ધી ડાયનેમિક બૂક ટોક ક્લબ : ગમતા જ્ઞાનનો ગુલાલ : મનગમતા વાંચનનો વિસ્તાર

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 1.00 out of 5)
Loading...

બૂક ટોક વડે ભાવકોનો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાયો : પરિવર્તનનો પર્યાય બનતા પુસ્તકોની વાત વહેંચી સલીમભાઈએ સાહિત્ય થકી સમાજસેવા કરી

આજનાં સમયમાં પુસ્તકો વાંચવા તો સૌને છે પણ વાંચનનો સમય ક્યાં? ગુજરાતી પ્રજા પુસ્તકો ખરીદવા, પુસ્તકાલયમાં ખાતું ખોલાવવા કે સાહિત્ય બાબતે નીરસ નથી. આપણે સોસાયટીનાં નાકે અખબારોથી લઈ સોશિયલ મીડિયાનાં ચોરે ઘણું ખરું વાંચી પણ કાઢીએ છીએ આમ છતાં જે વાંચન જરૂરી છે તે વાંચન માટેનો આપણી પાસે સમય નથી અથવા કેટલાંક પ્રકારનાં વાંચન માટેની આપણી કેટલીક મર્યાદાઓ છે. ગુજરાતીઓમાં અને ખાસ તો રાજકોટીયન સૌરાષ્ટ્રવાસીઓ પાસે વાંચનનો સમય અને કેટલીક ભાષાગત તેમજ સારા પુસ્તક પ્રાપ્તિ અને સમજણની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને રાજકોટનાં સલીમભાઈ સોમાણીએ બૂક ટોક શરૂ કરવાનું વિચાર્યું. ‘ધી ડાયનેમિક બૂક ટોક ક્લબ’ નામથી ચાલતી આ ચોપડાઓનાં ચર્ચાની શ્રેણી આજે ચાર વર્ષની સફર તય કરી ૧૦૦થી વધુ પુસ્તકોનાં સેશન સાથે ૧૫૦ જેટલાં સભ્યો ધરાવે છે. ચાલો કરુ આ બૂક ટોક વિશેની ડાયનેમિક ટોક.
રાજકોટનાં સલીમભાઈ સોમાણીથી સાહિત્યપ્રેમીઓ પરિચિત હશે જ. હાલમાં આકાશવાણીમાં પ્રોગ્રામ એક્સિ. ઓફિસરની ફરજ બજાવતા સલીમભાઈ સોમાણીએ ૨૦૦૧ની સાલમાં રેડિયો પર પુસ્તકો વિશેની વાતો વહેચતા. વાંચન તેમનો શોખ આથી સૌ પ્રથમ તેઓ પુસ્તક વાંચી પોતાના અનુભવ આસપાસની વ્યક્તિઓમાં વહેંચે. અનેકોનેક પુસ્તકોનાં વારંવારનાં વાંચન, ચિંતન અને મનન પછી સલીમભાઈ ધીમેધીમે સમજવા અને અનુભવવા લાગ્યા કે, પુસ્તકો થકી સમાજ પરિવર્તન શક્ય છે. જો બધા નહીં પરંતુ થોડા ઘણા લોકો પણ પુસ્તકો વાંચવા માટે પ્રેરાય તો હકીકતમાં દેશ અને સમાજ માટે ફાયદાની બાબત છે. લેકિન હરીફરી એક પ્રશ્ન સામે આવ્યો. લોકોમાં વાંચનભૂખ છે, પુસ્તકો ખરીદવાની તૈયારી છે પણ એ પુસ્તક વાંચવાનો સમય અને પુસ્તકને ખરા અર્થમાં પચાવવાની સમજણ ક્યાં? બસ આ સવાલનાં જવાબરૂપે સલીમભાઈ સોમાણીએ પુસ્તક વાંચનની આવડત અને અનુભવનાં આધારે ૨૦૧૨ની સાલમાં બૂક ટોક શરૂ કરવાનું વિચાર્યું.
