તારા વિનાની વાત..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (8 votes, average: 4.88 out of 5)
Loading...

પ્રિય, મારાં વિનાની તનેને..

       એક એ સમય હતો અને એક આજનો સમય છે. મારાં નામ અને આપણાં સંબંધો સિવાય ઘણુંબધું બદલાઈ ગયુ છે. ઋતુઓ પસાર થતી જાય છે, તહેવારો ઉદાસીથી ઉજવાતા જતાં રહે છે. ભણતર અને અનુભવ, સંઘર્ષ અને સફળતા, ભીડની એકલતા વચ્ચે ક્યાંક આભાસ કરાવતો તારો ચેહરો અને સાંજનાં સમયે અજાણ્યાં નંબર પરથી આવેલાં બ્લેન્ક ફોન કોલ્સમાં સંભળાતા તારા હદયનાં ધબકાર અને કેટકેટલું જાણે તારા આવવાની જોરશોરથી આગાહી કરે છે. તારે મારી પાસે આવવું છે એટલે નહીં, મારે તું પાસે જોઈએ છે એટલે..

       કારણ, હવે આંસુઑ સુકાવી શકે એવાં ખભ્ભા મળતા નથી. સુખનાં સરનામા અને દુ:ખ ઓસડની હવે હરરાજી થાય છે. સ્વાર્થી નથી પણ બધેથી સ્વાર્થીઓનો શિકાર બની હું પણ છેતરાઈને થોડોઘણો હવે પ્રેક્ટિકલ બની ગયો છું. મારી અધૂરપને તારી જાણે તાતી જરૂરત વર્તાય છે. આ કારણોસર તને નવાઈ લાગશે પણ હવે હું ઘણો બદલાઈ ગયો છું. કદાચ બદલાવું પડ્યું છે. કદાચ મારાંથી હારી, કદાચ બીજા માટે અને કદાચ જો તને હું જે હતો તેનાંથી આ રીતે વધુ આકર્ષી શકું અને તું મારી પાસે ભાગતી દોડીને આવે. પણ હા, હું બદલાયો ભલે હોવ પણ આમ તો હજુ એવોને એવો જ છું અને એવો એટલે..

       તું મને ધમકાવતી ત્યારે હસીને ડરી જતો એવો. તારા માટે બીજા પાસે ખોટું બોલતો અને તને ખોટું થાય તો ઈશ્વરને ફટકાર આપું એવો. લોકો માટે જેવો તેવો પણ તારા માટે હું એવો ને એવો થોડો ફેંકું પણ હંમેશાં ફેક્ટનાં પડખે હોઉં છું. અકડું ઘણાંને નથી ગમતો એવો છતાં તારાં પાસે સદાય નમતો. વગેરે વગેરે શું-શું કહું? તું તારાથી વધુ મને જાણે છે, છતાં સો વાતની એક વાત કહી જ આપું. ઘણીવાર પાનાંને પાનાં ટાઇપ કરી બેકસ્પેસ મારી દીધી. સેવ કરેલી ફાઇલ ડિલીટ કરી નાખી. અંતે ન રહેવાયું અને તને પૂછ્યાં વિના જ તારાં માટે એક પુસ્તક લખી નાખ્યું છે. તું પુસ્તક વાંચી મારાં ઓટોગ્રાફ લેવા આવે એટલે નહીં પણ હા, મારાં ફોટોગ્રાફ અને આપણાં બાયોગ્રાફ સમી એકાદ યાદગીરી તારી પાસે રહે માટે. બાકી લખવું એ નશો અને પેશો છે અને તું હિસ્સો છે. મારાં જીવનનો હિસ્સો એટલે..

