એરકંન્ડિશન

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (8 votes, average: 4.25 out of 5)
Loading...

કેટલાં વર્ષો થઈ ગયા ઉનાળા વિશે લખ્યા નેપ્રથમ વાર આઠમાં ધોરણમાં ઉનાળા વિશે નિબંધ લખ્યો અને સ્કૂલમાં ફર્સ્ટ આવતા કલાસ ટીચરે ટીપ્પણી કરી હતી કે, એક દિવસ આ છોકરો લેખક બનશે.. હજુ યાદ છે પ્રોત્સાહન રાશીમાં હાથ ખર્ચીના બે રૂપિયા ઉમેરી રીસેસમાં મીનાને માટલા કુલ્ફી ખવડાવીને હૈયે ટાઢકની ટંકોરીઓ વાગેલી. તે સમયે મારાં શિક્ષક સાચા હતાં. છેલ્લાં વીસ વર્ષથી કર્ણાવતી દૈનિક નામનાં પ્રસિધ્ધ અખબારનો તંત્રી.. આજે અચાનક રાઓલ સાહેબનો ન્યુજર્સીથી ફોન આવ્યો અને કહ્યું,

       ભગીરથ સાહેબ મારે ઉનાળા પર એક આર્ટીકલ જોઈએ છે તે પણ તત્કાલ..

       આજે તંત્રી સાહેબની તબિયત થોડી નરમ હતી. પહેલેથી ભગીરથને ઉનાળો અપ્રિય હતો, ઉપરાંત ઓફિસનું એરકંન્ડીશન બગડ્યું હતું, વધતામાં અણગમતા વિષય પર ઝડપથી લેખન કરી વિદેશ મોકલવાની જવાબદારીએ માહોલમાં ગરમાહટ લાવી દીધી.

       ટ્રીન.. ટ્રીન્ન્ન.. ટ્રીન્ન..

       યસ..

       સર એક વ્યક્તિ છેલ્લાં ત્રણ કલાકથી મળવા વેઈટીંગમાં છે.

       યેસ મિસિસ બ્રેગાંન્ઝા, એમને અંદર મોકલી આપો.

       પાણીનો ગ્લાસ હળવે હાથે ટેબલ પર મૂકતા ઓફિસ બહાર ઊભેલા યુવકને કેબીનમાં પ્રવેશવા ભગીરથ ઈશારો કરતાં કહે છે,

       બો..લો..

       સર મારું નામ નિતલ જોશી.

       હા આપણે ફોન પર વાત થયેલી. આગળ બો..લો.. આજે મારે ઘણું કામ છે, અને ગરમીમાં આ એ.સી પણ બગડ્યું છે. ઉતાવળ રાખજો.

       સર તમારાં અખબારમાં મારો આર્ટીકલ, મેં ઉનાળા વિશે..

       નહીં નહીં નહીં. જુઓ ભાઈ છેલ્લાં વીસ વર્ષથી હું આ તંત્રી પદે છું. ઉનાળાની આગમને ઉનાળાની બપોર પર, શિયાળાની શરૂઆતે શિયાળાની સવાર અને ઓલ ટાઈમ ફેવરીટ મૌસમનો પ્રથમ વરસાદ.. તમારાં જેવા ઘણાં યુવા લેખકો આવે છે એમનાં લેખ છપાવવા, અહીં આ બધું લેખન ન લઈ શકીએ. અને આપ પણ આ અખબારની કક્ષા, લેખકોની રચના વિશે તો જાણકાર હશો . સોશિયલ સાઈટ પર લખો, બ્લોગ બનાવો, ઘણાં વાંચકો, ચાહકો મળી રહેશે. ઊગતી જવાન જિંદગી છે. છોકરા, કંઈક સેક્યુલારીઝમ, આંતકવાદ, ફોરેન અફેર પર લખ. આ ઉનાળા પર તો પત્રકાર પણ લખી શકે.’

