એજ્યુકેશન…. લર્ન બી ફોર ટીચ…..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 votes, average: 5.00 out of 5)
Loading...

મારા જીવનનાં ચાલીસથી વધારે વર્ષો હું શિક્ષક રહ્યો છું અને હું તમને કહેવા માગું છું કે વિદ્યાર્થીઓમાં બુનિયાદી કોઈ જ ખરાબી નથી. આપણે એમને તકો આપતા નથી જે એમનો અધિકાર છે. ઓક્ટોમ્બર ૧૯૫૫ની સાલમાં ગુજરાત વિશ્વવિદ્યાલયનાં દીક્ષાંત સમારોહમાં ભારતનાં ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણે વર્ષો પહેલા કહેલાં શબ્દો આજે પણ અને આવતી કાલે પણ આટલા જ જીવંત અને યથાર્થ રહેવાના છે.
શિક્ષણ પ્રથા બરાબર નથી એવું એક સદી પહેલા પણ ચર્ચાતું હતું, આજે પણ ચર્ચાતું રહે છે અને આવનારા વર્ષો સુધી શિક્ષણની અયોગ્ય પ્રણાલી પર સવાલ યા નિશાન ઉઠતાં રહેવાના છે. પહેલા પણ પરીક્ષા પદ્ધતિ યોગ્ય ન હતી. આજે પણ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની વાત ઉછળે છે, અને આવનારા વર્ષો સુધી શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર થઈ પરીક્ષણ થતાં રહેવાના છે. ક્યારેક પાણી માથા પર ચડી જાય ત્યારે ઉહાપોહને શાંત પાડવા કેટલાક ભણેલા અભણ સરકારી બાબુઓ સિસ્ટમ બદલવાની વાત કરી સિલેબસ ફેરવી કાઢે છે! હકીકતમાં ચોઈસ બેઈઝ ક્રેડિટ સિસ્ટમ હોય ત્યાં માત્ર વિષય જ નહીં પરંતુ વિષયને અનુરૂપ શિક્ષક પસંદ કરવાની સુવિધા પ્રાપ્ત થવી જોઈએ. પ્રજાહીત માટે પ્રતિનિધિ તરીકે કાર્ય કરતાં નેતાઓ ચુટવાનો હક હોય, દોસ્તથી લઈ લાઇફ પાર્ટનરની પસંદગીનો મોકો મળતો હોય તો લોકશાહીમાં પ્રોફેસર પસંદ કરવા કેમ મળતા નથી?
રવિન્દ્રનાથ ટાગોરે ડિસેમ્બર ૧૯૩૩ની ૧૯મી તારીખે જણાવ્યું હતું કે, ‘શિક્ષક કેવી રીતે શીખવી શકે જો એ પોતે જ શીખતો ન હોય? એક દીવો બીજા દીવાને કેમ પ્રગટાવી શકે જો એ ખુદ જ જલતો ન હોય?’ શિક્ષણ આપવા શિક્ષકોએ કાયમી ધોરણે સ્વયં શીખતા રહેવું પડશે. આથી જ આપણી માન્યતા મુજબ બી.એડ. + એમ.એડ. + એમફિલ + પીએચડી કરેલ વ્યક્તિ પૂર્ણ શિક્ષિત ગણાય શકે લેકિન તેમને કાયમી શિક્ષણ આપતા રહેવા વિદ્યાર્થી બની જીવવું પડશે. સરસ્વતીનાં સેલ્સમેનની ભૂમિકા ભજવવી પડશે. જ્ઞાન એ આપ-લે વિના ટકતું નથી. લક્ષ્મીનો સંગ્રહ કરો તેમ વધે અને સરસ્વતીને વાપરો તેમ વધે. જેમ લક્ષ્મી અને સરસ્વતી ટકાવી રાખવાનો નિયમ સરખો નથી. એ પ્રકારે લક્ષ્મીને પામવાનો માર્ગ સરસ્વતી થકી જ ગુજરે છે. એ ટીચર અને સ્ટુડન્ટ બંને એ યાદ રાખવા જેવું છે.
