નાક વિશે..
એ સુંદર છે એની સૌથી મોટી સાબિતી તેનું નાક છે.
નાક?
હા, તેનું નાક.
મને તેનું નાક બહુ પસંદ છે.
તેણીમાં ગમવા જેવુ ઘણું છે.
તેનાં પરિપક્વ વિચાર,
ઉંમરથી વધુની સમજણ,
આકર્ષક દેખાવ અને?
અને અન્ય સ્ત્રીઓની સરખામણીમાં બહુ જ થોડા સપના અને શોખ સાથેસાથે સેવાકીય અને સંતોષી સ્વભાવ વધતાંમાં.
છતાં મને તેનું અણીદાર નાક ગમે છે.
જે તેનાં ચહેરા અને શારીરિક અંગોમાં કુદરતી બક્ષિશ હોય આભૂષણની જેમ શોભી ઊઠે છે.
અજાયબીની જેમ ખીલી મને તેની તરફ ચુંબકીય રીતે ખેંચી લે છે.
એક ચાહક તરીકે તેનાં નમણાં નાકને ચાહવા પાછળનાં તર્ક પણ છે.
નાક સ્ત્રી કે પુરુષનાં ચહેરામાં વિશિષ્ટ સુંદરતા પ્રગટાવે છે. એ સિવાય જુઓ તો કોઈને આંખમાં સમસ્યા હોય શકે. કોઈ કાનેથી બહેરું કે મોઢેથી મૂંગું હોય શકે. હાથ-પગ લૂલું-લંગડું હોય પણ નાક? નાક એ બધામાં ખાસ છે. એનાં નખરાં ઓછાં અને ફાયદા વધુ છે.
મેં જ્યારે તેને પ્રથમવાર જોઈ હતી ત્યારે મારી પહેલી નજર તેનાં નાક પર જ ગયેલી.
પહેલીથી નજરથી આજ દિન સુધી જ્યારેજ્યારે હું તેની નથ કે ચૂક વિનાની નાજુક નાસિકાને અવિરતપણે નિહાળું છું ત્યારેત્યારે એ મને સતત આકર્ષક લાગી રહી છે.
તેનાં મુખનાં કેન્દ્રબિંદુ સમા નાક પરથી જાણે મારી દ્રષ્ટિ ખસી જ નથી નહીં.
લાગે છે કે, મારા કે તેનાં કરતાં પણ વધુ
મારી આંખ અને તેનું નાક પ્રેમમાં પડ્યા હોય.
આ વાંચી તેને પણ સવાલ જરૂર થશે.
તું વખાણ તો મારા વાળ અને આંખનાં કરે છે,
તો પછી કઈ નહીંને મારુ નાક ગમ્યું?
તેનાં સવાલનો જવાબ અહી જ આપી દઉં.
હા, સ્ત્રીનાં શરીરમાં ગમવા જેવુ ઘણું હોય છે. અને ન ગમવા જેવુ કશું નહીં.
ટટ્ટાર ખભ્ભા સુધીનાં કળામેશ કેશ હોય,
દિપકનાં તેજ સમાન નયન અને લલાટપ્રદેશ હોય,
કમળની અર્ધ ખુલ્લી પંખુડી જેવા કાન હોય,
સામસામે બિડાયેલા હોઠો હોય, એ હોઠો જ્યારે હાસ્ય વેરે ત્યારે એકસમાન દેખાતા શ્વેત દાંત હોય,
કોમળ વેલી જેવી હાથ-પગની આંગળી હોય,
ભરાવદાર-વણાંકદાર અંગ-ઉપાંગોને જોડતી કોણી-ગોઠણ-કમર હોય,
કપડાંનાં રંગે રંગાયેલા તીક્ષ્ણ નખ હોય,
બાહ્ય સાધ-સંશાધનોનો આશરો લઈ
ચમકીલું બ્રેસલેટ પહેરેલું લચકદાર કાંડું હોય,
છમછમ કરતાં ઝાઝર પહેરેલી પગની મૃદુ પાની હોય,
લાંબાગોળ લટકણિયા પહેરેલી કાનની પોચીપોચી બુંટ હોય,
કે, કે પછી
લીસાંલીસાં બાવણાં પર ટેમ્પરરી છાપેલું નક્શીદાર ટેટૂ હોય,
અથવા, અથવા તો
આંગળીનાં ટેરવાંથી લઈ આખા હાથ પર મૂંકાતી ભાતીગળ લાલ ચટ્ટાક મહેંદી હોય,
પણ નાક?
તારા નાક પાસે તો એ બધું બનાવટી સૌંદર્ય ફિક્કું જ લાગે.
તારા નાકની તોલે કોઈ આવી શકે તેવું તારી પોતાની તો શું,
કોઈ બીજા પાસે પણ કશું નથી.
ટૂંકમાં તારા દેહ લાલિત્યની રજૂઆત કરતાં તારા તમામ અંગોમાં મને તારું નાક અતિશય ગમે છે. કારણ પણ અને અકારણ પણ.
ક્યારેક તેને ખેચવાનું મન થાય,
ક્યારેક તેને રમાડવાનું પણ મન થાય.
ક્યારેક એ ગુસ્સાનું લાલ થાય,
ક્યારેક એ શરદીનું ગુલાબી થાય.
એક વાત કહું?
તારા નાકને હું ચૂમી શક્યો નથી પણ જો ઈશ્વર મળે તો તેનાં હાથ ચૂમું.
તારા દેખાવમાં નાક સામિ ત્રિકોણીય કરામત તરાશી તેણે મને નાસ્તિક બનતા તો અટકાવ્યો પણ આસ્તિકની જોડેજોડે આશિક પણ બનાવી છોડ્યો.
ખરેખર
હવે તારું નાક એ માત્ર નાક નથી રહ્યું.
તું પણ નાક છે આપણાં સંબંધોનું…………