કોશીશ કરનેવાલો કી હાર નહીં હોતી, લહરો સે ડરકર નૈયા પાર નહીં હોતી.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 5.00 out of 5)
Loading...

આજથી એક દસક પહેલાં ૫મી ઑક્ટોબર 200નો એક સામાન્ય દિવસ હતો. હૈદરાબાદનાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય રોમાંચક ક્રિકેટ મેચ ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ દાવમાં ૨૯૦ રન કર્યા હતાં. ભારતીય ટીમ પોતાના લક્ષ્યાંકને પાર પાડવા ભરપૂર મથામણ કરી રહી હતી. જીતનો સમગ્ર આધાર હતો એવા માસ્ટર બ્લાસ્ટર તેંડુલકરને ૪૩ રનમાં ક્લીન બોલ્ડ કરીને બ્રેડ હોગે સચિનની વિકેટ લઈ ભારતથી જીત છીનવી લીધી. ભારતીય ટીમ 47.4 ઓવરમાં માત્ર 243 રન કરી ઓલ આઉટ થઈ ગઈ અને ભારત મેચ હારી ગયું.

       વાત અહી ખતમ નથી હતી, પરંતુ અહીથી શરૂ થાય છે.

       બ્રેડ હોગ પોતાની આ સફળતાથી ખૂબ ખુશ હતો. જ્યારે મેચ પૂરી થઈ ત્યારે બ્રેડ હોગ તેંડુલકર પાસે ગયો અને જે બોલથી વિકેટ લીધી હતી તે બોલ સચિનના હાથમાં આપીને બોલ પર પોતાના ઓટોગ્રાફ આપવા વિનંતી કરી. સચિને આ સમયે પોતાની મહાનતાનો પરિચય આપ્યો. બહુ પ્રેમપૂર્વક બોલ પોતાના હાથમાં લઈ સચિને બોલ પર પોતાના ઓટોગ્રાફ આપ્યા અને એક વાક્ય લખ્યું, ‘This will never happen hoggy.’ (હોગી, ભવિષ્યમાં હવે આવું ક્યારેય નહીં બને.)

       અને ત્યાર પછી?

       ઓસ્ટ્રેલિયન બોલર બ્રેડ હોગે ૨ માર્ચ ૨૦૦૮નાં રોજ વન-ડે અને ટેસ્ટ ક્રિક્રેટમાંથી નિવૃત્તિ લીધી ત્યાં સુધીમાં ૭ વન ડે અને ૩ ટેસ્ટમાં સચિન તેંડુલકર સામે તેણે બોલિંગ કરી. ક્રિકેટ ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે બ્રેડ હોગને એકપણ વખત સચિનની વિકેટ મળી નથી!

       વ્હાલા વાંચક મિત્રો, આ કિસ્સાની વાત નિષ્ફળતામાંથી સફળતાનાં માર્ગ પર પ્રયાણ કરવાની છે. ચેલેન્જ આપવાની, જીલવાની છે જેમાં એક પક્ષની હાર તય છે અને એક પક્ષની જીત નિશ્ચિત છે. પરંતુ હાર-જીતનો ડર રાખ્યા વિના કસોટીને સ્વીકારવી-પડકારવી એ સાચા ખેલાડીની ઓળખ છે. આત્મવિશ્વાસ અને ધૈર્ય ઉપરાંતની ઈચ્છાશક્તિ ગમે તેવા પ્રગતિમાં બાધારૂપ બનતા આકરા-કપરા પ્રહારોને પડકારો ફેંકી શકે છે. જો તમારામાં પણ ક્રિકેટનાં પિતામહ સચિન જેટલો સેલ્ફ પાવર હોય તો નામુકીન કશું જ નથી. કિસી ભી ચીજ કો પૂરી સિદ્દત્ત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે પૂરા કરને મે લગ જાતી હૈ. એ ડાયલોગ ક્યારેય ન ભૂલવો જોઈએ જો હીરો બનવું હોય તો રિમેમ્બર ધિસ પ્લીઝ.

       જીતની એક પલ માટે હજાર વખત હારવું પડે તો પણ હારતા રહેવું. લાખ પ્રયત્નો બાદની, સેંકડો નિષ્ફળતા પછીની જીતની, ફતેહની એક ક્ષણ બધા વિવેચકો સમાન બબૂચકોનાં મોઢા બંધ કરવા કાફી છે. જંગના મેદાનમાં ભાગે એ ભાયડા નથી. એ ભગૌડા છે. લડતા લડતા જે શહીદી વેઠે એ શુરવીર છે જેની ઈતિહાસએ પણ સદીઓથી નોંધ લીધી છે. પરાજયનાં ડરથી રમત રમવાનું ન છોડવું. ફતેહ તમારા કદમ વહેલાં-મોડાં એક દિન જરૂર ચૂમશે. ટ્રસ્ટ ઓન યોર સેલ્ફ.

