ડિજીટલ દોસ્તી : જનરેશન કે સાથ જસબાત બદલ ગયે..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

આખું જગત ધીરે રહીને ટેરવે આવી ગયું,
મેસેજથી લઈ ફોનમાં મળવું સૌને ફાવી ગયું..
ના તો ગલી, ના ચોકમાં, દોસ્તો હવે મળતા નથી,
આ ફેસબુક યારોને દોસ્તો, સૌને તફડાવી ગયું..
– નરેશ કે. ડોડીયા
પહેલાં શેરી, સ્કૂલ, ક્લાસ, કોલેજ, મામા-માસી-ફૈબાનાં ઘર પાસેનાં અલગ-અલગ દિલદાર દોસ્તો હતાં અને હવે ફેસબૂક, વોટ્સઅપ, ઈન્સ્ટા, હાઈક, સ્કાયપીનાં જુદા-જુદા ડિજીટલ દોસ્તો હોય છે. પહેલાં દોસ્તી દિલ જોઈ થતી અને હવે પ્રોફાઈલ, સ્ટેટસ, પર્સનાલિટી વિથ નોલેજ જોઈને થાય છે. પહેલાં દોસ્તીમાં ઓન્લી લાગણી જોવાતી અને હવે ઓલ્વેઝ લાભ જોવાય છે. પહેલાં ફ્રેન્ડ્સ આર ઓલ્વેઝ મેટ ફોર ફન હતું અને હવે ફ્રેન્ડ્સ આર ઓલ્વેઝ મેટ ફોર વર્ક છે. પહેલાં ફ્રેન્ડશીપમાં હેપીનેસ હતી અને હવે ફ્રેન્ડશીપમાં ક્રેઝીનેસ છે. પહેલાં દોસ્તી રંગરૂપ વિહીન સાદગી અને સમર્પણનું દ્રષ્ટાંત હતી અને હવે દોસ્તી મોર્ડન મેકઅપ સાથે દેખાડાનું દંડીકું છે. પહેલાં દોસ્તી દોસ્તી જ રહેતી અને હવે દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થયા વિના રહેતી નથી. પહેલાં દોસ્તો સાથે વિતાવેલી પળ જીવનની અવિસ્મરણીય યાદ બની રહેતી અને હવે દોસ્તો સાથેની મુલાકાતો મેમરીમાં સ્ટોર થઈ પડી રહી છે.
પહેલાં ભાઈબંધો એકબીજાને ટોપો, ચડ્ડી, મીંડી, બાડો, બાઠીયો, ગંધારો, દાતારો કે બાપાનાં નામથી બોલાવતા જ્યારે બહેનપણીઓ એકબીજીને ચાપલી, ભૂરી, હની, સ્વીટી, ડાર્લિંગ કહી બોલાવતી અને હવે ભાઈબંધો એકબીજાને ઓનલાઈનીયો કિડો, ટેગિયો, કોમેન્ટીયો, મીસ કોલીયો જેવા નામથી બોલાવતા થયા તો બહેનપણીઓ એકબીજાને સેલ્ફી ક્વીન, એફબી સેલિબ્રિટી, મોબાઈલની મહારાણી, બેબો-બબલી જેવા નામથી બોલાવે છે. પહેલાં તન અલગ પણ મન એક હતા અને હવે તો દરેક દોસ્ત માટેનાં નંબરથી લઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ અલગ છે. પહેલાં દોસ્તીમાં નો થેક્સ, નો સોરી હતું અને હવે એક્સક્યુઝ મીનાં સ્ટીકર્સથી લઈ માગો તેવા ઈમોજી છે. પહેલાં બાળપણમાં બૂચા કરેલાં દોસ્તો જવાની કે બુઢાપામાં પ્રસંગોપાત મળતા તો બાળપણ જીવંત થઈ ઉઠતું અને હવે બાળપણમાં બૂચા કરેલા દોસ્તો ભૂલેચૂકે સોશિયલ મીડિયામાં મળી જાય તો બૂચ મારી જાય છે. પહેલાં સાચો દોસ્ત આપણી ઓળખ આપણા જ અસ્તિત્વ સાથે કરાવતો અને હવે ડિજીટલીયો દોસ્ત આપણો સાચો-ખોટો પરિચય આખા ગામને કરાવે છે.
