નરેશ શાહ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.33 out of 5)
Loading...

પાપડ વેંચતા-વેંચતાથી લઈ પ્રકાશક બન્યાની દિલધડક દાસ્તાનનો યાત્રી : નરેશ શાહ : ચાવાળામાંથી ચોપડા વેંચનારની વાર્તા..

 

       આજે એક એવાં વ્યક્તિત્વની ઓળખ અને પરખ કરાવવાની છે, જેમનું નામ છે – નરેશ શાહ. જી.. હા. નરેશ શાહ છેલ્લાં અઢી દસકથી પત્રકારત્વ અને સાહિત્યની દુનિયામાં વિવાદો વચ્ચે વહાલ અને મલાલથી લેવામાં આવતું નામ છે. તેઓ જેટલા કલમથી પ્રખ્યાત છે એથી વધુ પોતાનાં કરનામાઓથી કુખ્યાત છે. તેમનાં નામે સચિન તેંડુલકરની જેમ ઘણા અનબિટેન રેકોર્ડ છે, અમિતાભ બચ્ચનની ઊંચાઈ જેવડું નિષ્ફળતાઓનું લિસ્ટ છે. રાજેશ ખન્ના જેવુ સ્ટારડમ અને રાજ કપૂર જેવી કેરિયર છે. તેઓ આમિર ખાનની જેમ ઘણાનાં પસંદીતા છે તો સલમાન ખાનની જેમ ઘણાનાં ગુનેગાર છે. તેઓ સૌ સાથે શાહરુખ ખાન જેવો સંબંધ ધરાવે છે તો જીતેન્દ્રની જેમ પોતાનાં સંતાન માટે જીવે છે. આવો સૌ પ્રથમ જોઈએ નરેશ શાહે જીવેલા ધોધમાર ‘શ્યાહી’વૂડ જીવનની ઝરમર.

       ગુજરાતી પત્રકારત્વ અને લેખન જગતનાં જૂના જોગીઓમાં નરેશ શાહનું નામ અજાણ્યું નથી. આજે મોટા ભાગનાં અખબારો અને ટી.વી. ચેનલ્સનાં તંત્રી અને એડિટર્સ એક સમયે નરેશ શાહનાં જુનિયર્સ રહી ચૂક્યા છે. તેઓ ખાલી ખિસ્સાનાં સમયે પણ ખીલ્યાં છે અને લાખો લૂટાવી-કમાઈને પણ ખેદ નથી રાખ્યો કે ખુમારી નથી દાખવી. સિદ્ધાંત અને આદર્શમાં પોતાને અડીખમ દર્શાવતાં નરેશ શાહ વિશે સમકાલીનનાં સ્થાને રહી કહેવું હોય તો એવું કહી શકાય કે, રસ્સી જલ ગઈ લેકીન બલ નહીં ગયા.

       પત્રકારત્વની અઢી દસકની કારકિર્દી પછી પણ નરેશ શાહનું બળ તૂટ્યું કે વળ છૂટ્યું નથી. ન.શા.નો લેખક પ્રત્યેનો નશો અને પેશો દિન-પ્રતિદિન રંગ પકડતો જાય છે. ત્રણ વર્ષ ‘ગુજરાત સમચાર’ અખબાર ત્યારબાદ ‘અભિયાન’ સામાયિક અને પછી ‘દિવ્યભાસ્કર’ની પૂર્તિમાં ‘અસામન્ય’ કૉલમની સફરમાં આ મજબૂરીનો માણસ પાનાં પર જીવી પેટ ભરી શક્યો છે પણ ક્યારેય પાછળ પડ્યો કે પછતાયો નથી. નરેશ શાહે પોતાના જીવનમાં અનાજ અને અક્ષરો બંને વેંચ્યા છે. મુખ્ય ત્રણ પ્રિન્ટ મીડિયા સિવાય પણ નરેશ શાહે ઘણા સામાયિકો અને અખબારોમા લખ્યું છે, લખાવ્યું છે. પત્રકારો અને લેખકો તૈયાર કર્યા છે. પ્રજાની સમસ્યા અને સ્કેમનો પર્દાફાસ કર્યો છે. વીસમી સદીનાં અંતિમ દસકમાં નરેશ શાહનાં રિપોટિંગથી સૌરાષ્ટ્ર-કચ્છનાં રાજનેતાથી લઈ મુંબઈના ડોન પણ ડરતા હતા.

