પ્લે ‘બોય’નાં ‘ડેડ’નું ડેથ : હ્યૂ હેફનર

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

લેખો, મુલાકાતો, ટૂંકી વાર્તાઓ અને નગ્ન સ્ત્રીઓનાં ફોટાવાળી સેક્સી સામગ્રી પીરસતા હ્યૂ હેફનરનાં પ્લે બોય સામાયિકે કહેવાતાં સુસંસ્કૃત સમાજને ઉઘાડો પાડી સેક્સ્યુઅલ કલ્ચરનાં પાયોનિયરની પદવી મેળવી

પ્લે બોયનાં સંસ્થાપક અને સેક્યુઅલ રેવલ્યુશનનાં સિંબોલ ગણાતા હ્યૂ હેફનરની કંપની અમેરિકી ઈતિહાસની સૌથી સુપ્રસિદ્ધ ગ્લોબલ બ્રાંડ બની : હ્યૂ હેફનરે ફેલાવેલી સામાજિક ક્રાંતિની વિશ્વભરમાં નોંધ લેવાઈ

• જે સમયે અમેરિકામાં કોઈ સ્ત્રી જાહેરમાં ગોઠણ સુધીનાં વસ્ત્રો પહેરતાં પણ સંકોચ અનુભવતી તે સમયે પ્લે બોયમાં સેક્સ સાહિત્ય પ્રકાશિત કરી હ્યૂ હેફનરે સેકસ્યુઅલ રિવોલ્યુશનનો સૂર્યોદય કર્યો. ડિસેમ્બર ૧૯૫૩ની સાલમાં ફર્નિચર ગીરવી મૂકી બેંકમાંથી ૬૦૦ ડોલરની લોન તથા ૪૫ વ્યક્તિઓ પાસેથી ૮૦૦૦ ડોલર ઉધાર લઈ કિચન ટેબલ પર પ્લે બોય સામાયિકનાં અંક તૈયાર કરનાર હ્યૂ હેફનરને ખરેખર પોતાનાં ક્રાંતિકારી સાહસ વિશે અસંમજસતા હતી. ક્યોકી હેફનરને પ્લે બોયનાં પહેલાં અંક બાદ બીજો અંક ક્યારે બહાર પડશે કે પહેલો અંક વહેચાશે પણ ખરો તેની કશી જ ખાત્રી ન હતી. આથી જ તો હ્યૂ હેફનરે પ્લે બોયનાં કવર પેઈજ પર અંક પ્રકાશિત થવાની તારીખ છાપી ન હતી. કદાચ હ્યૂ હેફનર એકમાત્ર એવો પ્રકાશક-લેખક હશે જે ઉછીનાં પૈસે સામાયિક છાપી મિલેનીયર બની ગયો!
• ઈ.સ. ૧૯૨૬ની ૯મી એપ્રિલે અમેરિકાનાં શિકાગોમાં એક શિક્ષકનાં રૂઢીચુસ્ત અને સંસ્કારી પરિવારમાં જન્મેલાં સંતાને મનોવિજ્ઞાનનું શિક્ષણ મેળવ્યાં બાદ લોકોની સેક્સ અંગેની સમજણ, સંબંધો, સંસ્કૃતિ, ગમા-અણગમા સાથે મનોરંજન અને આકર્ષણ ઉમેરી એક સામાયિક શરૂ કર્યું : પ્લે બોય. જે સામાયિકે પશ્ચિમી સમાજનાં મિથ્યાભિમાનનું શીઘ્રતાથી પતન કર્યું. આજે પણ નક્કી કરવું મુશ્કેલ છે કે, આખરે પ્લે બોયને વલ્ગર સામાયિક શ્રેણીમાં મૂકવું કે ઈરોટિક? ૧૯૯૪ની સાલમાં પ્રથમ રાષ્ટ્રીય ઓનલાઈન મેગેઝિન બનેલા પ્લે બોયનાં માલિક હેફનરનાં મતે માનવજાતિની ત્રણ મહાન શોધ આગ, પૈડા અને પ્લે બોય છે.
