક્ટર છે. પાર્થિક ભારતીય સેનામાં છે. ભારતીય સેનાનાં વીર જવાન કેપ્ટન ડો. પાર્થિક કાલરીયાનું જીવન મિરર તેનાં શબ્દોમાં..
મારો જન્મ એ સમયનાં જામનગર અને હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ તાલુકાનાં સઈ-દેવળીયા નામનાં ખોબા જેવડા ગામમાં ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૩નાં રોજ થયો છે. મેં બાલમંદિરથી આઠમાં ધોરણ સુધીનો અભ્યાસ મારાં ગામની સરકારી તાલુકા શાળા સઈ-દેવળીયામાં કર્યો છે. હું નાનપણથી દર ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટના શાળાના ધ્વજવંદન કાર્યક્રમમાં અચૂકપણે ભાગ લેતો. પિતા મનસુખભાઈ કાલરિયા સમાજસેવક. તેમના દ્વારા દેશપ્રેમ અને સમાજસેવાના પાઠ મને ગળથૂથીમાંથી જ મળેલા. ૧૯૯૯ની સાલમાં જ્યારે હું બીજા ધોરણમાં ભણતો ત્યારે અચાનક જ કારગીલ યુદ્ધ ફાટી નિકળ્યું. તંગદિલભર્યા વાતાવરણ અને મીડિયામાં આવતાં સમાચારોએ મારાં મન-મસ્તિષ્કમાં ખૂબ ઊંડી છાપ છોડી હતી. મને પાક્કું યાદ છે ત્યારે એક સ્પર્ધામાં મળેલું ૧૫૧ રૂપિયાનું ઈનામ મેં કારગીલ યુદ્ધનાં શહિદોના ભંડોળમાં આપી દીધેલું.
શિક્ષક જ્યારે શાળામાં પૂછતા કે, તમારે મોટા થઈને શું બનવું છે? ત્યારે હું અને મારા મિત્રો એક જ જવાબ આપતા, આર્મીમેન બનવું છે. પરંતુ બાળપણનું એ આર્મીમાં જોડાવાનું સ્વપ્ન પછી વ્યવહારિક જીવનના વહેણમાં આગળ વધતાં વધતાં રસ્તામાં ક્યાં છૂટી ગયું એ ખબર ન પડી. કારણ કે, તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની કારકિર્દીનાં વિકલ્પ તરીકે ડોક્ટર અથવા એન્જિનિયર સિવાય આર્મીનો વિકલ્પ ક્યારેય કોઈએ બતાવ્યો જ નહીં. હું નવમા ધોરણમાં ગામડું છોડીને અભ્યાસર્થે રાજકોટ આવ્યો. ક્રિષ્ના સાયન્સ સ્કૂલમાંથી ધોરણ ૧૨ સાયન્સ બાયોલોજી વિષયમાં ૯૩% માર્ક સાથે પાસ કર્યું અને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન લીધું. હું ૨૦૧૫ની સાલ સુધીમાં તો ડોક્ટર બની ગયો.
એક વખત ટ્રેનમાં રાજકોટ આવતી વખતે મારી મુલાકાત એક નિવૃત ફૌજી સાથે થઈ. એમણે મને જણાવ્યું કે, એમબીબીએસની ડિગ્રી પછી પણ ડોક્ટર તરીકે આર્મીમાં જોડાઈ શકાય છે. બસ.. મેં ત્યારબાદ આ અંગે જરૂરી માહિતી ઈન્ટરનેટ પરથી મેળવી, ઈન્ટરવ્યુ માટેની તૈયારી કરી. પૂણેની રક્ષા હોસ્પિટલમાં ઈન્ટરવ્યુ આપ્યું. શારીરિક તપાસ અને બીજા જરૂરી તબીબી ટેસ્ટ પાસ કરીને ઘરે આવ્યો. પરિણામ એક મહિના પછી જાહેર થવાનું હતું.
આ સમય દરમિયાન મેં રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં નોકરી સ્વીકારી. એક દિવસ ગાંધીનગર જઈને ગુજરાત સરકારની તબીબી અધિકારી વર્ગ-૨ની જગ્યા માટેનું ઈન્ટરવ્યુ આપું અને તેનો નિમણૂક ઓર્ડર પણ આવી ગયો.
