કાશ.. આ અનાથને કોઈ નાથ મળી જાય.. કાશ.. આ અબલાને કોઈ ન્યાય મળી જાય..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

વાસનાની વેદના અને વાત્સલ્યની સંવેદનાસભર વરવી વાસ્તવિકતા

એનું સાચું નામ એને કે કોઈને ખબર નથી, આથી બધા તેને કમલા કહે છે. કમલાને ગુજરાતી આવડતું નથી, કમલા મધ્યપ્રદેશનાં કોઈ આદિવાસી વિસ્તારની વતની હોય તેવું લાગી રહ્યું છે. તેને ખુદને ખબર નથી કે તેનાં મા-બાપ કોણ છે ક્યાં છે અને એને એ પણ ખબર નથી કે તે હમણાં થોડાં દિવસો પહેલાં જ મા બની છે! કમલાએ દીકરાને જન્મ આપ્યો છે પણ એ દીકરો પણ એની માની જેમ જ પોતાની માથી દૂર છે અને તેનો બાપ કોણ છે એ એને કે કોઈને ખબર નથી. કમલાનો દીકરો સમાજનાં કેટલાંક ભલા લોકોનાં હિતથી આવ્યો હોય તેનું નામ હિતાર્થ રાખવામાં આવ્યું છે. નસીબની બલિહારીથી જન્મેલા હિતાર્થને એનાં માનું ધાવણ કે હૂંફ નસીબ થયા નથી કારણ હિતાર્થનાં જન્મનાં બીજા દિવસે જ તેને કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં મોકલી દેવામાં આવ્યો છે તો બીજી તરફ કમલાને થોડાં દિવસોમાં કોઈ માનસિક અસ્થિર વ્યક્તિઓનાં સેવાભાવી ટ્રસ્ટનાં કેન્દ્રમાં મોકલી દેવામાં આવશે.
સંવેદના અને સનસની જગાવનારી આ વાત છે : જુલાઈ, ૨૦૧૭. રાજકોટ ભાવનગર હાઈવેનું ગઢકા ગામ. જ્યાં એક સ્થાનિક મહિલાને ખરાબ અવસ્થામાં કોઈક વ્યક્તિ રસ્તા પર પડેલી જોવા મળે છે. એ જાગૃત મહિલા તુરંત ગઢકા નજીકની રાજકોટ આજીડેમ પોલીસને આ અંગે જાણ કરે છે. પ્રાથમિક તપાસમાં મળી આવેલી વ્યક્તિ માનસિક અસ્થિર મહિલા માલૂમ પડે છે. સૌએ એવું અનુમાન લગાવ્યું, ગઢકા નજીક ત્રંબા ખાતે માનવમંદિર ટ્રસ્ટ છે. જ્યાં માનસિક રીતે અસ્થિર લોકોનું કેન્દ્ર આવેલું છે. નક્કી આ મહિલા ત્યાંથી ભાગી આવી હોય શકે. આજીડેમ પોલીસનાં હેડ કોન્સ્ટેબલ માલવિયા સાહેબે માનસિક અસ્થિર મહિલાનો કબજો લઈ તેને ત્રંબા માનવમંદિર ટ્રસ્ટનાં હવાલે કરી દીધી. જ્યાં તે મહિલાનું મેડિકલ ચેકઅપ દરમિયાન એ ગર્ભવતી હોવાની જાણ થઈ. કમલાનાં પેટમાં બે-અઢી મહિનાનો ગર્ભ વિકસી રહ્યો હતો. માનવમંદિર ટ્રસ્ટનાં સંચાલક રમાબેન અને ધીરુભાઈ કોરાટે આ અંગે સામાજિક કાર્યકર અલ્પાબેન અને અનિરુદ્ધભાઈ જાડેજાનો સંપર્ક કર્યો. આ સમગ્ર ઘટનાની જાણ વાત્સલ્ય ટ્રસ્ટને કરવામાં આવી.
વાત્સલ્ય ટ્રસ્ટનાં સંચાલક જયદિપભાઈ કાચા તથા જયશ્રીબેન વોરા અને માનવમંદિર ટ્રસ્ટનાં સંચાલક ધીરુભાઈ અને રમાબેન કોરાટ તેમજ સામાજિક કાર્યકર અનિરુદ્ધભાઈ અને અલ્પાબેન જાડેજા વચ્ચે આ અંગે ગંભીર ચર્ચા-વિચારણા થઈ. કશે પણ માનસિક રીતે અસ્થિર ગર્ભવતી મહિલાઓની સાર-સંભાળ માટેનું કેન્દ્ર નથી. કમલા માનસિક અસ્થિર તો હતી જ સાથે ગર્ભવતી પણ.. આ સગર્ભાની સારવાર અને સાચવણી કોણ લઈ શકે? કોઈ નહીં.
