ખબરીનું ખૂન : સત્યશોધક સામે સત્તા, શક્તિ અને સંગઠનની જીત

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

ઈન્વેસ્ટિગેટિંગ-સંશોધનાત્મક પત્રકારત્વનું પરિણામ જર્નાલિસ્ટની જાન જોખમમાં..

દુનિયાભરમાં ૨૦૧૬ની સાલમાં કુલ ૧૨૨ પત્રકારોની હત્યાઓ થઈ. મતલબ કે, દર ત્રીજા દિવસે એક પત્રકારની હત્યા! વર્ષ ૨૦૧૬માં ઈરાકમાં સૌથી વધુ પત્રકારોની હત્યાઓ થઈ જેમાં પાંચ પત્રકારોની હત્યા સાથે ભારતનો નંબર આઠમો છે. ઈ.સ. ૨૦૧૫માં વિશ્વમાં ૧૧૨ પત્રકારોની હત્યા થઈ હતી. પત્રકારોની હત્યા થવાના મામલામાં ઈરાક, અફઘાનીસ્તાન અને મેક્સિકો સૌથી વધુ કુખ્યાત છે. આ ઈસ્લામિક દેશો બાદ યમન, ગ્વાટેમાલા, સીરિયા તથા ભારત અને પાકિસ્તાનનું નામ મોખરે છે. ઈંટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ અને પત્રકાર ટ્રેડ યુનિયનોનાં સૌથી મોટા સંઘની આંકડાકીય માહિતી મુજબ ભારતમાં પત્રકારોની વાર્ષિક હત્યાનો આંક વર્ષ દર વર્ષ વધી રહ્યો છે. પત્રકારોની હત્યાનાં મામલામાં યુ.પી સૌથી વધુ બદનામ છે. ૨૦૧૫નાં સીપીજી રીપોર્ટ અનુસાર પત્રકારત્વમાં જોખમનાં મામલામાં વિશ્વમાં ભારતનો દસમો ક્રમ છે.

