જેઠાણીએ જીવ જોખમમાં મૂકીને દેરાણીની જિંદગી બચાવી..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

ડોક્ટર સાહેબ હું મારી એક નહીં બે કિડની આપવા રાજી છું.
મારી બહેનથી પણ વિશેષ દેરાણીને કઈ ન થવું જોઈએ બસ..

જેઠાણીએ જીવ જોખમમાં મૂકીને દેરાણીની જિંદગી બચાવી..

પોલીસ કોન્સ્ટેબલ અનોપગીરીનાં ધર્મપત્ની ગીતાબેનને અવારનવાર પગમાં સોજા અને પ્રમાણમાં વધુ થાક તેમજ સામાન્ય બિમારીઓની ફરિયાદ ઉઠતી રહેતી. ફેમિલી ડોક્ટર ડો. ગૌતમ દવેએ ગીતાબેનને કોઈ ગંભીર બીમારી હોવાના લક્ષણ જણાતા રાજકોટની પ્રખ્યાત અને વિશ્વસનીય દોશી હોસ્પિટલમાં આગળની તપાસ અને સારવાર લેવા માટે સૂચવ્યું. દોશી હોસ્પિટલમાં ગીતાબેનની પ્રાથમિક તપાસ કરવામાં આવી, રિપોર્ટ થયા. જેમાં સૌથી વધુ આઘાતજનક તથ્ય એ સામે આવ્યું કે, ગીતાબેનની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ છે. દોશી હોસ્પિટલનાં અનુભવી સ્ટાફે તાત્કાલિક તેમને અમદાવાદ જઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી.
પોતાની પત્નીની બંને કિડની ફેઈલ હોવાની વાત જ્યારે પોલીસ કોન્સ્ટેબલ અનોપગીરીએ પોતાના ઉપરી અધિકારી અને તત્કાલીન પોલીસ કમિશ્નર સુધીર સિન્હાજીને જણાવી ત્યારે પોલીસ કમિશ્નર સુધીર સિન્હાજીએ તુરંત અમદાવાદમાં રહેતા કિડની રોગનાં નિષ્ણાત ડો. એચ.એલ. ત્રિવેદીને ફોન જોડ્યો. ગીતાબેનનાં કેસ અંગે વાતચીત થઈ. રાજકોટ પોલીસ અધિક્ષક સુધીર સિન્હાજીનાં માર્ગદર્શનમાં જરૂરી માહિતી અને જાણકારી મેળવી અનોપગીરી પોતાની પત્ની ગીતાબેનને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્થિત ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ સંસ્થા (IKDRC&TS) ખાતે પહોંચી ગયા. ગીતાબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પ્રાથમિક તપાસ અને રિપોર્ટનાં આધારે ડો. એચ.એલ. ત્રિવેદીએ તાત્કાલિક ગીતાબેનને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા જણાવ્યું. પરિવારનાં કોઇપણ સભ્યએ પોતાની એક કિડનીનું ગીતાબેનમાં પ્રત્યારોપણ કરવા તૈયાર થવું પડશે.
સૌ પ્રથમ તો અનોપગીરીનાં મોટા બહેન જસુબેનએ પોતાનાં ભાભીને કિડની દેવાની તૈયારી દર્શાવી. ઓપરેશનની તૈયારીઓ પૂર્વે ડોક્યુમેન્ટમાં જસુબેનનાં પતિની મંજુરી જોઈએ. બધી પ્રક્રિયા પૂર્ણ થઈ પણ અંતે જસુબેન અને તેમના પતિ રેવતીગીરીનું મેરિજ સર્ટિફિકેટ નહતું. જસુબેનને કિડની ડોનેટ કરવા માટે પોતાના પતિની મંજુરી મળી, પતિ હાજર હતા. ફક્ત એ બંનેનાં લગ્નનું પ્રમાણપત્ર ન હતું. લગ્ન નોંધણીનાં દાખલા વિના પતિ રેવતીગીરી પત્ની જસુબેનને કિડની ડોનેટ કરવાની મંજુરી આપે એ માન્ય ન ગણાય. સમય પસાર થતો જતો હતો. ગીતાબેનને યુદ્ધનાં ધોરણે નવી કિડનીની જરૂર હતી. આથી ઝડપથી અમદાવાદ કોર્ટમાં જસુબેન અને રેવતીગીરીનાં લગ્ન કરાવવામાં આવ્યાં. સોગંદનામાને આધારે કિડની ડોનેટનું ડોક્યુમેશન સંપૂર્ણ થયું. ડોક્ટરની એક ટિમ દ્વારા જસુબેનની શારીરિક તપાસ કરવામાં આવી ત્યાં જ તેઓ બ્લડપ્રેશરનાં પેશન્ટ માલૂમ પડ્યા. ડોક્ટરોની એક પેનલનાં મતમુજબ જસુબેનની કિડની ગીતાબેનને ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકાય. પરિવારમાંથી કોઈ બીજા વ્યક્તિની કિડની જોઈશે. સમય પસાર થતો જતો હતો. ગીતાબેનની તબિયત વધુને વધુ બગડી રહી હતી.