કમલાની ફરી તબીબી તપાસ કરવામાં આવી. મેડિકલ રીપોર્ટમાં વધુ એક ચોંકાવનારી બાબત જાણમાં આવી, કમલા વારંવાર સામૂહિક અત્યારચારનો ભોગ થતા ગર્ભવતી બની છે. કમલાની માનસિક અસ્થિરતાનો માનવીઓનાં વેશમાં ફરતાં હવસખોર ભૂંડોએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને જ્યારે વાસનાનાં વરુઓનું પેટ ભરાઈ ગયું ત્યારે તેણે કમલાને નિર્વસ્ત્ર હાલતમાં હાઈવે પર છોડી દીધી. અને હવે પોલીસ, પ્રસાશન કે કોઇપણ કમલાને ન્યાય અપાવવા કે કમલાનાં પેટમાં રહેલાં બાળકને આ દુનિયામાં લાવવા માટે તૈયાર ન હતા તેવાં સમયે સમાજનાં કેટલાંક સેવાભાવીઓએ નક્કી કરી લીધું, કમલાને ગર્ભપાત કરાવવો જોઈએ નહીં, તેનું બાળક આ દુનિયામાં આવવું જોઈએ. કમલાનું બાળક સહિયારા પાપનું નહીં, સામાજિક પ્યારનું પ્રતિક બનવું જોઈએ.
અંતે.. વાત્સલ્ય ટ્રસ્ટનાં ભોમેશ્વર વાડી, જામનગર રોડ ખાતે આવેલા રેનબસેરામાં ગર્ભવતી અસ્થિર મગજની મહિલાને પ્રાથમિક સારવાર, રહેવા-જમવાની સુવિધા આપવામાં આવી. માનવમંદિર અને વાત્સલ્ય ટ્રસ્ટનાં સંચાલકો તેમજ સામાજિક કાર્યકરો સહિત બીજી કેટલીક જાગૃત જનતાએ કમલાનાં પેટમાં ઉછરી રહેલાં બાળકને આ દુનિયામાં લઈ આવવાનું નક્કી કરી લીધું.
કમલાને એક અલગ ઓરડો ફાળવવામાં આવ્યો. તેને નિયમિત ભોજન અને દવા સાથે જરૂરી સારવાર આપવાની કામગીરી શરૂ થઈ. આ સમય દરમિયાન ખેરુનબેન અને નજમાબેને કમલાની તમામ સેવાકીય સારવાર કરી. ભોમેશ્વર વિસ્તારનાં લોકોને પણ આ ઘટનાની જાણ થતા તેઓ પણ મા બનનારી કમલાનાં દર્દ કહો તો દર્દ, ખુશી કહો તો ખુશી, કરુણતા કહો તો કરુણતા કે ગાંડપણ કહો તો ગાંડપણ પણ જે કઈપણ હતું તેમાં ભાગીદાર બન્યા.
છ મહિના બાદ.. ૨ ફેબ્રુઆરી ૨૦૧૮નાં રોજ બપોરે ૧.૩૦ કલાકે પોતાના ઓરડામાં જ કમલાએ પોણા ત્રણ કિલોનાં તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. જન્મનાં બીજા જ દિવસે બાળકને કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં સોંપી દેવામાં આવ્યો. ટૂંકસમયમાં કમલાને પણ કોઈ માનસિક વિકલાંગ કેન્દ્રનાં હવાલે કરી દેવામાં આવશે.. કારણ, જેમ અસ્થિર ગર્ભવતી મહિલાઓ માટેનું સાર-સંભાળ કેન્દ્ર નથી તેમ અસ્થિર મા-બાળક માટેનું સાર-સંભાળ કેન્દ્ર પણ નથી. ખેર, બાળકને જન્મ આપ્યા બાદ કમલા થોડી શાંત બની ગઈ છે, હવે તેનું ગાંડપણ થોડું ઘટ્યું હોય એવું લાગે છે.
કમલાની કથની કહું તો.. કમલા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેને ખબર ન હતી કે તેનાં પેટમાં ઈશ્વરનાં અંશ સમું તેનું સંતાન અને સમાજની દ્રષ્ટિએ નાજાયસ ઔલાદ ઉછરી રહી છે. કમલાને ખબર નહતી તેની સાથે ક્યારે, કોને શું કરી નાખ્યું કે તેનાં બે પગ વચ્ચે પડેલા ઉજરડાઓમાંથી લોહી વહ્યાં કરતુ, બળતરા સાથે દુઃખાવો થતો. તેને ઉલ્ટીઓ થતી. એનું પેટ ફૂલાઈ રહ્યું હતું.
કદાચ વ્યક્તિગત વાસનાઓ સંતોષવા કમલાને શિકાર બનાવનાર શૈતાની પુરુષોનાં ચેહરા કમલાના માનસ પર કોઈકોઈ વાર અંકિત થઈ ઉઠતા હતા આથી તે પુરુષો જોઈ ડરી જતી હતી. એ દિવસો સુધી જમતી નહીં, દવા ન લેતી. બસ.. ઓરડાનાં એક ખૂણે બેસી રહેતી.
