પુસ્તક : વૈજ્ઞાનિક સિદ્ધાંતો રજૂઆત : ભવ્ય રાવલ વિશ્વને બદલી નાંખનાર વિજ્ઞાનની પ્રગતિ માટે પ્રેરકબળ સમાન 101 સિદ્ધાંતોનો સરળ પરિચય.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 5.00 out of 5)
Loading...

‘માણસની જિંદગી ૭૦ વર્ષ છે. એવું વિચારી લઈએ. ૨૦ વર્ષ કાઢી નાંખો બાકી રહ્યા ૫૦ વર્ષ. આ ૫૦ વર્ષ વિજ્ઞાનનાં ક્ષેત્રમાં કંઈક કરી બતાવવા માટે બહુ ઓછા છે.’
આ ડાયલોગ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘એક ડૉક્ટર કી મૌત’માં કહાનીનો નાયક ડૉ. દીપાંકર રોય પોતાના સાથી પત્રકાર મિત્ર અમૂલ્યને એક મુલાકાત દરમિયાન કહે છે. ફિલ્મની શરૂઆતમાં જ આવતા આ ડાયલોગનો આખો સીન ધ્યાનથી સમજો તો વિજ્ઞાનમાળાની પૂરી કથાવસ્તુનો હાર્દ છે. જે હાર્દ એક કલાકાર અને કલા વચ્ચેનાં સંબંધની ફાની દુનિયા સમજાવવા માટે કાફી છે.
કોઈપણ કલાકાર કે વૈજ્ઞાનિક જન્મજાત જ શોધક હોય છે. માણસને સામાન્ય ન બની રહીને બીજાથી અલગ તરી આવવાની મહત્ત્વાકાંક્ષા, સંજોગો સામે નતમસ્તક ન થવાની જિદ્દ, જિજીવિષા અને પોતાના પરિવારને નજરઅંદાજ કરીને સમસ્ત માનવજાત માટે કંઈક કરી છૂટવાની ધગશ કે પછી એનો વિશિષ્ટ આચાર-વ્યવહાર અને વિચાર, તેમને અડિયલ અને વિચિત્ર સાબિત કરતા હોય છે. એક એવો પાગલ માણસ જે પોતાના સિવાય બધા માટે પાગલ છે. શું કામ?
નાના અમથા જાદુનાં ખેલ કે પછી કોઈ અજાણી ઘટના નિહાળી આપણે સૌ કેવા આશ્ચર્ય પામીએ છીએ. અચરજમાં મુકાઈ જઈએ છીએ. થોડીવાર કશું સમજાતું નથી. વિશ્વાસ અને શ્વાસ બંને શંકાનાં ક્ષેત્રફળમાં આવી જાય છે. તો જરા વિચાર કરો જ્યારે આ ઘટનાની શોધ જે મનુષ્યએ કરી હશે એ મનુષ્યની મનોસ્થિતિ વિષે. પોતાની અર્ધીથી વધુ જિંદગી કોઈ એક પ્રયોગ પાછળ ખર્ચી કોઈ નવીન વસ્તુ, વિચાર, પ્રાણી, દવા કે પછી કંઈપણ શોધ્યા બાદ એ ઘટનાનાં સાક્ષી એવા દુનિયાના પ્રથમ વ્યક્તિ કે શોધકર્તા બન્યા પછી શું પાગલ થઈ જવા માટે આટલું કાફી નથી? મારી નજરે એ પાગલ નહીં પણ રિલ લાઈફનાં નાયક ડૉ. દીપાંકર રોય જેવા રિયલ લાઈફનાં ખરા સુપરસ્ટાર્સ છે. જેઓ પોતાના સમયથી આગળ જઈને વૈજ્ઞાનિકો એવા ‘યુગ પરિવર્તક’ તરીકે ઓળખાયા.
‘વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ પુસ્તક પણ રિલ નહીં પરંતુ રિયલ લાઈફના કેટલાક એવા યુગ પરિવર્તક નાયકોની સિદ્ધાંત અને સ્ટોરીનો ખજાનો છે જેમણે જીવનમાં ક્યારેય હાર કે નિરાશાને પોતાની નજીક આવવા દીધાં જ નહોતાં. તેઓ અડગ બની કપરી પરિસ્થિતિમાં પણ જીવ્યા અને વિજ્ઞાનની પ્રગતિ માટે પ્રેરકબળ સમાન પોતાની માત્ર એક શોધનાં આધારે સમગ્ર સંસારને પોતાના ઋણી બનાવી ગયા.
કોઈ પિયાનો વાદક હતું. કોઈ ખેડૂત, કોઈ બોક્સર તો કોઈ મજૂર. કોઈ સ્ટેજ શો કરતું તો કોઈ ચાર દીવાલોમાંથી બહાર આવતાં પણ શરમાતું હતું! કોઈ કદરૂપું હતું, કોઈ ઠીંગણું. કોઈ ટકલું તો કોઈ ઠોબારું. કોઈ બે ચોપડી ભણેલું તો કોઈ અભણ. અરે… કોઈને પોતાનું ઘર સળગાવી દેવાના વિચારો આવતા તો કોઈને પોતાનાં જ ઘરમાં નજરકેદ રહેવું પડ્યું. છતાં પણ આ બધા એવા લોકો હતા જેમની શોધો માટે ફક્ત વિજ્ઞાન જ નહીં, પરંતુ આવનારી સદીઓ સુધી માનવજાતિ આભાર વ્યકત કરે એટલો ઓછો છે. આ એકસો એક સિદ્ધાંતોના શોધકર્તા વૈજ્ઞાનિકોમાંથી અમુક એવા પણ હતા જેઓ ધર્મનાં જોર, અંધશ્રદ્ધા, સરકારી નીતિઓનાં ડરથી પોતાના વૈજ્ઞાનિક અભિગમ ક્યારેય જીવતા હતા ત્યારે જાહેર જ ન કરી શક્યા. તો બીજા કેટલાકે ધર્મનાં પાખંડ અને સરમુખત્યારશાહી નીતિઓ સામે પોતાની શોધને હિંમતભેર જાહેર કરી તો સ્વીકૃતિ ન મળી. ઘણાએ પોતાની શોધ શોધાયા બાદનું જીવન તે શોધને સાચી સાબિત કરવા પાછળ વિતાવી દીધી. જ્યારે સદીઓ પછી લોકોને એ શોધ પર વિશ્વાસ આવ્યો ત્યારે એ પાગલ માણસ સદીનાં મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર સાથે યુગ પ્રવર્તક કહેવાયા.