       થોડી શાંતિ અને મૌન બાદ, અરે હા, આ ઘનશ્યામને કહેજે એક વરિયાળી શરબત અને પાણીનો ગ્લાસ મોકલે. સેક્રેટરી મિસિસ બ્રેગાન્ઝાને આદેશ આપતા ભગીરથે નિતલ પરથી મોં ફેરવતા અન્ય નારાજગી વ્યક્ત કરે ત્યાં જ નિતલે કહ્યું,

       સર મે નવીનતા સભર લખ્યું છે ઉનાળા વિશે, આપ સમજતા હશો એ પ્રકારે નહીં.

       શ્રીમાન લેખક હું શું ક્યાં પ્રકારે સમજતો હઈશ જરા મને જણાવશો..

       હા કેમ નહીં.ઉત્સાહ સાથ નિતલ પોતાની વાતને આગળ ધપાવતા રજૂ કરી કે, ‘આપ સમજતા હશો કે ઉનાળામાં શરીરને ટાઢક આપે છે તે ડિશ, ગોલા, આઈસ્ક્રીમ, શરબત, શેરડી, ટેટી, કેરી, તરબૂચ, અથાણા પર કે કેસુડા, ગુલમહોર, ગરમાળા જેવા ફૂલો કે, કે પછી બાળકોનાં વેકેશન અને ઉનાળાનાં આકરા તાપ, ગરમીનાં વર્ણનો રજૂ કરતો લેખ મેં લખ્યો હશે. પણ ના સાહેબ મેં ઉનાળાની મૌસમમાં પ્રવર્તર્તી વર્તમાન સમસ્યા જેવી કે ફૂડ પોઈઝનીંગ, વોટર સેવીંગ, ગ્રીન હાઉસ, છોડ વાવો, ગ્લોબલ વોર્મીગ વગેરે જેવા વિષયોને સાંકળી લખ્યું છે જે વાચકોને ગમશે. જો આપ છાપશો તો…

       ફરી થોડી વાર વાતાવરણમાં ચુપકીદી છવાઈ. ટેબલ પર ઘનશ્યામ વરિયાળીનું શરબત અને પાણી મૂકી ગયો.

       હા તો આ આર્ટીકલ વાંચકોને ગમશે. અને મારી માન્યતા આપના લેખ વિશે શું છે એ આપે મને જણાવ્યું. હવે મને એ કહો કે, રેસ્ટોરંટની અંદર માલિક ઈચ્છે એ વાનગીઓ મેનુ મારફત ગ્રાહકો સુધી પહોચાડવી સારી કે પછી માસિકે માસિકે બદલતા માહારાજ કહે એ પ્રમાણે..

       અફકોર્સ સર હોટલનાં માલિક ઈચ્છે એ મુજબ.

       તો પછી નિતલસાહેબ હું આ અખબારનો માલિક છું અને તમારી આ વાનગી નહીં ચાલે.

       લૈકીન સર જો દર વરસે એ જ ઉનાળાની ગરમી વિશે અને એ જ બધી ઉનાળાની સદીઓથી ચંપલ જેવી ચાલી આવતી ઘીસીપીટી વર્ણનશક્તિ રજૂ કરતાં રહેશું તો ઉનાળો સૌનો અપ્રિય બની જશે. આવું તો આઠમાં ધોરણનો બાબલો પણ લખી શકે અને નંબર જીતી લાવે..

       તંત્રીની ઓફિસમાં કાળઝાળ ઉનાળો પેસી ગયો હોય તેવું લાગ્યું!

       ગેટ આઉટ..

       સોરી સર.

       વન્સ આઈ સે ગો મિન્સ ગો.

       તંત્રી ભગીરથનાં રૌદ્વરૂપથી હતાશ નિતલે રજા લીધી.