       જિંદગીમાં જીત મેળવવા ખંતીલું ઉત્સાહી બનવું પડે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે, ઉત્સાહો બલવાનાર્ય નાસ્ત્યુત્સાહાત્પરં બલમ, સોત્સાહસ્ય લોકેષુ ન કિંગ્ચિદપિ દુર્લભમ. મતલબ, હે આર્ય ઉત્સાહ બળવાન છે. ઉત્સાહ સિવાય બીજું કોઈ બળ નથી. ઉત્સાહી મનુષ્ય માટે આ દુનિયામાં કઈજ દુર્લભ (અશક્ય) નથી. જ્યાં ઉદ્યમ, ધીરજ, બુદ્ધિ, શક્તિ, સાહસ, અને પરાક્રમરૂપી છ ગુણનો મિલાપ ત્યાં નસીબ, સંજોગ અને પરિસ્થિતિ આપણી તરફેણમાં હોય છે. કેટલુક પામવા માટે કેટલુક ગુમાવવું પણ પડે છે. કર્મ વિના ફળની પ્રાપ્તિ મળતી નથી. પ્રયત્નો વિના પુરસ્કાર કે પરાજયનો ખ્યાલ આવતો નથી. કર્યા વિના કશું મળતું નથી. કરેલું નકામું જતું નથી એ સિદ્ધાંતને મંત્ર બનાવી, પોતાના ધ્યેયને લક્ષ્યમા રાખી મહેનત કરો.

       જીવનમાં કશું કરી બતાવવા માટે, સફળતાને પામવા માટે આત્મવિશ્વાસનું લક્ષણ દરેક મનુષ્યે અચૂક કેળવવું જોઈએ. આત્મવિશ્વાસને સીધો સંબંધ તમારા આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વ સાથે છે. આપણા શરીરની સ્વસ્થતા માત્ર મન કે મગજ સાથ જોડાયેલી નથી. તેનો આધાર આપણા શારીરિક-માનસિક ઉપરાંત આત્મવિશ્વાસ જેવા વલણો સાથ જોડાયેલ છે. જે ગુણ દરેક જગ્યાએ તમને બીજાથી અલગ સાબિત કરી પ્રગતિનાં બીજ રોપશે. ઘગશ, ખંત જેવા ભાવો પણ આત્મવિશ્વાસમાંથી જ જન્મે છે. આથી તમારી પર્સનાલિટીમાં મોનોપોલી લાવવા માટે સેલ્ફ કોન્ફિડન્શને અપ લાવો.

       તમિળ ધર્મશાસ્ત્ર કુરળના બે બોધવચનો આત્મવિશ્વાસ અને પ્રયત્નનાં સંદર્ભે સરસ કહેવાયા છે. એક કે, હમેશાં નિશાન ઊંચું તાકો. એ નિષ્ફળ જશે તો પણ લગભગ સફળતા જ ગણાશે. બીજું કે, તીરથી સસલું મારવું એના કરતાં હાથી પર ભાલો ફેંકી ચૂકી જવું બહેતર છે. આ પરથી ગુજરાતી કહેવત આવી – નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. ઈનશોર્ટ લક્ષ્યાંક હમેશાં ઊંચું રાખો તો જ અવ્વલ આવવાની પ્રયત્નશક્તિમાં વધારો થઈ ઈચ્છિત પરિણામની પ્રાપ્તિ થઈ શકે અથવા તેની નજીક પહુંચી શકાય. આમ આત્મવિશ્વાસ અને એકાગ્રતામાં વૃદ્ધિ અનિવાર્ય છે. જો તમારામાં આંતરિક મનોબળ નહીં હોય તો ગમે તેવા સહેલા ચડાણ પણ હિમાલયની ચડાણ જેવા અઘરા લાગશે. સમસ્યાને બને એટલી સફળ બનાવવા, અનુભવોની કસોટીમાં ટોચનો ક્રમ લાવવા કે જાળવી રાખવા જરૂરી છે તો માત્રને માત્ર તમારું પૂર્ણ કોઈપણ કાર્ય પ્રત્યેનું સમર્પણ, નિષ્ઠા અને સત્યતા.

       કાયમ પૂર્ણ પ્રયત્નો છતાં સફળતા ન પણ મળે. ઘણીવાર નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા બાદ આપણને જ આપણે ગમતા નથી. પોતાની જાત પ્રત્યે જ નફરત થાય છે એટલે વધુ નિરાશા ઊપજી નકારત્મકતા આપણી અંદર પ્રવેશી આપના ધ્યેયપ્રાપ્તિની બચેલી સમભાવનાને ખતમ કરી મૂકે છે. આવું ન બને એટલે બને તેટલા નિડર બનો. નિખાલસ બનો અને સૌથી અગત્યનું છે સત્યનિષ્ઠ બનો. વાણી અને વ્યવહારમા સંયમ લાવો.

       જે વ્યક્તિને સ્વયં પર શ્રદ્ધા અને સ્નેહ નથી એ વ્યક્તિ અંધકારમાં જીવતો હોય એવું બની શકે. પોતાની જાતને પ્રોત્સાહન આપવું, પ્રેમ કરવો એ ખોરાક લેવા જેટલું જ મહત્વનું કાર્ય છે. અને અંતમાં, ષડદોષા હાતવ્યા ભૂતિમિચ્છતા, નિન્દ્રા તંદ્રા ભયં ક્રોધં આલસ્યં દીર્ધસૂત્રતા. અર્થાત જેઓને પ્રગતિ કરવી હોય એણે નિન્દ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ અને દીર્ધસૂત્રતા (કામ ટાળવાની વૃતિ) ત્યાગ કરવો જોઈએ. આપ પણ આજ, અત્યાર, આ ઘડી સમય નિશ્ચિત કરી લ્યો કે આપણે બધા જ જીવનમા આત્મવિશ્વાસ કેળવશું. પોતાના ક્ષેત્રમાં સફળ થવા માટેનાં ઉચિત બધા પ્રયત્નો કરીશું અને ક્યારેય નિષ્ફળતાથી નિરાશ થઈ કર્મનો માર્ગ છોડશું નહીં. કેમ કે, કોશીશ કરનેવાલો કી હાર નહીં હોતી, લહરો સે ડરકર નૈયા પાર નહીં હોતી.