આ એવા સામાન્ય લોકોની મહાન એકસો એક સિદ્ધાંત વિષેની વાત છે જે વડે માત્ર મનુષ્ય જ નહીં, પરંતુ સંપૂર્ણ માનવજાતનો ઉદ્ધાર થયો. જેઓની અથાક મહેનત અને વર્ષોનાં પરિશ્રમરૂપે થયેલો શોધોથી ભૌતિકવાદનો ઉદભવ થયો. આ શોધો વડે આદિયુગમાંથી આધુનિક યુગનાં પાયા નંખાઈને ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો. માનવજીવન દર, તબીબ, ઔષધ, શિક્ષા, બાંધકામ, સામાજિક અને આર્થિક વિકાસ વગેરે જેવા અઢળક વિષયોને આ શોધો થકી નવદૃષ્ટિ મળી.
અફસોસની વાત એ છે કે, વિશ્વને પરિવર્તન કરનારા એકસોએક શ્રેષ્ઠ સિદ્ધાંતોમાંથી ફક્ત એક જ સિદ્રાંત ભારતીય મૂળનો છે. કારણ કે, શરૂઆતથી જ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતી ભાષામાં જ્યારે ગણિત અને વિજ્ઞાનને અઘરો વિષય ગણાવી વિદ્યાર્થીઓની જેમ શિક્ષક, લેખક, પત્રકારો, પ્રકાશકો અને સંશોધકો પણ અણગમો દર્શાવી તેના પ્રત્યે સૂગ સેવતા હોય છે ત્યારે આ પુસ્તકમાં રહેલી વિજ્ઞાન વિષયક જાણકારી તમામ વય, જાતિ અને કક્ષામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઉપરાંત વિજ્ઞાનને ખરા અર્થમાં સમજવા ઈચ્છતા દરેક સજીવ માટે પાયાની સાબિત થઈ વાંચકના મનમાં વિજ્ઞાન પ્રત્યેની સાચી સમજ, રુચિ અને કશું નવું કરી બતાવવાની, જાણવાની અને શીખવાની ભાવના કેળવાશે તેની મને ખાતરી છે.
આ પુસ્તક માત્ર વિજ્ઞાનની શ્રેષ્ઠ એકસોએક શોધખોળનું સંકલન, અનુવાદ કે ભાવાનુવાદ નથી. પરંતુ ‘વૈજ્ઞાનિક સિદ્ધાંત’ પુસ્તક આ યુગની વિજ્ઞાનની શ્રેષ્ઠ એકસોએક સિદ્રાંતોની એ બાબતો, માહિતી અને અજાણી હકીકતોને રજૂ કરે છે જેની માહિતી ઈન્ટરનેટ પણ ઉપલબ્ધ નથી. આ દરેક શોધ પર એક પુસ્તક લખી શકાય તેમ છે. પુસ્તકમાં સમાવિષ્ઠ અમુક શોધો પર એકથી વધુ પુસ્તકો લખાયા પણ છે. ઉપરાંત કેટલીક શોધો પર તો હોલિવૂડની ઓસ્કાર અને બોલિવૂડમાં પણ એવોર્ડ વિજેતા ફિલ્મો બની ચૂકી છે.
‘વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ પુસ્તક મારા માટે લખવું એક અવસર અને પડકાર સમાન હતું. પોતાના ક્ષેત્રથી તદ્દન અલગ ક્ષેત્રના વિષયનો અભ્યાસ અને સાહિત્યની સાથે શિક્ષણ અને વિજ્ઞાનની સેવા કરવાનો અવસર. આથી જ હું આ પુસ્તકનો લેખક નહીં પરંતુ રજૂઆતકાર છું. આ પુસ્તકનો ઉદ્દેશ પણ નહીં નફા નહીં નુકસાન સાથે ગુજરાતી પેઢીને સરળ ભાષા અને ટૂંકાણમાં વિશ્વને બદલી નાંખનાર વૈજ્ઞાનિક શોધખોળની સમજૂતી આપી તે અંગે જિજ્ઞાસા અને જાગૃતિ ઉજાગર કરવાનો છે.
આપણા સૌમાં વિજ્ઞાન વિષયક રુચિ નાનપણથી જ આ પ્રકારના પુસ્તકો વડે કેળવાય પોતાના સમાજ અને દેશ-દુનિયા માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા જન્મે એ હેતુસર પ્રકાશિત થતાં પુસ્તક – વિશ્વને બદલી નાંખનાર ‘વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ની પ્રકાશક સંસ્થા Kbooks “http://www.kbooks.co.in/” www.kbooks.co.in તથા ‘યુગ પરિવર્તક’ પુસ્તક શ્રેણીનાં સંપાદક મિત્ર-માર્ગદર્શક યોગેશ ચોલેરાનો આભાર તથા આ પુસ્તકને તૈયાર કરવામાં મદદરૂપ થનાર દરેક નાના-મોટા સજીવોનો ઋણ સ્વીકાર.