પરીક્ષા : હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક કરવું..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

કોઈપણ પરિણામ તમારી લાયકાત કે આવડતનું અંતિમ પરિમાણ નથી

વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથેનાં કેટલાંક વર્ષોના અનુભવોનું ભાથું અને ગૃપ વર્કશોપ તેમજ કાઉંન્સેલિંગ દરમિયાન લોકો સાથેની વાતચીતનાં નીચોડ પરથી વિદ્યાર્થીઓને જીવનની દરેક પરીક્ષામાં ઉત્તર્ણીય થવા માટે કઈ રીતે તૈયારી કરવી એની થોડી સ્માર્ટ ટિપ્સ જ્ઞાનેશ્વરી જોશી આપશે અને છેલ્લે વાલીઓ સાથે કેટલીક વાતો. મનોવૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી આ નાની-નાની બાબતો બહું મોટા પરિવર્તન લાવી શકે છે.
રાજકોટમાં રહી છેલ્લાં એક દસકથી એજ્યું. કાઉંન્સેલિંગ અને પેરેન્ટિંગ વર્કશોપ કરતા જ્ઞાનેશ્વરી જોશી જણાવે છે કે, દરેક પડકારનો સામનો કરતા નક્કી કરેલા વાસ્તવિક ધ્યેય તરફ આગળ વધવા માટેનું પ્રથમ સોપાન એટલે આયોજન. ધારેલું લક્ષ્ય મેળવવા સમય અને અભ્યાસ બંનેનું આયોજન અનિવાર્ય છે. નિત્યક્રમ અનુસાર ઘરે અભ્યાસ કરવા માટેનો એક સમય નક્કી કરો. ટાઈમટેબલ બનાવો અને એને ખાસ અનુસરો. જ્યારે શરૂઆતમાં નિર્ધારિત સમય અનુસાર અભ્યાસ કરવા બેસશો ત્યારે થાક, ઉંધ, ભૂખ, મૂડ, ટી.વી., મોબાઈલ આ બધા જ મિત્રો તમને પોતાની તરફ આકર્ષશે. આ જાત સાથેનાં જંગ વખતે પોતાને એક જ વાત સમજાવવી કે અત્યારની મજા એ ભવિષ્યની સજા છે. તમારા હિતશત્રુઓને અવગણશો તો ધીમેધીમે આ બધા જ તમને છોડીને જતાં રહેશે અને તમને કોઈપણ સમયે અભ્યાસ કરવાની આદત પડી જશે. દ્રઢ મનોબળ સાથેનું નક્કર આયોજન એ પરીક્ષામાં સારા નંબરે પાસ થવાનું પ્રથમ પગથીયું છે.
આપણને રંગબેરંગી વસ્તુઓ હંમેશા ગમે છે. પુસ્તકોને પણ કલરફૂલ બનાવો. કલરફૂલ પેન્સ અને હાઇલાઇટર્સનો ઉપયોગ વાંચતી વખતે અને નોટ્સ બનાવતી વખતે કરો. જેથી તે મન-મસ્તિષ્કમાં અંકિત થઈ જાય. વૈજ્ઞાનિક સંયોજનો, ગાણિતિક સમીકરણો કે કોઈ કી વર્ડને અલગ-અલગ કલર્સથી હાઈલાઈટર્સ કરો જે એલએમઆર — લાસ્ટ મિનીટ રીડીંગ સમયે ખૂબ ઉપયોગી થશે. મનોવૈજ્ઞાનિક ભાષામાં આ કલર થેરાપી કહેવાય છે. અલગ તારવી કલર કરેલાં પોઈન્ટ સ્મૃતિપટ પર ઝડપથી સંગ્રહ થાય છે. નજર સમક્ષ આવ્યાં કરે છે. વાંચન સામગ્રી જેટલી શોર્ટ એન્ડ ઈઝી હશે એટલી સક્સેસ વધુ મળશે.
