ચંદ્રકાંત બક્ષી સાથે – વન ટુ વન

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 5.00 out of 5)
Loading...

બક્ષીબાબુને હમણાં-હમણાંથી ના વાચવાનું પરિણામ કે તેઓ ગઈકાલ રાત મારાં સ્વપ્નમાં આવ્યાં અને પછી શું-શું થયું તે વાંચો અમારી જુબાની..

       બક્ષી: ઉઠ ઉલ્લુનાં પટ્ઠા, મારી પુસ્તકો પર બળાત્કાર કરનાર આટલી ચેનની નીંદ કેમ સૂઈ શકે?

       હું: ઔહ, બક્ષીબાબુ! આપ? મતલબ કે બક્ષીનું ભૂત?

       બક્ષી: બક્ષીનું ભૂત તો સાહિત્યમાં ફરે છે. હું તો આત્મા છું અક્કલના ઓથમીર.. બક્ષીનાં શરીરમાં એકવાર આવી ગઈ અને જીવનમાં બધું જેમ એકેક વાર જ આવે છે તેમ ચેહરા પર શીતળાનાં ડાઘવાળુ ઠીંગણું શરીર છોડી હું એકવારમાં ચાલ્યો ગયો. અસ્તિત્વવાદી, માકિર્સસ્ટ, માંસ-મદીરા ખાનારો-પીનારો, ગાળો બોલતો, ગુજરાતીની નપુંસકતા માટે નફરત કરતો, હિન્દી-ગુજરાતી-ઉર્દૂનું મિશ્રણ બોલનારો-લખનારો, વારંવાર ખુવાર થઈ જનારો, ધર્મમાં અનાસ્થા રાખનારો, લગ્નની સંસ્થામાં માંનનારો.. ચંદ્રકાંત કેશવલાલ બક્ષીની બાદબાકી થઈ ગઈ..

       હું: અચ્છા. ઉપર ગમે છે? મજા આવે છે? કોણ-કોણ છે ત્યાં?

       બક્ષી: બધાં છે. બા-બાપાજી, મારી પહેલી બેબી, બકુલા અને કેટલાંય યાર-દોસ્તો.. હા, મઘુરાયની કમી શાલે છે. રહી વાત મજાની તો જીવનમાં ગમ્મત ચાલે છે. એક દિવસ ગમ્મત અટકશે એ દિવસે શેવ કરેલું હોય, બૂટ પૉલિશ કરેલાં હોય, જરા વાદળાં હોય, રજાનો દિવસ હોય અને બચ્ચાં નીચે કિલ્લોલ કરતાં હોય એ દિવસે યારદોસ્તો શરીર પરથી ચશ્માં ઉતાર્યા વિના તને પણ સ્મશાન લઈ જશે ત્યારે આશા રાખું છું તું પણ ઉપર આવી ત્યાની મજાની માત્રા મહેસુસ કરી કોઈ જીવિત વ્યક્તિને એ મજા બયાન કરી શકે. સ્મશાન જિદગીની અંતિમ પ્રયોગશાળા છે. અને મૌત ઈશ્વરની અંતિમ દયા છે.

       હું: કલકત્તા જેવી મજા તમને ક્યાંય ન આવી શકે એ હું સમજુ છું.

       બક્ષી: કલકત્તા? ગંદુ, બદસૂરત કડવા તેલની અને હુગલીનાં મટિયાળા પાણીની વાસવાળું કલકત્તા. એ સોનાગાછીની ગલિયોને બક્ષીએ જે રીતે રજૂ કરી છે હું નથી માનતો કે ગુજરાતનો કોઈ ગુજ્જુ લેખક તેની માતૃભૂમિ વિષે પણ એવું લખી શકે, શાલા બધાં હરામજાદાની ફરજંદો તંત્રી-નેતાની પીપૂડી બની રહી ગયા છે. મને હતું મારાં શૂન્ય બન્યાં બાદ થોડું ગુજરાતી સાહિત્ય પલટાશે લૈંકીન લખવાનાં લહીયા લંપટોને મોકળું મેદાન મળી રહ્યું. અને લેખનમાં શૂન્યતા રહી ગઈ.

       હું: આજે પણ તમારો રોષ એટલો જ છે જેટલો પુસ્તકોમાં મેં વાંચ્યો છે.

       બક્ષી: લેખન અને જીવનમાં બહું ફર્ક નથી, બહાદુરી મોટું નુકસાન કરે છે દોસ્ત જે હાનિ મેં ભોગવી છે. બની શકે મારાં-તારાં-આપણાં જેવાં હર નિખાલશ માણસે સમયાંતરે તેનું નેગેટિવ રિઝલ્ટ મેળવવું પડે, સતત નાઈન્સાફી ભોગવવા તૈયાર રહેવું પડે.

       હું: તમારાં વિચારો ભડકાવનારાં છે.