       પત્રકારત્વ અને સાહિત્યનાં દૂષણ અને શોષણથી કંટાળી તેમણે ‘ન્યૂઝવાલા મીડિયા’ પ્રકાશન સંસ્થા શરૂ કરી. જેમાં ૨૫ જેટલાં પુસ્તકો પોતે અને ૨૦ જેટલાં પુસ્તકો પોતાનાંઓ પાસે લખાવી પ્રકાશિત કર્યા. ‘મહારથી’ અને મોરારીબાપુથી લઈ ઓશો પરના લખાણો અને પુસ્તકો તેમનાં બેસ્ટસેલર્સ રહ્યાં તો ‘૨૪ કેરેટ’ અને ‘મહાજાતિ રઘુવંશી’ જેવાં પુસ્તકો સુપરડુપર ફ્લોપ રહ્યાં. છતાં નરેશ શાહ ન જૂક્યા, ન તૂટ્યાં, ન રુક્યા ને હવે તો દર બે-પાંચ મહિને તેમનાં પુસ્તકો બહાર પડે છે. તેમની કૉફી-ટેબલ બૂક્સ વાંચવી અને જોવી ગમે તેવી હોય છે. તેમની ગણતરી આજકાલ ‘માર્કેટિંગ ગુરુ’માં થાય છે.

       નરેશનો અર્થ રાજા થાય. નરેશ શાહ ભલે રાજા જેવુ જીવી ન શક્યા કે ભોગવી ન શક્યા પણ તેમનો મિજાજ અને અંદાજ રાજાશાહી રહ્યો. તેઓનો જન્મ ધનવાન પરિવારમાં જ થયો પરંતુ ટૂંકસમયમા એ શાહ પરિવાર અને રાજકોટનાં દાણાપીઠ, શારદાનગરની શેરી નં.૩નાં ઘર પર ગરીબી અને બેબસીનો લૂણો લાગ્યો. પછી નરેશ શાહ રંકમાંથી રાજાશાહીની સફર કેમ ખેડી બન્યાં સફળ’શેર’ એ તેમની પાસે જાણવા જેવું છે. મોદી ચાવાળો પ્રધાનમંત્રી બન્યો એ આપણે જાણીએ છીએ, આ શાહ ચાવાળો, પાપડનો દલાલ અને મમરાનો વેપારી કઈ રીતે બેસ્ટ સેલર રાઈટર, પબ્લીશર અને કોલમનિસ્ટ બન્યો એ જોઈએ.

 

       ભવ્ય રાવલ – મૂફલિસમાંથી મહારથી બનેલા નરેશ શાહ સૌ પ્રથમ તમારાં ભૂતકાળ વિશે જણાવો. જન્મથી જવાની કેવી રહી?

       નરેશ શાહ – ભૂતકાળ એ એક એવી બલાનું નામ છે જે ભવ્ય હોય તો પણ યાદ કરવો ગમતો નથી અને કંગાળ હોય તો પણ ભૂલાતો નથી. મારું ફ્લેશબેક મને હચમચાવી મૂકે છે અને હિમ્મત પણ આપે છે. મેં કાચી ઉંમરે પપ્પાની લાચારી અને લાગણી જોઈ છે. ટીનએજનો રોમાન્ટિક પ્રેમ અને જિંદગીનાં પાઠ હું ઉંમરથી વહેલાં શીખીને સમજી ગયેલો. શેઠીયાનાં સંતાન હોવાનો ઠાઠમાઠ અને મૂફલિસનો પદાર્થપાઠ પણ મેં જન્મથી લઈ જુવાની સુધીમાં ભણ્યો અને અનુભવ્યો છે. જન્મથી કિશોરાવસ્થા સામાન્ય અને સુખદ ગણી શકાય. જે કઈ થયું એ પછી થયું, તે એક ખરાબ સપ્ન હતું.

       ભવ્ય રાવલ – જી. એટલે બીજા નિષ્ફળ લોકો અને લેખકોની જેમ તમે આત્મહત્યા તરફ દોરવાયાં હશો એમ માની શકાય? પણ એ વાત પછી, પેલા તમારાં પિતા અને પરિવાર અને શરૂઆતી સંઘર્ષ વિશે જણાવો.