સતત કલાકો સુધી ભણતી વખતે સમાયંતરે વચ્ચે-વચ્ચે બ્રેક લેતા રહેવું. બ્રેક ૫ મિનીટથી વધુનો ન હોવો જોઈએ. કોઈ શોખ કાયમ રાખવો અને થોડો સમય તેમાં વ્યતીત કરવો. જેથી રીફ્રેશ થવાશે. અભ્યાસ દરમિયાન મલ્ટીટાસ્કીંગ ન બનવું તેનાથી એનર્જી એક જગ્યાએ કેન્દ્રિત ન થતાં સ્મરણશક્તિ પર અસર પડશે. ઘરનું વાતાવરણ પણ યુધ્ધની તૈયારીઓ થતું હોય એવું કે કર્ફ્યુ લાગ્યો હોય એવું ન હોવું જોઈએ. જીવનના દરેક તબક્કે અમે તારી સાથે છીએ. વાલીઓ દ્વારા કહેવાયેલું આ વાક્ય સંતાન માટે હકારાત્મક ઉર્જા આપવાનું કામ કરશે. પરીક્ષા હોય કે ન હોય ઘરનું વાતાવરણ શાંત અને આનંદિત જ હોવું જોઈએ.
રોજબરોજ કરવામાં આવતી પ્રક્રિયાઓ આપણે યાદ નથી કરવી પડતી. આપમેળે થતી હોય છે. અભ્યાસમાં પણ આ વાત લાગુ પડે છે. ગઈકાલે બપોરે શું જમ્યું એ યાદ નથી રહેતું પરંતુ વર્ષો પહેલાના ફિલ્મી ડાયલોગ્સ કે ગીતો યાદ રહે છે. કારણ કે, એમાં આપણી રુચિ છે. હળવાશની પળોમાં જોવાયેલ ફિલ્મ છે. અભ્યાસને પણ રુચિનો વિષય બનાવી હળવાશથી લેવું. હા, તેની મહત્વતાને અવગણવી નહીં. દરેક વિષયને પ્રાધાન્ય આપવું અને દરેક વિષયમાં પારંગત બનવું.
રિપિટેશનથી કોઈપણ બાબત long term memory તરીકે અર્ધજાગ્રત મનમાં સંગ્રહ થતી હોય છે. રીચ રીઝલ્ટ મેળવવા પાંચ R નું ખૂબ મહત્વ છે. Reading, Recall, Repeat, Revise and again Revise. એકવાર વાંચીને તેની નોંધ ટપકાવો અને ફરીથી ભૂલો શોધી એને સુધારો. આ પ્રક્રિયાથી તમારી સ્મરણશક્તિનો વિકાસ થશે. પરીક્ષાની છેલ્લી કલાક સુધી અભ્યાસ કરવો હિતાવહ નથી. તન, મન અને મગજને હળવું રાખો અને પૌષ્ટિક ફાઈબરયુક્ત ખોરાક લેવો. ભ્રામરી પ્રાણાયામ એકાગ્રતા માટે કરવું જોઈએ. સ્વચ્છ, શાંત વાતાવરણ અને પૂરતા પ્રકાશ આવતી જગ્યાએ લેખન, મનન અને ચિંતન કરવું જોઈએ. મનગમતા પરિણામને પામવા માનસિક અને શારીરિક તંદુરસ્તી જરૂરી છે.
પરીક્ષાર્થીઓને અંતમાં એટલું જ કહીશ કે જીવનથી વધુ મહત્વનું કશું જ નથી. કોઈપણ પરીક્ષા સ્વઈચ્છાથી આપવી અને આવનાર પરિણામનો સહર્ષ સ્વીકાર કરવો. તમારી ક્ષમતાને ઓળખો અને સ્વીકારશો તો જીવનની કોઇપણ નાની-મોટી લડાઈ સહેલી બનશે. અને વિદ્યાર્થીઓ બાદ હવે વાલીઓનો વારો..
વ્હાલા વાલીઓ.. તમારું બાળક એક અલગ ઓળખ, મર્યાદિત ક્ષમતા અને બુધ્ધિમતા ધરાવે છે. પરીક્ષાનાં પરિણામમાં થતી દેખાદેખી અને અપેક્ષાઓમાં બાળકનું બાળપણ છીનવાઈ જતું હોય છે અને વાલીઓને એમનો અહેસાસ સુદ્ધા નથી હોતો. પોતાના બાળક પાસેથી આવડત કરતાં વધુની આશાઓ બાળઉછેર પર બહુ લાંબા ગાળાની અસર પાડે છે. જે ક્યારેક બાળકના વિકાસમાં બાધારૂપ બને છે. આથી સારા પરિણામ માટે બાળક પર ક્યારેય દબાણ ન કરવું. તેની સારાઈને પૂરા પ્રેમ અને પ્રોત્સાહનથી વધાવો તેમજ નબળાઈને પૂરી સમજણ સાથે સુધારો.