સલીમભાઈ સોમાણીએ સૌ પ્રથમ બૂક ટોકમાં માતૃભાષામાં ઉપલબ્ધ ન હોય તેવા પુસ્તકો વાંચી ભાવકોને તેનો સારાંશ જણાવ્યો. એટલે કે, કોઈ દળદાર પુસ્તક જે ગુજરાતીમાં અનુવાદિત ન હોય અને સાહિત્યપ્રેમી ભાવકોને એ પુસ્તક વિશે જણાવવું અને પુસ્તકમાંથી વધુને વધુ શીખવવું જરૂરી જણાય તેવાં પ્રખ્યાત પુસ્તકો વિશે ખુદ પુસ્તક વાંચી ગોષ્ઠી કરવાની શરૂ કરી. પરિણામ સ્વરૂપે જે લોકોની અંગ્રેજી ભાષા મર્યાદા હતી અને સમયનો અભાવ હતો ઉપરાંત જેઓ મનગમતા પુસ્તક મેળવી કે ખરીદી ન શકે તેમની સમસ્યા દૂર થઈ તેઓ માત્ર એકાદ કલાકમાં પાંચસો-છસો પાનાંનું પુસ્તક આખું સલીમભાઈ પાસેથી તેમાની અગત્યની બાબતો સમજી અને શીખી લેતાં. આમ, બૂક ટોક અગ્રેજી ભાષાનાં ગ્લોબલ સાહિત્યને ગુજરાતી ભાષામાં લોકલ પ્લેટફોર્મ પર લઈ આવ્યું. સલીમભાઈએ પોતાની બૂક ટોક દરમિયાન સૌથી વધુ ભાષામાં અનુવાદ થયેલા હોય તેવા પુસ્તકોને પણ સ્થાન આપ્યું. કારણ, ક્યારેક અનુવાદ બરાબર ન થયું હોય તો પુસ્તકનો હાર્દ વાંચકને ન સમજાય શકે. તેથી મૂળ અંગ્રેજી ભાષામાં પુસ્તકો વાંચી તેનો સાચો ભાવ તેમણે ભાવકોને સરસ, સરળ અને રસાળ શૈલીમાં પીરસ્યો. આટલું જ નહીં પરંતુ પુસ્તકો વિશે જાણી ભાવકો શું શીખ્યા અને સમજ્યા તેનાં પ્રતિભાવ જાણી એક ગજબનાક ભાવવિશ્વ રચાયું. કેમ કે, સલીમભાઈ બૂક ટોકમાં કોઈ એક પુસ્તક વિશે જાણવા, સમજવા અને અપનાવવા જેવી કેટલીક માહિતી આપે પણ જ્યારે તે માહિતી મેળવનાર માહિતી પરથી પોતાના પ્રતિભાવો આપે ત્યારે ટુંડે-ટુંડે ભિન્ન મતી મુજબ એકથી એક ચઢીયાતા વિચારો બૂક ટોકનાં ખંડમાં ગૂંજી ઉઠે. જેથી ત્યાં આવનાર પણ એક પુસ્તકની માહિતી સાથે અઢળક જ્ઞાન સાથે ફ્રેશ એન્ડ ચાર્જ થઈ જાય.
ધી ડાયનેમિક બૂક ટોકનાં પ્રણેતા સલીમભાઈ સોમાણીની બૂક ટોક ક્લબમાંથી પ્રેરણા, સફળતા, લોકપ્રિયતા અને ઉપયોગિતા જેવા ગુણોને ધ્યાને લઈ બીજા કેટલાંક લોકોએ પણ બૂક ટોક કરવાની શરૂઆત કરી દીધી છે. જેઓને સલીમભાઈ સોમાણી પુસ્તકોને વફાદાર બની વાત કહેવાનું સૂચન આપે છે. જી હા, આ ચોપડાઓની ચર્ચા જેટલી સીધી અને સરળ છે એટલી છે નહીં. કેમ કે, બૂક ટોકમાં મૌલિકતાને અવકાશ નથી. અહીંયા તમારે જ તમારી ભાષા અને સામેની વ્યક્તિનાં ધારાધોરણ મુજબની કક્ષા બનાવી પુસ્તકની વાત લેખકનાં સ્થાનેથી કરવાની છે. પુસ્તકનો ભાવ, હાર્દ, સારાંશ કે જે કઈપણ કહો તે ભાવકો સીધું સ્પષ્ટ અને સત્ય પહુંચે તે અત્યંત અગત્યનું છે.
ધી ડાયનેમિક બૂક ટોક વડે સાહિત્યપ્રેમીમાં આંતરિક બદલાવ લાવનાર અને આંતરિક બદલાવ વડે સમાજ પરિવર્તનની ભાત ઘડનારા સલીમભાઈ સોમાણી પુસ્તકોને પરિવર્તનની શ્રેષ્ઠ સામગ્રી ગણે છે. વળી, અન્ય લેખકોનાં પુસ્તકો વિશે વાત કરનારા સલીમભાઈ સ્વયં પણ સાહિત્યસર્જક છે. ધી ડાયનેમિક બૂક ટોક અને પોતાનાં અંગત જીવનમાંથી કેટલોક સમય ફાળવી તેઓ જેટલી સરસ બૂક ટોક કરે છે એટલું સરસ લેખન પણ કરી લે છે. સલીમભાઈ અંગત ડાયરી વર્ષોથી લખે છે. તેમનાં બૂક ટોકનાં જ્ઞાન, વાંચન-લેખકનાં અનુભવ કે અન્ય જાણકારીનો લાભ ટૂંકસમયમાં આ પ્લેટફોર્મ પર મળે તો નવાઈ નહીં. તમે પણ સરસ પુસ્તકનું વાંચન અને તેની જાણકારી વહેચી ગમતા જ્ઞાનનો ગુલાલ અને મનગમતા વાંચનનો વિસ્તાર કરતા રહેશો.
