ઓટોબાયોગ્રાફી ઓફ યોગી : યોગી કથામૃત

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

વિશ્વભરમાં અર્ધી સદીથી બેસ્ટ સેલર્સ બનતું આવેલું પુસ્તક ‘યોગી કથામૃત’ ૨૧ ભાષામાં અનુવાદ થયેલું અને દુનિયાની મહત્તમ યુનિવર્સિર્ટીઓમાં ટેક્સબૂક તરીકે સ્થાન પામેલું છે.

બોક્સ : આપણે કોણ છીએ? આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે? શું મૃત્યુ પછી બધું જ ખતમ થઈ જાય છે? આપણે કઈ રીતે જીવી રહ્યાં છીએ? એવી કઈ શક્તિ છે જે આ સંસાર અને આપણા સૌનું સંચાલન કરી રહી છે? આપણે કોનાં આધીન છીએ? એવા રહસ્યમયી પ્રશ્નોનાં ઉત્તર ‘યોગી કથામૃત’ પુસ્તકમાંથી મળશે.
વ્યક્તિ વિશેષને સંતોષ આપવામાં અને આત્મસ્વરૂપનાં બોધ માટેનું આ માર્ગદર્શક પુસ્તક ૨૦મી સદીનાં શ્રેષ્ઠ ૧૦૦ પુસ્તકોની યાદીમાં સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપિતા ગાંધીજીથી લઈ સુપરસ્ટાર રજનીકાંત અને રમતવીર કોહલી સુધીના દેશી-વિદેશી આમ ઔર ખાસ લોકોએ લેખક અને તેમનાં વિચારોથી પ્રભાવિત થઈ પોતાનાં જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે.

