પ્રિય મારી થનારને…

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (7 votes, average: 4.71 out of 5)
Loading...

તું કોણ છે એ ખબર છે પણ ક્યાં છે, કેમ છે, એ ખબર નથી આથી કુશળમંગળ અને મજામાં હશે એવું નહીં કહું કે પૂછું. આમ પણ તું ને હું હજુ મળ્યાં જ નથી એટલે સમજી શકું છું કે તું કેમ અને કેવી હશે. હું ભલે ફિલોસોફર હોઉં તારા મળ્યાં પહેલાં જ તારી પાસે કોઇ પ્રકારની ફિલોસોફીકલ ડિબેટથી તને ઇંન્પ્રેસ નહીં કરવાનો નિર્ણય લઇ લીધો છે. આથી તારે મારી સાથે ફક્ત સહવાસ સાધવાનો રહેશે, બીજા કરે છે તે મુબજ સહન નહીં કરવો પડે.

       હમણાં રક્ષાબંધન અને સાતમઆઠમની લાં…બી રજાઓ ગઇ. હું તારા વિના ખૂબ ફર્યો. તને એકલી મૂકી ફરવાની ખુશી થઇ હશે કે કેમ એ તું નક્કી કરી લેજે. મારાં ફોટોસ જોઈ લેજે. મિત્રો જોડે તને મિસ કરતાં કરતાં આનંદ કર્યો છે. અરે.. હા, તું સૌરાષ્ટ્રમાં હશે તો મેળામાં આવી હશે. બની શકે જોગાનુજોગ મેં તને અને તે મને કયાંક જોયા પણ હોય. જોવાથી શું થાય? એકબીજાને ઓળખીયે છે થોડાં? આપણે તો ફેસબુક પર મળશું ને? તું તો મને રિક્વેસ્ટ મોકલીશ નહીં. હું જ બધે ખાખાખોળા કરતો ફરુ છું. દાંત ન કાઢીશ. પોસિબલ છે. હું એવું માનું છું કે, બની શકે આપણે વોટ્સઅપનાં કોઇ ગ્રુપમાં પણ ભટકાય જઇએ. ના. ભટકાય નહીં, ભળી જઈએ. ભટકાય તો ગયેલા જ છીએ. બસ હવે મળવા-ભળવા અને બે મટી એક થવાનું રહ્યું. વિચારે છે શું?

       હા. તો લાંબી રજા બાદ હું યંત્રવત રીતે મારાં રોજિંદા કામકાજમાં લાગી ગયો છું. ઓવરલોડ વર્ક છતાં તને ફૂરસદ કાઢી યાદ પણ કરી લઉં છું. નવીનવી જગ્યાઓ પર અવનવા લોકોને મળુ છું. પણ એકલો. હમણાં ગણેશચતુર્થી આવશે અને પછી તહેવારોના રાજાનો માસ, આસો. નવરાત્રી, દિવાળી અને ન્યૂયર. આ સમયગાળામાં મારો બર્થડે આવે છે. નવરાત્રીનો સિંગલ પાસ કપલ થશે કે બર્થડે કેક કટિંગ પર શું થશે તે તારા ભરોસે છોડું છું. મારી બર્થડેટ ફેસબુક પર મિત્રો બનશું એટલે તું જોઈ શકશે. અને મને ગિફ્ટ સાથે વિશ પણ કરશે એવી આગોતરી આશા પણ હક્કથી રાખી શકું. કદાચ ત્યારે જ આપણાં સંબંધોની કૂંપણ ફૂંટશે. તું લેખક-કવિ ના હોય એટલે ઇન ધી સેન્સ શોર્ટમાં કહું તો આપણે ફેસબુક કે વોટ્સઅપમાં મળશું પછી ઝડપથી પ્રાથમિક પરિચય થશે. કેમ છે? કોણ છો? શું ગમે છે? શું નહીં? જાતિ-જ્ઞાતિ, ભણતર વગેરે.. વગેરે.. મુજબની ઔપચારિક વાત ઉપ્પ્સ્સ સૌરી. સેલ્ફ ઇન્ટ્રો અને ચેટિંગ થશે. લાઇક-ડિસલાઇક. ઓલરેડી તારું ક્યાંક બ્રેકઅપ થયેલું હશે તો આ ટાઇમપીરિયડ તું વધુ સારી રીતે સમજી શકશે. એટલે મને તેનાંથી કોઇ વાંધો નથી. હું સમજી શકું છું. હું નથી એટલે તું મારી ગેરહાજરીમાં એકદા-બે ભૂલ પણ કરી શકે. આ ચર્ચાનો મુદ્દો નથી.

       હા, જો આપણાં મળ્યાં પછી આપણે એક શહેરમાં હોય તો કાંઇ પ્રોબ્લેમ નથી. અલગ સીટીનાં નીકળ્યાં તો થોડું ક્લોઝ આવતાં વાર લાગશે. આ બાબતે પણ હું પોજીટીવ છું. મારો આત્મવિશ્ર્વાસ કહે છે કે, આટલી દૂરી અને જુદા પછી તું કાઠિયાવાડની જ નીકળશે અને બસ પછી પ્રથમ મુલાકાત. બીજી મીટીંગ… ત્રીજી ડેઇટ.. અને તું સમજી જા. આપણી મુલાકાત સંભારણા વાતચીતને બધું જ જો તું અને હું ઇચ્છશું તો જીવનભર ચાલતું રહેશે. તું મને કે હું તને એક વાર મળી જાય પછી વાંધો નથી. તારે કદાચ કોઇ એક્ઝામ કે એકસ્ટ્રા એક્ટિટીવી ચાલી હશે. અને જ્યારે તું આ વાંચશે ત્યારે તો આપણે મળી ચૂક્યાં હશું એટલે લાંબુ લખી કોઇને બોર કરવા નથી પણ હા. જ્યાં હોય ત્યાં તને મારાં અહીંથી હાઇ, હેલ્લો..

       અંતે એક બીજી વાત કહેવાની રહી એ કહું. હમણાં રોજ સાંજે ઘર પાસેથી એક છોકરી કાઇનેટીક પર નીકળતી. મારી સામે જો હસતી. શું કામ એ ખબર નથી. થોડાં દિવસો સુધી આ એકધારું ચાલ્યું પછી લાગ્યું કે કદાચ એ તું હોય શકે. પણ હમણાં જ એ કોઇ બોય પાછળ બાઇકમાં બેસી ઘર પાસેથી નીકળી હતી. અજાણ્યાં યુવક પાછળ બેસીને નીકળી હોવા છતાં તેણે નજર ન ફેરવી. રોજ જેવી જ સ્માઇલ આપી. એ અજાણ્યો યુવક તેનો ભા પણ હોય શકે. આગળ કહ્યું તે મુજબ હું પોજીટીવ છું. પણ હા, એ તું તો ન હોય શકે. કેમ કે, મેં તને વહેલી સવારે સપનાંમાં જોય છે. મારાં શબ્દોની પ્રતિકૃતિથી સજાવીને કંડારી છે. ચિત્રકાર તો નથી, શબ્દાકાર છું. જા.. હવે લાંબુ નથી લખવું. તું તો બધું જાણે જ છે, સમજે છે, ઓળખે છે, સામે નથી આવતી. અને સામે નથી આવતી એટલે જ આપણે એ સ્ટેજ પર છીએ જ્યાંથી આપણાં સંબંધોની લાગણી અને સમજણ બીજાઓ અનુભવી રહ્યાં છે. વધુ વાત મિલન વેળાએ.

લિ. તારો થઈ ચૂકેલો.