પ્રજ્ઞાચક્ષુ પિતાનાં દ્રષ્ટિવંત પુત્રોની દાસ્તાન

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રમોશન પ્રા.લિ.નાં માલિક અને માર્કેટિંગ – મોટિવેશનલ ગુરુ દિનેશ પંડ્યાનાં પુત્રોનું લક્ષ્ય : ૧૦૦ લોકોને મહિને ૧ લાખ રૂપિયા કમાતા કરવા અને ૫ વર્ષમાં ૧ કરોડ લોકોને રોજગારી આપવી

સેવા અને શ્રમમાંથી વ્યવસાય વિકાસ કરવાનો ફંડા ૭૦ કરોડની બ્રાંડવેલ્યુ ધરાવતા દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રમોશન પ્રા.લિ.ની યુએસપી હોવાનું જણાવતા દેવ-જીગર પંડ્યા

કામ કરવા દ્રષ્ટિ નહીં દ્રષ્ટિકોણ જરૂરી : ખેતી અને ખાદી ક્ષેત્રે પ્રેરણા અને પ્રોત્સાહનનો પર્યાય બન્યાં પંડ્યા પિતા-પુત્રો : દુનિયાનાં રંગો ન જોઈ શકનાર એક દીર્ઘદ્રષ્ટા પ્રજ્ઞાચક્ષુએ કરોડોનાં પથદર્શક બની અનેકની જિંદગી રંગીન બનાવી : ખાદીયુગનો પુન:જન્મ કરવાનાં પિતા દિનેશભાઈનાં મહત્વકાંક્ષી મનોરથને સાકાર કરવા ધી નેક્સ્ટ જનરેશન પુત્ર દેવ અને જીગર સજ્જ

રાજકોટ, શાપર સહિત દેશભરનાં વિવિધ સ્થળો પરથી કાર્યરત દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રા.લિ. ખેતી, ખાદી, આયુર્વેદ અને માર્કેટિંગ ક્ષેત્રનાં પ્રોડકટ્સ અને પ્રચાર-પ્રસારનું ગૌરવવંતુ નામ છે. આ કંપની સામાજિક સંસ્થા સમકક્ષ સમાજનાં સર્વાંગી વિકાસ સાથે ખેતી, કૃષિ, આયુર્વેદ અને રોજગારીનાં ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે તો બીજી તરફ આ કંપનીનાં સ્થાપક અને પાલક પંડ્યા પિતા-પુત્રોની દાસ્તાન પણ શ્રમયોગીઓ માટે પ્રેરણારૂપ અને મદદકર્તા છે. ગુજરાતી કહેવત ‘વડ એવાં ટેટા અને બાપ એવાં બેટા’ને દિનેશભાઈ પંડ્યાનાં બંને પુત્રો ૨૩ વર્ષીય દેવ પંડ્યા અને ૨૦ વર્ષીય જીગર પંડ્યાએ જાણે સાર્થક કરી બતાવી છે. દિનેશભાઈ ભલે અંધ છે પરંતુ તેમનાં પુત્રો તેમનું ખરું રતન અને દ્રષ્ટિ બન્યા છે.
ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ. કવિ સ્નેહરશ્મિની આ પંક્તિઓ સમાન જ દિનેશભાઈ પંડ્યાએ સુખ-દુઃખ વચ્ચેની ભરતી-ઓટમાં અનેક લોકોને તાર્યા-ઉગાર્યા છે. દિનેશ પંડ્યા અને તેમનાં બંને સંતાનો દેવ અને જીગર પંડ્યા એટલે એવા વ્યક્તિત્વો જેમનાં માટે વ્યવસાયએ સંપત્તિ મેળવવાનું નહીં પરંતુ સેવાનું સાધન છે. પરંપરાગત ખેતી અને ખાદી સાથે આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કરતા-કરતા હજારો લોકોને સ્વરોજગારી આપવી એ આ પિતા-પુત્રોનો જીવનમંત્ર છે. ભાવનગર જિલ્લાનાં પરવડી ગામમાં જન્મેલા દિનેશભાઈ ભાનુશંકર પંડ્યા બાળપણમાં અભ્યાસની સાથોસાથ ગામમાં છાપા નાખવાનું અને ભૂંગળા બટેકા વેંચવાનું કામ કરતાં. આર્થિક સંકળામણને કારણે તેઓ ધોરણ ૧૨થી વધુ અભ્યાસ કરી ન શક્યા અને તેમણે બીએસઆરબીની પરીક્ષા પાસ કરી બેંકની નોકરી સ્વીકારી લીધી પરંતુ ટૂંકા પગારમાં સંયુક્ત કુટુંબનું ભરણપોષણ કરવું મુશ્કેલ હતું આથી એક દિવસ દિનેશભાઈ અખબારમાં જાહેરખબર વાંચી ઈન્ટરવ્યૂ આપવા ગયા. જ્યાં સેલ્સ અને માર્કેટિંગનાં વ્યવસાયમાં ડિગ્રી કે મની નહીં પરંતુ મહેનત અને આવડત જોઈએ એ ગુરુજ્ઞાન પ્રાપ્ત થતા દિનેશભાઈએ બેંકની નોકરી છોડી માર્કેટિંગનાં વ્યવસાયમાં જંપલાવ્યું. આમ, દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રા.લિ.નાં જાણે બીજ રોપાયા. જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં જ એક દિવસ અચાનક દિનેશભાઈ પંડ્યાનાં જીવનમાં સુખની ભરતી બાદ ઓટ આવી. ૨૪ વર્ષની ઉંમરે પગથિયા ઉતરતા સમયે એક અકસ્માતમાં દિનેશભાઈએ પોતાનાં આંખોની દરોશની ગુમાવી દીધી. આમ છતાં દિનેશભાઈએ ફિનિક્સ પક્ષીની માફક રાખમાંથી બેઠા થવાનું નક્કી કર્યું અને સ્વયંને નવી તક અને દિશા આપી. પસાર થતા વર્ષોની સાથે એક મિત્રની સલાહથી દિનેશભાઈએ જીદ અને જનૂન સાથે લોકસેવાર્થે કૃષિ કોલેજો-યુનિ.માંથી ખેતી વિષયક જાણકારી મેળવી ‘વિષમુક્ત ખેતી અને સમૃદ્ધ ખેડૂત’ અભિયાનનો પ્રારંભ કર્યો અને તેમણે ખેડૂતોને ઝીરો બજેટ ખેતીનો વિકલ્પ આપ્યો. ધીમેધીમે ખેડૂતોએ દિનેશભાઈની વાતો સ્વીકારી અને વધાવી પછી તો પંચાયતથી પાર્લામેન્ટ લોકોએ દિનેશભાઈનાં સેવા અને શ્રમ કાર્યોનું બહુમાન કર્યું. પરિણામ સ્વરૂપે દિનેશભાઈએ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બનાવવા માટેનું વિચાર્યું પરંતુ તે માટે તેમની પાસે મૂડી કે મશીનરી ન હતી. ધંધો કરવા માટે બેંક અંધ વ્યક્તિને લોન આપે નહીં. ત્યારે પ્રધાનમંત્રીની પીએમઈજીપી યોજના અંતર્ગત કેવીઆઈસીએ દિનેશભાઈની ૨૫ લાખ રૂ.ની લોન મંજૂર કરી. બસ પછી શું જોઈએ? હિંમતે મર્દા તો મદદે ખુદા.. ૨૦૧૪ની સાલમાં દાદા ઓર્ગેનિકનો જન્મ થતા સાથે જ પ્રથમ વર્ષે ૨ કરોડ રૂ.નું ટર્નઓવર કંપનીએ કર્યું. બીજી તરફ દિનેશભાઈએ ધર્મપત્ની જયશ્રીબહેન સાથે મળી એક નવી કંપની એડશોપ પ્રમોશન પ્રા.લિ. બનાવી. આજે આ બંને કંપનીઓ દેવ અને જીગર પંડ્યાનાં નેતૃત્વમાં ખેતી, ખાદી, સ્વરોજગારી અને આયુર્વેદમાં માઈલસ્ટોન છે. જેનાં પાયામાં દિનેશભાઈનું મજબૂત મનોબળ, મહત્વકાંક્ષા અને પત્ની જયશ્રીબેન સહિત બંને કંપનીઓનાં સ્ટાફની મહેનત જોડાયેલી છે.