       પંખાનો પવન વધુ મળે તે આશયે ખુરશી પાસે ડાબી તરફ ટેબલફેન મૂકાવી ભગીરથે પ્યૂનને જણાવી દીધું કે, ‘રોઝીને કહી આપજે કે, લંચ પતાવી લે પછી એક આર્ટીકલ ટાઈપ કરવાનો છે, સાંજનું મારું હવે પછીનું શું ટાઈમટેબલ છે એ બનાવી, સમજાવી આપે અને હા,કોઈ પૂછે તો કહી આપે હું ઓફિસમાં નથી મને ડિસ્ટર્બ ન કરે, હું એક અગત્યનું લખાણ લખું છું

       નિતલ જોશી સાથ બગડેલા સમય અને ત્યારબાદ ગુમાવેલ મિજાજ વચ્ચે તંત્રી ભગીરથે ઉનાળા વિશે લખવાનું શરૂ કર્યુ, શરૂઆતે સારું લખાયું પરંતુ રહી રહી તેની મનોસ્થિતિ પર નિતલની વાતો વારંવાર સવાર રહી હતી. શું સાહિત્યમાં ચરબી ઓગળતો તડકો, લીલાશનું રૂઠવું, ઝાડપાનનું કરમાવું, ગરમ તવા જેવી જમીન, જેવા શબ્દો અને વર્ણનો વાંચકોને વાંચન તરફ કે ઉનાળા વિશે નવીનતા નથી બક્ષી શકતા.. ચહેરા પર હાથ ફેરવી કપાળ પર બાઝી ગયેલી પરસેવાની બૂંદો રૂમાલથી લુછતાં વિચારો વચ્ચે ધ્યાન બંધ પડેલા ટેબલ ફેન પર ગયું, એકી શ્ર્વાસે અચંબાથી અવાજ ઊઠી ગયો,

       અરર આ શું? હવે એરકન્ડિશન સાથ આ પંખો પણ.. ના, ના લાઈટ ગઈ છે. ઉનાળામાં લાઈટ જવી સામાન્ય છે. હા..શ.

       નીતલની વાત યાદ આવી ગઈ તેણે આ સમયના વિજળીકાપ અને તેનાં સોલ્યુશનની વાત કરેલી. લેખ વાંચી લેવો જોઈતો હતો, એકવાર? અંતરમાંથી સવાલ પૂછાયો ને જૂની ચોટેલી ધૂળની માફિક બધું ખંખેરી જમણી તરફની બારી ખોલી. હાઈ-રાઈઝ બિલ્ડીગ પર બારીમાંથી સારો પવન આવતો હોય છે. એકવખત એરકંન્ડિશન રીપેર થઈ જાય તો શાંતિ, બીજી બારી પણ ખોલી નાંખી, ખુરશી પર આવી આંખો બંધ કરી આરામ માણ્યો, ઉનાળા પર હવે પહેલાં જેવું લખાતું નથી કે લખી શકાયું નથી એવું મહેસૂસ થયું.

       થોડીવારમાં પવન સાથ લોહીમાંથી રક્તકણો ચૂસી લેતી લૂ ઓફિસરૂમમાં પ્રવેશવા લાગી. અચાનક જ લાઈટ આવી ગઈ. ખુદની બેઠકની ડાબી બાજુનો ટેબલફેન ઓન થયો કે પંખાનાં ત્રીવ સૂકા પવનમાં ઉનાળા પર લખેલ લેખના પાંના જમણી તરફ ખુલેલી બંને બારીમાંથી ઊડ્યા.

       અચાનક આંખો ખૂલતાં વિચાર્યા વગર, કોઈને જણાવ્યાં વિના ભગીરથ સાહેબ ઝડપથી ઓફિસ બહાર નીકળી ઉનાળા પર લખેલ લેખના કાગળ લેવા દોડ્યા.

       અરે આ લીફ્ટને પણ અત્યારે બંધ થવું છે..

       લીફ્ટમેન લંચ.. ઔહ શીટ. અગિયાર માળના પગથિયાં ઉતરતા ઉતરતા ગરમીના અહોસમાં પૂરેપૂરા લથબથ ભગીરથનાં હાથમાં ગટરમાં પલળી ગયેલાં લેખના કાગળ આવ્યાં!