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશ માટે શરમજનક બાબત છે કે, લોકશાહીનાં પ્રમુખ ચાર સ્તંભોમાના એક સ્તંભ, ચોથી જાગીરનાં સિપાહી એવાં પત્રકાર માટે સુરક્ષા કાનૂન નથી! આ હકીકત એકદમ સાચી અને કડવી છે. આજે પણ દેશમાં અંગ્રેજોએ બનાવેલો કાયદો પીઆરબીપી એક્ટ ૧૮૬૭ કેટલાંક નાના-મોટા સુધારાઓ સાથે અમલમાં છે. જીવ જોખમમાં મૂકી ખબરોને શોધતા, સમજતા, સંપાદન અને પ્રકાશિત કરતા પત્રકારો સુરક્ષિત તો નથી જ સાથોસાથ પ્રેસ સ્વતંત્રતાને પણ અભિવ્યક્તિનાં અધિકાર ૧૯(૧) ક મુજબ રાખવામાં આવ્યો છે. મતલબ સ્પષ્ટ છે, સત્યનાં શોધક માટે કોઈ એવો પણ કાયદો નથી જેમાં તેને સત્યને ઉજાગર કરવાનો વિશિષ્ટ હક્ક પ્રાપ્ત હોય. આમ, ભારતનો પત્રકાર એટલી જ સત્તા અને શક્તિ ધરાવે છે જેટલી સત્તા અને શક્તિ સોશિયલ મીડિયામાં કોઈ સામાન્ય ખબર પોસ્ટ કરનાર પાસે હોય.
પત્રકારત્વ. એક એવો વ્યવસાય જેની ખુમારી, ખુદ્દારી અને ખબરદારી લાજવાબ હોય છે. યશ, ધન, સત્તાની આ કલમ-કેમરા, પેપર-ઓડિયો-વ્યુઝિઅલ આધારિત દુનિયા દૂરથી ડુંગર રણીયામણા પાસે જઈ જૂઓ તો બિહામણા કહેવત જેવી છે. એક રીતે જોવા જઈએ તો મીડિયા અલ્લાદિનનો ચિરાગ છે જેની પાસે સત્તાથી લઈ શ્રુષ્ટિની કાયાપલટ કરવાની શક્તિ છે તો બીજી તરફ પત્રકારની જીદ અને જનૂનનો અંજામ શું હોઈ શકે એ આપણે જાણીએ છીએ. પત્રકારત્વનાં ઉદયથી લઈ આજ સુધી પત્રકારો ઘણી વખત નિ:સહાય અને લાચાર બનતા આવ્યા છે. સત્યનો સારથિ ઘણી વખત અન્યાયનો ભોગ બન્યો છે. ફક્ત ભારત જ નહીં વિશ્વભરની સરકાર પત્રકારોની હત્યા પર નિંદા અને નારાજગીથી વિશેષ કશું જ કરી શકી નથી.
દુનિયાનાં પત્રકારોની ચિંતા બાજુ પર રાખી જણાવું તો દેશનાં કેટલાંક વિસ્તારો જેવા કે, જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ, અસમ અને દક્ષિણ ભારત બાજુનાં આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદગ્રસ્ત વિસ્તારોમાં નાની-નાની ખબરો માટે જજુમતા જર્નાલિસ્ટ માફિયા અને મીનીસ્ટરોની શક્તિ અને સત્તાનો નિશાનો બને છે. જો કે, આ ઈન્વેસ્ટિગેટિંગ એટલે કે, સંશોધનાત્મક પત્રકારત્વનું એક પરિણામ જ છે. જી હા, ઈંટરનેટ અને સૂચનાનાં અધિકારથી (આરટીઆઈ) વડે આજનું પત્રકારત્વ સશક્ત અને સરળ બન્યું છે. જો કે, તેનો દૂરપયોગ એ ગેરફાયદો છે તો પણ માત્ર હકારાત્મક બાજુ પર નજર કરીએ તો એવી ઘણી બાબતો છે જે જાણવી અઘરી પણ જરૂરી હોય છે. સત્યનાં મૂળમાં લોકહિત રહેલું દેખાય છે ત્યારે પત્રકાર સંશોધનાત્મક પત્રકારત્વ યાની ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ કરવા પ્રેરાય છે. જે પત્રકારત્વની એક શૈલીનું પરિણામ છે – જર્નાલિસ્ટની જાન જોખમમાં.
માઈ લાઈ કોડ, વોટરગેટ, જૈક એંડર્સનનાં પેંટાગન પેપર્સ જેવા આંતરરાષ્ટ્રીય કાંડથી લઈ સિમેન્ટ, બોફોર્સ, તાબૂત ગોટાળા કાંડ ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમનાં એક્ઝામપલ્સ છે વળી, આ બધું ત્યારે પત્રકારત્વનાં માધ્યમથી પ્રકાશમાં આવ્યું જ્યારે આધુનિક સંચાર માધ્યમો ન હતા. ઈંટરનેટ અને આરટીઆઈ આવ્યા પછી પણ ૨જી સ્પ્રેક્ટમ, કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ અને તાજ કોરીડોર કાંડથી લઈ સંસોધનાત્મક પત્રકારત્વ મારફત માલૂમ પડેલા કાંડની સૂચી લાંબી છે. બેશક આ બધા પાછળ કોઈ એક કે વધુ પત્રકારે પોતાના જીવનની બાજી દાવ પર લગાવી હશે પણ ફાયદો કોને થયો? વિપક્ષને. અને મીડિયાને શું મળ્યું? પોતાના ખબરીનું ખૂન.
કલમ અને કેમરાથી સચ્ચાઈને પ્રસ્તુત કરતા પત્રકારોને ઈમાનદારીની કિંમત પોતાનાં જીવની કુરબાની આપી ચૂકવવી પડે છે. એમાં પણ ખાસ કરીને ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ સાથે જોડાયેલા પત્રકારો અને તેમનાં પરિવારોને સતત ભયનાં પડછાયા હેઠળ જીવવું પડતું હોય છે, અકારણ સેલિબ્રિટીથી લઈ ટેરીરીસ્ટનાં રોષનો ભોગ બનવો પડે છે. બીજાની ન્યાયની લડત ચલાવનારા ક્યાં સુધી અન્યાય સહન કરશે? કદાચ હવે સમય પાકી ગયો છે દરેક પત્રકારે સમાજની સાથે પોતાના હકથી વાકેફ બની અધિકારોની લડત ચલાવવાનો. સમાજને અરીસો દેખાડનારાઓએ, બેબસ લોકોનાં અવાજને બેબાકીથી રજૂ કરનારાઓએ પોતાને અરીસામાં જોવાની જરૂર છે કે, હકીકતમાં આપણે જે પત્રકારત્વ કરીએ છીએ તે આપણા માટે કેટલું ઓછુ જોખમી છે. અલબત્ત આપણા દેશની એ ખામી છે કે, પત્રકાર સિવાય કોઇપણ યુનિયન દેશની અર્થવ્યવસ્થા ખોરવી દેવાની તાકાત અને ઔકાદ ધરાવે છે. દરેક મીડિયા હાઉસએ પોતાના પત્રકારોનાં સામાજીક અને આર્થિક હિત માટે લડવું પડશે નહીં તો ના રહેગા બાસ ન બજેગી બાંસુરી.

ડેઝર્ટ : વિદેશોમાં પત્રકારોની હત્યા બોમ્બ હુમલામાં, યુદ્ધ કે અશાંતિમય ક્ષેત્રોના રીપોટીંગ દરમિયાન થાય છે જ્યારે ભારતમાં પત્રકારની હત્યા ઓફીસથી ઘર જતા સમયે થાય છે.