યોગીકથા મૃત એટલે જીવન પરિવર્તિત કરનારું પુસ્તક. એક એવું પુસ્તક જેનાં વાંચન માત્રથી જીવન જીવવાની શીખ સાથે જીવ સમૃદ્ધ બની જાય છે. જેમજેમ પુસ્તક વાંચતા જઈએ તેમતેમ જન્મથી આજ અને આજથી આવતીકાલ, ભવિષ્યમાં થનારા મૃત્યુ પછીનાં જીવન સુધીનો ખ્યાલ મળતો જાય. યોગી કથામૃતનાં વાંચન દરમિયાન ક્યારેક આશ્ચર્ય તો ક્યારેક અબોલ તો ક્યારેક એકદમ ઉત્સાહિત તો ક્યારેક અચેતન અવસ્થામાં પ્રવેશી જઈએ. એક રીતે જોવા જઈએ તો આ પુસ્તક માસ માટેનું નથી, ક્લાસ માટેનું છે આમ છતાં આ પુસ્તકનાં માધ્યમથી લેખક પરમહંસ યોગાનંદે માત્ર અધ્યાત્મનાં જિજ્ઞાસુ જ નહીં પરંતુ સમાજનાં દરેક વર્ગનાં જનજનને કઈકને કઈક આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે.
સાહિત્યનાં પ્રકારથી યોગી કથામૃત પુસ્તક યોગી ગુરુ પરમહંસ યોગાનંદની આત્મકથા છે પરંતુ જો જોવા જઈએ તો આશરે પાંચસો પાનાંનું આ દળદાર પુસ્તક ભારતવર્ષનાં એક આધ્યાત્મિક આત્માનું જીવન ઈતિહાસ, યોગ આંદોલનની ઉત્પત્તિથી ઉત્ક્રાંતિ અને ચમત્કારોનો ખજાનો છે. એમ પણ કહી જ શકાય કે, આ પુસ્તક એ પુસ્તક નહીં પરંતુ અધ્યાત્મ અને વિજ્ઞાનનાં દરવાજાઓ પર જડસુઓએ ઠોકેલા તાળાને ખોલતી ચાવી છે. આટલું કાફી નથી, ખરા અર્થમાં યોગી કથામૃત સ્પ્રિચુએલિટી અને ફિલસૂફીનાં રસિકો અને આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા ઈચ્છુકો માટે ટેક્સ બૂક કે રેફરન્સ બૂક છે. આ પુસ્તકનાં લેખક દ્વારા કૃષ્ણ અને ક્રાઈસ્ટે આધુનિક ગીતા અને બાઈબલની દુનિયાને ભેટ ધરી છે. યોગી કથામૃત ઈશ્વરની પ્રસાદી છે એટલે કોઈને ભેટ સ્વરૂપે આપવા આ પુસ્તકથી વિશેષ કોહીનુર પણ નહીં હોય.
વીસમી સદીની શરૂઆતમાં બંગાળમાં એક આધ્યાત્મિક ગુરુ, યોગી અને સંત થઈ ગયા – પરમહંસ યોગાનંદ. જેઓને નાનપણથી જ અધ્યાત્મ અને સંન્યાસ પ્રત્યે જબરદસ્ત આકર્ષણ અને જિજ્ઞાસા હતી. હિમાલયની આધ્યાત્મિક દુનિયા આ બાળકને સતત પોતાના તરફ કુતુહલવશ ખેંચતી રહેતી હતી. શરૂઆતમાં તો આ બાળકનાં ઘર-પરિવારનાં સભ્યોએ બાળકને ધર્મ-અધ્યાત્મ અને બાવા-સાધુઓથી દૂર રહેવાનાં ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બાળકની આસ્થા પાસે બધું વામણું પડ્યું અને બાળક મુકુંદની આધ્યાત્મિક જીવન સફર શરૂ થઈ. જે યાત્રા અમેરિકાનાં કેલીફોર્નીયા સ્થિત સેલ્ફ રિયલાઈજેશન ફેલોશિપ સેન્ટરમાં સમાપ્ત થઈ. આમ, પ્રકૃતિની નિયતિ પાસે પરિવારની અનિચ્છા ન ચાલી અને સ્વામી યોગાનંદે પોતાનો મળેલો દેહકાળ સાર્થક કર્યો.
બાળક મુકુંદ એટલે કે, સન્યાસી બની સ્વામી પરમહંસ યોગાનંદ નામ ધારણ કરનાર આ આધ્યાત્મિક સંતે પોતાના જીવન દરમિયાન ઘણા બધા પ્રકારનાં યોગીઓ, સાધુ-સંતો, વૈજ્ઞાનિકો, ચમત્કારીઓ, ઈતિહાસ પુરુષો અને વિશ્વપ્રસિદ્ધ નેતાઓથી મળ્યા. બસ આ બધા લોકોની મુલાકાતો, બાળપણનાં પ્રસંગો અને એ બધાને સંલગ્ન ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક વિચારો અને લેખકનાં અન્ય લોકો સાથેનાં જન્મોજન્મ સાથેનાં સંબંધો, બંધનો અને કર્મો સાથે ક્રિયાયોગની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. ભારતનાં પશ્ચિમ જગત સાથેનાં જૂના આધ્યાત્મિક સંબંધો પણ આ પુસ્તકમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી દર્શાવવામાં આવ્યા છે. ખાસ તો ક્રિયાયોગ માટે જ આ પુસ્તક લખાયું હશે, છે.
