કાળી ધોળી રંગાવલ્લી – ચટકદાર, સૂકો, પાણીદાર, ભડકીલો, આંછેરો, તેજ, ઊડેલો,
બળેલો, બરછટ, ગંધાતો, ધોવાયેલો, મેલો, સુઘડ…
રંગો વિશે બ્લેક એન્ડ વ્હાઈટ પીછડો
v દરેક ધર્મને પોતાનો એક રંગ છે.
v રંગ વૈભવતાનું પ્રતિક છે. એ શ્રુષ્ટિમાં સ્વીકાર અને પરીવર્તનની ભાત ઉપસાવે છે.
v કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો પડછાયો રંગીન હોતો નથી.
v માણસ રંગ બદલે તો પણ એક સરખો જ દેખાય છે. અહી રંગ એટલે ભાવ. રંગને માનવજીવનમાં ઘણી ઉપમા સાથે જોડવામાં આવે છે.
v લેન્સ એ રંગોનું કેદખાનું છે. કેમરાની દ્રષ્ટિએ રંગો ચોર છે.
v રંગ આકર્ષણ અને અણગમાનો જન્મદાતા છે. રંગ પરથી કોઈપણ વ્યક્તિ કે વસ્તુ પરત્વે ઘણા લોકોની પસંદ નાપસંદ નક્કી થાય છે. જ્યોતિષમાં રંગોનું સ્થાન શ્રેષ્ઠકક્ષાએ છે.
v તમામ રંગો સફેદ અને કાળા રંગ પર ટકેલા છે. મુખ્ય ત્રણ રંગ લાલ, પીળો અને વાદળીમાંથી હજારો રંગનું સર્જન અને દમન થાય છે. જેમાં સફેદ અને કાળા રંગની ભૂમિકા મને સવિશેષ અગત્યની લાગી છે.
v જો રંગો ન હોતા તો આકર્ષણ, ભૌતિકતા અને માયાનું પ્રમાણ માણસમાં નહિવત હોતું.
v ફોટોશોપ જેવા સૉફ્ટવેરથી કલરનો ભ્રષ્ટાચાર થાય છે.
v છોકરીઓનો ફેવરિટ કલર પિંક અને બ્લ્યૂ હોય છે. પુરુષોમાં રંગની પસંદગી અને લોકપ્રિયતા અવારનવાર બદલાતી રહે છે.
v પ્રકાશ વિના રંગનો ઉદભવ શક્ય નથી.
v બનાવટી રંગો માણસને ઠગવા કરતાં આનંદ આપવામાં વધુ ઉપયોગી થાય છે.
v રંગ હકાર અને નકારનો ઉપદ્દીપક છે.
v રંગમાં જાતિને પ્રસ્તુત કરવાનો ગુણધર્મ છે.
v વિજ્ઞાનનાં મત મુજબ માણસનાં શરીરમાં લીલો રંગ નથી. જ્યારે લીલો રંગ ઝેરી કહેવાય છે. શંકરનું ગળુ લીલું છે!
v ‘કમળો હોય એને પીળું જ દેખાય’ જેવી કહેવતો, ‘યલ્લો જર્નાલિઝમ’ જેવા શબ્દો અને ‘પીઠી’ ચોપડવાની વિધિમાં પીળા રંગની વિવિધ મહત્તા દર્શાય છે.
v રંગો ભેદભાવ અને તફાવત સર્જે છે.
v લાલ રંગ શુભ માનવામા આવે છે. જે લાલ રંગ રસ્તાઓ પર ખતરા, ભય અને થોભવાનું સંકેત આપે છે.
v રંગમાં માનવસ્વભાવને શાંત અને ઉત્તેજીત કરવાની શક્તિ છે.
v રંગ જીવનને રસપૂર્ણ બનાવે છે.
v રંગો વડે હસ્ત-આયનો ઘડી શકાય છે. રંગો વડે માનવસર્જિત તસવીર બનાવી શકાય છે.
v રંગોનું મિશ્રણ કલાને જન્માવે છે. એ રહસ્ય અને રોશની સાથે દરેક ભાવનું પ્રતિબિંબ આપી શકે છે.
v રંગો ઓળખને આસન બનાવે છે. કોઈપણ વસ્તુ, વ્યક્તિનાં ગુણધર્મને રંગ બખૂબી બયાન કરી શકે છે.
v ભારતીય આધ્યાત્મિક રેખા અને રંગનાં પ્રભાવથી અંગ્રેજી પેઈન્ટિંગ સમૃદ્ધ જોવા મળે છે.
v પંચતત્વનાં સ્વભાવ સાથે અને પાંચ ઈન્દ્રિયોમાં પણ રંગશાસ્ત્ર જોડાયેલુ છે.
v રંગો સકારાત્મક ઊર્જા જન્માવનારા છે.
v કુદરતથી મોટો ચિત્રકાર બીજો કોઈ નથી. કુદરતી ફેરફાર દ્વારા રંગ બદલાતાં રહેવાની કળાથી હું ઈશ્વરનો ભક્ત બની ગયો છું.
v પેન, પેન્સિલ અને પીંછીથી રચતાં અક્ષર, આકૃતિ, અને આકાર રંગ વિના શક્ય નથી.
v રંગો સૂચન, સંકેત અને સલાહ બક્ષે છે. એ અશાબ્દિક પ્રત્યાયનનો રાજા છે.
v ભારતીય સંસ્કૃતિ અને કલાજગતની કલમકારી આર્ટનાં દર્શન વિશ્વભરમાં થાય છે. કલમકારી ભારતની કારીગીરીની ભવ્યતાનું મેઘધનુષી ચિત્ર છે.
v દુનિયાભરમાં તહેવારો, ઘટનાઓ, અકસ્માતો અને યુદ્ધો માનવજીવનમાં અવનવા, ભાતભાતનાં, ચિત્ર-વિચિત્ર રંગ પૂરે છે. જ્યારે મારી જન્મભૂમિ, કર્મભૂમિ, એવા ભગવતસ્થાન, ભગવાસ્થાનમાં રંગોનો માત્ર તહેવાર હોય છે. ભારત એ રંગિસ્તાન છે.
v આંખો વિના રંગોનું સ્થાન આ જગતમાં ઈશ્વર સમાન છે. માત્ર કલ્પના.
v હવાનો રંગ અદ્રશ્ય અને આત્માનો રંગ અવર્ણનીય છે.
v મેઘધનુષ રંગોની બારખડી છે. જા- જાતિ, ની- નીતિ, વા- વાદ, લી- લીપિ, પી- પીણું, ના- નાદ, રા- રાજ.
v આજ દિન સુધી સાહિત્ય અને સિનેમામાં રંગને સામાન્ય, ચીલાચાલું, બીબાઢાળ વિષય તરીકે જ રજૂ કરવામાં આવે છે. જ્યારે રંગો જેવા વિષયને તમામ ક્ષેત્રોમાં પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારે દરેક રંગ પ્રત્યેક વ્યક્તિ, વસ્તુ અને વિચારમાં રંગી ઉઠશે.