ખાસ તસવીર

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.50 out of 5)
Loading...

એ તસવીર કંઈક ખાસ છે,

મોનાલીસાના ચિત્ર કરતાં પણ..!

જડ, ચેતન, નિ:સ્તેજ…

ફોટામાં રહેલાં ચહેરાઓ પણ સજીવ છતાં નિર્જીવ છતાં જીવંત.

કેટલી યાદો સજાવેલી છે એ તસવીરમાં, દસ સાલ જૂની છતાં હજી કાલે જ એ ફોટો પડાવ્યો હોય તેવી મારાં વિચારો જેટલી તાજી.

એ સમયે ૩૬ ફોટા પડી શકે તેવા રોલવાળો કેમરો આવતો. આખરી એક ફોટો બાકી હતો, ૩૫ ફોટા ખેચાય ગયા પછી શું ખાસ હતુ એ ફોટોમાં?

ખચક. ફ્લેસ પડી, રોલ પૂરો, ફોટા સ્ટુડિયોમાંથી ધોવાઈ આવી ગયા. આલ્બમમાં સજાવાઈ ગયા.

કદાચ કંઈ જ ખાસ નહીં એ સમયે..

પણ આજ જ્યારે એ તસવીર જોઉ છું, તેનાં પર હાથ ફેરવું છું અને દસ વર્ષ પાછળ વળી ક્ષિતીજો પર ઊભી રહી જિંદગીને નિહાળું છું તો એ તસવીરમાંથી એક ચહેરો કાયમ માટે નિ:શબ્દ, સ્તબ્ધ, જડ, ચેતન થઈ ગયો છે.

યાદોનાં પન્નાથી ભરેલી જિંદગી પર એ ઝીલમીલ શી યાદ એ તસવીરમાં પૂરાઈ ગઈ છે. એ પપ્પા સાથે મમ્મી અને ભાઈનો આખરી ફોટો હતો. હું જીવંત ગવાહ છું, એ ક્ષણોની.

પપ્પાની આંખો ખુલ્લી છે અને જે કાયમ માટે ખુલ્લી રહેશે, એ સ્મિત રેલાતુ જ રહેશે જ્યા સુધી મારી આંખો ખુલ્લી રહેશે.

એ તસવીર જ્યારે જ્યારે જોઈશ તો પપ્પા સાથ ખુદને પામી શકીશ. પપ્પા આજે પણ આમ તો મારાં દિલમાં છે પણ એ તસવીર વારંવાર આંખમા વસાવવાની, કેદ કરવાનાં પ્રયત્નો કરું છું ત્યારે આંસુ અત્યાચારી બની બધું જ ઓઝલ કરી દે છે.

અને હું ફરી ફરી એ તસવીર નીહાળવા લાગુ છું.

પપ્પા તસવીરમાં છે, હકીકતમાં નથી. પાસ છે છતાં પણ દૂર. જોઈ શકુ છું પણ પામી નહીં.

પપ્પાની આખરી નીશાની ન ગણાવી શકાય, કદાચ એ અવશેષ છે! તસવીરની જેમ કા..શ.. હું પપ્પાને પણ એ રીતે મારી પાસે કાયમ માટે રાખી શકતી તો આજે પણ એમની વાતો, સલાહો, અનુભવો મને હર કદમ પર સાથ હોત. તસવીરમાં પૂરાયેલા નહીં, સ્ટેચ્યુ જેવા નહીં. ઓલ ટાઈમ સ્ટેન્ડ ફોર મી.

એ શક્ય નથી. તસવીર ખાસ છે. બહું..મૂલ્ય છે. હું આમ શબ્દો ખર્ચી વધુ જણાવી ન શકુ તેટલી ખાસ..