ભારતીય પરંપરા અનુસાર ક્રિયાયોગ બહુ જ મહત્વપૂર્ણ છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં તેનો ઉલ્લેખ કર્યો જ છે. યુગોયુગથી ચાલી આવતી આ ક્રિયાયોગ શિક્ષા, પરંપરા આજથી બે સદી અગાઉ લુપ્ત થઈ ચૂકી હતી ત્યારે યોગાનંદજીનાં ગુરુ બાબાજીએ તેમનાં કેટલાંક ખાસ શિષ્યોને તેની શિક્ષા આપી હતી. યોગાનંદજીએ ક્રિયાયોગની શિક્ષાનાં ફાયદા જોતા તે પદ્ધતિ યોગી કથામૃત તથા અન્ય પુસ્તકોનાં માધ્યમથી અને યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડિયા ધ્યાન કેન્દ્રની સ્થાપનાથી સર્વસુલભ અને સરળ બનાવી. યોગી કથામૃતમાં ગાંધીજીએ પણ લેખક યોગાનંદ પાસેથી ક્રિયાયોગની શિક્ષા લીધી હોય તેનાં પ્રાસંગિક પૂરાવાઓ ફોટા સહિત છે. આ સિવાય રજનીકાંતથી કોહલીની અપ્રિતમ સફળતા અને લોકપ્રિયતાનાં મૂળિયાં યોગી કથામૃત પુસ્તક, તેનાં લેખક અને લેખકનાં ગુરુ યુક્તેશ્વર ગીરી, લાહિડી મહાશય અને ધી ગ્રેટ સોલ બાબાજી સુધી જઈ નીકળે છે.
યોગી કથામૃત પુસ્તક યોગ પરંપરા સાથોસાથ હિમાલય સહિત ભારતભરનાં સાધુ-સંત, સન્યાસી અને યોગીઓથી પરિચિત કરાવે છે. વધતામાં વિજ્ઞાનનાં રહસ્યોને ઉકેલતા એવા કિસ્સાઓ રજૂ કરે છે જે તમારાં વિશ્વાસ બહાર રહેશે. જો વાંચો તો જાણો અને જાણો તો માનો-અનુભવો એ જ આ રોમાંચકારી પુસ્તકની સફળતાનું રહસ્ય મને લાગ્યું છે અને ખાસ તો માનવ મન-મગજ સાથે જોડાયેલા તમામ સવાલનાં જવાબ આ પુસ્તકમાં છે. જીવનનાં અર્થ સાથે મૃત્યુ બાદનાં જીવનની સંભાવનાઓ પર પણ આ પુસ્તક પ્રકાશ પાથરે છે. આ સિવાય ઈન્ટરનેટ પણ ઘણી બધી માહિતી અને જાણકારી ઉપલબ્ધ છે જ. યોગી કથામૃત વિશે બધું થોડું હું અહીંયા કહી શકીશ? યોગી કથામૃત પણ ગૂગલમાં ગોતશો તો તમારી મનપસંદ ભાષામાં પીડીએફ ફોરમેટમાં મળી જશે. આ સિવાય આ પુસ્તકનાં લેખકનાં ૭૦થી વધુ દેશોમાં ૫૦૦થી વધુ આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર પરથી આ અને લેખકનાં અન્ય પુસ્તકો જોઈએ તેટલી ભાષામાં, સાઈઝમાં મળી રહેશે. યોગી કથામૃત પુસ્તક સાથોસાથ આ પુસ્તકનાં લેખક સ્વામી યોગાનંદ વિશે પણ જાણવું જરૂરી ખરું. કેમ કે, સ્વામી યોગાનંદ પોતાના પુસ્તક જેટલી જ મહાન કક્ષા ધરાવે છે. વિદેશમાં તેઓ પર મુવી બની ગયા છે. તમે પણ નામ સાંભળ્યું જ હશે અથવા પિક્ચર જોયું હશે : અવેક. એ સિવાય સ્વામી યોગાનંદજી પર ભારતમાં બે-બે વાર ટપાલ ટીકિટ પણ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. એકવાર ૧૯૭૭માં અને બીજી વાર ૨૦૧૭માં. ભારતથી લઈ પશ્ચિમનાં દેશોમાં ભારતીય યોગ પદ્ધતિનાં પ્રચાર-પ્રસારનાં પાયોનીયર અને યોગી કથામૃત પુસ્તકનાં લેખક પરમહંસ યોગાનંદનો વિશેષ પરિચય હવે પછી જરૂર મેળવશું.

ડેઝર્ટ : અસંભવ પ્રશ્નોનાં જવાબ પણ અસંભવ હોય છે. – યોગી કથામૃત