પટેલ આઈસ્ક્રીમની નવી પેઢી વિસ્તૃતિકરણનાં માર્ગે..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

રંગીલા રાજકોટીયન ખાણી-પીણીનાં ખૂબ શોખીન છે. તેમની સવાર ફાફડા-જલેબીથી થાય, બપોર ગુજરાતી થાળીથી પડે, સાંજે ચા અને છાપું જોઈએ અને રાત્રે પંજાબી આરોગીએ. આ સિવાય દિવસ દરમિયાન અનેક ચટાકેદાર પકવાનનો સ્વાદ રાજકોટવાસીઓ લેતા રહે. વળી, ઉનાળો હોય કે શિયાળો કે વરસતો વરસાદ પણ રંગીલા રાજકોટીયાઓને રેસકોર્ષની પાળીએ બેસી આઈસ્ક્રીમનો સ્વાદ પણ માણવા જોઈ, જોઈ ને જોઈએ જ. અને એ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમની દુનિયામાં રાજકોટનું નામ રોશન કરતુ રાજકોટનાં રેસકોર્ષ રીંગરોડ પર આવેલું વર્ષો જુનું પટેલ આઈસ્ક્રીમ પાર્લર.
દૂધ, ક્રીમ, ખાંડ, ફ્રૂટ અને સુગંધી દ્રવ્યનાં મિશ્રણને ઠંડુ કરીને જમાવી દેવામાં આવે તો આઈસ્ક્રીમ એક પ્રકારની મલાઈ કુલ્ફી જ છે. જો તેમાં સારી ગુણવત્તાયુક્ત દૂધ અને ક્રીમનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવા સ્વાસ્થ્ય માટે ગુણકારી અને ગરમીમાં ઠંડક આપનાર આઈસ્ક્રીમની દુનિયામાં અનેરું નામ ધરાવનાર આઈસ્ક્રીમ કંપની એટલે પટેલ આઈસ્ક્રીમ. ઇન્દિરા ગાંધી, અમિતાભ બચ્ચન અને અનેક નાની મોટી હસ્તીઓ પણ જેનાં સ્વાદનાં શોખીન છે એવાં ઓલ ટાઈમ ફેવરીટ પટેલ આઈસ્ક્રીમની શરૂઆત પરબતભાઈ ભવનભાઈ ખોયાણીએ ૧૯૭૫ની સાલમાં રાજકોટનાં રેસકોર્ષ રીંગ રોડ ખાતે સિતેર હજારની દુકાન ખરીદીને કરી. પરબતભાઈ દૂધનો ધંધો કરતાં હતાં અને તેઓ પોતાના દૂધનાં વેપારમાં જ પ્રગતિ કરવા ઈચ્છતા હતાં આથી તેમણે દૂધ જમાવી બનતા આઈસ્ક્રીમની દુકાન નાખી. પટેલ આઈસ્ક્રીમ પાર્લરમાં શરૂઆતમાં તો રોઝ પેટલ, કેસર પીસ્તા અને પટેલ સ્પેશ્યલ આ ત્રણ ફ્લેવર્સમાં જ આઈસ્ક્રીમ બનતો હતો પરંતુ પરબતભાઈનાં સંતાન અશોકભાઈ જેમણે પિતાએ સ્થાપેલા વ્યવસાયને આગળ ધપાવવાનું કાર્ય કરી પટેલ આઈસ્ક્રીમમાં અનેક ફ્લેવર્સનો આઈસ્ક્રીમ બનાવી રાજકોટ સહિત દેશભરનાં સ્વાદનાં શોખીનોને ટેસડો કરાવ્યો. પટેલ આઈસ્ક્રીમના સ્વાદને શાશ્વત રાખવા હાલમાં પટેલ આઈસ્ક્રીમની ત્રીજી પેઢી સિધ્ધાર્થભાઈ અને સોમીલભાઈ પટેલ કાર્યરત છે.