૧૬ મે ૨૦૧૬ના રોજ ધોમધખતા બપોરે જ્યારે મવડી વિસ્તાર આરોગ્ય કેન્દ્રની ઓપીડી પૂરી કરી ઘરે આવ્યો ત્યારે હાથમાં એક સીલબંધ કવર મળ્યું. એ ઉઘાડતા હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું. “Congratulations! You Are Selected In Armed Forces Medical Services.” અને ગુજરાતની બહાર એક નિશ્ચિત સેના હોસ્પીટલમાં હાજર થવાનું જણવામાં આવ્યું હતું. ખભા પર ત્રણ સિતારાનું સ્વપ્ન સાકર થવાને હવે માત્ર એક ડગલાની જ દૂરી હતી.
મારા માટે આરામદાયક એસી ચેમ્બરની ફિક્સ સમય અને પગારવાળી નોકરી, દુનિયાનો છેડો છે એ ઘર તેમજ વહાલા મમ્મીપપ્પાને છોડીને દેશનાં છેડે છેક દૂર-દૂર સરહદ પર જવું એ ઘણું અઘરું હતું. કદાચ એકના એક દીકરાને આર્મીમાં મોકલવો એ મારાં માતાપિતા માટે મારા કરતાં પણ વધારે અઘરું હશે. આખી દુનિયા મારા નિર્ણયની વિરુદ્ધમાં હતી. હાથે કરી હેરાન થવા શું કામ જાવ છો?, અહીં શું ખૂંટે છે? વગેરે જેવા યક્ષપ્રશ્નોએ મને ફરીથી વિચારવા મજબૂર કર્યો. ક્યાક મારો નિર્ણય ખોટો તો નથી ને? પરંતુ તે સમયે મારા મમ્મીપપ્પા મારી સાથે રહ્યાં અને કહ્યું કે, બેટા! તું તારે જા! અમારી ચિંતા ન કર. દેશની સેવા કર.. અને હું રાજકોટ ફરજ પરથી રાજીનામું આપી સેના હોસ્પિટલમાં હાજર થયો. મારા ખભ્ભા પર કેપ્ટન તરીકેના ત્રણ સ્ટાર લાગ્યા. ૧૯ જૂન ૨૦૧૬થી હું ભારતીય સેનામાં ડોક્ટરી સેવા આપી ફરજ બજાવી રહ્યો છું.
આર્મી તમને એવા એવા અનુભવો કરાવે છે જે ક્યારેક લાખો રૂપિયા ખર્ચતા પણ ન કરવા મળે. ડોક્ટર્સને પણ આર્મીમાં પૂરી ટ્રેનીંગ આપવામાં આવે છે. ડોક્ટર હોવા છતાં હું રાઈફલ ચલાવતા શીખ્યો, રોજનું ૫-૧૦ કિમી દોડતા શીખ્યો, નવી નવી ભાષાઓ શીખ્યો, મેં ટેન્ક ચલાવી, હું નવાનવા પ્રાંતના લોકોને મળ્યો, નવાનવા મિત્રો-ગુરુઓ બન્યા, નવાનવા ઘણા બધા સ્થળોએ ફર્યો. લખનઉની આગ દઝાડતી ગરમી અને કાશ્મીરની હાડ થીજાવનારી ઠંડી સહન કરી. માઈનસ પચ્ચીસ ડીગ્રીની ઠંડીમાં કેવી રીતે જીવવું અને પ્લસ પચાસ ડીગ્રી ગરમીમાં કઈ રીતે જીવવું એ મને આવડી ગયું છે. મારી ટ્રેનીંગ પછી મેં હેડકવાર્ટરમાં પત્ર લખીને જમ્મુ કશ્મીરનાં સૌથી વધુ ઊંચાઈવાળા સિઆચેન માટેનું પોસ્ટિંગ માગ્યુ. જેથી કરીને હું જાણી શકું કે, ભારતના જવાનો દેશની રક્ષા માટે કેટલી કઠોર પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે. આ સાથે હું પણ તેમનો એક ભાગ બની શકું. તેમનો હમદર્દ બની દર્દને વહેંચી શકું.