       નિરાશા, હતાશા બધું જ જાણે પરસેવા સાથ, શરીરની હાંફ સાથ વધતા રહ્યાં.

       થોડીવાર માટે પાર્કીંગમાં પડેલી કારમાં એ.સી ચાલુ કરી આરામ કરી લેવો જોઈએ તેવું થયું પણ આર્ટીકલ તત્કાલ મોકલવાનો છે. એક ક્ષણ પણ વધુ વેડફ્યા વિના પાછા ફરવાનો નિર્ણય કરે ત્યાં જ ભગીરથને ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્કુટર પાર્ક કરી રહેલા નિતલનો ફરી ભેટો થયો.

       અરે તું ફરી આવી ગયો ભાઈ?’ ગરમાગરમ હવામાનના પરસેવામાં ભીંજાયેલા ભગીરથે નિતલના ખભ્ભે હાથ મૂકતા લાંબો શ્ર્વાસ લઈ આગળ કહ્યું,

       અરે આ શું સાથે બેગ પણ લઈ આવ્યો? ફરી કશુંક નવીન ઉપાડી લાવ્યો?’

       ના સર.હળવા હાસ્ય સાથે ધીરજથી ઉત્તર આપતા નિતલે આગળ કહ્યું, પહેલાં હું મારાં કાર્યથી આવેલો અને હવે હું આપના કામે અહીં મોકલેલ છું.

       ચશ્મા નીકાળતા નિતલની આંખ સાથ આંખ મિલાવતા ભગીરથે નવાઈ દર્શાવી કે, હું સમજ્યો નહીં.

       માફ કરશો પણ આપની સમજ પર તમારે આધુનિકતા અને આંતરમનનું ડિયોડ્રન્ડ છાંટવાની જરૂર છે. હું નિતલ જોશી પાર્ટ ટાઈમ એ.સી., ફ્રિઝ રીપેર કરનાર ઈલેકટ્રીશ્યન પણ છું. આપનું એરકંન્ડીશન રીપેર કરવા આવ્યો છું.

       ‘નિતલ જોશી મારું એરકંડિશન રીપેર કરવા આવ્યો છે! ઔહ, આવ ચાલ ઉપર આવ ઓફિસમાં.. કમોન બોય.ખુશીથી ભગીરથ નિતલને ઓફિસમાં લઈ જાય છે. બંન્ને વચ્ચે એરકંન્ડિશના રીપેરીંગ દરમિયાન ઘણી વાતચીત થાય છે.

       નિતલનાં ગયા બાદની આખી ઘટના ભગીરથ તેનાં અંદાજમાં નિતલને જણાવે છે ત્યાં ફરી રાઓલ સાહેબનો ફોન આવે છે.

       આપ મેઈલ કરો છો ને ભગીરથ સાહેબ..

       મારી તબિયત થોડી ઠીક નથી, મારાંથી આર્ટીકલ નહીં મોકલાવી શકાય પણ હા આપને આર્ટીકલ જરૂર મળશે. તત્કાલ, હમણાં જ. એક નિતલ જોષી કરીને નવયુવક છે જેણે ઘણું શ્રેષ્ઠ લખ્યુ છે. ઉનાળા પર તેમનો આર્ટીકલ મોકલી આપું?’

       ફોન પર વાત કરતાં ઈશારાથી ભગીરથે નિતલને પૂછ્યું મોકલી આપું?

       બંન્ને તરફથી હા આવી.

       હા ઉનાળા પર અવનવું હોય તો જરૂર મોકલી આપો. જરૂરથી અમો આપના કહેવાથી પ્રકાશિત કરશું અને નવયુવક લેખકને પ્રોત્સાહન રાશિ પણ આપીશું.

       ફોન પર વાત ખત્મ કરે ત્યાં જ આખી કેબિનમાં એરકંન્ડિશનની હળવી ઠંડક પ્રસરવા લાગી અને નિતલ સાથે ભગીરથને કમકમાવતી ગરમી વચ્ચે વાસંતી ઠંડીનો અહેસાસ થયો.

* સમાપ્ત *