       નરેશ શાહ – શરૂથી વાત કરું તો, ઈ.સ. ૧૯૯૦ની સાલમાંમાં અમારી દુકાઈ વેચાઈ ગઈ. હું પપ્પાની જેમ ખોળ-કપાસીયાનો બિઝનેસમેન ન બની લેખક-પત્રકાર બન્યો તેમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ મારાં પપ્પા રહ્યાં. જયસુખભાઈ ભાડલાવાળા. રાજકોટનાં દાણાપીઠમાં મારાં દાદાએ શરૂ કરેલી સિત્તેર વર્ષ જૂની પેઢીનાં તેઓ સર્વસર્વા. ખોળ-કપાસીયાનો ધંધો અને કામ એ સમયે જાહોજહાલી કહેવાતી. દર રવિવારે અમે સહપરિવાર ફિલ્મ જોવા જતાં, ઉનાળું વેકેશનમાં અર્ધા મહિનાની ફેમિલી ટુર નક્કી હોય. અમારે ત્યાં રેડિયો હતો. ઈ.સ. ૧૯૮૦માં રાજકોટ આખામાં મારાં પિતા એકમાત્ર એવી વ્યક્તિ જેની પાસે ૬૬૮૩ નંબરનું વાસ્પા ટુ વ્હીલર હતું. તેનાં પર મારું નામ નરેશ પણ લખાવ્યું હતું. પછી ખરાબીનાં સમયે એ વેંચી કાઢવું પડ્યું. હું સ્વીટ સિક્સટીન સુધી જીવ્યો. અને અંતે કિસ્મતે કરવટ લીધી. મારી જવાની હજુ શરૂ પણ થઈ ન હતી ત્યાં જ ૧૯૮૦-૮૧માં પડેલા દુકાળે અમારો બાપ-દાદાનો ધંધો ચોપટ કરી નાખ્યો. ઉઘરાણીવાળારોજ સવારે અમારા ઘરની ડેલી ખખડાવી આખી શેરીને જગાડતાં. પપ્પા જડની જેમ જવાબ ન આપે અને અમે ભાઈ-બહેનો કબૂતરની જેમ ઘરમાં ફફડીએ. પરિણામ સ્વરૂપ મમ્મી એટલે કે, જયશ્રીબેન શાહનાં દાગીના વેચવા પડ્યાં. કુદરતની સૌથી મોટી તકલીફ શું છે ખબર છે? એ દુ:ખ આપે તો વર્ષો સુધી આપે અને સુખ આપે તો વર્ષો સુધી આપે. પપ્પાને બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બિમારી સાપડી. ઈ.સ. ૧૯૮૪ની સપ્ટેમ્બરની ૨૮મી તારીખે પપ્પાને પેરેલિસિસનો સ્ટ્રોક આવ્યો. તેમનું અડધું અંગ નકામું થઈ ગયું. મેં હજુ વીસ વર્ષ જીવનનાં પૂરાં કર્યા ન હતા, મારાં ભાઈ-બહેન મારાંથી પણ નાના. બસ અહિથી પાણી માપવાની પનોતી બેઠી. પપ્પા અડધા ખોટા શરીર સાથે બરાબર પોણા સાત વર્ષ જીવ્યા.

       ભવ્ય રાવલ – જિંદગીનાં નમકીન ઘૂંટડાઓ વચ્ચે લેખનનો ચસ્કો ક્યારે ચડ્યો? લેખનનાં શરૂના તબ્બકે સંઘર્ષ કે નિષ્ફળતા મળી ખરી?

       નરેશ શાહ – ઈ.સ. ૧૯૮૧થી ૧૯૯૧નાં દસક દરમિયાન મેં એ બધુ જ જોઈ લીધું, જેની યાદ આજે પણ મને થથરાવી મૂકે છે. ૧૯૮૪માં પપ્પાને પેરેલિસિસનો અટેક આવ્યો ત્યારે હું કવિતાઓ લખતો થઈ ગયો હતો. મારી વાર્તાઓ છપાતી. દુકાનનાં થડાનાં કાચ નીચે પપ્પા મારી કવિતા જતનપૂર્વક રાખતા. વેપારીમિત્રોને પણ દેખાડતાં. પપ્પા ગર્વ લઈ શકે એવું હું લખતો થયો. આ કારણે થયું એવું કે, ધંધામાં ક્યારેય ચાંચ ડૂબી જ નહીં. દુકાને મમ્મી આવતા થયા, જોડે લાકડીના ટેકે પપ્પા હોય. હું કવિતા અને લેખોમાંથી રિપોટિંગ તરફ વળ્યો. ‘યુવાદર્શન’, ‘સમકાલીન’ અને ‘ઉત્સવ’માં લખવાનું છૂટુંછવાયું કામ મળતું. ‘ફૂલછાબ’ કે ‘સ્ત્રી’માં લેખો છપાય તો ચાલીસ રૂપિયા મનીઓર્ડરથી આવતા થયા, પણ લેખન પેટ ન ઠારી શક્યું. એક સમયે રિપેરિંગનાં પૈસા ન હોવાથી મારું નામ લખેલું સ્કૂટર વેચ્યું. મમ્મીનાં તમામ દાગીના વેંચાઈ ગયા. મેં બધુ પડતું મૂકી ચારસો રૂપિયાનાં માસિક પગારે પાપડ વેંચવાનું શરૂ કર્યું. રાતની ઓટલા પરિષદમાં દોસ્તો વચ્ચે આ કારણે ઠેકડી પણ બહુ ઊડી. ખોળ-કપાસિયા, અનાજ અને મમરા પણ વેચી લીધા. ધંધામાં હું નિષ્ફળ નિવડ્યો. નાછૂટકે મારે ચાની હોટેલ શરૂ કરવી પડી. જે મજૂરો એક સમયે અમારે ત્યાં કામ કરતાં તેને હવે હું ચા પીરસતો થયો. બસ આથી મોટી કરુણતા બીજી શું હોય શકે?

