ચિત્કાર : એક્શન અને ઈમોશનનું એક્સ્ટ્રીમ લેવલ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

સંવેદનશીલતાનાં શિકારીઓ માટે ચિત્કાર એ ટોનિક છે અને સિનેમાનાં સ્ટુડન્ટસ માટે ચિત્કાર એ ટેક્સબુક

હિતેનકુમાર અને સુજાતા મહેતાએ સાબિત કરી બતાવ્યું કે, બાપ એ બાપ જ હોય, મા એ મા જ હોય અને દીકરા એ દીકરા જ રે.. દીકરી એ દીકરી જ રે.. : ગુજરાતી ભાષામાં રૂપેરી પડદે મનોરોગી વિષયક કથાવસ્તુ ધરાવતી સત્ય ઘટના પ્રદર્શિત કરવી એ ઐતિહાસિક તેમજ અતિસાહસિક અવસર : ભવ્ય રાવલ

ચિત્કાર.. ચિત્કાર અને ચિત્કાર.. શું છે આ ચિત્કાર? જે બધા લોકો કહી અને સમજી રહ્યા છે તે સૌથી વિપરીત મારા માટે ચિત્કાર એ કોઈ ફિલ્મ નથી, આ કોઈ નાટકનું ફિલ્મીકરણ પણ નથી. બહુ જ સ્પષ્ટ અને સરળ વાત કરું તો ચિત્કાર એ એક અલક-મલકનાં આદમીઓનું અનુભવ વિશ્વ છે. પડદા પર ઝીલાતી સંવેદનાની ક્ષણો છે. આ સત્ય હકિકત કથા છે પેરાનોઈડ સ્કિઝોફ્રેનિક છોકરી રત્નાની અને મનોચિકિત્સક ડો. માર્કડની.. આ વાત છે દવાઓ પર ભારે પડતી દિલી તમ્મનાઓની.. અકલ્પનીય અને અવર્ણનીય.. હેટ્સ ઓફ.. નોટ મસ્ટ વોચ બટ મસ્ટ બી ફિલ..
કલા અને કલાકારોની કામયાબી અને કમનસીબીની કહાની જુઓ.. ગુજરાતી તખ્તા પર માનસશાસ્ત્ર અંતર્ગત વિષયવસ્તુ પર આજથી પાત્રીસ વર્ષ પહેલાં ૧૯૮૩ની સાલમાં લતેશ શાહ નિર્મિત અને લિખિત એક નાટક ‘ચિત્કાર’ આવે.. નાટકમાં સુજાતા મહેતા સ્કિઝોફેનિક દર્દી રત્ના સોલંકીનું પાત્ર ભજવે.. હિતેનકુમાર બેકસ્ટેજ સંભાળતા સાથે નાનકડું એવું કમ્પાઉન્ડર ભોપાનું પાત્ર ભજવે.. જોતજોતામાં એક ગુજરાતી નાટકનાં સતત પચ્ચીસ વર્ષ સુધી દેશ-વિદેશમાં ૮૦૦ જેટલાં સફળ શો યોજાઈ.. અને ૨૦૧૮ની સાલમાં એ નાટક આધારિત ફિલ્મ બને. વળી, નાટકનાં ૮૦૦ જેટલાં સક્સેસફૂલ શોમાં રત્નાનું પાત્ર સુજાતા મહેતા જ ભજવે અને એક સમયે આ નાટકમાં નાનકડો ભાગ ભજવનાર નવશીખીયો હિતેન આગળ જતા સુપરસ્ટાર હિતેનકુમાર બની જાય, ૧૦૦થી વધુ ફિલ્મોમાં મુખ્ય કલાકારની ભૂમિકામાં જોવા મળે. ગુજરાતી રંગભૂમિનાં બે જાજરમાન પાત્રો દસકો પછી એ જ સુજાતા મહેતા અને હિરેન કુમાર ફિલ્મી કહાનીનાં મુખ્ય કિરદારમાં આવે અને અંત-જીવંતનાં અવતારરૂપે ચિત્કાર જન્મે! આ ચિત્કાર છે અભિનય અને દિગ્દર્શનનો. કેવી મોટી કામયાબી સાથે કમનસીબીએ કે આ સમગ્ર ગૌરવશાળી ઘટનાક્રમથી નવી પેઢી તદ્દન અજાણ છે! એથી મોટી આઘાતજનક બાબત એ છે કે, સતત ૮૦૦ જેટલાં નાટક શો કર્યા બાદ ફિલ્મમાં પણ એ જ રત્ના સોલંકીનું પાત્ર ભજવનાર સુજાતા મહેતાએ જાણે વિશ્વ રંગભૂમિનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જે અંગે મીડિયા મૌન અને માહિતીકારો મંત્રમુગ્ધ નથી! આ ચિત્કાર છે દર્શક-ભાવકનો..