• બીજા વિશ્વયુદ્ધ વખતે મિલીટરી મેગેઝિનમાં લખી ચૂકેલા હ્યૂ હેફનરને જગવિખ્યાત ઈસ્કવાયર મેગેઝિનમાં કોપી રાઈટરની નોકરી મળી હતી. જ્યાં તેમણે ૧૯૫૨ની સાલમાં ૫ ડોલરનો પગાર વધારો માંગતા ઉપરી અધિકારીએ પગાર વધારાની ના પાડતા હેફનરે નોકરી મૂકી એક ખોટમાં ગયેલી કાર કંપનીનાં નામ પરથી પોતાનાં મેગેઝિનનું નામ પ્લે બોય રાખી સામાયિક બહાર પાડવાનું વિચાર્યું. ૫૦ હજાર નકલથી શરૂ થયેલુ આ મેગેઝિન તેનાં સુવર્ણ તેવાં સેક્સીકાળમાં ૭૦ લાખ નકલ ધરાવતું હતું. સામાયિક સિવાય પ્લે બોય ફ્રેન્ચાઇઝીમાં ટીવી નેટવર્કીસ, લક્ઝરી ફ્રેગરેન્સેઝ, લક્ઝરી લેબલ્સ સાથે પ્લે બોય વાઈન ક્લબ સહિત અનેક રીતે ઉદ્યોગજગત સાથે જોડાયેલું છે. વિશ્વનાં ૧૮૦ દેશોની ૨૫૦૦ જેટલી શોપ્સમાં પ્લે બોય મર્ચેન્ડાઈઝ વહેંચાઈ છે. જાણીને ઝટકો લાગશે કે, હેફનરનું સપનું તો કાર્ટુનિસ્ટ બનવાનું હતું.
• હ્યૂ હેફનર એક સારા લેખકની સાથે સંપાદક, પ્રકાશક અને વેપારી હતાં. તેઓ લોકોની જરૂરિયાત અને રસરુચિની ખાસ જાણકારી ધરાવતા હતા. અધૂરા ઘડાઓએ જાણવું જરૂરી છે કે, પ્લે બોય પોર્ન મેગેઝિન નથી, લાઈફસ્ટાઈલ મેગેઝિન છે. જેમાં સેક્સનો માત્ર એક ભાગ પ્રકાશિત થાય છે. પ્લે બોયમાં ઉત્તમ કક્ષાની વાંચન સામગ્રી પીરસાઈ છે. પ્લે બોય સામાયિકમાં રે બ્રેડબરી, આર્થર સી. ક્લાર્ક, ઈયાન ફ્લેમિંગ, પી.જી. વૂડહાઉસ, ગ્રેબિયલ ગ્રેસિયા મર્કેઝ, માઈકલ ક્રાઈટન, નોર્મન મિલર, માર્ગરેટ એટવૂડ, હારુકી મુરાકામી, વ્લાદિમીર નાબોકોવ જેવાં નામી લેખકો લખી ચૂક્યા છે. જોકે પ્લે બોયને જેટલાં પ્રમાણમાં સફળતા મળી એટલાં પ્રમાણમાં ઘરો-ઓફીસમાં સ્થાન ન મળી શક્યું. પ્લે બોય છાનાખૂણે જ વંચાતું અને ગામ આખામાં ચર્ચાતું રહ્યું છે.
• દંભી અને દોગલાઓની શેહશરમ વિના જિંદગી, સમાજ અને સંબંધોને જેવા છે એવા જ સ્પષ્ટપણે લેખન અને ચિત્રોમાં રજૂ કરનારા હેફનરે જાતીય સંબંધો માનવજીવનનો અભિન્ન અંગ અને આવશ્ક્યતા છે એ પ્લે બોય સામાયિકનાં માધ્યમથી સમજાવ્યું. વિદ્યાર્થીઓને જેમ અઘરા વિષયો સમજાવવા શિક્ષક ગમ્મત વડે જ્ઞાન પીરસે તેમ હ્યૂ હેફનરે પ્લે બોયમાં અટ્રેકશન મારફતે ઈન્ફોર્મેશનની એન્ટીટેબુ સુગર કોટેડ મેડિસીન આપી.