       ભવ્ય રાવલ – લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ, આ રાતની સવાર થઈ?

       નરેશ શાહ – હા, આ પડતીનાં તબક્કા દરમિયાન મારી નાની બહેન ભાવના નોકરી કરવા લાગી. જેનાં કારણે અમે થોડાં સદ્ધર થયા. જો એ ના હોતી તો હું ક્રિમિનલ અને મારો નાનો ભાઈ બુટલેગર હોત. બહેન ભાવનાની કમાણીમાંથી મેં પ્રેમિકા માધવી સાથે આર્યસમાજમાં લગ્ન કરી લીધાં. ભાવનાનાં છસ્સો-આઠસોનાં પગાર પર અમે સાત લોકો જીવતાં. કરિયાણાની દુકાને અઢીસો ગ્રામ ખાંડ લેવા મારી પત્ની જતી. એ ક્યારેક એના પિયરથી ચોરીછૂપીથી ઘઉં-ચોખા લઈ આવતી અને મારાં શિક્ષક સાસુ સતત એવું જ દેખાડતાં રહ્યાં કે, એમને કશી ખબર નથી. ખરું કહ્યું, લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ.. કદાચ આ દૌર પણ સવાર ન હતી, હજુ ઘણું જોવાનું અને કડવું જીવવાનું હતું.

       ભવ્ય રાવલ – સંઘર્ષથી સફળતા તરફ પ્રયાણ ક્યારે થયું?

       નરેશ શાહ – તમે એવો પ્રશ્ન કરી શકો છો કે આમાં લેખક-પત્રકાર તરીકેની સ્ટ્રગલ ક્યાં આવી? સ્ટ્રગલ અને પેશન વિશે આપણે ત્યાં બહુ જ ખોટા ખ્યાલાત સેટ થઈ ગયા છે. તમને કોઈ અપમાનિત કરે કે પછાડતું જાય કે સતત અન્યાય થાય તેને સંઘર્ષ માની લઈએ તો મુકેશ અંબાણી કે અભિષેક બચ્ચનનો સંઘર્ષ તમને કદી સમજાશે જ નહીં. સંઘર્ષ બે પ્રકારનાં હોય. એક જે તમે ઈચ્છો તેને પામવા માટેનો સંઘર્ષ. બીજો આસપાસની પરિસ્થિતિ સાથે મુકાબલો કરીને પણ ઈચ્છા હોય તે પામવા માટેનો સંઘર્ષ. મારે આ બીજા નંબરની સ્ટ્રગલ વધુ પડતી કરવાની આવી છે. ઈ.સ. ૧૯૮૪માં પપ્પાને પેરેલિસિસ થયા પછી કશુંય મારાં કાબુમાં રહે એવું નહોતું. પરિસ્થિતિઓ ત્સુનામીની જેમ મને ફંગોળતી હતી. પિતા લાચાર હતા, મમ્મી દુકાને આવી ઘઉં-બાજરો વેચતા. નાની બહેન નોકરી કરી ઘરનાં બે છેડા ભેગા કરવામાં કુંવારી જ રહી ગઈ. મેં પ્રેમલગ્ન કરી લીધાં. બાળકમાં દીકરો થયો. લગ્નનાં ચાર વર્ષ પછીનાં સમય સુધી પણ મેં બેકરી ભોગવી. પપ્પા-મમ્મીથી અલગ થઈ ગયો. સસરા શિવકુમાર આચાર્યની ભલામણથી કરેલી મેનેજર જેવી નોકરી એમ કહીને ઠુકરાવી આવ્યો કે, મારે તો પત્રકાર અને લેખક થવું છે. એવું કામ હોય તો આપજો.

