ત્રણ પ્રકારનાં ઉદ્યમી હોય : સર્જક, પાલક અને વિનાશક.. હું સર્જક પણ અને વિનાશક પણ, જે બનાવું તે તોડું પણ..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

૯૯ રૂ.માં પતલૂન વેંચી ૯૦૦૦ કરોડનું સામ્રાજ્ય ધરાવતા પેન્ટાલૂનનાં સ્થાપક-સીઈઓ રિટેલ રાજા કિશોર બિયાણી ૨.૭૫ બિલિયન યુએસ ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સ ૨૦૧૭ની યાદીમાં ભારતનાં ૧૦૦ ધનિકોમાં ૫૫માં ક્રમે : ૨૦૧૯ સુધીમાં દુનિયાની ટોપ ટેન ફેશન કંપનીમાં ફ્યૂચર ગૃપનો સમાવેશ થશે..

કિશોર લક્ષ્મીનારાયણ બિયાણીને તમે ઓળખતા હશે કે કેમ તે ખબર નથી પણ તમે બીગ બજાર અને પેન્ટાલૂનમાં તો ગયા જ હશો. બસ કિશોર બિયાણી એ જ ભારતનાં ૨૨૧ શહેરોમાં આવેલાં ૩૫ હજારથી વધુ લોકોને રોજગારી આપતાં બીગ બજાર અને પેન્ટાલૂનનાં ૯૦૦ ઓઉટલેટ્સનાં ફાઉન્ડર છે. મુંબઈનાં માલાબાર હિલ સ્થિત ફ્યૂચર ગૃપનાં સીઈઓ કિશોરનો જન્મ ૯ ઓગષ્ટ ૧૯૬૧માં રાજસ્થાનનાં એક મધ્યમ વર્ગનાં પરિવારમાં થયો. કિશોરનાં જન્મ બાદ તેમનાં દાદા પરિવારને લઈને રાજસ્થાનનાં નિમ્બીનાં વતન જોધના ગામથી મુંબઈ ધોતિયાં અને સાડી વેંચવાનો ધંધો કરવા આવતા રહ્યાં. પોતાનાં દાદાને કપડાં વેંચતા જોઈ ૧૪-૧૫ વર્ષનાં પૌત્ર કિશોરે મુંબઈની સેંચ્યુરી બજારની ગલીઓમાં નક્કી કરી લીધું, પોતે પણ કપડાં વેંચવા. કિશોર બિયાણીએ ૨૨ વર્ષની ઉંમરે વિચાર્યું તે કરી બતાવ્યું. તેણે મુંબઈમાં કપડાં બનાવવા અને વેંચવાનું શરૂ કર્યું, આજે તેની કંપનીનું ટર્નઓવર ૯૦૦ કરોડ રૂપિયા છે.
કિશોર નાનપણથી જ ભણવામાં ઠોઠ. તેને ભણવાના ચોપડાઓમાં જરા પણ રસ નહીં. બાળપણમાં મુંબઈની માનવ મંદિર હાઈસ્કૂલમાંથી પ્રાથમિક-માધ્યમિક કક્ષાનો અભ્યાસ લઈ એચ.આર કોલેજ મુંબઈમાંથી કોમર્સ વિષયમાં ગ્રેજ્યુએટ થનારા કિશોર બિયાણી મોટાભાગે ક્લાસરૂમ બહાર જોવા મળતા. તેઓ નવી-નવી બજારોમાં ફરતા, લોકોની રસરુચિ જાણતા. કિશોર એક રીતે ભારતનાં જીવાતા જીવનની વાસ્તવિકતાને સમજવા માંગતા હતા. સ્કૂલ અથવા કોલેજનું ભણતર ક્લાર્ક કે મેનેજર બનવા માટે ચોક્કસ સારું છે પરંતુ તે ઉદ્યોગ સાહસિક બનવા માટે નથી. કિશોર પોતાના જેવાં બીજા કિશોર કક્ષાનાં લોકોથી અલગ હતાં.
શરૂઆતમાં કિશોર પિતા અને બે પિતરાઈ ભાઈઓ સાથે બંસી સિલ્ક મિલમાં કપડાં બનવવા-વેંચવાનો ધંધો કરતાં. જોકે કિશોરને તેમની જોડે ધંધો કરવો ફાવતો નહીં. એમનાં કામ કરવાની ઢબ તદ્દન અલગ હતી. યુવા સાહસિક કિશોર માનતાં હતાં કે, મૂલ્યો જાળવી રાખો પણ નિયમ બદલો. વાત સાચી હતી. બદલાતા સમય, સ્થળ અને સંજોગ અનુસાર ચોઈસ, ચેન્જ અને ચાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. જો એમાં સફળતા મળે તો ક્રેડીટ પાક્કી. ભાવિના ગર્ભમાં એ વાતનો સ્વીકાર થઈ ચૂક્યો હતો કે, કિશોરનાં આધુનિક અભિગમ એક દિવસ તેને અરબપતિ બનાવશે.