શિક્ષકએ માત્ર સારું શીખવાડનાર જ નહીં પરંતુ દુર્ગુણો ભગાડનાર પણ હોવો જરૂરી છે. આપણા સૌની કેટલીક ખરાબીઓ જેવી કે ખરાબ અક્ષરો, ખોટું બોલવુંથી લઈ વ્યસનો સુધીની ગંદી આદતોને ફટકાર અને નિયમિતતા, સ્વચ્છતા જેવા ગુણોને આવકારનો અનુભવ બધા શિક્ષકોની સાથ અલગ-અલગ રીતે જોડેયેલો છે.
ટીચરનું કાર્ય માત્ર માહિતી આપવાનું જ નથી અને સ્ટુડન્ટનું કામ ફકત માહિતી મેળવવાનું નથી. શિક્ષણની મુખ્ય ત્રણ સ્થિતિ માહિતી-ઈન્ફર્મેશન, જ્ઞાન-નોલેજ અને પ્રજ્ઞા-વિઝડમ પૈકીની મહત્વની સ્થિતિ પ્રજ્ઞા છે. શિક્ષક એ પ્રજ્ઞાને શિક્ષણનાં માધ્યમથી વિદ્યાર્થીમા પડેલી શક્તિને ત્યારે જ બહાર લાવી શકે જ્યારે તે માસ્ટર નહીં પરંતુ મિત્ર બની રહે. દોસ્તો જો ટીચર ન બની શકે તો ચાલે પરંતુ જો શિક્ષક દોસ્ત ન બની શકે તો બધુ નકામુ એટલે જ તમારા ગાઈડ ગાળો આપે કે ગૂડ આપે ક્યારેય તેમના પ્રત્યે દુર્વ્યવહાર ન કરવો. સા વિદ્યા યા વિમુક્તે.
‘આ એવા લોકો છે જે ‘નૂન’માં કામે આવે છે અને ‘આફ્ટર નૂન’માં ઘેર ચાલ્યા જાય છે.’ જયપ્રકાશ નારાયણના આ વિધાન સાથ હું અંગતપણે ક્યારેય સહમન ન થઈ શકું, તટસ્થતાથી વિચારી શકું છું.
શિક્ષકનું કામ સમાજ સુધારક સેવકનું છે કે નહીં તે ડિબેટનો સબ્જેક્ટ નથી, પણ હા, શિક્ષણમાં જ્ઞાન એ માત્ર ક્લાસરૂમમાં બેઠેલા બાળકોને આપવાની ક્રિયા નથી. શિક્ષણ એ પોતાના ઘરથી શરૂ કરી પૂરી દુનિયાને દેવાની કલા છે. આથી જ મારા જીવનનાં ચૂનીંદા મનપસંદ પોફેસર્સનાં પિતા અને સંતાનો આજે શિક્ષક છે. જ્ઞાનથી મોટો કોઈ વારસો ન હોઈ શકે.
હું કોલેજકાળમાં હતો ત્યારે કૉલેજના એક વિદ્યાર્થીપ્રિય પ્રોફેસર રાણપુરા સર હતા. કદાચ કોમર્સ લાઈનમાં હોવા છતાં મારા સાહિત્યના શોખને બહાર લાવી મારી પ્રગતિના એક પોષક એ પણ છે. ત્રણ વર્ષ પહેલા મે એમને મારી એક વાર્તા વાંચવા આપેલી ત્યારે તેમના શબ્દો હતા, ‘મુકદરમાં હશે તો પ્રતિભાવ આપીશ. સલામ..’ બીજે દિવસે તેઓ ક્લાસરૂમમા એકલા હતા ત્યારે તેમનું હાર્ટએટેકથી મૃત્યુ થઈ ગયું… શું હોય છે દેશના ભવિષ્યને ઘડનારનું ભવિષ્ય? અને તેમના પરિવારનું વર્તમાન?. આજે રાણપુરા સરનો સન શિક્ષક છે.