       ભવ્ય રાવલ – કઈ નહીં ને લેખક કે પત્રકાર જ કેમ? લખવું જ શા માટે પસંદ કર્યું?

       નરેશ શાહ – મારે હીરો બનવું હતું. સાત વર્ષની ઉંમરે જ મેં નાયક બનવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ કરમની કઠણાઈ મને ચશ્માં આવ્યાં. આંખમાં પચ્ચીસ નંબર. મારો દેખાવે પણ બળ્યા પર ડામ દીધો. મેં ફિલ્મોમાં હીરો બનવાનો વિચાર પડતો મૂક્યો. પણ હીરો પાસે જઈ કે પહોચી તો શકાય જ ને. મેં વિચાર્યું પત્રકાર-લેખક બની હું હીરોલોકોની નજીક રહી શકું, એ દુનિયામાં જીવવાનો અવસર મળશે. બસ પછી તો શું? હું એ અવસર પામવા ભણ્યો પણ નહીં.

       ભવ્ય રાવલ – મતલબ હવે ફાઈનલી નરેશ શાહ અક્ષરજગતમાં પ્રવેશે છે. નામ, દામ નહીં પણ કામ કેમ મળ્યું એ કહો.

       નરેશ શાહ – ૧૯૯૦ની સાલમાં મીડિયામાં આજનાં જેટલો વિસ્ફોટ નહતો. કામ જ નહીં અને કામ હોય તો પૈસા નહીં. ચકલીની આંખ પર નિશાન તાકનારા દરેક અર્જુન પાછળ દ્રોણાચાર્ય જેવા અનેક કિરદારો હોય છે. એ રીતે મારાં લેખક-પત્રકાર બનવામાં કાન્તિ ભટ્ટ, સૌરભ શાહ, ભિખેશ  ભટ્ટ અને અરવિદ શાહે ‘સ્ટાર અપિરિયન્સ’ નિભાવ્યો. કાન્તિ ભટ્ટને વાંચ્યા વિના મને પત્રકાર બનવાની ચાનક ન ચડતી. સૌરભ શાહની નાની-નાની ટિપ્સને કારણે હું વાંચી શકાય એવું લખતો થયો. ભિખેશ ભટ્ટે છૂટપુટ કામ આપ્યું ન હોતું તો આજે પણ હું દાણાપીઠમાં ચણા-મમરા વેંચતો હોત. અને અરવિદ શાહનું ઋણ કેમ ભુલાઈ? બેકારીની મારી દરેક સાંજોને સાચવી લેનારા અને ‘ફૂલછાબ’માં મારાં લેખો છાપનારા એ જ હતા. જેને જીદ કરીને ૧, જુલાઈ ૧૯૯૦માં શરૂ થયેલી ગુજરાત સમાચારની રાજકોટ એડિશનમાં નોકરી અપાવી. આગળ કહ્યું એ મુજબની બીજી સ્ટ્રગલ ત્યારબાદ શરૂ થઈ. લક્ષ્ય સુધી પહોંચવા માટેનો સંઘર્ષ. પણ મને લાગે છે કે, એ કેફિયતનો વિષય નથી. ગુજરાત સમાચારમાં શરૂઆતનાં સમયે મળતાં બે હજાર રૂપિયાથી કમ સે કમ હું સેટલ થઈ ગયો હતો.

       ૧૯૯૦નાં એ બે હજાર રૂપિયામાં એટલી તાકાત તો હતી જ કે, હું ભટકીને ફંટાઈ ન જાઉં. વિખેરાઈ ન પડું. બે હજારની નિયમિત આવકમાં એવું ચુંબક હતું કે આજેય ગુજરાતી પત્રકારત્વમાં નરેશ શાહનાં નામનું લેબલ ચીપકી રહ્યું છે, પોતાની ગજરાજ શૈલીથી ચાલી રહ્યું છે. જલને વાલે જલા કરે.

       ભવ્ય રાવલ – જિંદગીથી કે પોતાનાથી કોઈ રંજ, અફસોસ કે દયા કે રોષ?