પ્રજ્ઞાચક્ષુ દિનેશ પંડ્યાનાં બંને પુત્રો દેવ અને જીગર બી.ફાર્મનો અભ્યાસ પૂર્ણ કરી પિતાએ સ્થાપેલી દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રા.લિ. કંપનીને સફળતાનાં શિખરો સર કરાવવા અને જોયેલાં સપનાંઓને સાકાર કરવા તૈયાર થઈ ચૂક્યા છે. આ માટે તેઓ નાનપણથી જ અભ્યાસની સાથોસાથ પિતાનાં બિઝનેસમાં હેલ્પિંગ હેન્ડ બનતાં આવ્યા છે. બંને પુત્રોની દેશસેવા માટેની ધગશ, ખાદી અને ખેતી પ્રત્યેનો પ્રેમ અને છેવાડાનાં લોકોને માળખાકીય સુખ-સુવિધા આપવાના આશયની નોંધ લેતા પિતાએ દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રા.લિ. કંપનીની એક અલગ બ્રાંચ કોટળાસાંગાણી ગામ પાસે કોથળા મુકામે બનાવી આપવાનું નક્કી કર્યું છે. જેનું ખાત મૂહર્ત આવનારા સપ્ટેમ્બર મહિનામાં છે. દેવ અને જીગર હાલમાં તો પિતા સાથે રહી તેમનાં ધંધા-વ્યવસાયમાં દિવસ-રાત મદદરૂપ થઈ રહ્યા છે. જેમાં દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રા.લિ.નું પ્રોડકશન મેનેજમેન્ટ દેવ પંડ્યા તો માર્કેટિંગ મેનેજમેન્ટ જીગર પંડ્યા સંભાળી રહ્યા છે. આ સિવાય કંપનીની મોટાભાગની વિવિધ જવાબદારીઓ સંભાળી બંને બંધુઓ પિતાની છત્રછાયામાં ઘડાઈ રહ્યા છે ત્યારે આવનારા વર્ષોમાં પિતા દિનેશભાઈનાં ખાદી અને આયુર્વેદનાં પ્રચાર-પ્રસારનાં લક્ષ્યને પૂર્ણ કરવા સાથોસાથ દેવ અને જીગર વિદ્યાર્થીઓને રોજગારીલક્ષી માર્ગદર્શન અને ખેડૂતો માટે કૃષિ ક્લબ બનાવવાની યોજના ઘડી રહ્યા છે. જેમાં યુવાનો અને કિશાનોની આર્થિક, સામાજિક પરિસ્થિતિને મજબૂત બનાવવાનું કાર્ય કરવામાં આવશે. આટલું જ નહીં પરંતુ દેવ અને જીગર ભારતમાં સૌ પ્રથમવાર કૃષિ ક્લબનું સ્થાપન કરશે. આ કૃષિ ક્લબમાં ભારતભરનાં ૪૦ કરોડથી વધુ ખેડૂતોને સાંકળી તેઓને વિષમુક્ત ખેતી, ઝીરો બજેટ ખેતી અને અભણ ખેડૂતોને પ્રાથમિક શિક્ષણ આપવાનું ભગીરથી કાર્ય દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રા.લિ.નાં માધ્યમથી કરવામાં આવશે.