મારી એમ.ટી. ધમસાણિયા કોમર્સ કૉલેજના પ્રિય પ્રિન્સિપાલ ડૉ. વિજય પટેલ સર પોતાના વક્તવ્યમાં હર વખતે એક વાક્ય અચૂક ઉચ્ચારતા, ‘મને જો કોઈ પર પૂર્ણ શ્રધ્ધા અને આસ્થા છે તો એ મારા વિદ્યાર્થીઓ પર છે.’ એક શિક્ષક આ પ્રકારનાં વિધાન કરે છે ત્યારે વિદ્યાર્થીઓ જો શિક્ષકના લાગણીશીલ ભાવને સમજી ન શકે તો તેમાં વાંક કોનો એ અભ્યાસશાસ્ત્રીઓએ શોધવું પડશે. આજનો શિક્ષક પૂર્ણ વિશ્વાસથી વિદ્યાર્થીને કઈક આપવા, બનાવવા ઈચ્છે છે તે પાછળ તેનો ગુરુધર્મ રહેલો હોય છે. કૉલેજની યંગ જનરેશનને પોતાના સંતાન માનનાર ડૉ.વિજય સરના પિતા પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે અને તેમના ધર્મપત્ની તે કૉલેજમાં જ પ્રોફેસર છે.
મારા પત્રકારત્વનાં અભ્યાસનાં પોફેસર ગાઈડ ડૉ. યશવંત હિરાણીની ગળથૂથીમાં શિક્ષણ ઉતર્યું છે. તેમના પિતા એક શાળાનાં શિક્ષક રહી ચૂક્યા છે. લક્ષ્મીની જેમ સરસ્વતીના વારસદારોની આપણે ત્યાં કમી નથી મે અહી લખ્યું એ બધા મારા ગમતીલા ગુરુ અધુરામાં પૂરું બેસ્ટ ટીચિંગ ટેક્નોલોજીની સાથ આપી રહ્યાં છે. અડધી રાતે પણ ભણતર સિવાયના સામાજીક, આર્થિક પ્રસંગોએ આગળ આવી દરેક પ્રશ્નો અને સમસ્યાનાં નિરાકરણમાં સાથ રહી સમસુખિયા-સમ:દુખિયા હોય છે. કેટલાક શિક્ષકો એવા પણ હોય છે જે શિક્ષણમય બનવા પાંચ કલાકના ચિઠ્ઠીનાં ચાકર સરકારી અધ્યાપક બનવાનું છોડી ચોવીસ કલાક શાળા સંકુલ સંભાળવાની નીડર જવાબદારી પસંદ કરતાં હોય છે મારા મોટા ભાઈ રોનક રાવલ અને તેમના પત્ની આ પ્રકારે ખાનગી પરંતુ વિદ્યાર્થીહિતની ખાસ ફરજ બજાવે છે.
ઈનશોર્ટ ટીચરદિન નિમિત્તે જ્યારે શાળા-કૉલેજના સ્ટુડન્ટ ક્લાસરુમમા શિક્ષક બની સાથી મિત્રોને કે ભવિષ્યમાં માસ્ટર બની ભણાવવા માટેની ડિગ્રી મેળવી જે શિક્ષણ આપવાના છે એ શિક્ષણ પોતાના શિક્ષકો પાસેથી જોયેલું, મેળવેલું, અનુભવેલું અને શીખવેલું શીખવવાના છે. એટલે જ બધા શિક્ષકોએ શ્રેષ્ઠ નહીં, સત્યનિષ્ઠ બનવું કેમ કે વર્ગખંડનો તેમનો વ્યવહાર વિદ્યાર્થીઓમાં ઊતરતો હોય છે. શિક્ષણને ફક્ત નિરક્ષરતા સાથ મતલબ નથી. શિક્ષણનો મુખ્ય સંબંધ માનવસમાજના આદર્શ, સિધ્ધાંત અને માનવતા-ભાઈચારા સાથે છે. શિક્ષણએ ચીજ છે જે કે.જી.થી પી.જી. લીધા બાદ પણ તમારી સાથે રહેવાનું છે. માનવીનું વ્યક્તિત્વ શિક્ષણથી ઘડાય છે. એ પ્રજાના સંસ્કાર અને વિકાસને માપવાનું સાધન છે.
ઈન્ફોર્મેશન તો હવે ગુગલના વન ક્લિક પર જોઈએ તેટલી હાજર છે બટ એ માહિતીને સાચી-ખોટી પારખી પચાવી શકે તેટલું નોલેજ ન તો પીટીસી કરેલી મેડમોમાં છે ન તો એમના શેડારા સ્ટુડન્ટ્સમાં. વ્હાય?