       નરેશ શાહ – મને ઘણી વખત મારી જ દયા આવી છે. ક્યારેક મને કોઈક તો ક્યારેક હું કોઈને સમજવા-સમજાવવા નિષ્ફળ રહ્યા. મને ખટપટ કે રાજકારણ આવડતાં હોતા તો અખબારી જગતમાં હું જેટલો બદનામ છું એટલો નહોત. લુચ્ચાઈ કે ચાપલૂસી શીખી લીધી હોતી તો કોઈ છાપાંનો તંત્રી કે લાડકો કોલમનિસ્ટ હોત. પદ કે પ્રતિષ્ઠાનો મોહ હતો નહીં આથી જ ચૌદ વર્ષ જૂની ‘અભિયાન’ની પ્રોવિડન્ડ ફંડ કાપતી નોકરી પણ છોડી કાઢી. ચિત્રલેખાની ઑફર પણ ઠુકરાવી. સિક્યોરિટી કમ્ફર્ટ કરતાં મેં હંમેશાં થ્રીલને પ્રાધાન્ય આપ્યું. કારણ બસ એટલુ જ કે, મને રૂટિન વર્કથી ચીડ હતી. હું નમતું જોખવા કે ખોટું સહન કરવા કે કોઈના આદેશો ઊચકવા તૈયાર ન હતો. એક સમયે મારાં જુનિયર્સ આજે મારાં સિનિયર્સ છે. જે મારી પાસેથી લખીને મોટાં થયા એ મારાં એડિટર્સ બની મને કેમ લખાય એના મેસેજિસ મોકલે છે. એક કિસ્સો કહું, હું અભિયાનમાં એક સફળ લોકોની શૃંખલા ચલાવતો હતો, એ સમયે એક છોકરો મારે ત્યાં આવ્યો. મને કહે મેં આટલી જગ્યા પર લેક્ચર્સ આપ્યાં છે, મને આટલાં ઈનામો અને શિલ્ડ મળ્યાં છે. વગેરે.. વગેરે.. મેં કહ્યું, તારે લેખક બનવું જોઈએ. તો એ મને કહે, હું આઈએએસ બનીશ. એ છોકરો એટલે ગુજરાત સમાચાર અને ગુજરાતી કોલમનિસ્ટમાં આજે સૌથી વધુ વંચાતો છોકરો. નશીબ પાસે ક્યારેક મહેનત પણ ટૂંકી પડે એ આનું નામ.

       ભવ્ય રાવલ – અભિયાનની નોકરી છોડ્યાં બાદ શું થયું?

       નરેશ શાહ – ‘ન્યૂઝવાલા મીડિયા’ પબ્લિકેશનનો જન્મ. અભિયાનનાં નવા મેનેજમેન્ટ દ્વારા એવો નિયમ દાખલ કરાયો કે, કર્મચારીઓએ પુસ્તક લખવું હોય તો મેનેજમેન્ટની પરવાનગી લેવી. બીજી તરફ મારાં એક પુસ્તક પ્રકાશનમાં પ્રકાશકે હિસાબમાં આઘું-પાછું કર્યું. આ બે ઘટનાઓથી જન્મ થયો ‘ન્યૂઝવાલા મીડિયા’ પબ્લિકેશનનો જેણે પાંચ વર્ષમાં પ્રકાશિત કરેલાં પચ્ચીસથી વધુ પુસ્તકોને લોકોએ ખરીદ્યા, એટલે કે, મારી પ્રકાશન સંસ્થાએ આજ સુધીમાં આશરે એક કરોડ રૂપિયાના પુસ્તકો વેંચ્યાં અને વાંચકોએ ખરીદીને વાંચ્યા. સતત અજંપો, ઉદ્રેગ અને કઈક અલગ કરી બતાવવાના ઝનૂન અને ઘરમાં કોઈ રોકે-ટોકે નહીં જેવાં વાતાવરણને કારણે હું સક્સેસફૂલ બન્યો. રાજકોટમાં ફ્લેટ છે અને ટૂંક સમયમાં માયાનગરી મુંબઈમાં ફ્લેટ ખરીદી શકું એ કક્ષા તરફ જઈ રહ્યો છું. દીકરો ચિંતન મારા હીરો બનવાના સપનાની સફર પર સર થઈ શક્યો છે.

       ભવ્ય રાવલ – અંતે નરેશ શાહ વાંચકોને પોતાના વિશે શું જણાવવા માંગશે?