• પ્લે બોય સામાયિકનો અંદાજ એ પરથી મેળવી શકાય કે, કોઇપણ મહિલા ચાહે એ હિરોહીન હોય કે હાઉસવાઈફ હોય.. પ્લે બોયનાં કવર પેઈજ પર પોતાની નગ્ન ફોટો છપાવવા કાયમ તૈયાર અને તત્પર રહેતી. આટલું જ નહીં પરંતુ પ્લે બોયનું કવર પેઈજ યુવતીઓને રાતોરાત સ્ટારડમ અપાવતું. દા.ત. જેન મૈન્સફિલ્ડ, પામેલા એંડરસન, બો ડેરેક, કિમ બાસિંગર, ફરાહ ફેવકટ, મૈડોના વગેરે.. પ્લે બોયનાં કવર પેઈજ પર નગ્નાવસ્થામાં ચમકનાર પહેલી ભારતીય શર્લિન ચોપડાં હતી. જેને પ્લે બોય સામાયિક સ્ટાર ન બનાવી શક્યું.
• એક સમયે ઈન્ટરનેટનાં આગમનથી લાગ્યું કે, પ્લે બોયની જવાની ખત્મ.. પણ ડિજીટલ ફોરમેટમાં પ્લે બોયનું ઈનોવેશન મેગેઝિન કરતાં પણ વધુ ઈરોટિક અને એટ્રેકટીવ રહ્યું. ભારત જેવા દેશોમાં જ્યાં પ્લે બોય પર પ્રતિબંધ છે (સોફ્ટકોપી-ફોરમેટમાં દરેકનાં વોટ્સઅપમાં આવે જ છે) ત્યાં પ્લે બોય નહીં તો તેનાં કપડાં અને પરફ્યુંફ જેવાં પ્રોડક્ટ્સ પ્રચલિત છે. હ્યૂ હેફનરે પ્લે બોયને ફક્ત કામુકતાનાં પ્રચાર-પ્રસારનું સાધન ન બનાવતા તેમાંથી કમાણી કરી પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રીઝમાં અનેકોને નામ, દામ અને કામ આપ્યું. આ સિવાય સેનામાં સેવા આપનાર હ્યૂ હેફનરે સૌને સેક્સનાં રવાડે ચડાવી સેક્સ સંલગ્ન માન્યતાઓનું ખંડન કરતા સેક્સ જેવા સંવેદનશીલ વિષય અંગે જાગૃતતા ફેલાવી. પુરુષો માટે શરૂ કરાયેલું પ્લે બોય સામાયિક પુરુષો પુરતું ન રહેતાં બોયસ સિવાયનાંઓમાં પણ ફેવરિટ છે.
• સમલૈગિકતાથી લીવ ઈન જેવા મુદ્દાઓને પ્લે બોય સામાયિકે સમર્થન આપતાં તેને એક પ્રકારનાં ચોક્કસ વર્ગની લોકપ્રિયતા સાંપડી. જાહેરમાં જે વિષયથી લોકો અંતર રાખતા ફરતા હતા તેવા સેક્સ સબ્જેક્ટને હેફનરે જગપ્રખ્યાત બનાવ્યો. મારી દ્રષ્ટિએ પ્લે બોયની સફળતા પાછળ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સેક્સને હથિયાર બનાવવાનો નહીં પરંતુ સેક્સને સામાન્યપણે અનુભવવા, જાણવા અને સમજવા-સમજાવવાનો હેતુ હતો.
