ચાતકની પ્યાસ – ચાહતનું ચોમાસું

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

ચાતકની પ્યાસ – ચાહતનું ચોમાસું

ભારત મૌસમ વિભાગ દ્વારા ૩૦ મેનાં રોજ કેરળમાં વિધિવત ચોમાસું બેસવાની સંભાવનાને નકારી ગુજરાતમાં ચોમાસું રપમી મેની આસપાસ બેસી જશે એવી એક જ્યોતિષ અને હવામાન ખાતાનાં જાણકારની આગાહીને વધાવતું આગોતરું ચોમાસું બેસી ગયું હોય એવું વાતાવરણ સર્જાય ગયું. આજ સાંજનાં સુમારે એકાએક આપણા સંબંધોની જેમ વાતાવરણમાં પલટો આવ્યો. શહેરનાં અનેક નાનામોટા વિસ્તારમાં વરસાદી છાંટા સાથે ઠંડક તો પ્રસરી પણ હું અહીં તું ત્યાં.. આપણી વચ્ચે હજુ પણ વૈશાખી ધોમધખતો વિરહ જ છે ને?

તારી યાદોભરી વાસંતી સાંજે શું તે થયું કે ભારે પવન સાથે આવેલા વરસાદી ઝાપટાથી જાણે અષાઢી વાતાવરણ જ સર્જાય મહોબ્બતી માહોલમાં મીટ્ટીની સુંગંધ ભળી. હું હજું આ બધા વચ્ચે તને વિશેષ યાદ કરું ત્યાં તો જોતજોતાંમાં અદ્દલ તારા ગુસ્સાની જેમ વિજળીનાં કડાકાને ભડાકા સાથે મેહુલો ગરજીને ટપોટપ વરસ્યો. તારા સ્વભાવ જેવો એવો તો તોફાની પવન ફૂંકાયો કે કેટકેટલી જગ્યાએ હોર્ડિગ્સ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા. પ્રથમ વરસાદ બાદ દર વરસાદે ચોમાસાંને ગાળો દેનારા હર કોઈ ઘરની બહાર છબછબીયા કરવા દોડી ગયા. મને પણ થયું લાવ ભીંજાઈને ભજીયા ખાઈ આવું પણ આ મેઘરાજા મને ભીંજવી કે ભજીયા ભાવી ન શક્યાં. કેમ કે, મારી મનરાણી જોડે નહીં ને?

ભવિષ્યવાણી મુજબ આ વખતનું મોનસૂન એપ્રિલ-મે માસમાં બંગાળના ઉપસાગર ઉપર હવાના દબાણને કારણે ઉભા થતા ચક્રવાતી વરસાદથી વહેલું બેસી જશે અને તે ચાલુ મહિનાનાં અંતમાં સક્રિય થઈ જશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું વહેલુ બેસી જવાની શકયતા છે. ક્યારેક તું પણ આમ જ નક્કી કરેલા સમય અને સ્થળ સાથેની બધી જ શક્યતાઓ તોડીફાડીને પહેલાં વહેલીવહેલી મળતી હોય તો? કેટલી વ્હાલી લાગતી તું જો વર્ષારાણી પહેલાં મારાં સઘળા આયોજન અને ઓરતાને ખોટી પાડી ટપકી પડે તો? તો તું એ જ કહેતીને લે બકા આપણા સંબંધો વચ્ચે ચક્રવાત બનેલાં અલનીનોનો અંત આવ્યો ને હવે પ્રેમનું પૂર આવશે ને?

આ વર્ષે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સૂર્ય રોહીણી નક્ષત્રમાં આવવાની વકી રહે છે વળી રપમી મેનાં રોજ રોહીણી નક્ષત્ર બેસે છે. રપમી મેથી જુનની શરૂઆત સુધીમાં વા, વંટોળનાં વાવાઝોડા સાથે ગુજરાત-સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બેસુમાર વરસાદ પડવાનો છે. આ ચોમાસું સારો વરસાદ લાવશે એવી અંગત ભવિષ્યવાણી કમ આશા-અપેક્ષા સાથે મારી ભાવવાણી રજૂ કરતાં જણાવું તો એકાદ અનરાધારે તારી જોડે પલળી સંબંધોમાં લપસી જવું છે. બની શકે કદાચ ત્યારે જ આપણો મંગળ મેળ મિલાપ સધાય વ્હાલની વાવણી થાય. ખરું ને?

સૌરાષ્ટ્રનાં કાંઠાનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતનાં કોસ્ટલ એરિયામાં થોડા દિવસમાં ચોમાસું બેસી જશે પછી તું નિરિક્ષણ કરજે મુંબઈમાં વરસાદ પડશે એટલે એ વાદળો આગળ વધતાં-વધતાં સૌરાષ્ટ્રનાં કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતનાં દરિયાકિનારાના વિસ્તારોમાં પાણી ઢોળતા જશે. એમપી સાઈડનાં વાદળો વાયા અમદાવાદથી અરબસાગરમાં ભળશે. કુદરતનાં ક્રમ મુજબ તું પણ આપણા સંબંધોમાં આટલી જ ચોક્કસ રહી હોત તો? તો લાગણીઓ સૂકવી દેનારો દુષ્કાળ ન પડતો ને?

તને ખબર જ છે રોજ સાંજે આકાશ નીચું આવી રસ્તાઓ ભીંજવી જતો વરસાદ તારા કરતાં મારા શહેરમાં વધુ પડે છે અને વરસાદ સાથે તારો પ્રિય તને હજુ પણ પસંદ હોય તો ધીમેધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નોર્થ અરેબીયન સીમા આગળ વધવાનું શરુ થતા આ વરસાદી વાદળોની દિશામાં દક્ષિણથી મારાં ઉત્તરે આવેલાં દિલનાં ડેલા બાજુ તને ક્યારેક આવવાનું મન થાય તો આવજે. ઈમોશનને ઈંચમાં નહીં પામી શકે એટલી પાણીદાર ફીલિંગ સાથે આવીશ ને?