પહેલાં દોસ્તો ગાળનું પણ માઠું ન લગાડતા અને હવે દોસ્તોની પોસ્ટ પર લાઈક ન આપો તો ધીંગાણું થઈ જાય છે. પહેલાં એક દોસ્ત બીજા દોસ્તને પ્રેમસંબંધમાં મદદરૂપ થતો અને હવે એક દોસ્ત જ બીજા ઘણાબધા દોસ્તનાં બ્રેકઅપનું કારણ વાયા ઈન્ટરનેટ બને છે. પહેલાં કૃષ્ણ-સુદામાની દોસ્તીનાં ગુણગાન ગવાતાં અને હવે ફિલ્મોમાં શોલેનાં જય-વીરુથી કુકરે, થ્રી ઇન્ડિયટ, એવેનજરમાં દોસ્તીનાં પરચા જોવા મળે છે. પહેલાં દોસ્તી એક મેસેજ હતો અને હવે દોસ્તી એક એસ.એમ.એસ. છે. શોર્ટ, મિનીંગલેસ અને સેલ્ફીશ સંબંધ.
પહેલાં કોઈને કહીં ન શકાય એ માત્ર દોસ્તને કહેવાતું હતું અને હવે કોઈ પાસે પણ શેર ન કરાઈ એ પણ બધું શેરીંગ વર્ચ્યુઅલ વ્હાલાઓ સંગે થાય છે. પહેલાં સખીઓનાં હાવભાવથી સખાઓ સાથેનાં સ્વભાવ-વ્યવહારની ઓળખ મળતી અને હવે સખી દ્વારા મૂકાતી પીળી સ્માઈલીઓ પરથી સખાઓ સાથેનો સંબંધ પ્રદર્શિત થાય છે. પહેલાં દોસ્ત આંખો વાંચી મૌનને પારખી જતો અને હવે દોસ્તને ઓફલાઈન જોઈને મનધાર્યું અનુમાન લગાવવામાં છે. પહેલાં ગણ્યાગાંઠ્યા સાત પણ શ્રેષ્ઠ દોસ્ત હતા અને હવે પાંચ હજારની લિમીટવાળા એફબીમાં અઢળક અજાણ્યા સામાન્ય દોસ્તો છે. પહેલાં લખોટીએ રમતાં લંગોટીયા જીગરીયા હતા અને હવે એ જ જીગરીયા લાઈક-કોમેન્ટનાં વાટકી વ્યવહારિયા થઈ ગયા છે.
પહેલાં દોસ્તો ભેગામળી ઘર-ઘર રમતાં અને હવે એ જ દોસ્તો મોટાં થઈને ટી-પોસ્ટનાં વાઈફાઈમાં હાઈ-ફાઈ કરે છે. પહેલાં દોસ્તો આંધળો પાટો, સાતતાળી અને ક્રિકેટ જેવી રમતો રમતા અને હવે દોસ્તો પોતપોતાના ઘરમાં બેસી તીન પટ્ટી, એંગ્રીબર્ડ, કેન્ડીક્રશ અને વાય સીટી રમે છે. પહેલાં હોશિયાર દોસ્ત નબળા દોસ્તને પરીક્ષામાં ચોરી કરાવીને પણ પાસ કરાવી આપતાં અને હવે પોતાનાથી કોઈ એની આગળ ન નીકળી જાય એટલે મિત્રને મોબાઈલ પકડાવી પોતે આખો સિલેબસ વાંચી જાય છે. પહેલાં ભાઈબંધો હળીમળી નાસ્તો કરતા. કોઈ સેવમમરા લાવતું, કોઈ ડુંગળી-બટાકા ને બધા ભેળ બનાવી જમતા અને હવે કોઈ ગ્લાસ લઈ આવે, કોઈ સિંગ-વેફર લાવે, કોઈ સોડા અને..
પહેલાં દોસ્તો રમકડાંથી માંડીને બહેનપણી પણ દોસ્તીદાવે કુરબાન કરતા અને હવે મિત્રો જાણે માંગણ હોય એમ ભાઈ છોને મારો કહી ધરમે અને શરમે બધું જ.. પહેલાંનો દોસ્ત કાઉન્સીલરની ભૂમિકા ભજવતો અને હવેનો દોસ્ત પ્રોફેશનલ એડ્વાઈઝર છે. પહેલાંની શેરીનાકાની દોસ્તીમાં સેન્સીટીવીટી હતી અને હવે સોશિયલ મીડિયાની દોસ્તીમાં સ્માર્ટનેશ છે. પહેલાં અંધારામાં પણ પડછાયો સાથ છોડી દેતો ત્યારે દોસ્ત પડખે આવતો અને હવે ઓનલાઈનીયો યાર ભટકેલાને બટકાવે છે. પહેલાં વાર-તહેવારે મિત્રોનો મેળાવડો જમા થતો અને હવે પ્રસંગોની શુભેચ્છાઓથી લઈ કંકોત્રીઓ પણ ઈમેજમાં મોકલાઈ છે. પહેલાં મિત્ર વિના સમય પસાર થતો નહીં અને હવે સમય નથી એટલે મિત્ર માટે ફ્રેન્ડશીપ ડે છે.
ડેઝર્ટ : પહેલાંનાં મિત્રો કામનાં હતા અને હવેનાં મિત્રો કમિના છે. ફિર ભી હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ..