ખૂબ જ વિશિષ્ટ બાબત એ છે કે, ભવ્ય રાવલ નવલકથા લખે છે, લેખ લખે છે, ટૂંકી વાર્તા તથા કવિતા પણ લખે છે. લેખનનું દરેક ક્ષેત્ર તેમણે સિદ્ધહસ્ત કરેલું છે. – મિનલ ગણાત્રા

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

ભવ્ય રાવલ આ નામ મેં એમના પુસ્તક ‘અન્યમનસ્કતા’ નવલકથાના વિમોચનને દિવસે જ સાંભળેલું. આ યુવા લેખકને મળવાનું ડીસેમ્બર ૨૦૧૪માં થયું હતું. ત્યારથી અત્યાર સુધીની ઓળખાણનાં સમયગાળા વિશે કહું તો…
ભવ્ય રાવલનું વ્યક્તિત્વ લાગણીશીલ, સહાયક, શાંત અને વિચારશીલ છે. આ ઉપરાંત થોડા વધતાં અંશે ક્રોધ અને આક્રોશ પણ તેમનામાં છે. જે કેટલીક વખતે તેમને મદદરૂપ બને છે અને કેટલીક વખતે તેમને મુશ્કેલીમાં પણ મૂકે છે. સૌથી વધુ અગત્યની બાબત એમના વ્યક્તિત્વની એ છે કે તેઓને પોતાના વ્યક્તિગત વિચાર છે, મૌલિક મંતવ્ય છે, અંગત અભિપ્રાય છે. સામાન્ય માણસમાં આ બાબત ખૂબ જ ઓછી જોવા મળે છે. ઘણાં ખરાં લોકો બીજાનાં અનુકરણથી વિચારોથી જિંદગી જીવે છે. તો કેટલાક લોકોને પોતાના વિચારો છે પરંતુ પ્રદર્શિત કરતાં નથી કે પરિણામોનાં ડરથી પોતાના વિચારો જીવનમાં અમલીકરણ કરતાં નથી. જ્યારે ભવ્યને પોતાના વિશિષ્ટ વિચારો છે, મંતવ્ય છે. તેઓ પોતાના વિચારો અન્ય લોકો સમક્ષ પ્રદર્શિત કરી શકે છે. સહજતાથી પોતાનો અભિપ્રાય આપે છે. ખાસ બાબત એ છે કે તેઓ તે મુજબ નિર્ણય લઈને વ્યવહાર અને અમલમાં પણ મૂકે છે અને તેનાથી આવતાં પરિણામો પણ સહજ મનથી સ્વીકારે છે. મારા મત મુજબ આ બાબત એમના વ્યક્તિત્વની એક અનોખી અસર ઉપજાવનાર છે.
ભવ્ય એક સારા લેખક છે. મેં એમની બંને નવલકથા ‘અન્યમનસ્કતા’ અને ‘…અને’ ઓફ ધ રકર્ડ વાંચેલી છે. તેઓશ્રીનાં લેખ વાંચેલા છે. એવું લાગે છે કે મા સરસ્વતીનાં તેમના પર પરમ આશીર્વાદ છે. એમનું લખાણ દિન પ્રતિદિન ઉત્તમથી ઉત્તામોત્તમ થતું જાય છે. એમના લેખનની વિશેષતા એ છે કે તેઓ ખૂબ જ સાહજીક શૈલીથી શાબ્દિક રીતે અભિવ્યક્ત થઈ શકે છે. ખૂબ જ વિશિષ્ટ બાબત એ છે કે, ભવ્ય રાવલ નવલકથા લખે છે, લેખ લખે છે, ટૂંકી વાર્તા તથા કવિતા પણ લખે છે. લેખનનું દરેક ક્ષેત્ર તેમણે સિદ્ધહસ્ત કરેલું છે. તથા તેમના લેખમાં ગુગલની માહિતી ઓછી અને તેમના પોતાના મૌલિક વિચાર સ્પષ્ટ દર્શાવેલા હોય છે. જે નોંધનીય બાબત છે. આ ઉપરાંત તેમનું વાંચન પણ ખૂબ જ વિશાળ છે. તેઓએ વાંચેલા પુસ્તકોની યાદી સમય સાથે વધતી જાય છે.
મારી વાત કરું તો મેં ઘણાં ન કહી શકાય પરંતુ થોડા ઘણાં પુસ્તકો વાંચેલા, પરંતુ મેં કદી પણ ચંદ્રકાંત બક્ષીને નહીં વાંચેલા. ખબર નહીં શા માટે પરંતુ તેઓનાં પુસ્તકો કદી પણ મારા વાંચવામાં નહીં આવેલા. મને ચંદ્રકાંત બક્ષીના કેટલાંક પુસ્તકો ભવ્યએ વાંચવા માટે આપેલા, મેં વાંચેલા. આ ઉપરાંત અન્ય લેખકોનાં પુસ્તકો પણ કેટલાંક વાંચેલા. મને લેખનની દુનિયાનો અને લેખકો વિશેની માહિતી કે પરિચય ભવ્ય રાવલે કરાવ્યો. આ માટે હું તેમની આભારી છું.
ભવ્ય રાવલને જીવનનાં ૨૫ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે પુસ્તક લખવાનો જે વિચાર આવ્યો તે માટે ખૂબ-ખૂબ અભિનંદન. સામાન્ય માણસ આ ઉંમરે જીવનની રોજીંદી ઘટમાળમાં ગૂંચવાઈ જાય છે અથવા તો જીવનનાં આટલા વર્ષો વ્યર્થ કરી હવે આગળ શું કરવું એ વિશેની અસમંજસમાં હોય છે. જ્યારે ભવ્ય રાવલ જીવનના ૨૫ માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે પોતાના જ પર એક પુસ્તક લખવા, લખાવવાનો વિચાર તેમના વ્યક્તિત્વની ઓળખ આપે છે.
ભવ્ય રાવલને તેમના જીવનના આવનાર વર્ષોમાં પણ આ જ રીતે લખતા રહે અને તેમના લખાણને લોકો સમક્ષ મૂકતા રહે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા. તેમનું નવું ટૂંક સમયમાં પ્રકાશિત થનાર પુસ્તક ‘એકડે એક…’ માટે ખૂબ શુભેચ્છા. ‘એકડે એક…’ પુસ્તકનું નામ જ એટલું સરસ છે કે તેમાં શું લખ્યું હશે, તે વાંચવાની ઉત્સુકતા થાય.
અંતમાં ભવ્ય રાવલ માટે પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા આપેલ એક ગીતા સંદેશ..
કર્યા વગર કંઈ મળતું નથી – મફતનું લઈશ નહી.
કરેલું ફોગટ જતું નથી. – નિરાશ થઈશ નહીં
કામ કરવાની શક્તિ તારામાં છે – લઘુતાગ્રંથિ બાંધીશ નહીં.
કામ કરતો જા, હાક કારતો જા, મદદ તૈયાર છે – વિશ્વાસ ગુમાવીશ નહીં.
– મિનલ ગણાત્રા