ડાબા હાથ પર બાળપણમાં મૂકાવેલી રસીનાં ઈન્જેક્શનનાં નિશાન વિશે..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.83 out of 5)
Loading...

એ સુંદર હોવાની સાબિતી જ્યારે તેનું નાક આપી ગયું,

ત્યારે તેણે અને સૌએ પ્રશ્ન કર્યો.

‘નાક સિવાય બીજું શું ગમે છે?’

મારો જવાબ હતો

‘નાક પછી

મને જે ગમે છે તેનું નામ ખબર નથી,

છતાં ગમે છે.’

એ તેનું કોઈ અંગ તો નથી, પણ અંગ પરનું જ એક નાનું અમથું નિશાન છે.

આમ તો,

સાવ સહજ રીતે જણાવું તો,

મને તેણી દ્વારા થતાં કેટલાંક અવાજો ગમે.

જેમ કે,

નાની અમથી ઉધરસ પણ તેનાં આંતરડા અને મારાં અંતરનાં ધબકારા ઊંચા કરી દે, અચાનક એકાએક લાંબી ઉધરસની હરોળ તેને થોડી તકલીફ આપે એ પણ મારી આંખોને નિહાળવું અને કાનોને અનુભવવું ગમે.

આમ તો,

તેને મારાં જેવા કેટલાય યાદ કરે ને કાં તો પછી ઋતુ બદલે ને

છીંકોનું આક્રમણ થાય ત્યારે એનાં ચહેરા પર ખેંચાઈને અંકાઈ જતાં હાવભાવ પણ મને ગમે, જોડેજોડે સહાનુભૂતિ આપવાનો અવસર સાપડે એ તેને ગમવાનું ચક્રવૃદ્ધિ-ચહિતુંવ્યાજ.

ક્યારેક હીંચકીઓની ડકડક, હૂં..ક, હૂંક, ક્યારેક મંદ-મંદ ઝેરીલું હાસ્ય તો ક્યારેક ખળખળ વહેતાં જરણાં જેવું એકધારું અને સ્વચ્છ કલબલાટ-ખળખળાટ હસવું તો વળી, કોઈને ખબર ન હોય તેમ મનોમન છાનેખૂણે રડીને લીધેલા સીસકારાઓનો સળ.. સળ.. સસસ.. અવાજ ગમે.

સાથોસાથ એ દરેક અવાજ વેળા ભજવવી પડતી ભૂમિકા પણ ગમે.

એ જે દિવસે શેમ્પૂથી વાળ ધોઈને તાજી નાહેલી ઘરની બાલ્કનીમાં તડકાની સાક્ષીએ વાળ ઝાપટે ત્યારે પણ મને એ જોવું તો ગમે જ એથી વિશેષ કોરા થતાં કેશની કર્કશતા સાંભળવી ગમે છે.

અલબત્ત,

ઉધરસનો બેસૂરો પડઘો, છીંકની પાતળી થર્રાહટ, વાળ ઝાપટતા સમયે થતો તાલબદ્ધ થટ, તત… સિવાય તેની દસ લચકદાર આંગળીથી બનતા બે કોમળ પંજાની મુલાયમ હથેળી એકબીજાં સાથે સહવાસ સર્જી જે લય ઉત્પન્ન કરે એ તાળીનો ધ્વનિ પણ ગમે છે. ક્યારેક તેનાં જાંજરની જણજણાટી તો ક્યારેક બંગળીઓનું ખનખન પણ ગમે. એને આ બધી ખબર એટલે એકવાર એ ઊંચી એડીદાર સેન્ડલ પહેરી ખટખટ અવાજ કરતી મારી પાસે આવી કહે, ‘કેવું સંભળાયું?’

મેં કહ્યું, ‘આ તો તારાં સેન્ડલનાં તાલ અને કમરની લચક-મચક ચાલની સ્પર્ધા થઈ ગઈ.’

લેકીન,

કિન્તુ,

પરંતુ,

જો કે એ બધું જ પેલા નિશાન આગળ ફિક્કું જ.

કોઈની ત્વચા પર તલ નીખરી ઊઠે,

કોઈનાં ચહેરા-ગળા આસપાસ મસો ખીલી ઊઠે,

તો.. તો..

કોઈનાં અંગ-ઉપાંગો પર લાંખુ લાખ લાગણીઓની ભાત ઉપસાવતું હોય.

પણ.. પણ..

એ બધું જ પેલીનાં ખભ્ભા અને કોણી વચ્ચેનાં ડાબા બાવણાં પરનાં એ મને ગમતાં નિશાન આગળ તો..

ક્યાં રાજા ભોજ ક્યાં ગંગું તૈલી સમાન.. સા’બ..

જ્યારે-જ્યારે એ સ્લીવલેસ વેર કરે અથવા જ્યારે તેની કુર્તીની બાજુ શોર્ટ હોય,

ત્યારે-ત્યારે તેનાં ડાબા બાવણાં પર નાનપણનાં સમયે

રશી આપતી વખતે

ડૉક્ટરે મારેલાં ઈંજેક્શનનું નિશાન ડોકિયા કરી મને ઘાયલ કરી મૂકે છે. શું ખબર મારાં સિવાય આ નિશાનનાં નિશાને ઘાયલ થનારા કેટલાં હશે?

એ ઈંજેક્શનનું નિશાન તો ફક્ત એનાં બાવણે કોતરાયું છે,

તેનો દર્દ અને મર્મ તો મારાં ક્ષર:અક્ષરમાં ઘોળાઈ ચૂક્યો છે.

એ કૃત્રિમ છે, છતાં કુદરતી છે.

એ સૌનાં બાવણે છે, છતાં પેલીનાં બાવણે જ બહેતરીન લાગે છે.

જે એને આકર્ષક અને મને અભિમાની બનાવે છે.

એ અવાજ નથી કરતું, છતાં આશાબ્દિક રીતે બોલકું છે.

હું જ્યારે પાછળની બાજુએથી તેનાં બંને હાથનાં બાવણે પકળીને

મારી પ્રિયેનાં એ ગમતાં નિશાનનાં સંપર્કમાં આવું છું ત્યારે મને ચંદ્રની સપાટી પર સ્પર્શ કર્યાનો અનુભવ થાય છે.

પછી ચંદનવૃક્ષમાં સર્પ વિંટળાઈ એમ હું તેનાંમાં ઓતપ્રોત થઈ દીપી ઊઠું છું.

એ નિશાન માત્ર નાનપણમાં મૂકાવેલી રશીનું નથી,

એ મારાં ગમ્યાની મહામૂલી રાશિ છે.

એ તારાચંદ્રક જેવુ દેખાતું નાનું અમથું નિશાન મારી અંદર કેટલાં તોફાન મચાવે એ ક્યાં કોઈ જાણી શકવાનું?

તેણીનું નાક અમારા સંબંધોનું નાક છે,

એ મુજબ જ..

મને નામ ખબર નથી એવાં અમારાં અનામી સંબંધો અને ડાબા બાવણાં પરનું એ બેનામી નિશાન પસંદની જ એક અનુપસંદ કે ગૌણગમુ છે.