ચિત્કાર વિષે ઘણું લખી શકાય તેમ છે. આ દસકોથી ચાલી આવતી માનવીય સંવેદનાની ઋજુ રજૂઆત પોતાનામાં એક સંસોધન અને અભ્યાસનો વિષય છે. અલબત્ત આ નાટક કે ફિલ્મ એ જ દિગદર્શન અને અભિનયનો માઈલસ્ટોન છે. સંવેદનશીલતાનાં શિકારીઓ માટે ચિત્કાર એ ટોનિક છે અને સિનેમાનાં સ્ટુડન્ટસ માટે ચિત્કાર એ ટેક્સબુક છે. માતૃભાષામાં રજૂ થયેલી આ વૈશ્વિક કલા છે. એક્ટિંગ અને ઈમોશનનું નમૂનેદાર એક્સ્ટ્રીમ લેવલ એટલે ચિત્કાર. ચિત્કાર એ સમાજનાં દરેક માણસો માટે માનવજાતને મહોબ્બત કરવાનો હુકાર છે. આ માસની નહીં ક્લાસ માટેની વાત છે છતાં માસને અપીલ કરે છે. જ્યારે એક સરખી રોમેન્ટિક કોમેડી ફિલ્મોની બોલબાલા ચાલતી હોય ત્યારે તદ્દન નવી વિષયવસ્તુ આધારિત ફિલ્મ સેકન્ડ હાફમાં ક્યાંક ધીમી પડે, લાઉડ મ્યુઝિક કે એક્શન સાથે ફાઈટિંગ/કોમેડી સીન્સ વિના દમદાર ન દર્શાઈ શકે. ચિત્કારમાં પણ અટ્રેક્ટિવ એક્શન સીન્સ નથી પણ ઈમોશન સેગમેન્ટ છે. ફાઈટિંગ યાની મારામારી છે જ પણ જાત સાથેની. કોઈ કોઈનું દુશ્મન નથી જતા હમદર્દને હાનિ પહુંચે અને વેદનામાંથી વ્હાલ જન્મે. કથાવસ્તુ અને અભિનય ઉપરાંત ચિત્કારનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ ડાયલોગ છે. યેસ. ચિત્કારનાં સંવાદો તેની રજૂઆતને સાશ્વત બનાવશે.
ચિત્કારનું એક રહસ્ય છતું કરું, ચિત્કારમાં કાજલ ઓઝા વૈદ્યનો અવાજ છે તો રજત ધોળકિયાનું સંગીત અને મને ગમતી અંતમાં રજૂ કરેલી ભગવતીકુમાર શર્માની માર્મિક કવિતા છે. ચિત્કારમાં ક્યાંક તમે તો ક્યાંક હું છું. આ આપણી જ તો વાત છે. પરિચિતોનાં પ્રતિબિંબને દર્શાવતું પિક્ચર એટલે જ ચિત્કાર.
ને અંતે અંત કે જીવંતની ફિલસૂફીમાં.. બાપ એ બાપ જ હોય, મા એ મા જ હોય અને દીકરા એ દીકરા જ રે.. દીકરી એ દીકરી જ રે.. એવું હિતેનકુમાર અને સુજાતા મહેતાએ અનુભવજગતના અભિનયથી સાબિત કરી આપ્યું છે ત્યારે ગુજરાતી ભાષામાં રૂપેરી પડદે મનોરોગી વિષયક કથાવસ્તુ ધરાવતી સત્ય ઘટના પ્રદર્શિત કરવી એ ઐતિહાસિક તેમજ અતિસાહસિક અવસર છે. ચિત્કારને ચિરંજીવ બનાવવા આજે જ આ કલાનો અહેસાસ કરો એવા આત્મજનનાં આદેશ સાથે આ રચના..

અમે આંધી વચ્ચે તણખલાંનાં માણસ,
પીળા શ્વાસની તુચ્છ ઘટનાનાં માણસ,
ફટાણાંનાં માણસ, મરશિયાનાં માણસ,
અમે વારસાગત સમસ્યાનાં માણસ.
કદીથી સદીની અનિંદ્રાનાં માણસ,
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ,
અમે તમને મળવાને ઝૂરતાં જ રહીયે,
સડવન્ત ઝીબ્રાનાં ટોળાનાં માણસ.
શિખર ખીણ ધુમ્મસ સૂરજ કૈં કશું નૈ?
ટુ બી ઓર નૉટ ટુ બી ને હા ના ના માણસ
મળી આજીવન કેદ ધ્રુવનાં પ્રદેશ
હતાં આપણે મૂળ તડકાનાં માણસ.