કવિતા – જીવની કલ્પનાનું ક્લાઈમેક્સ..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

• અક્ષરો વડે પ્રસ્તુત થતું અંતર અને આસપાસની અનુભૂતિનું વ્યંજન એટલે કવિતા.
• શબ્દોનું સર્જકે કરેલું શીર્ષાસન કવિતા છે. એ અક્ષરોનું આભૂષણ છે. લાગણીઓનું લાક્ષાગૃહ છે.
• કવિતા સમજણનું માપદંડ છે. દીર્ઘમાં દુનિયાને સાંકળવાની શક્તિ કવિતામાં છે.
• કવિતા એટલે ઈશ્વરની પ્રાર્થના અને મનુષ્યનો અંતરનાદ.
• કક્કો બારાખડી ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કવિતા છે.
• મારી પ્રિય કવિતા એક જ શબ્દની છે. – ૐ
• કવિતામાં પ્રાણ અને પ્રકૃતિનું પ્રતિબિંબ છલકે છે. એ આત્માનો અરીસો છે.
• કવિતાએ ભાવોની ચરમસીમાનું ઉદાહરણ છે. જ્યારે કઈ નથી સૂઝતું ત્યારે કવિતાઓ ઉપજે છે.
• અભિવ્યક્તિનાં મહારથીઓનું હથિયાર એટલે કવિતા. કવિતા દરેક સંબંધ, યુદ્ધ, શાંતિ, પ્રસંગ, ઉત્સવ અને અવસાનમાં પોતાની હાજરી પૂરાવે છે.
• દુનિયાનો દરેક માણસ એક કવિજીવ છે. પ્રત્યેક જીવ કવિજીવ છે. પોતાની નહીં તો બીજાની કવિતા ગમે છે. કોઈને કવિઓ ગમતાં ન ગમતાં હોય એ અલગ વાત છે.
• લાગણીઓ કવિતાની જન્મદાતા છે.
• પ્રકૃતિ ઈશ્વરની કવિતા છે. કુદરતથી મોટી બીજી કોઈ કવિયિત્રી શ્રુષ્ટિ -સાહિત્યમાં નથી.
• બાળકનું રુદન, સ્ત્રીનું મનોમંથન, પુરુષનું હાસ્ય અને વૃદ્ધની ખામોશી અશાબ્દિક કવિતાઓ છે. આકૃતિ, ચિત્રો, ફોટો અને અવાજ-ઈશારો પણ એક પ્રકારની કવિતા જ છે.
• મારાં મતાનુસાર ફિલસૂફીમાં સૌ પ્રથમ કવિતાનો આરંભ થયો હશે.
અને ફિલસૂફીનાં આરંભ સાથે કવિતાનું સર્જન ક્યારે થયું હશે?
જે દિવસે સૌ પ્રથમ સૂર્યોદય થયો,
અને
સૂર્યાસ્ત થઈ સૂર્યનું સ્થાન ચંદ્રએ લઈ લીધું.
જે દિવસે માણસ જનમ્યો,
જન્મેલાં માણસે સંતાનો પેદા કર્યા.
અને
એ સંતાનોએ પાલકોનાં મૃત્યુ જોયાં.
જે દિવસે ચક્ર, અગ્નિની શોધ થઈ,
આકૃતિ, અવાજ અને અક્ષર શોધાયાં.
અને
માનવ પ્રેમમાં પડ્યો, નિષ્ફળ થયો. વળી પ્રેમમાં પડ્યો.
ઋતુઓ બદલાય, આફતો સર્જાય,
અગ્નિ, પાણી અને વાયુની પ્રકૃતિ બની.
અને
બે હાથ-પગ-આંખનો આદિમાનવ લાગણીશીલ માણસ બન્યો.
જ્યારે એ લાગણીશીલ માણસે સુખ અનુભવ્યું,
દુ:ખ અને વિરહ ભોગવ્યું.
અને
જય-પરાજયનું વળતર મેળવ્યું.
દિલ આપી દગો પામ્યો,
દગો આપી દાદાગીરી કરી.
અને
કલ્પના અને વાસ્તવિકતાનાં ભાવવિશ્વ વચ્ચે સંબંધો સ્થાપ્યા.
ફિલસૂફી સાથે કવિતાનો આરંભ ત્યારે થયો હશે..
જ્યારે સર્જનની ક્ષણ આવી,
સર્જનની ક્ષણે નિર્માણનો વિચાર ઉપજ્યો
અને
એ સર્જનનાં સ્વરૂપ અને નિર્માણનાં આરંભરૂપે ‘કવિતા’નો જન્મ થયો..