કમલા પર બળજબરી થઈ હશે ત્યારે તેણે મોટેમોટેથી ચીસો પાડી હશે.. રડી હશે.. હેવાનિયત સામે તેણે હિંમત દાખવી હશે. જુલમનો શિકાર બનેલી એ જનેતા બનવા જઈ રહેલીને બધું યાદ આવતાં એ ચીસાચીસ કરી મૂકતી હતી. કમલા ક્યારેક પોતાની આસપાસ રહેલી વ્યક્તિ અને વસ્તુઓને પણ ઈજા પહોંચાડતી. કમલા ક્યારેક સાવ સૂનમૂન બેઠી રહેતી તો ક્યારેક કલાકો સુધી ફિલ્મી ગીતો ગાતી રહેતી. કમલા પહેલેથી જ ગાંડપણ ધરાવતી હતી કે પછી સામૂહિક બળાત્કારનો ભોગ બન્યા બાદ તેની માનસિક હાલત બગડી હતી એ કહેવું મુશ્કેલ હતું.
એક મહિલાએ કમલાને હાઈવે પર નગ્નવસ્થામાં પડેલી જોઈ ત્યારબાદ પોલીસે તેને માનવમંદિર ટ્રસ્ટને સોંપી અને ત્યારબાદ વાત્સલ્ય ટ્રસ્ટે તેની સારવાર કરી કમલાનાં બાળકને આ દુનિયામાં લઈ આવવાનો સંકલ્પ અને શક્તિ દાખવી ત્યારથી આજ સુધીની સૌથી દુઃખદ બાબત એ રહી કે, કમલા ગર્ભવતી હતી ત્યારે તેને જાણ ન હતી કે તે મા બનવાની છે. કમલાએ દીકરાને જન્મ આપ્યા બાદ પણ તેને ખબર નથી કે, તે એક બાળકની મા બની ચૂકી છે. સૌનાં હિતથી જન્મેલાં હિતાર્થને પણ ખબર નથી કે, તે આ દુનિયામાં જન્મતાવેંત છતે મા-બાપે અનાથ બની ગયો છે. એ સમજણો થશે ત્યારે તેની મા કોઈ પાગલખાનાની દર્દી હશે અથવા બર્બર બનાવનો ભાગ બની મરી ગઈ હશે. હિતાર્થનો બાપ કોણ છે એ પણ કોઈને ખબર નથી એટલે હિતાર્થનો બાપ પણ ક્યાંક આપણા બધા વચ્ચે અલમસ્ત બની જીવતો હશે અથવા ઈશ્વરનાં ન્યાયનો ભાગ બની સજા ભોગવી ચૂક્યો હશે.
આરંભે શુરા અને અંતે અધૂરા એવા આપણે પણ કોઈનાં નાથ બનવા કે કોઈને ન્યાય આપવામાં આગળ આવશું નહીં આથી કમલાને ન્યાય મળશે કે કેમ એ કહી ન શકાય પણ હા, પોલીસ કે પ્રશાસન નહીં તો અંતે પ્રભુ થકી પણ કમલાને ન્યાય મળે તેવા પ્રયત્નો નહીં તો પ્રાર્થના થઈ શકે.
અને કાઠીયાવાડ બાલાશ્રમમાં તાજો જન્મેલો જમા કરાવેલો હિતાર્થ? કાશ.. આ હિતાર્થનાં નામ પાછળ કોઈનું નામ અને અટક જોડાઈ. કાશ.. સૌનાં હિતથી આવેલો હિતાર્થ કોઈનું હિત બની જાય. કાશ.. અનાથ હિતાર્થને નાથ મળી જાય તેવાં પ્રયત્નો નહીં તો પ્રાર્થના થઈ શકે.

મિરર મંથન : માનસિક વિકલાંગ વ્યક્તિઓ પર શારીરિક જુલમનાં કિસ્સાઓ નવા નથી. નવીનતા એ પણ નથી કે, માનસિક વિકલાંગ વ્યક્તિઓ જ્યારે કોઈ ઘટનાનો ભોગ બની રહે છે ત્યારે તેને કોઈને કોઈ માનવમંદિર, વાત્સલ્ય ટ્રસ્ટનાં સંચાલકો, સામાજીક કાર્યકરો અને રેનબસેરા આસપાસનાં લોકો જેવા મસીહાઓ પાસેથી સહાનુભૂતિ અને સારવાર મળી રહે છે. નવીનતા એ છે કે, રાજકોટ કે સૌરાષ્ટ્ર કે મોટાભાગની જગ્યાઓએ માનસિક ગર્ભવતી મહિલાઓની સારસંભાળ લેતું કોઈ સારવાર કેન્દ્ર નથી, એટલે કમલાની સાર-સંભાળ લેવા કોઈ રાજી કે તૈયાર ન હતું. જો વાત્સલ્ય ટ્રસ્ટે કમલાની સાર-સંભાળ લીધી ન હોત તો?