આજે ગુજરાતનાં ઘણા ઓફિસર્સ ભારતીય સેનામાં કાર્યરત છે જે ગુજરાત માટે ગર્વની વાત છે. અને હવે ધીમેધીમે ગુજરાતમાંથી સેનામાં જોડાતા ઓફિસર્સની સંખ્યા વધી રહી છે. આ અંગેની જાગૃતતા જરૂરી છે. કારણ મારું માનવું છે કે, આપણે સમાજ પાસેથી કશુંક મેળવવાની આશાથી કામ કરવા કરતાં સમાજ અને દેશને કશુંક આપવાની ભાવનાથી કામ કરવું જોઈએ. કારકિર્દીના વિકલ્પ તરીકે આર્મી એક ઉત્તમ વિકલ્પ છે જે પોસ્ટ ગ્રેજ્યુએશન માટેના વિકલ્પો પણ પૂરા પાડે છે.
આર્મી એટલે શિસ્ત, ત્યાગ અને સમર્પણ. સ્વાર્થ અને સ્વનો ત્યાગ, અને પોતાના જીવનનું દેશ માટે સમર્પણ. અહીં કોઈ લોભ કે લાલચને સ્થાન મળતું નથી. બે દુશ્મનોને વધુ મારી નાખવાથી કોઈને ફાયદો થતો નથી. તેમ છતાં આપણાં જવાનો સામી છાતીએ લડવા હમેશા તત્પર હોય છે. આર્મીને જરૂર છે આવા જ Self-Motivated જવાનોની. એટલા માટે તો ભારતીય સેનાને ક્યારેય લોભામણી જાહેરખબરો નથી આપવી પડતી.
એક ડોક્ટર તરીકે મેં જવાનોના વૃદ્ધ માબાપની વેદના પણ જોઈ છે અને જ્યારે બર્ફીસ્તાનમાં ફસાયેલા જવાનોના ઘરેથી અમંગલ સમાચાર મળે ત્યારે એની કરુણતાને પણ અનુભવી છે. જ્યારે એકનો એક પુત્ર છથી આઠ મહિના સુધી ઘરે ન આવી શકે ત્યારે બીમારીથી અધમૂઆ થઈ ગયેલા ઘરડાં માબાપની દર્દભરી દાસ્તાન સાંભળીને હ્રદય દ્રવી જાય છે. આર્મી બલિદાન માંગે છે, માત્ર પ્રાણનું નહીં, સ્વાર્થ અને સુખસગવડતાનું પણ. મેં અને મારા માતાપિતાએ પણ અમારા સપનાં અને સુખ-સુવિધા બાજુ પર રાખી દેશસેવામાં જીવન સમર્પિત કર્યું છે. બસ.. જયહિંદ..

જીવન મિરર : ભારતીય સેનામાં જોડાવવું એક ગૌરવપૂર્ણ બાબત છે. દેશ માટે કઈક કરી છુટવાની તમન્ના અને સાહસશક્તિ હોય તો સેનામાં અવશ્ય જોડાવવું જોઈએ. ઘણાબધા લોકોને સરહદ પર જઈને સિપાહી. કેપ્ટન, મેજર બનવું હોય છે પણ હકીકતે સેનામાં જોડાવવાનું આવે, દુશ્મનનો સામી છાતીએ સામનો કરવાનું આવે અને ઘર-પરિવારથી મહિનાઓ સુધી દૂર રહેવાનું આવે ત્યારે ભલભલા ભડવીરોનાં દેશસેવાનાં નશા ઉતરી જાય છે. ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ સરહદે જઈ દેશની સુરક્ષા કરવાની તૈયારી બતાવે તો મિત્રો-પરિવાર સેનામાં જતાં રોકી લે છે. જો ખુદ પાર્થિકની જેમ કોઈ વ્યક્તિ સ્વયં કે પાર્થિકનાં માતાપિતાની જેમ તેનાં સંતાનો સેનામાં જોડાવવા જતા હોય ત્યારે હવનમાં હાડકાં નાખવાની બદલે તેને હિંમત આપે તો?