પરબતભાઈના બે પૌત્ર સિધ્ધાર્થ અને સોમીલે દાદા અને પિતાનાં આ વ્યવસાયને આગળ વધારવા અને તેને નવી દિશા આપવાનું નક્કી કર્યું. બંને પટેલ બંધુઓએ પોતાના પારિવારિક વ્યવસાયને ધ્યાનમાં રાખીને જ આગળનો અભ્યાસ કર્યો છે. સિધ્ધાર્થભાઈ પટેલે બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરીને આણંદ ખાતે ડેરીમીલ્કનો કોર્ષ કર્યો તો બીજી તરફ સોમીલભાઈ પટેલે પણ સી.એફ.એ.ની પરીક્ષા સિંગાપુરમાંથી પાસ કરી છે. આમ પટેલ આઈસ્ક્રીમની ત્રીજી પેઢીએ પોતાનાં વ્યવસાયને મદદરૂપ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરીને તેઓએ દાદા અને પિતાનાં આઈસ્ક્રીમનાં વ્યવસાયને ન ફક્ત લોકપ્રિય બનાવ્યો પરંતુ પટેલ આઈસ્ક્રીમની એક પછી એક બ્રાંચ ખુલતી ગઈ. જે પાછળ પટેલ આઈસ્ક્રીમની થર્ડ જનરેશન સિધ્ધાર્થભાઈ અને સોમીલભાઈનો અભ્યાસ અને આંતરિક સમજબૂજ જવાબદાર છે. પટેલ આઈસ્ક્રીમનાં વર્ષો જૂના પરંપરાગત સ્વાદને જાળવી તેમાં આધુનિકતાનાં રંગો કેમ પૂરી શકાય એ સિધ્ધાર્થભાઈ અને સોમીલભાઈએ બતાવ્યું.
પટેલ આઈસ્ક્રીમની એક આગવી ઓળખ છે જે તમે કોઈ પણ શહેરમાં પટેલ આઈસ્ક્રીમનો ટેસ્ટ કરો તો તે એક જ પ્રકારનો સ્વાદ તાળવે ચોટે. પટેલ આઈસ્ક્રીમ આઝાદી પછી “પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર”ની નામના મેળવી ચૂક્યું છે. ડિસેમ્બર મહિનામાં જ્યારે એન.આર.આઈ રાજકોટમાં આવે છે ત્યારે તેઓ રાજકોટમાં આઈસ્ક્રીમનું ગૌરવ એવા પટેલ આઈસ્ક્રીમની મુલાકાત લીધા વગર જતા નથી. તેઓને પોતાના દેશમાં મળતા આઈસ્ક્રીમ જેવો જ ટેસ્ટ પટેલ આઈસ્ક્રીમમાંથી મળે છે. આમ, નાના મોટાં તમામ વર્ગ, પ્રતિષ્ઠત વ્યક્તિ અને ખાસ ફોરેનરમાં પટેલ આઈસ્ક્રીમની રોઝ પેટલ આઈસ્ક્રીમ હોટ ફેવરીટ છે. પટેલ આઈસ્ક્રીમ વેનીલા, કેસર- ડ્રાયફ્રૂટ, રોઝ પેટલ, બેલ્જીયમ, ચોકલેટ, અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ, વિન્ટરમાં આદુ-તુલસી, સ્ટ્રોબેરી અને લીચી. તો સમર સ્પેશ્યલ મેંગો અને ગુલકંદ આઈસ્ક્રીમ અને રેઈની સિઝનમાં બ્લેક બેરી અને સીતાફળનો સ્પેશ્યલ સીઝનલ ફ્રુટ્સનો આઈસ્ક્રીમ સહિત ૪૦થી વધુ ફ્લેવર્સનાં આઈસ્ક્રીમ, સુગર ફ્રી તેમજ થીક શેઈકમાં ચોકલેટ કાજુ થીક શેઈક, કાજુ અંજીર થીક શેઈક, ફાલુદા, જ્યુસ અને કસાટામાં પણ અનેક વેરાયટીનો ખજાનો પટેલ આઈસ્ક્રીમમાંથી મળી છે. હાલમાં સિધ્ધાર્થભાઈ પટેલ રંગીલા રાજકોટીયન માટે યુરોપની બેલ્જિયન વેફ્લર્સની પણ શરૂઆત કરી છે.
