કંદર્પ પટેલ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

શ્રોતા અનેક છે, મિત્ર અમૂક છે. હૃદયસ્થ જૂજ છે અને તું એક છે. – કંદર્પ પટેલ

       સાહિત્યના મેળાવડાઓ ઘણું બધુ આપી જતા હોય છે. એ જ સમયે કોઈક જીવનભરનું મિત્ર પણ મળી જતું હોય છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ૨૦૧૫ને આડે ગણતરીના દિવસો બચ્યા હતાં. તે સમયે અમદાવાદની બહારના મિત્રો પણ કોઈ એક દિવસ દરમિયાન અહીં આવવાનું વિચારી રહ્યાં હતાં. મ્યુચ્યુઅલ મિત્રો દ્વારા જાણવા મળ્યું કે ભવ્ય રાવલ નામનો એક ફેસબૂક ફ્રેન્ડ પણ અમદાવાદ આવી રહ્યો છે. ફેસબૂક પર હું ભવ્યની અમૂક પોસ્ટ વાંચતો હતો. ‘અન્યમનસ્કતાનામનું એક તેનું પુસ્તક બહુ ચર્ચિત હતું. થોડા દિવસો પહેલા જ તેનો જાણીતા રાજા દ શિવાજી જેવો ફોટો પણ નજરે ચડેલો. રાજકોટનાં અમૂક મિત્રો દ્વારા જણાયું કે તે રાજકોટ નિવાસી છે. મેં તરત ફેસબૂક પણ મેસેજ છોડ્યો.

       હેલ્લો.. મુસ્ટેચ મેન

       હાઉ આર યુ?’ આઈ ક્વેશ્ચન્ડ.

       ફાઈન

       યુ હી આસ્કડ

       અલમસ્ત’ આઈ રિપ્લાઈડ

       વોટ્સએપ’ હી સેઈડ

       ૯૮૨૭૫૧૫૫૫૭ આઈ ગેવ

       આટલી ટૂંકી વાત પછી અમે વોટ્સએપ પર વાત કરી. ટૂંકી અને ટચ વાતમાં એવું નક્કી થયું કે ભવ્યને મારા ફ્લેટ પર આવવું. હું વાસણા રહેતો હતો. એક દિવસે પાંચેક વાગ્યા આસપાસ ભવ્યનો કોલ આવ્યો. પાલડી બસ સ્ટેશન પાસે તે ઉભો હતો. ત્યાંથી સીધા અમે અમદાવાદ ફ્લાવર શો તરફ ગયા. રિવરફ્રન્ટ પર ફ્લાવર શો જોવા માટે અન્ય મિત્ર પણ આવ્યા હતાં. ખુશી પંચાલ, હિતેન ભટ્ટ અને તેનો અન્ય મિત્ર પણ હતો. બધાંએ સાથે મળીને ફોટોઝ કેપ્ચર કર્યા અને પતંગ રેસ્ટોરન્ટની નીચે ઢાબામાં પંજાબી ડિનર લીધું. ત્યાંથી બધાં છૂટા પડ્યા. મોડી સાંજે અમે રૂમ પર ગયા.

       રાત્રે બરાબરની વાત ચૌદશ જામી. સાહિત્યના નામ પર થતાં ગતકડાઓ અને તેવા જ બની બેઠેલ સોશિયલ સાહિત્યિક સાહિત્યકારોની બેન્ડ બજાવી. યંગ બ્લડનો સ્પાર્ક તો બંને તરફથી હતો જ! કેટલાંક મૂવિઝ વિશે ચર્ચા થઈ. સેક્સ, નશો, દારૂ, યુવાનીના અસબાબની વાતો થઈ. ઈચ્છાઓ અને આવેગો વિશે વાત વહેતી થઈ. રાતના ત્રણેક વાગ્યા સુધી સતત શબ્દરમત ચાલી. તે સમયે સાહિત્યની દુનિયામાં હું ન્યૂકમર હોઉં અને તે મારો સિનિયર હોય તેવી રીતે કન્વર્ઝેશન થઈ.

       થોડા સમય પછી ફરીથી મુલાકાત થઈ. ‘અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો ૨૦૧૬માં ભવ્ય ફરીથી આવ્યો. તે સમયે થોડા દિવસો સાથે રહ્યાં. તે વખતે અમે બંને એક જ કક્ષાના હોઈએ તે રીતે અમારી વચ્ચે મુલાકાતો થઈ. કોઈ જુનિયર સિનિયરના ભેદ ન રહ્યાં. કેટલીક અંગત વાતો શેર થઈ. અનુજ અને જ્યેષ્ઠ બંધુ જેવી મિત્રતા સ્થપાઈ. ફ્રિકવન્ટલી, ખબરઅંતર પૂછવા માટેના ફોનકોલ્સ અને મેસેજીસ થતાં રહ્યાં.

       આપણે હરાવવો કોઈને નથી. પ્રગતિના પગરવ મંડાય અને અન્ય યુવાનને પોતાના જીવનમાં ઉતારવા માટે કંઈક નવનીત મળે. એક વાકયશબ્દ કે પુસ્તક જો કોઈ વ્યક્તિને પ્રેરિત કરવા માટે પૂરતા બની રહે તે જ ઈચ્છા. આ દુનિયા બહુ મોટું બજાર છે. ખરીદદારો હંમેશાં વધતા જ રહેવાના. કલમ તેજ તોખારની જેમ હણહણે અને શબ્દો પડઘા પાડે એ જ ઉપલબ્ધિ! સામે બેઠેલ ઓડિયન્સમાંથી કોઈક હંમેશાં વખાણ કરવા માટે જ જન્મ્યું હોય છે. દુનિયાની સૌથી નબળી કૃતિને વખાણવા માટે પણ કોઈક છેડે પરખંદો બેઠેલો હોય છે. તો પછી શ્રેષ્ઠી, આપની યાદી તો ઘણી લાંબી અને અર્થસૂચક છે. હંમેશા અનેક પુસ્તકો આપો. અનેક જયંતીઓ ઉજવો અને એક દિવસ પુસ્તકોની લાંબી યાદી થાય તેવી શુભેચ્છાઓ. મિત્ર તરીકે તો હંમેશાં દોસ્ત તરીકે તું રિઝર્વ્ડ જ છે. જરૂરી સંબંધો બનાવો. સબંધોને જરૂરિયાત બનાવો તેમજ ઝનુનિયતથી તેને નિભાવો. શ્રોતા અનેક છે, મિત્ર અમૂક છે. હૃદયસ્થ જૂજ છે અને તું એક છે.

       – કંદર્પ પટેલ