નવેમ્બર ૧૯૮૩માં ૨૨ વર્ષની ઉંમરે પિતા લક્ષ્મીનારાયણે દીકરા કિશોરનાં લગ્ન રાઠી પરિવારની સંગીતા નામની છોકરી સાથે કરાવી દીધા. લગ્નનાં થોડાં વર્ષો બાદ કિશોરે પોતાનો અલગ ધંધો શરૂ કરવા વિચાર્યું. એક એવું સાહસ જે દેશનાં તમામ લોકોને અસરકર્તા હોય. આ સાથે ફ્યૂચર ગૃપનો ઉદ્દભવ થયો. તેમણે ૧૯૮૭ની સાલમાં નવી કંપની મૈન્સ વેયર પ્રા. લિ શરૂ કરી. જે કંપનીમાં કપડાં ઉર્દૂ શબ્દ પતલૂનનાં નામ પરથી પેન્ટાલૂનનાં નામે વેંચાતા. ૧૯૯૧માં ગોવામાં પેન્ટાલૂનની સૌપ્રથમ દુકાન શરૂ થઈ. ૧૯૯૨ની સાલમાં કિશોરે મહત્વકાંક્ષી પગલું ભરતા શેરબજારમાં આઈપીઓ બહાર પાડીને પોતાની કંપનીને બ્રાન્ડ બનાવી દીધી. કોને ખબર હતી કે આગળ શું થશે? ૨૦૦૧ની સાલમાં બીગ બજારનાં પ્રારંભ સાથે મોલ કલ્ચરનો કાળ શરૂ થયો. એક એવી આધુનિક એ.સી. બજાર જ્યાં જીવન જરૂરિયાતની તમામ ભૌતિક ચીજવસ્તુઓ અને સુખસુવિધાનાં સાધનો આકર્ષક રીતે એક છત નીચે મળતા થયા. જોતજોતામાં ભારતનાં નાના-મોટા પરિવારની પસંદ બન્યું બીગ બજાર – પેન્ટાલૂન. આ એક એવી બજાર છે જેની મુલકાત લ્યો તો ખરીદી થયા વિના ન રહે. આનું પરિણામ એ આવ્યું કે, ૨૦૦૭ની સાલમાં ફ્યૂચર ગૃપનું ટર્નઓવર ૧ બિલિયનનાં જાદુઈ આંકને પાર કરી ગયું. અલબત્ત આજે આ કંપની વાર્ષિક ૧૭ હજાર કરોડ રૂપિયાનું વેંચાણ કરે છે.
એ જ વર્ષે યાની ૨૦૦૭ની સાલમાં કિશોર બિયાણીનાં જીવન પર પ્રગટ થયેલાં અંગ્રેજી પુસ્તક ઈટ્સ હૈપેન્ડ ઈન ઇન્ડિયા જે પુસ્તક ૨૦૦૮ની સાલમાં હિન્દીમાં નયે દૌર કી ઔર.. નામે પ્રકાશિત થયું તેમાં એક કપડાં વેચતો કરોડોપતિ કિશોર બિયાણી સ્વયંને બળવાખોર અને ક્રાંતિકારી પરિવર્તનકાર ગણાવે છે. કિશોરે પોતાનાં ધંધાની શરૂઆત કરતાં સમયે કે પછીથી કોઈ એવી મેનેજમેન્ટ કે બિઝનેસ માર્કેટિંગની ડિગ્રી મેળવી ન હતી જે તેને રિટેલ રાજા બનાવી શકે. ન તો તેણે આત્મવિશ્વાસ કે મહેનતની ગોળીઓ પીધી હતી. કિશોરની સફળતાનો એક જ ફંડા હતો. કિશોરને કામ સિવાય કશું સૂઝતું નથી. તે સદાય લોકોની પસંદ- નાપસંદ જાણવા અવનવા કીમિયા કરતા રહે છે. લોકોને સતત અવનવું આપતાં રહે છે. આજની તારીખમાં પણ આ મહાશય પોતાની કોઇપણ ફ્રેન્ચાઇઝીમાં જઈ ગ્રાહકોનું નજીકથી પરિક્ષણ કરે. તેઓ બારીકાઈથી દેશ-દુનિયાની બજારનાં ગ્રાહકોનો અભ્યાસ કરી વિશિષ્ટ અને વિવિધ વસ્તુઓ બજારમાં લઈ આવે છે.