આધુનિક યુગમાં ન્યુક્લિયર ફેમિલી થતાં બાળકોને ઘણીવાર પરિવારની હૂંફ, લાગણીનાં જોઈતા સંબંધો પ્રાપ્ત નથી થતા. આવા સમયે વાલીઓ પોતાની સમજબુજ મુજબ બાળકોને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. અહીં બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવા કે અંગ્રેજી માધ્યમમાં ભણાવવા એ વાલીઓની સૌથી વધુ મુંજવણ અને સમસ્યાનો ભોગ બને છે. માતૃભાષાનું મહત્વ ઓછું ન આંકવું જોઈએ. પોતાનાં બાળકને કઈક બનાવતા પહેલા દરેક માતાપિતાએ પોતાના બાળકને એક સારો નાગરિક બનાવવો જોઈએ. દરેક વાલીને પોતાના બાળકમાં એન્જિનિયર, ડોક્ટર કે કોઈ શૈક્ષણિક સિદ્ધિ જોઈએ છે. સ્વયંનાં સંતાનને પ્રમાણિક, મૂલ્યનિષ્ઠ અને કર્તવ્યવાન માણસ કે નાગરિક કેટલા વાલીઓ બનાવવા તૈયાર છે?
જિંદગીની દરેક પરીક્ષા કે સમસ્યામાં જો માતાપિતા બાળકના મિત્ર બની સાથે રહે તો ઘણી કઠણાઈઓ સરળ બની જતી હોય છે. જીવનનો પહેલો અને મહત્વનો પાઠ વાલીઓ જ ભણાવી શકે કે, આવનારી કોઇપણ પરીક્ષાઓમાં નાપાસ થઈ શકાય નાસીપાસ ક્યારેય થઈ શકાય નહીં. ધેટ્સ ઓલ.
ઉચ્ચ પરિણામ મેળવવા માટેની કોઈ ટીકડી કે ટોનિક આવતાં નથી. બાધા-માનતાથી પણ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થતું નથી. કોઈપણ પરીક્ષામાં સફળતા મેળવવા માત્ર સ્માર્ટ વર્ક કરો હાર્ડ વર્ક નહીં. ઓલ ધી બેસ્ટ બચ્ચાઓને અને તેમનાં માતાપિતાઓને બેસ્ટ ઓફ લક..

બોક્સ : દરેક માતાપિતાને પોતાના બાળકનાં અભ્યાસ, પરિણામ અને ભવિષ્યની ચિંતા સતાવતી હોય છે. દરેક માતાપિતા એવું જ ઈચ્છતા હોય છે કે, તેમનાં સંતાનો પરીક્ષાઓમાં સારા માર્ક્સ લઈ આવે. શૈક્ષણિક સંસ્થા પણ વિદ્યાર્થીઓ પાસેથી માતાપિતા જેટલી જ ઈચ્છા રાખતી હોય છે કે, અમારી શાળાનો વિદ્યાર્થી બોર્ડમાં આવે. શાળાનું પરિણામ સો ટકા આવે. ઘર-પરિવાર અને શાળા સિવાય સમાજને પણ પરીક્ષાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ લઈ આવે તેવી આશા-અપેક્ષા હોય છે. અને જો વિદ્યાર્થી તેમાં નાકામ નીવડે તો તેને કોઈ ગંભીર પાપ કર્યાનો અહેસાસ કરાવવામાં આવે છે. કિશોરાવસ્થાનાં સંવેદનશીલ તબક્કામાં માનસ અને મન પર આ બધી બાબતો બહું જ અસરકર્તા બને છે. આ કારણે ઘણીવાર નબળા વિદ્યાર્થીઓ આત્મહત્યા સુધીનાં પગલાં ભરી લે છે. એ ન ભૂલવું જોઈએ કે, બધેબધા હોશિયાર હોતાં નથી. પરિણામો તમારી લાયકાતનું અંતિમ પરિમાણ નથી. સારા પરિણામની લાહ્યમાં ક્યાંક પેઢી ગુમાવવાનો વારો ન આવે.