ઘર-ઘર ખાદી, ખેતી અને આયુર્વેદ પ્રોડક્ટનો પ્રચાર-પ્રસાર કરનાર દિનેશભાઈનાં પુત્રો દેવ-જીગર જણાવે છે કે, અમારો લક્ષ્યાંક વધુને વધુ સ્વરોજગાર ઉત્પન્ન કરવાનું જ્ઞાન આપવાનો છે. ખેડૂતોને ઉપયોગી થવા ‘દાદાજી ફાર્મિંગ એન્ડ સેલ્ફ એપ્લોયમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ’ બનાવ્યું છે અને યુવાનોને રોજગારી આપવા ‘એડશોપ પ્રમોશન પ્રા.લિ.’ જે માઉથ ટુ માઉથ માર્કેટિંગ સાથે ખાદી અને આયુર્વેદ પ્રોડક્ટ્સ અંગે જાગૃતતા ફેલાવે છે. કોઈપણ ધંધો ભલે નાનો હોય પણ નોકરી કરતા સારો છે. યુવાનોએ સરકારી અને ખાનગી નોકરીઓ કરતાં નાના પાયાનાં વેપાર-ધંધા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દેવ અને જીગર પંડ્યાને પપ્પાની સંઘર્ષમાંથી મેળવેલી આજની સફળતાની સફરને વધુને વધુ ઊંચાઈ પર લઈ જઈ જગતનાં તાતને તાજ પહેરવો છે. દેશનાં મહત્તમ યુવાનો અને મહિલાઓ ખાદી પ્રોડક્ટથી રોજગારી મેળવી સ્વાવલંબન પ્રાપ્ત કરે તે માટે દેવ અને જીગર હસ્તગત દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રા.લિ. કંપની નહીં નફા નહીં નુકસાનની પ્રણાલીથી કાર્ય કરી રહી છે અને આવનારા વર્ષોમાં ખેતી અને ખાદીનાં ક્ષેત્રમાં કંપની વધુને વધુ વિકાસપંથે અગ્રેસર થઈ કંપની થકી શહેર, શહેર થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્રને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવવા કટિબદ્ધ છે.

દાદા ઓર્ગેનિક એન્ડ એડશોપ પ્રા.લિ. : ફેક્ટ ફાઈલ
• દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રા.લિ.ની પ્રવૃત્તિઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહજી, પાર્લામેન્ટ્રી બોર્ડનાં કે.સી. ત્યાગી, કેવીઆઈસીનાં ચેરમેન વિનયકુમાર સક્સેના, સાંસદ પૂનમબેન માડમ, શ્રી મુનમુન સેનજી, સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ, પ.પૂ. ડો. સ્વામી, પ.પૂ. અપૂર્વમુનિ સ્વામીજી સહિત સરકાર-સમાજનાં અનેક મહાનુભાવો, સંસ્થા અને સંપ્રદાયએ બિરદાવી છે.
• દાદા ઓર્ગેનિકનાં માધ્યમથી દિનેશભાઈએ ક્રાંતિકારી રીતે ભારતનાં ૨૫૦૦૦થી વધુ ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિગ તરફ વાળી લુપ્ત થઈ ચૂકેલી ઝીરો બજેટ ખેતીનો વિકલ્પ દેશને આપ્યો છે. ‘વિષ મુક્ત ખેતી અને સમૃદ્ધ કિશાન’ અભિયાન અંતર્ગત ખેડૂતોને ઝીરો બજેટ ખેતી કરાવવા માટેનું પ્રશંશનીય કાર્ય દિનેશભાઈ ૧૫ વર્ષથી અને તેમનાં પુત્રો દેવ-જીગર ૫ વર્ષથી કરી રહ્યા છે.
• એડશોપ પ્રા.લિ.નાં માધ્યમથી દિનેશભાઈએ સ્વરોજગારી ઉત્પન્ન કરવા માટે ભારતની ૧૧૦થી વધુ કોલેજ અને યુનિવર્સિટીમાં ૧૦૦૦થી વધુ મોટિવેશનલ અને કારકિર્દીલક્ષી સેમિનાર લીધા છે અને ૫૦૦થી વધુ એગ્રીકલ્ચર, આયુર્વેદ અને ખાદીનાં એક્ઝીબિશનમાં ભાગ લીધો છે. આજે દેશનાં લાખો યુવાનો એડશોપ પ્રા.લિ. કંપની પાસેથી માર્કેટિંગ શીખી સ્વરોજગારી મેળવી રહ્યા છે.