ડેઝર્ટ : બૂક ટોક તો જ સફળ થઈ શકે જો તેમાં બૂક વિશે પર્સનલ ડિબેટ ન થાય.

બૂક ટોક અને બૂક રિવ્યુંમાં તફાવત છે. બૂક ટોક અને બૂક રિવ્યું વચ્ચે પાતળી ભેદરેખા છે. બૂક રિવ્યુંમાં મૌલિકતા હોય શકે, પોતાની સમજણ અને ગમા-અણગમા આવી શકે. બૂક રિવ્યુંએ ઘણી વખત વ્યક્તિગત પ્રતિભાવ હોય છે. જ્યારે સલીમભાઈ સોમાણી દ્વારા થતી બૂક ટોક એકને એક પુસ્તકનાં અઢળક વાંચન, સતત મનન અને ચિંતન બાદ રજૂ થતી માહિતીનો તટસ્થ અને અભ્યાસપૂર્ણ ભંડાર છે. ધી ડાયનેમિક બૂક ટોકમાં ફક્ત કોઈ એક પુસ્તક વિશે જ નહીં પરંતુ ભાવકોએ શું વાંચવું, શું ન વાંચવું અને કેમ વાંચવાની પ્રાથમિક સમજ સાથે શ્રેષ્ઠ જીવન જીવવાનાં પાઠ શીખવવામાં આવે છે. ધી ડાયનેમિક બૂક ટોકનાં કાર્યક્રમનું સમગ્ર સંકલન અને સંચાલન સાહિત્યપ્રેમી રીટા મોઝરીયા કરે છે જ્યારે ડાયનેમિક બૂક ટોકનું ફેસબૂક એકાઉન્ટ પણ છે. જ્યાંથી ભાવકો આ અંગે વિશેષ માહિતી મેળવી શકે છે. આજે બૂક ટોકનાં કેટલાંક ભાવકો લેખન તરફ વળ્યા છે તો કેટલાંક ભાવકોનાં જીવન જીવવાનો દ્રષ્ટિકોણ સલીમભાઈ સોમાણીનાં ધી ડાયનેમિક બૂક ટોકથી બદલાયો છે. જે લોકો પાસે સમય નથી કે પછી પુસ્તકો અને વાંચન બાબતે મર્યાદા હોય એ લોકો માટે બૂક ટોક અતિ ઉપયોગી સાબિત થયું છે, થઈ શકે તેમ છે.
૪ વર્ષમાં ૧૦૦થી વધુ પુસ્તકો પર બૂક ટોક કરતા રાજકોટનાં સાહિત્યપ્રેમી સલીમભાઈ સોમાણી
સલીમભાઈ સોમાણીએ પોતાની બૂક ટોકની સાહિત્યક સફરમાં અનેક શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થા, પુસ્તકાલયો અને આમંત્રિત જગ્યાઓએ તેમજ પોતાનાં ધી ડાયનેમિક બૂક ટોક ક્લબમાં જે ૧૦૦થી વધુ પુસ્તકો વિશે વાત કરી છે તેમાંથી રોબીન શર્માનાં પુસ્તકો ધી મંક હું સોલ્ડ હીઝ ફેરારી, ધી લીડર હું હેડ નો ટાઈટલ અને ડિસ્કવર યોર ડેસ્ટીની તેમજ પૌલો કોએલોનાં પુસ્તકો અલ્કેમિસ્ટ, ઝહીર, બ્રિન્દા અને અલિફ તથા સુધા મૂર્તિનાં પુસ્તકો ધ ડે આઈસ્ટોપ્ડ ડ્રીન્કીંગ મિલ્ક અને વાઈઝ એન્ડ અધર વાઈઝ આ સિવાય ડો. અબ્દુલ કલામનાં વિન્ગઝ ઓફ ફાયર અને માય જર્ની ઉપરાંત સ્ટિફન કોવીનાં પુસ્તકો સેવન હેબીટ્સ, એઈથ હેબીટ્સ અને થર્ડ અલ્ટરનેટિવ અંતમાં ખાસ તો પોલિયાના અને તો તો ચેન જેવાં પુસ્તકોની બૂક ટોક સૌથી વધુ સફળ અને લોકપ્રિય રહી છે. જેણે ધી ડાયનેમિક બૂક ટોક ક્લબનાં બાળકોથી વૃદ્ધ સુધીનાં સભ્યોએ અપનાવી અને વખાણી છે.