પોતાના સંતાનને શિક્ષણ આપનાર સંસ્થા વિષે સૌને ચિંતા છે. શિક્ષણ આપનાર શિક્ષક વિષે કેમ કોઈ ચિંતા વ્યક્ત કરતું નથી? પબ્લિક સ્કૂલો સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો સામે અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ટ્યુશન ક્લાસીસ સામે ટકતી નથી. એજ્યુકેશનનાં એજન્ટોએ માર્કસ, બેઠકથી લઈ ડિગ્રીના દામ જો નક્કી કરી રાખ્યા છે. એટલે જ સારી ફિલ્ડમાં એડમિશન લેવા માટે પૈસા જોઈએ કા પર્શન્ટેજ જોઈએ.
એક આખી ટર્મનો ઓવરલોડ સિલેબસ બે કલાકના ટ્યુશન ક્લાસમાં આરામથી પૂરો કરનાર શિક્ષક કેમ પાંચ કલાકની શાળા-કૉલેજના સેમેસ્ટરમાં એ સિલેબસ પૂરો કરવા માટે એક્સ્ટ્રા ક્લાસ યોજે છે! અહી મેનેજમેન્ટની ખામી છે, મનમેળ નથી કે જોઈતા મની નથી એ આજ સુધી મને સમજાયું નથી. જેમ ટેસ્ટ મેચનો ખેલાડી ટી-ટ્વેન્ટી મેચમાં ન ચાલે તેમ આ સ્કૂલી શિક્ષકો ટ્યુશનીયા માળખામાં ફિટ બેસતા નથી. એટલે જ અંતે બિચારા બાળકો બેમોઢાળા માપદંડમાં હાંફી જાય છે.
લેશનના ડર, ભણતરના ભાર થકી આત્મહત્યા કરનારની સંખ્યા વધુ છે કે ભણીગણી બીજાને નવજીવન આપનારનો દર વધુ છે? એ વિષય પર સાંસોધન હાથ ધરાવવું જોઈએ. પરિસ્થિતિ એવી છે કે બાળક શાળાનું હોમવર્ક ક્લાસીસમાં અને ક્લાસીસનું હોમવર્ક શાળાએ કરતો હોય છે. રિસાવવાનો સમય નથી એમાં રમવાની વાત બહુ દૂર છે. અહીયાં તો લેશન શીખવાની પ્રથા નહીં પણ સજા જેવુ હોય છે.
આપણે ત્યાં ઊચ્ચ શિક્ષણનું સ્તર બહું નીમ્ન કક્ષાનું છે. શિક્ષણદાતાઓ પુસ્તકમાં હોય તેટલું ભણાવી દેવા સિવાય વિષયને લગતા સાદર્ભિક જ્ઞાન પીરસવામાં ઉત્સાહિત હોતા નથી. શિક્ષકમાં જ્ઞાનનો ભંડાર પડ્યો હોય પરંતુ તેને વિદ્યાર્થીઓમાં વહેચવાની આવડત ન હોય તો બંને પક્ષે નિરાસતા છવાય જાય છે. જ્ઞાન સાથે ગમ્મતની વાત સરકારી પુસ્તકો અને કાર્યક્રમો પૂરતી સીમિત છે. હકીકત બાળકના બોર્ડના પરિણામ જેવી ચિંતિત કરાવતી ડરાવતી હોય છે.
શિક્ષણ અને વિદ્યાર્થીને જોડતી મહત્વની કડી શિક્ષક છે. આથી જ જ્યારે શિક્ષણપ્રથા કે શૈક્ષણિક પરિણામની વાત આવે છે ત્યારે હું શિક્ષકને કેન્દ્રમાં રાખી વાત કરવાની ઈચ્છા ધરાવું છું. આ અંગે મારી દિલી ખ્વાહિશ પણ છે કે એજ્યુ.સિસ્ટમ અને સ્ટુડન્ટને મળતી સવલત જેવા વિષયોને બાજુ પર મૂકી માત્ર વર્તમાન શિક્ષકોની ગુણવત્તા અને તેમણે મળતા વળતર પર વિચારવું. શિક્ષણ અને સ્ટુડન્ટનું મૂલ્યાંકન સૌ કરી શકે છે, પરિક્ષકનું મૂલ્યાંકન કોણ કરી આ પરિક્ષા પાસ કરી શકશે?