       નરેશ શાહ – મારાં પુસ્તકો અને લેખોમાં હું ઘણું જણાવી આપતો હોઉં છું. જીવવામાં, બોલવામાં અને લખવામાં મેં હિસાબ કિતાબ રાખ્યાં નથી. હું ખુદને એકલવ્ય સમજુ છું. તમે માનશો? હું જાતે જ મારાં પુસ્તકો ટાઇપ કરી કોરલ ડ્રોમાં તૈયાર કરતાં શીખ્યો છું. ફક્ત લખી લેવામાં હું માનતો નથી. લખ્યાં અને છપાયા પહેલાં અને પછીની તમામ પ્રક્રિયા હું માણતો રહ્યો છું. મહેનત અને મુશ્કેલીમાં મજા લેતાં અને અવનવું શીખતા-અપનાવતા મને આવડી અને ફાવી ગયું છે. જીવનમાં એક અફસોસ વહેલાં વાળ ઉતારી ગયાનો રહ્યો. અંગ્રેજી નબળું હોવાનો હતું. હું બાર ધોરણ પાસ છું. મારી પત્ની મારાં કરતાં દેખાવ, ઉંમર અને ભણતરમાં આગળ છે. હું હીરો ન બન્યો કશો વાંધો નહીં મારો દીકરો બન્યો. હું એને હીરો બનાવી શક્યો ખુશ છું. મારાં જેવો સંઘર્ષ એણે ભોગવ્યો નથી, મેં મહેસુસ થવા નથી દીધું છતાં એ બધું અનુભવ્યો અને સમજ્યો. આજે એ પણ સફળ છે.

       ભવ્ય રાવલ – સૌ વાંચકોને શું કહેશો?

       નરેશ શાહ – મારાં જીવન ધ્યેય હતું અને રહશે, ઔકાત ન હોવા છતાં બધું જ પામવું જે બીજાને મળેલું છે. તમે પણ બધું મળેલાંને માણવા અને ન મળેલાંને પામવાનાં પ્રયત્નો કરો. વાંચવું, વિચારવું, લખવું અને ફિલ્મો મારાં શોખ છે. તમે પણ જીવનમાં શોખ પાળો અને ક્યારેક શોક ન કરો. મને બે વાતો પર જ અંધશ્રદ્ધા જેટલો વિશ્વાસ છે- એક મને નસીબથી નહીં મહેનતથી જ ફળ મળે છે, બીજું ધંધામાં નહીં પરંતુ મૌલિક રચનાનાં કાર્યોમાં જ ઈશ્વર મને મદદકર્તા સાબિત થાય છે. તમે પણ નસીબ પર નહીં મહેનત પર વિશ્વાસ મૂકો. તમે પણ એવું કાર્ય કરો જ્યાં ઈશ્વરની અનુભૂતિ થાય. અને અંતે તો એટલું જ કહીશ કે,

       ચૂપચાપ સાંસે લીયા કર, મલાલ ન કર.

       જવાબ જીન કે ન હો, વો સવાલ ન કર,

       ઊંચાઈયોં કે સાથ મીલતી હૈ તન્હાઈયાં.

       યે તેરી કમાઈ હૈ, ઈસે પાયમાલ ન કર.

 

       તો દોસ્તો, આ હતાં નરેશ શાહ. જેનાં જીવનનાં આરંભથી લઈ આજ સુધીનાં સંઘર્ષથી સફળતાનાં પ્રવાસ વિશેની એક આછેરી ઝલક મેળવી. શું આ પરથી કહી શકાય કે, નરેશ શાહ સફળ વ્યક્તિ બની ચૂક્યા છે? સફળતાની વ્યાખ્યા શું? સંઘર્ષથી સફળતાની યાત્રા કેવી હોય? જવાબ છે આ રહ્યો..

       સફળતાની કોઈ વ્યાખ્યા હોતી નથી. સંઘર્ષથી સફળતાની કોઈ નિશ્ચિત યાત્રા નથી હોતી. સંઘર્ષ શરૂ કર્યાનું કોઈ સ્થળ, સમય કે તિથિ ન હોય અને સફળતા પામ્યાંનું કોઈ મુકામ, અંત કે પડાવ ન હોય. આ તો એક અવિરત અને અનંત પ્રક્રિયા છે. સક્સેસ ઇસ પ્રોસેસ.