ગોસ્વામી પરિવારમાંથી ભાઈઓ, ભાણેજો સહિત નાની-મોટી દરેક વ્યક્તિઓ ગીતાબેનને પોતાની કિડની આપવા તૈયાર હતા. ખુદ અનોપગીરીએ પણ પોતાની એક શું બંને કિડનીઓ કાઢી પત્ની ગીતાને બચાવી લેવા ડોક્ટરોને વિનંતી કરી. એ સમયે ડો. એચ.એલ. ત્રિવેદીએ જણાવ્યું કે, કિડની પ્રત્યારોપણ કરવા માટે કેટલીક આવશ્યક બાબતો જોઈએ. અનોપગીરી કે તેનાં પરિવારનાં સભ્યો શું કરવું શું નહીં એ સમજી શકતાં ન હતા. ગોસ્વામી પરિવારનાં પંદર જેટલાં ભાઈભાંડુઓ પોતાની કિડની ગીતાબેનને આપવા રાજી તો હતા પણ પ્રશ્ન બોર્નમેરોનો હતો. કિડની આપનાર અને લેનાર વચ્ચે સમાન રાસાયણિક વિશેષતા હોવી જોઈએ. જે ગીતાબેન અને પરિવારનાં અન્ય સભ્યોમાં સમાન થતી ન હતી. કુદરત છેલ્લી ઘડીની કસોટી લઈ રહી હતી. એવું કહેવાય છે કે, દુઃખનાં સમયની એક-એક ઘડી એક જન્મારા બરાબર હોય છે. અનોપગીરીનાં પરિવાર માટે આ દુઃખનો સમય હતો. જે સમય ઝડપથી પસાર થતો હોય એવું લાગ્યું. ગીતાબેનને કિડનીની અતિ આવશ્યકતા હતી. એક-એક ક્ષણ મુઠ્ઠીમાં રાખેલી રેતની જેમ હાથમાંથી સરકી રહી હતી.
પોતાની ફરજ દરમિયાન અનેક દીકરીઓ, માતાઓની જિંદગી બચાવનાર કોન્સ્ટેબલ અનોપગીરી ભાંગી પડ્યા. તેમની પત્ની ગીતાનો જીવ જોખમમાં હતો અને કોઈ કશું જ કરી શકે તેમ ન હતું. અમુકઅંશે ધર્મ, વિજ્ઞાન અને અધ્યાત્મ માર્યાદિત બની જાય છે. લેકિન, કિન્તુ, પરંતુ.. ઉપરવાળાને ત્યાં દેર છે, અંધેર નહીં.
એક તરફ ગીતાબેન જીવન અને મૃત્યુનો જંગ રમી રહ્યાં હતા બીજી તરફ જામનગરમાં રહેતાં મંજુલાબેનને જાણ થઈ કે, તેની સગી દેરાણીની બંને કિડની નકામી થઈ ગઈ હોય તાત્કાલિક ધોરણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે તેમ છે જે માટે ઘરનાં કોઇપણ સભ્યની એક કિડનીની જરૂર છે. તેઓ જામનગરથી સીધા અમદાવાદ પતિ નટવરગીરી અને દેર અનોપગીરી તેમજ દેરાણી ગીતાબેનનાં કપરાકાળે મસીહા બની પહોંચી ગયા.
ઉત્સાહિત સ્વરે મંજુલાબેન ડો. એચ.એલ. ત્રિવેદી પાસે જઈ બોલી ઉઠ્યા, ડોક્ટર સાહેબ હું મારી એક નહીં બે કિડની આપવા રાજી છું. મારી બહેનથી પણ વિશેષ દેરાણીને કઈ ન થવું જોઈએ બસ..
ડો. એચ.એલ. ત્રિવેદી પહેલીવારમાં જ મંજુલાબેનનાં મક્કમ મનોબળથી પરિચિત થઈ ગયા. બસ હવે શારીરિક તપાસ બાકી હતી. રિપોર્ટ આવ્યા.. બધું જ સામાન્ય છે. મંજુલાબેન પોતાની એક કિડની ગીતાબેનને આપી શકશે. બંને એક કિડનીને આધારે આજીવન સ્વસ્થ અને સુખરૂપ પસાર કરશે એવો આત્મવિશ્વાસ ડો.એચ.એલ. ત્રિવેદીએ સમગ્ર ગોસ્વામી પરિવાર સમક્ષ રજૂ કર્યો. કમિશ્નર સુધીર સિન્હાજીએ પોલીસ કોન્સ્ટેબલ અનોપગીરીને આશ્વાસન આપતા જોઈતી મદદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું.