પટેલ આઈસ્ક્રીમનાં હાલનાં વહીવટકર્તા સિધ્ધાર્થભાઈ અને સોમીલભાઈએ પટેલ આઈસ્ક્રીમને પ્રગતિવાન બનાવતા સાથે મુંબઈમાં એક પછી એક ફ્રેન્ચાઇઝીઓ શરૂ કરી તો બીજી તરફ મીઠાશ સાથે સાથે ચટાકેદાર ફૂડ ઝોનની પણ શરૂઆત કરી છે. રાજકોટ રીંગ રોડ ખાતે આવેલું બીગ બાઈટ એ પટેલ આઈસ્ક્રીમની નવી પેઢીનું જ ઈનોવેશન છે. જ્યાં સેન્ડવિચ, ચાઇનીઝ, પિત્ઝા અને પંજાબી વાનગીની લિજ્જત માણી લોકો બાજુમાં જ પટેલ આઈસ્ક્રીમનો લુફ્ત ઉઠાવે છે. પટેલ આઈસ્ક્રીમ સાથે પાછળથી શરૂ થયેલા બીગ બાઈટની સફળતાનાં આધારે આજથી બે વર્ષ પહેલા જ રાજકોટનાં આકાશવાણી ચોક પાસે બીગ બાઈટ સેલિબ્રેશન પંજાબી અને નોર્થ ઇન્ડિયન ફૂડ સિધ્ધાર્થભાઈ અને સોમીલભાઈએ શરૂ કરી એ દર્શાવ્યું કે, આઈસ્ક્રીમ સિવાયનાં બિઝનેસમાં પણ તેમની મહારથ છે અને આ બધા પાછળ પિતા અશોકભાઈનું માર્ગદર્શન રહેલું છે. આજે મુંબઈ અને ઈન્દોરમાં પટેલ પરિવારનાં ઝીરો ડિગ્રી પટેલ આઈસ્ક્રીમને ક્યાં કોઈ ઓળખતું નથી?
સીધ્ધાર્થ પટેલ તેમનાં દાદા પરબતભાઈને આદર્શ અને પ્રેરણાના સ્ત્રોત ગણી જણાવે છે કે, તેઓને તેમના દાદા અને પિતા પાસેથી ઘણું શીખવા મળ્યું છે. આઈસ્ક્રીમ પાર્લર ચલાવવું એ તેમનો શોખનો વિષય છે. આથી જ તેમણે તેમનાં વડીલો પાસેથી મળેલા આ વ્યવસાયને નવીનતા આપવા માટે જ ફાસ્ટ ફૂડ કોર્નરની પણ શરૂઆત કરી. સિધ્ધાર્થભાઈ રાજકોટીયનને મીઠાશની સાથે અવનવી મસાલેદાર વાનગી મળતી રહે તેવા જ આશયથી અવનવું લઈને આવતાં રહેવાનું ધ્યેય ધરાવે છે. સિધ્ધાર્થભાઈ કહે છે કે, પટેલ આઈસ્ક્રીમનો સો ટકા શુદ્ધ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આઈસ્ક્રીમ ફક્ત રાજકોટ કે ગુજરાતમાં જ નહીં પરંતુ મુંબઈ અને ઇન્દોર સુધી ખ્યાતનામ થયો છે. પટેલ આઈસ્ક્રીમની મેઈન બ્રાંચ રાજકોટમાં રિંગરોડ ખાતે તેમજ અન્ય બ્રાંચ નાના મોવા અને અમીન માર્ગ પર આવેલી છે. જ્યાં આઈસ્ક્રીમ ઉપરાંત ફાસ્ટફૂડ પણ મળી રહેશે. પટેલ આઈસ્ક્રીમની નામના અને ચાહના પાછલ બે પરિબળો રહેલા છે. એક તેનો સ્વાદ અને બીજી તેની શુદ્ધતા. પટેલ આઈસ્ક્રીમમાં ક્યારેય સિઝન ન હોય ત્યારે જો વસ્તુનો ભાવ વધુ હોય તો ખરાબ અને ઓછી ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી. અન્ય કંપનીનાં અઈસ્કીમમાં સો ટકા હવા ભરેલી હોય છે જ્યારે પટેલ આઈસ્ક્રીમ ઝીરો માઈનસ ડીગ્રીમાં આઈસ્ક્રીમ બનાવે છે, જે ખાવામા ટેસ્ટી અને હેલ્થ માટે બેસ્ટી છે. આજે રાજકોટમાં જૂજ જગ્યાઓ પર સંચાનો આઈસ્ક્રીમ મળે છે જેમાંનું પટેલ આઈસ્ક્રીમ એક છે.