એકવીસમી સદીનાં પ્રથમ વર્ષથી જ ભારતીય મધ્યમ વર્ગ વિકસિત બનતો જતો હતો. તેમની પાસે ખર્ચ કરવા પૂરતા નાણા હતા. જરૂરિયાત માત્ર આધુનિક અને ભૌતિક રીતભાતની હતી. જે કિશોર બિયાણીએ બીગ બજાર અને પેન્ટાલૂનનાં માધ્યમથી પૂરું પાડ્યું. જોકે આગળ જતાં ૨૦૦૮ની વૈશ્વિક મંદીએ કિશોર બિયાણીને આર્થિક કટોકટીનો ભયંકર સામનો કરાવ્યો. લેણદારોની લાંબી કતાર જોઈ કિશોરની ભવ્ય વ્યૂહરચનાઓ ભસ્મીભૂત થઈ ગઈ. ફ્યૂચર કંપનીનો અમૂક હિસ્સો વેચાઈ ગયો. આશ્ચર્યની વાત એ હતી કે, ખુદને નસીબનાં બળિયા માનતા કિશોર માટે ફના થવું એ પણ એક પ્રકારનું ફન હતું. સમયની સાથે તેઓ ફરી આર્થિક કટોકટીમાંથી ઉગર્યા. જે કિશોર બિયાણીની ફિલ્મો ના તુમ જાનો ના હમ અને ચુરા લિયા હૈ તુમને સુપરડુપર ફ્લોપ ગઈ તે જ કિશોર બિયાણીનાં પુસ્તક ઈટ્સ હેપ્સ ઈન ઇન્ડિયાની એક લાખ નકલો વહેચાઈ ગઈ. સંઘર્ષ અને સંજોગોનું જોર તો જુઓ.. વળી, એ જ નાદાર અને દેવાદાર કિશોર ભારતનાં ધનિકોની યાદીમાં ૫૫માં ક્રમે આવે. યેસ. ઈટ્સ હેપન્સ ઈન ઇન્ડિયા..
કિશોર બિયાણીને બે પુત્રીઓ છે. અશની અને અવની. મોટી પુત્રી અશની ટેક્સટાઈલ ડીઝાઇનર છે. તેણે ન્યૂયોર્કનાં પાર્સન સ્કૂલ ઓફ ડીઝાઇનથી સિનેરિયો પ્લાનિંગ કોર્સ કર્યો છે. તેમજ સ્ટેનફોર્ડ યુનિ.માંથી સ્નાતકની ઉપાધી મેળવી છે. અશનીનાં લગ્ન થઈ ચૂક્યા છે. તે પપ્પાની કંપનીમાં ફ્યૂચર ઇન્ડિયાનું કામકાજ સંભાળે છે. નાની પુત્રી અવનીએ મુંબઈની નામાંકિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરીને ન્યૂયોર્ક યુનિ.માંથી સોશિયોલોજીમાં સ્નાતકની પદવી મેળવી છે. તે પપ્પાની કંપનીમાં ફૂડ રિટેલ વિંગનું ધ્યાન રાખે છે. કિશોરની પત્ની સંગીતા એક સારી પત્ની અને માતા છે.
કોઇપણ ગ્રેજ્યુએટ યુવાનનું સપનું રિલાયન્સ, ટાટા જેવી કંપનીમાં નોકરી કરવાનું હોય ત્યારે કોલેજ પૂરી કરી કિશોર બિયાણીએ એક એવી કંપની સ્થાપી જેણે રિલાયન્સ, ટાટા જેવી કંપનીનાં કર્મચારીઓને પણ આકર્ષ્યા. કિશોરની કંપનીનાં શરૂઆતી સમયમાં લોકો માનતા હતા કે, કિશોરની કંપનીનું બાળમરણ થઈ જશે. કિશોરનું આર્થિક અને પારિવારિક પાસું નબળું હતું. ભણતર કઈ ખાસ હતું નહીં. એ માત્ર સાહસ કરી જાણતા. તેમણે ફૂડ, વીમા અને મીડિયાનાં ક્ષેત્રોથી લઈ ઈવેન્ટ મેનેજમેન્ટ, ફિલ્મ નિર્માતા અને વેપારી સહિત અનેક પ્રકારની સફળ-નિષ્ફળ ભૂમિકા ભજવી છે. અંતે આજે કિશોર બિયાણી અને તેમનો માનસ પુત્ર સમો ફ્યૂચર ગૃપ ભારતીય રિટેલ અને ફેશન સેક્ટરની લોકપ્રિય સુપરમાર્કેટ વિંગ્સમાં અવ્વલ દરજ્જે છે.

મિરર મંથન : સફળતાનો શોર્ટકટ નથી એ સૌએ જાણ્યું અને સ્વીકાર્યું છે. કોઈપણ ધંધામાં સફળતા મેળવી ધન કમાવવા માટે ધીરજ અને ધગશ જોઈએ. વિશ્વનાં સફળ ઉદ્યોગ સાહસિકોએ બાપ-દાદાનાં ધંધાને ધીગતો રાખવાની જવાબદારી સ્વીકારી અથવા નકારી પણ એ બધામાં સૌથી અલગ બાબત રહી તેમની મહેનત અને મહત્વકાંક્ષાઓ.. જો ચાંદીની ચમચી વિના જન્મેલા કિશોર બિયાણીએ પણ પોતાના બાપ-દાદાની જેમ જ રૂઢિગત પારિવારિક ધંધો ચલાવ્યે રાખ્યો હોત તો?