       બક્ષી: હા, હા, અંગ્રેજ કવિ રોબર્ટ ઓવને લખ્યું હતું કે, ‘જે લોકો કલ્પના નથી કરી શકતા એ લોકો ખરેખર સુખી હોવા જોઈએ. જે માણસને અન્યાય થયો હોય તેની સ્વાભાવિક રીતે ઝલી ચૂકી હોય અને બડેલા દિલો-દિમાગમાંથી બીજું શું ટપકી શકે? જેહાદની લડાય જ વ્યક્તિને ખુવાર થયાંનો સંતોષ આપે છે, મૃત્યુ બાદ પણ.. જેહાદમાં.. પ્રતિશોધમાં.. મુકાબલામાં, ખુવારીમાં.. પુરુષનું પુરુષત્વ, પુરુષતા છે.

       હું: કવિની વાત નીકળી તો સુરેશ દલાલ શું કરે છે?

       બક્ષી: સુરેશ દલાલને ઉપર આવ્યાં બાદ નર્કમાં રોજ બે કલાક કવિતા ગાવા જવાનું કામ સોપાયું છે.. તું બહું પાપ ના કરતો નહીં તો તને પણ એની કવિતા સૂનવાની નર્કમાં સજા મળશે. હા, હા..

       હું: હા, હા હા.. વાહ, યાર બાદશાહ..

       બક્ષી: લંગૂર છો? મારી નકલ કરે છે તું? આ મુકામ, આ મંજિલ.. આટલી નફરત.. આટલું અપમાન.. અનગીનત અકસ્માતો અને બક્ષિનું સર્જન.. બક્ષી માત્ર એક હતો અને એ શૂન્ય થઈ ગયો. ધુમાડો થઈ હવામાં વિલીન બની ગયો.. બરફની જેમ ઓગળી ગયો.. રેતની જેમ હથેળીમાંથી ફીસલી નૌ-દો-ગ્યારા થઈ ગયો.

       આ સિવાય બક્ષીબાબુ સાથે ઘણી ઓફ ધી રેકર્ડ વાતો થઈ તે વાતોમાંથી અમૂક અંશ..

       વાંચકો વિના કવિ બની શકાય લેખક નહીં. શ્રેષ્ઠ વિવેચકો કરતાં સામાન્ય વાંચકોની હું કદર કરું છું. આજે કેટલી સંસ્થા, કેટલાં લોકોને પોતાનાંઓની જન્મ-મરણ તીથી-જયંતિ યાદ રાખી ઉજવે છે? બક્ષિની જયંતિ-તીથી તેમનાં વિરોધીઓ પણ તેમને યાદ કરી ઉજવાતા-ઉકળતા રહે છે.

       લલ્લુઑને અવસાનનોંધ લખતાં પણ આવડતી નથી તેવા મહાશયો સાહિત્યસભાનાં જજજો બની બેસે છે. પુરુષો સ્ત્રી-સ્વમાનનું લખી-લખી સ્ત્રીને પટાવવાનાં નુસખા કરે છે. માણસ દુનિયા જીતીને સિંહાસન પર બેસે તો રાતે ઈશ્વર એની ઊંઘ લઈ લે છે. સમયની સાથે દુર્બુદ્ધિ પણ એ જ સુજાડે છે. આપણે ઈન્દ્રિયોની બાજી રમ્યા કરવાની. સુંદરતાનું કામ જ છે : ઠગવું.

       આગ વર્ષાવીને ભીનાશ સૂકવવાનાં મરણિયા પ્રયત્નને હું જિંદગી કહું છું? મરનાર તો મરી ગયા છે, જીવનારે જીવતા રહેવું પડે છે. જિંદગી આપી દેવાથી કોઈ મડદું સજીવન થતું નથી.

       સર્જનહાર પાસે જવાના દિવસો આવે ત્યારે બધું મૂકી જવાનું. આંખો બંધ થઈ જાય ત્યાં સુધી જ દુનિયા જીવે છે. પછી કંઈ નથી હોતું. અંધકાર પણ નહીં

       મૃત્યુ દરેક કલાકારનું અંતિમ સત્ય છે, મૃત્યુ દરેક મહાપુરુષને એક માત્ર પુરુષ બનાવી દે છે. ચિતા પર નામ ભસ્મ થતું નથી હુંભસ્મ થઈ જાય છે.

       સૃષ્ટિમાં દરેક પાંદડાનો પડછાયો ઉપરવાળો ગોઠવે છે. એ પડછાયાને કેટલો હલાવવો એ પણ ઉપરવાળો નક્કી કરે છે. એની લીલા અકળ છે. જિંદગીની છેલ્લી રાત સુધી જિંદગી સમજાતી નથી. એ આપણું કામ પણ નથી. જિંદગીને બનાવનારો, છાતીમાં શ્વાસ ભરનારો એને બરાબર સમજે છે. જો હું જિંદગીને સમજી શક્યો હોત તો જિંદગીથી કોઈ શિકાયત ન રહેત, કોઈ ગમ, કોઈ રુસવાઈ ન રહેત.

       ખૈર, આ બધું ઉપર બેઠાં-બેઠાં બક્ષીનુ ભૂત, પુસ્તકોમાં અક્ષરો થકી વિચાર બની ઉછરી-ઉછરી કહી શકાય છે જો બક્ષીબાબુ ફરી એકવાર લટાર મારવા આવી જાય આ પૃથ્વી પર તો તેમની જ અદામાં કહેવું પડે કે,

       તું ફિર આ ગઈ ગર્દિશે-આસ્માની.

       બડી મહર્બાની, બડી મહર્બાની.