       જેના વિના હું હું નથી. હું નથી ત્યાં તું નથી અને તું નથી એ હર મહેફિલ, એ હર ખુશીનો અવસર, એ હર દુ:ખની ક્ષણ, વસ્તુની મજા અને વિચારનું મનોવિશ્વ મને નિર્જીવ ભાસે છે. કારણ સ્પષ્ટ છે કારણ તું નથી. જીવનનો હિસ્સો તૂટીને અલગ થઈ ગયો છે અને એ તૂટન, એ વિખૂટાપન થકી જાણે સઘળું એક જીવન જીવવાની વ્યવસ્થાનો ભાગ લાગે છે. હવે પ્રેમમાંથી પૈસા મહત્વનાં બની ગયા છે. પ્રતિષ્ઠા આવી છે. ગમતી વસ્તુ ખરીદી શકું છું, ગમતી વ્યક્તિ પામી ક્યાંરે શકીશ? જવાબ નથી. હવે ફેસબુકની પોસ્ટથી લઈ સરકારી અરજી કોઈ પાસે વંચાવ્યા વિના જ… કોઈ પાસે શું તારી પાસે કશું પણ પઠન કર્યા વિના પ્રસિદ્ધ થતું રહે છે. ફક્ત વાત અહિયાંથી ખતમ થતી નથી. તું નથી તો વાત શેઅર કરવા માટે કોને શું કહેવું, કેમ કહેવું અરે.. ખબર નથી પડતી વર્તવું કેમ? સવાલોનાં જવાબ નથી એવું કોયડું રચાતું જાય છે જેમાં શૂન્યતા અને ખાલીપો છે. એ શૂન્યતા એટલે..

       ભેળસેળીયું જીવાય રહ્યું છે. આંગળીનાં નખ ખાવાની આદત છૂટી નથી, મારો ચેહરો અરીસામાં હું જોઈ શકું નહીં એટલે દાઢી વધારી લીધી છે. એક ફાયદો એ થયો કે, લોકો મારાં ચહેરાનાં ભાવ વાંચી ન શકે. મનમાં એનેકો સવાલ-શંકા અને પોતાનાં પાસે શેઅર ન કરી શકાય તેવી વાતોનો સંગ્રહ થઈ પડ્યો છે. કોઈને બોલાવી કે બતાવી ન શકું એવું અદ્રશ્ય અતીત લઈ બેઠો છું.. કોને કહું? કોણ સમજશે? અને કદાચ કોઈને કહી દઉં, કોઈ સમજી જશે તો પણ શું? તે તું તો નહીં જ હોય ને? તું નહીં તો કોઈ નહીં. તને ખબર જ હશે આજકાલનાં ભારતીય સમાજ અને ખાસ તો ગુજરાતી છોકરા/છોકરીઓની પોતાનાં પ્રેમિ/કા, પતિ/ત્નિ માટેની માનસિકતા વિચિત્ર બનતી જાય છે. એ બધું જ જીણવટથી શેઅર કરે એવું ઈચ્છે છે. ખબર છે કેવું? તેનો/ની પાર્ટનર ક્યાં હતો/તી થી લઈ જવાનો/ની તથા બેંક એકાઉન્ટથી ડિટેઈલ્સ, સેલેરી, ફેસબુક પાસવર્ડ અને મોબાઈલ સિક્યુરિટી પેટનથી લઈ શું શું પણ યાર તેમને પોતાનાં પાર્ટનરની ફિગર, કૂકિંગ રેસીપી લિસ્ટ કે કે સૌથી મોટું તેમને શું ગમે છે એ ખ્યાલ હોતો નથી. અજાણ નથી હોતા પણ જાણવા માગતા નથી. જ્યારે આપણે તો આ સિવાયનું બધું શેઅર કર્યું છે. તું ટાઇમમાં બેસતી એ તારીખની મને ખબર રહેતી અને હમણાં-હમણાં તારી બર્થડેટ કે મેરિજ એનિવર્સિરી યાદ રહેતી નથી. કેમ કે, તને હવે ઉપહારો આપવાનાં અને પત્રો લખવાનાં રહેતા નથી. કોણ જાણે આજે નાછૂટકે થોડું લખી નાખ્યું છે. તું વાંચીને આજેપણ તારું મહત્વ સમજે એટલે નહીં પણ થોડું લખ્યું એટલે..

       પહેલાં તું હતી તો થોડું પણ ઘણું લાગતું અને હવે તું નથી તો ઘણું પણ કશું લાગતું નથી. ખૈર, કાફી છે આટલું.. તારા-મારાં-આપણાં અને એકલાં. આશા રાખું તારા વિશેની વાત તારા સિવાયનાં બધા વાંચશે તો પણ તારા વિનાનાં મને અને મારાં વિનાની તને અને આપણી એકબીજા વિનાની વાતને પોતાની સમજી કોઈ ભૂતકાળનાં જાણીતા બનેલાં અજાણ્યાંને સમજાશે કે, કોઈનાં વિનાની વાત કોઈનાં વિના પણ કરી શકાય. બસ કોઈ હોવું જોઈએ. બાકી ઘણાં હોવા છતાં હોતા નથી અને કોઈ એક ન હોવા છતાંય હોય છે. જો આ રહ્યું એટલે…