ક્રિએટીવ-કન્ટેન્ટ રાઈટિંગ : કલમમાં હુનર હોય તો કાંડાનાં બળની જરૂર નથી

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 5.00 out of 5)
Loading...

જો મગજ દોડાવતા આવડે, તો હાથ ચલાવવા ન પડે. આપણા ભાગનું દોડાવવાનું મગજ આપણે જ બનાવેલાં કોમ્પ્યુટર અને ડિજીટલ ટેક્નોલોજી દોડાવે છે એટલે આપણે નવરા બેસવાનો અને હાથ મજૂરી કરવાનો સમય આવી ગયો છે. જો કે, એકવીસમી સદીએ સ્કીલ એન્ડ ક્વોલિટી બેઈઝ્ડ વર્કનાં યુગની જન્મદાત્રી છે. હવે ઘોડા અને ગધેડા એક લાકડીએ હંકારવામાં આવતા નથી. પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવાં વિસ્તારોમાં પ્રભિતાઓ પૂજનીય ન હોય, પ્રોફેશનાલિઝમનાં નામે મીંડું હોય ત્યારે પેશનને પ્રોફેશન અને ગમતા શોખનાં નશાને પેશામાં કેમ પરિવર્તિત કરવો એ પ્રશ્ન કલાકારને મુંજવતો અને કલાને મારતો આવે છે.
કલાની કદર વ્યવસાયિક ધોરણે થતી ન હોય તેવા વિવિધ ક્ષેત્રોમાંથી જો લેખનજગતની જ વાત કરવામાં આવે તો.. શરૂ શરૂમાં ઘણા યુવાનો અને ગૃહિણીઓ બ્લોગ લખે છે, સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી પોતાનું કલમ કૌશલ્ય પાથરે છે. પોસ્ટ, મેસેજીસ પર લાઈક્સ, કોમેન્ટ્સ અને વાહવાહીઓની તડાપડી થાય છે. પણ પછી? પછી શું? યુવા લેખકને વર્ષોનાં લેખન રિયાઝ પછી છાપામાં એકાદ કોલમ અને ગેસ્ટ લેક્ચર્સ મળી જાય છે. સામાજિક નામના મળે છે. લેકીન તાળીઓ પેટ થોડું ભરે? જ્યારે ક્રિએટીવીટીને સામાજિક પ્રોત્સાહન સિવાય આર્થિક પુરસ્કારો ન મળે ત્યારે આરંભે શૂરા અંતે અધૂરા કલાકારોનું બાળમરણ થઈ જતું હોય છે. દુષ્કાળમાં અધિક માસની વચ્ચે પ્રકૃતિવશ લખવા સિવાય છુટકારો ન હોય તેવા કલમવીર પ્રતિભાઓને પુન:જીવિત કરવા હવે ક્રિએટીવ કન્ટેન્ટ લેખનનાં દ્વાર ખુલી ગયા છે. મતલબ સરસ્વતી થોડીઘણી સિદ્ધહસ્ત હશે તો લક્ષ્મી ચાંદલો અવશ્ય કરશે.
આજે કોઇપણ ફિલ્ડની જેમ રાઈટિંગ લાઈનમાં ક્રિએટીવીટી અને માસ્ટરી એ પાયાની શરત અને જરૂરત છે. નાની અમથી ટચુકડી જાહેરખબરથી લઈ ચોપાનીયા, અખબારો, હોર્ડિગ્સ, બેનર્સ, જાતભાતનાં કાર્ડ્સ, ડોક્યુમેન્ટ્રી, ટીવી, ફિલ્મ, રેડિયો, ઓનલાઈનનાં અધધ કેટલા બધા એવા સ્ત્રોત છે જ્યાં એક્સલ્યુસિવ લખી શકનારા લખવૈયાઓની જરૂર છે. આ કામનું બોનસ એ કે, ક્રિએટીવ-કન્ટેન્ટ રાઈટીંગમાં કામ પણ લખનારની શરતે અને ફૂરસદે થઈ શકે છે. વળી, ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટિંગમાં સમય અને સ્થળની મર્યાદા ન હોય ફ્રિલાન્સ રાઈટિંગ કરી વિશ્વભરનું કન્ટેન્ટ ઘર બેઠા લખી શકાય છે. એટલે જો ભણતા કે કમાતા પાર્ટટાઈમ સમય કાઢી પ્રોફેશનલી સારું લેખન કરી શકવાની આવડત અને ચાહત ધરાવીએ તો ફૂલ ટાઈમ નોકરી કરવાની જરૂર ન રહે.
ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટિંગ એટલે કે, સર્જનાત્મક સામગ્રી લેખન એ સાહિત્ય પ્રકારનું લેખન નથી. આ લેખનનો એક પ્યોર પ્રેક્ટિકલ એન્ડ પ્રોફેશનલ સબ્જેક્ટ છે. અહિયાં ફિક્શન કે સબ્જેક્ટ સિલેકશન કરવા મળતું નથી. ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટિંગમાં જેક ઓફ ઓલ ટ્રેડ્સ, માસ્ટર ઓફ નનની ઉક્તિ મુજબ એની સબ્જેક્ટ પ્રેજન્ટેશનને પરફેક્શન આપવાનું હોય છે જેથી કોઈપણ પ્રોડક્ટ્સ, સર્વિસીસ, પર્સનાલિટી એક્સેટ્રાથી ક્લાસ અને માસનું અટ્રેકશન થઈ અટેન્શન મળે. કોઈપણ રજૂઆતનો હાર્દ તેનું કન્ટેન્ટ રાઈટિંગ છે. ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટિંગ માટે જરૂર છે : ઓબ્ઝર્વેશન, આઈડિયા, ઈનોવેશન અને ઈમેજીનેશન. આ ઉપરાંત સાચા અને સારા શબ્દોની સમજ. આ સિવાય ટૂંકમાં સંપૂર્ણ લખીને રજૂઆતનું કૌશલ્ય પણ અત્યંત જરૂરી છે. ભાષા જ્ઞાન સાથે વાંચન અને વિચાર પણ સતત જોઈએ જ. જનરલ નોલેજ સાથે સમકાલીન અને સાંપ્રત સમયનાં બનાવો, ઘટનાની આંકડાકિય, હકીકતલક્ષી, તલસ્પર્શી બારીક જાણકારી સાથે મગજ, આંખ, કાન સહિત દરેક ઈન્દ્રિયો જીવંત અને કાર્યશીલ હોવી અનિવાર્ય છે. બસ આટલી ક્ષમતા અને આવડત હોય તો ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટર તરીકે મહિને ગણતરીની કલાકો કામ કરી આસાનીથી પાંચથી છ આંકડાની રકમ કમાઈ શકાય છે.
જો તમારી પાસે વેલ એન્ડ ગૂડ કોમ્યુનિકેશન સ્કીલની ક્ષમતા અને ગુણવત્તાસભર લેખનનું કૌવત હોય તો સૌરાષ્ટ્રમાં ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટરની જગ્યા માટે શ્રેષ્ઠ લખી-બોલી શકનારાઓ માટે ઉજ્જવળ કારકિર્દી દસ્તક દઈ બેઠી છે. જી હા, સૌરાષ્ટ્રનાં મલ્ટીનેશનલથી લોકલ કોર્પોરેટ સેક્ટર, એનજીઓ, હેલ્થ, એજ્યુકેશનલ ઈન્સિટ્યુટશન, ટુરિઝમથી લઈ દરેક નાનાં-મોટા સેકટર્સની કંપની, સંસ્થા, પ્રોડક્ટ્સ, પ્રોજેક્ટ કે પર્સનાલિટી પર કઈક અલગ, આગવી અને વિશિષ્ટ શૈલીમાં લખી શકે તેવાં તરવૈયાઓની તાતી જરૂર છે. પોતાની કલાને તદ્દન મફતમાં વેડફી દેતા રાઈટર્સ માટે બ્રાંડ ઈમેજ અને પ્રમોશન માટે ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટિંગમાં મોહ માંગ્યા પુરસ્કારો મળી શકે તેમ છે.
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને એડવટાઈઝમેન્ટ ફિલ્ડમાં ક્રિએટીવ કન્ટેન્ટ લખવા માટે કોપી રાઈટરની સવિશેષ જરૂરિયાત ઉદભવતી હોય છે. પ્રાઈવેટ એફએમ ચેનલ્સ પણ સર્જનાત્મક સામગ્રી લેખક પ્રતિભાની જરૂરિયાતમાંથી બાદ નથી. અરે.. સર્જનાત્મક સામગ્રી લખનારા લેખકને નાની એવી શ્રદ્ધાંજલિ, કોઈ હોટેલનું મેનૂકાર્ડ કે કંકોત્રી સુંદર શૈલીમાં લખવાના રૂપિયા હજારોમાં અને જાહેરખબરમાં આવતો નાનકડો શબ્દ ‘સેલ્ફીસ્તાન’ ઓપ્પો જેવી કંપનીને આપવાના લાખો રૂપિયા મળે છે. વર્ડ ઈઝ વર્લ્ડ. હવે તમે નક્કી કરો કે, કલાકો સોશિયલ મીડિયા સામે બેસી લાઈક, કોમેન્ટ્સની મફત વાહવાહીનો સંતોષી આનંદ માણવો જોઈએ? એકાદ કોલમ અને લેક્ચર્સ પૂરતી આપણી પ્રતિભાને સીમીત રાખવી છે કે પોતાની કલાનાં જોરે પ્યોર પ્રોફેશનલ બની ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટિંગમાં કરોડો કમાવવા છે?

ડેઝર્ટ : આજીવન કલમજીવી બનીને લેખકો, કવિઓ અને પત્રકારો જેટલું કમાઈ શકતા નથી એટલી કમાણી ક્યારેક ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટર એક દિવસમાં કરી લે છે.

બોક્સ :
સૌરાષ્ટ્રમાં ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટરનાં હોદ્દાઓ : ઓનલાઈન ડિજીટલ મીડિયા સ્ક્રીપ્ટ, કન્ટેન્ટ મેનેજર, ડાયલોગ રાઈટર, સ્ક્રીન પ્લે રાઈટર, જિંગલ રાઈટર, લીરીક્સ રાઈટર, ટ્રાન્સલેટર, સોલીલોકી, ફ્રન્ટલાઈન રાઈટર, કોપી રાઈટર, ટેગ-પંચ-સ્લોગન રાઈટર, પ્રૂફ રીડિંગ અને એડિટર.

સૌરાષ્ટ્રની સ્માર્ટ એન્ડ સ્પીડી જનરેશન માટે ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટિંગ તદ્દન નવું અને અજાણ્યું ક્ષેત્ર છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલોર જેવા શહેરોમાં ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટરની માસિક કમાણી પાંચથી સાત આંકડામાં હોય છે!