• ૧૬૬૩ની સાલમાં એડલ્ટ લિટરેચરનાં ઉત્તેજન અને લોકોની કામુકતા ભડકાવવા બદલ હ્યૂ હેફનરની ધરપકડ કરવામાં આવી હતી. એટલે અમેરિકા જેવો વિકસિત દેશ પણ અશ્લીલતાનાં પ્રચાર-પ્રસારમાં જરા પણ બાંધછોડ કરવાની વિચારધારા ધરાવતો ન હતો. જોકે પાછળથી પશ્ચિમનાં દેશોમાં સેક્સ અંગે ખુલ્લાપણું આવી મુક્તમને ચર્ચા અને પ્રદર્શનો થયા. પણ હા, જ્યાં સેક્સ આવે ત્યાં સામાજિક, ધાર્મિકથી લઈ કેટકેટલીયે લક્ષ્મણ રેખાઓ ચૂકી જવાતી હોય છે. દેશ કોઇપણ હોય માનસિકતા મુહ મેં રામ બગલ મેં છુરીવાળી હોય ત્યાં સેક્સનાં નામે દમન અને શોષણ પણ એટલું જ થાય છે. સેક્સ વિષયક સાહિત્ય અને સામાજિક વિચારધારા તેમજ રૂઢીચુસ્તતાની વાત નીકળી તો એક આડ વાત જણાવી આપું કે, પાંચ દસક જૂના એડલ્ટ એન્ટરટેઈમેંટ એન્ટરપ્રાઈઝ પ્લે બોય કરતાં પણ સૌથી જૂની અને વિશ્વસનીય સેક્સ સાહિત્ય વિષયક માહિતી પાંચ હજાર વર્ષ પુરાણા કામશાસ્ત્રમાં આલેખાયેલી છે.
• ૧ હજારથી વધુ સ્ત્રીઓ સાથે શારીરિક, ૩ સ્ત્રીઓ સાથે લગ્નનાં અને ૫ સ્ત્રીઓ સાથે સત્તાવાર સંબંધો ધરાવનાર હ્યૂ હેફનર અસલ્લ પ્લે બોય જ હતાં. તેઓ સ્વભાવે વૈભવી, જિંદાદિલ અને રંગીન મિજાજી ધરાવતા. કેટલાંક તેને વિકૃત પણ કહેતા. પોતાની સાથે કાયમ વાયેગ્રા રાખતા હેફનરનાં પ્લે બોય મેશન મહેલમાં અઢળક માનુનીઓ રહેતી. જેણે હેફનરનાં તમામ નિયમો-આદેશોનું પાલન કરવાનું અને તેને શારીરિક સુખ આપવા માટે કાયમ હાજર રહેવું પડતું હતું. ત્રણ પુત્રોનાં પિતા અને અંગત ડાયરી લખવાનાં શોખીન હેફનર પોતાની ડાયરીમાં તેને મળનાર દરેક સ્ત્રી, તેનાં ફોટોગ્રાફ અને સેક્સ દરમિયાનનાં અનુભવની નોંધ રાખતા હતા. પ્લે બોયનાં પ્રથમ અંકમાં સેલિબ્રિટી બેબી મેરેલીન મનરોને કવર પેઈજ પર મૂકી અને સામાયિકની અંદર બે પાનાંભરી યુવતીની નગ્ન તસવીરો પ્લે-મેટ્સ નામક વિભાગમાં છાપનાર હ્યૂ હેફનર મૃત્યુ બાદ મેરેલિન મનરોની બાજુમાં દફન કરી દેવાયા છે.

ડેઝર્ટ : હું ચોકલેટની દુકાનમાં રહેલો એક બાળક છું, હું એવાં સપનાઓ દેખાડું છું જે વાસ્તવિકતાથી બહું જ દૂર છે. હું આ ગ્રહ પર રહેલો સૌથી ખુશનસીબ વ્યક્તિ છું. આવું કહેનારા હ્યૂ હેફનરનાં પ્લે બોય સામાયિક કરતા પણ તેનું અંડરવેયર વિશ્વનાં સૌથી વધુ યુવાનો ધરાવતા દેશની યુવા પેઢીની પહેલી પસંદ છે.