આ તો વાત થઈ ફક્ત રાજકોટની પણ તમો કોઈ દિવસ ઇન્દોરમાં ભૂલા પડો અને રાજકોટનાં પટેલ આઈસ્ક્રીમની યાદ આવે તો ત્યાં પણ પટેલ આઈસ્ક્રીમનો ટેસ્ટ મળી રહે. વળી, મુંબઈ જેવી માયાનગરીમાં પટેલ આઈસ્ક્રીમની એક બે નહીં પણ આઠ-આઠ બ્રાંચ આવેલી છે. યાની હવે આપને યાદ આવી ગયું હશે કે, તમોએ જીવનનો જે યાદગાર આઈસ્ક્રીમ ચાખ્યો-માણ્યો હતો એ પટેલ આઈસ્ક્રીમનો જ આઈસ્ક્રીમ હતો. જેની અહીં વાત કરવામાં આવી છે.

ફેક્ટ ફાઈલ : પટેલ આઈસ્ક્રીમ
સ્થાપના : ૧૯૭૫
સ્થાપક : પરબતભાઈ ભવાનભાઈ ખોયાણી
સંચાલક : અશોકભાઈ પરબતભાઈ ખોયાણી
વહિવટકર્તા : સિધ્ધાર્થ અશોકભાઈ ખોયાણી, સોમીલ અશોકભાઈ ખોયાણી.
હેડ શોપ : રેસકોર્ષ રીંગ રોડ. રાજકોટ
બ્રાંચ: નાના મવા રોડ અને અમીન માર્ગ. રાજકોટ
ફ્રેન્ચાઇઝી : મુંબઈમાં ૮ અને ઈન્દોરમાં ૧
પ્રોડક્ટ્સ : ૪૦થી વધુ ફ્લેવર્સ આઈસ્ક્રીમ, થીક શેઈક, કસાટા, ફાલુદા, કુલ્ફી-કેન્ડી, જ્યુસ
સ્ટાફ : ૭૦ કર્મચારી
એક્સપોર્ટ : રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત, મુંબઈ અને ઇન્દોર
વિઝન : વધુમાં વધુ લોકો સુધી ઉચ્ચ ગુણવત્તાવાળો આઈસ્ક્રીમ પહુંચે અને પટેલ આઈસ્ક્રીમનાં ટેસ્ટ સાથે લોકોની તંદુરસ્તી જળવાઈ રહે.

ગુરુમંત્ર : પટેલ આઈસ્ક્રીમની નવી પેઢી ગ્રાહકોને વિવિધ સ્થળો પરથી એકસમાન સ્વાદ અને ગુણવત્તાયુક્ત આઈસ્ક્રીમ આપવાને પોતાની સફળતાનો ગુરુમંત્ર ગણે છે. સિધ્ધાર્થભાઈ અને સોમીલભાઈનાં મત મુજબ પટેલ આઈસ્ક્રીમમાં બીજી બધી આઈસ્ક્રીમ કંપનીઓની જેમ ભેળસેળ કરવામાં આવતી નથી, તે ૧૦૦% શુધ્ધતા ધરાવતા આઈસ્ક્રીમનું વેંચાણ કરે છે. જે તેમની સફળતાનું કારણ માત્ર છે. ગ્રાહકને ભગવાન માનવો એ પટેલ આઈસ્ક્રીમનું નીતિસૂત્ર છે. આથી પટેલ આઈસ્ક્રીમની જેનનેક્સ્ટ ગ્રાહક સાથે ક્યારે પણ છેતરપીંડી ન કરાવાનું અન્યોને પણ સૂચન કરે છે. વળી, મીઠાશ સાથે તીખાશનો સંગમ કરી પટેલ આઈસ્ક્રીમની નેક્સ્ટ જનરેશને જે રીતે આઈસ્ક્રીમ પાર્લર સાથે ફાસ્ટફૂડ ઝોનનું ઈનોવેશન કર્યું તે તેમની બમણી સફળતાની યુએસપી જણાય છે. પટેલ આઈસ્ક્રીમે બે પેઢી સુધી લોકોને ભાવતો આઈસ્ક્રીમ પીરસ્યો ત્યારે લોકોની પટેલ આઈસ્ક્રીમ પાસેથી વધુ કઈક નવીનની અપેક્ષા થતા સિધ્ધાર્થભાઈ અને સોમીલભાઈએ લોકોને ફાસ્ટફૂડ કોર્નરની જે ભેટ ધરી એ ભેટ જ પટેલ આઈસ્ક્રીમને અન્ય આઈસ્ક્રીમ પાર્લરો કરતા સવાયો બનાવ્યો.