૨૨ ઓકટોબર.. ૨૦૦૨. અમદાવાદમાં ડો. એચ.એલ. ત્રિવેદીએ ગીતાબેનની બંને ખરાબ થઈ ગયેલી કિડનીઓ કાઢી મંજુલાબેનની એક કિડનીનું પ્રત્યારોપણ કરતું ઓપરેશન શરૂ કર્યું.
જેઠાણી મંજુલાબેન નટવરગીરી ગોસ્વામી (ઉ.વ. ૫૦) એ પોતાની દેરાણી ગીતાબેન અનોપગીરી ગોસ્વામી (ઉ.વ. ૩૫) ને કિડની દાન કરી.
ઓપરેશન પૂરું થયું, સફળ રહ્યું.
સોળ વર્ષ પછી..
ફેબ્રુઆરી ૨૦૧૮. રાજકોટ.
આજે પોતાની દેરાણીને કિડની આપનાર મંજુલાબેન ૬૫ વર્ષની ઉંમરે પણ સ્વસ્થ છે. પોતાની જેઠાણીની જેમ જ કિડની મેળવનાર ગીતાબેન ૫૦ વર્ષની ઉંમરે પણ સ્વસ્થ છે. સગી બહેનો કરતાં પણ સવિશેષ સંબંધો ને લાગણીઓનાં સંગે જોડાયેલી બંને દેરાણી-જેઠાણી કિડની પ્રત્યારોપણનાં ઓપરેશન બાદ સજોડે ચારધામની જાત્રા સહિત અનેક જગ્યાઓનો પ્રવાસ કરી આવ્યા છે. આજ દિન સુધી એક-એક કિડનીઓ પર જીવતી દેરાણી-જેઠાણીમાંથી કોઈને એકપણ પ્રકારની શારીરિક તકલીફો કે પીડા થઈ નથી.
હાલમાં પોલીસ કોન્સ્ટેબલ અનોપગીરી રાજકોટ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવી રહ્યાં છે. તેમનાં મોટાભાઈ નટવરગીરી એક મંદિરમાં પુજારી તરીકેની સેવા આપી રહ્યાં છે. બંને ભાઈઓનાં સંતાનો વિનોદગીરી, નરેન્દ્રગીરી, અરુણાબેન, સગુણાબેન, તારાબેન સહિત તેમનાં સંતાનો એકસાથે એક છત નીચે સંયુક્ત પરિવારમાં હળીમળીને રહે છે. અલબત્ત આ પિતરાઈ ભાઈ-બહેનોને કોઈ કાકી કે ભાભુ નહીં બે માતાઓ છે. એક મંજુલા મા અને બીજા ગીતા મા.
(તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ કિડની રોગોનાં નિષ્ણાંત ડો. એચ.એલ. ત્રિવેદીને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તબીબી ક્ષેત્રમાં તેમની ક્રાંતિકારી શોધ અને સમર્પણ બદલ નોબલ પ્રાઈઝનાં તેઓ પ્રબળ દાવેદાર છે.)

મિરર મંથન : સાસુ વહુ વચ્ચે ઝગડો થાય તો કહેવાય કે વાસણ હોય તો ખખડે. ક્યારેક સાસુ વહુ વચ્ચે મીઠાં ઝગડા ચાલતા હોય પરંતુ આપણા સમાજમાં દેરાણી-જેઠાણીનાં સંબંધો એટલે સાપ-નોળિયાનાં સંબંધો. સાસુ-સસરા વચ્ચે કે ભાઈ-ભાઈ કે ભાઈ-બહેનથી પડોસી વચ્ચે એકબીજાને નોખા પાડવામાં દેરાણી-જેઠાણી હાથ હોય એવું ક્યાંક-ક્યાંક જોવા મળે. કેટલાંક વડિલો સંયુક્તમાંથી વિભક્ત કુટુંબો થવા પાછળનું કારણ અથવા કૌટુંબિક કજીયાઓનું નિમિત્ત જન્મજન્મારાનાં દુશ્મનો દેરાણી-જેઠાણીને માને છે. જો દરેક પરિવારમાં ગીતા અને મંજુલા જેવી દેરાણી-જેઠાણી હોય તો?