       નરેશ શાહ તો ફ્કત એક સ્ટ્રગલ ટુ સક્સેસની પ્રોસેસનું ઉદાહરણ છે. તેમની જેમ જ દરેક કાળા માથાનો માનવી નબળીથી સબળી પરિસ્થિતિ તરફ જીવન પર્યત પ્રયાણ કરતો રહે એ સફળતાની અંતહિન યાત્રા છે. જે યાત્રાને સફળ બનાવે છે – કઈક કરી બતાવવાનું ઝનૂન, અથાક મહેનત, આત્મવિશ્વાસ અને સેવેલા સપનાંઓને પૂરાં કરવાં ઊંઘ હરામ કરી દેતી મહત્વકાંક્ષાઑ. નરેશ શાહમાં સફળતા પામવાના આ ગુણો હતાં. તે ઈચ્છતાં તો ઘણું કરી શકતા પણ તેની અંદરનો આત્મા સંજોગો સામે હાર્યો નહીં. ડગલે ને પગલે અઢળક અળચણો આવી. છતાં લેખક-પત્રકાર બનવાનો આત્મવિશ્વાસ અને સપનું ડગમગ્યું નહીં. તેઓ જાણતા હતાં, કુદરતનાં ઘર દેર છે, અંધેર નહીં. પરિણામ સ્વરૂપ તેઓ લેખક-પત્રકાર તો બન્યાં જ સાથોસાથ સફળ પ્રકાશક બની શક્યા. પછીથી તો આ બાર ધોરણ ભણેલાં ભડવીરને યુનિવર્સિટીનાં વિદ્યાર્થીને ભણાવવાની ઑફર મળી. હવે નરેશ શાહ લેક્ચર્સ પણ લે છે. અને શું ખબર ક્યાંક અને ક્યારેક એ ટી.વી. પર કોઈ ફિલ્મમાં નહીં પણ સેલિબ્રિટિ ઈન્ટરવ્યું શોમાં જોવા મળે. કલ કિસને દેખા?

       ફિલહાલ તો આ પરથી એટલું જ સમજવાનું અને શીખવાનું છે કે, સંઘર્ષને પચાવી જાણો તો સફળતાનો સ્વાદ મળે. કોશિશ કરો તો કામિયાબીની તક છે. અને તકને તેડા ન હોય. તમે પણ થઈ જાવ તૈયાર તમારાં ઝનૂનને પૂરાં કરવાં, સપનાંને હકીકત બનાવવાં, માણસમાંથી માહાત્મા અને સ્ટ્રગલરમાંથી સક્સેસફૂલ બનવા. સહેલું નથી પણ અઘરું પણ નથી. અરે.. હાં, સફળતા પુસ્તકો વાંચી મળતી નથી. મહાન માણસોનાં આદેશ, ઉપદેશ અનુસરીને પણ મળશે એ ચોક્કસ નથી. સફળતા કેટલીક ચીજો જંખે છે, જેમાં ગાંધીજીનો સત્યનાં માર્ગ પર ચાલવાનો સિદ્ધાંત છે, વિવેકાનંદની ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોની હાકલ છે. સરદાર પટેલની ખુમારી અને સત્યનિષ્ઠા છે. ભગતસિંહ જેવું ઝનૂન અને ક્રાંતિ છે. નિડરતા, ધીરજ, આદર્શ અને એકાગ્રતા સફળતાનાં ચિન્હો છે. તમારું પેશન અને પર્ફોમન્શ જ તમને પ્રોફેશનલ અને પ્રેક્ટિકલ બનાવશે. હવે તમારી પર છે, લેખક બનવું છે? તો લાગી પડો મહેનત કરવા. ક્રિકેટર બનવું છે? તો આ આગળ વાંચ્યા વિના જાવ ક્રિકેટ રમો. અભણ અમીરો અને ભણેલા બેકારનાં ટોળાંમાંથી બહાર આવવા અને બહેતર બનવા માટે જે ક્ષેત્રમાં આગળ વધવું હોય એ ક્ષેત્રમાં કર્મ આજ, અત્યારે જ શરૂ કરો. પછી જુઓ સફળતા શાની મળતી નથી.

       અંતે તો બધાંને ખબર છે, સફળતા માટે શું-શું અનિવાર્ય છે? છતાં ઘણી વખત પરિણામ મળતું નથી. સાતત્ય જળવાતું નથી. એ લાંબા પરિશ્રમ પછી પણ પરિણામ ન પામી શકનાર માટે એક કવિતાની થોડી પંક્તિ સાથે વિરમું.

       લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી,

       કોશિશ કરનેવાલોકી હાર નહીં હોતી

       અસફલતા એક ચૂનૌતી હૈ….

       ઈસે સ્વીકાર કરો, ક્યાં કમી રહ ગયી?

       દેખો ઔર સુધરો જબ તક સફલ ન હો.

       નીંદ ચેન કી ત્યાગો તુમ,

       સંઘર્ષ કા મૈદાન છોડકર મત ભાગો.

       કુછ કીયે બીના હી જયજયકાર નહીં હોતી

       કોશિશ કરનેવાલોકી હાર નહીં હોતી.