• હાલમાં દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રા.લિ. કંપની ૧૫૦૦૦થી વધુ લોકોને રોજગારી આપી રહી છે ઉપરાંત ખાદીનો પ્રચાર-પ્રસાર કરી ગામડાંની ખાદી બનાવનાર મહિલાઓને રોજગારી પ્રદાન કરી રહી છે. સૌથી અગત્યની બાબત એ છે કે, આ કંપનીએ એવા લોકોને રોજગારી આપી રહી છે જે લોકો જીવનમાં સૌ પ્રથમવાર ટેક્સ ઉપભોક્તા બન્યા છે!
• દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રા.લિ.નાં સ્થાપક દિનેશભાઈ વિઝ્યુઅલિ ઈમ્પાયર્ડ સોશિયલ એંટરપ્રેનર ઓફ રાજકોટ-ગુજરાત, ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, કૃષિ મૌલી શ્રમ રત્ન એવોર્ડ, ગુજરાત સરકાર શ્રમ અને રોજગાર વિભાગ સહિત પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તેમજ વિવિધ સરકારી સંસ્થા, ખાનગી એકમો, અને સામાજિક સંસ્થા દ્વારા ૫૦થી વધુ પુરસ્કારો, સર્ટીફિકેટ, શિલ્ડ તથા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ ભારતભરનાં ૫ લાખ ખેડૂતો રૂબરૂ મળવાનો, ૧૨૦૦થી વધુ ગ્રામ્ય શિબિર યોજવાનો, ૨ લાખથી વધુ વૃક્ષો વાવવાનો, આયુર્વેદનાં પ્રચાર માટે ૫૦૦થી વધુ હેલ્થકેમ્પ અને ૧૫૦થી વધુ એનિમલ હેલ્થ અવેરનેસ કેમ્પ કરવાનો કીર્તિમાન ધરાવે છે. દિનેશભાઈ પંડ્યાની સેવાકીય પ્રવૃત્તિઓને આધારે તેઓને ભવિષ્યમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર પણ મળવાપાત્ર છે.

ગુરુમંત્ર : દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રા.લિનાં સ્થાપક અને સંચાલક પંડ્યા પરિવારનાં પિતા-પુત્રોનો ગુરુમંત્ર છે : ઈમાનદારીથી કાર્ય કરતા-કરતા જીવન મનભરી માણવું અને જીવવું. માર્કેટિંગ કે મેનેજમેન્ટ માટે પૈસા કે લાયકાત નહીં પરંતુ આવડત જરૂરી છે. પૈસા કમાવવા ક્યારેય પૈસાની જરૂર પડતી નથી. આ દુનિયામાં બધું જ યંત્રવત ચાલે છે. બધા એ એક શરૂઆત કરવી જોઈએ, મંજીલ આપોઆપ મળશે. પંડ્યા પરિવારનાં રોલમોડેલ સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન છે તો તેઓ નરેદ્ર મોદીને પોતાના આદર્શ અને પાંડુરંગ શાસ્ત્રીનાં વિચારોને અનુસરી દરેક કાર્યમાં સફળતા હાંસલ કરતા રહ્યા છે. દિનેશભાઈ, દેવ અને જીગર પોતાના જીવન અનુભવો પરથી યુવાનોને સૂચન આપે છે કે, માણસની જિંદગીમાં ૧૮થી ૪૦ વર્ષનો ઉંમરગાળો સુવર્ણ સમય છે. આ વર્ષોમાં યુવાનોએ નિશ્ચિત રકમની સરકારી કે ખાનગી નોકરીઓમાં ઈન્ટરવ્યૂ આપવાનાં કે અહીં-તહીં ફાફા મારવાના બદલે પોતાની અંદર રહેલી ક્રિએટિવીટી મુજબ વેપાર-ધંધો કરવો જોઈએ. પિતાને પોતાનો આદર્શ ગણી તેમનાં પદ ચિન્હ પર ચાલનારા દેવ અને જીગરનાં મતે કોઈપણ કાર્ય કરવા માટે દ્રષ્ટિ નહીં પરંતુ દ્રષ્ટિકોણ જરૂરી છે.