ભણતર.. જીવતરનું ઘડતર!

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 4.50 out of 5)
Loading...

બાળપણમાં ‘શિક્ષણ’ શબ્દની સમજ ન હતી એ સમયથી હું શિક્ષણ લેતો સમજતો આવ્યો છું અને આજ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બાદ યુવાવસ્થાએ શિક્ષણનાં ચોથાકાળ એટલે કે કૉલેજકાળનાં સમાપને શિક્ષણની કે.જીથી કૉલેજ સુધીની સફર પર નજર નાંખુ છું તો મારી સમક્ષ બે દ્વશ્ય રજુ થાય છે.
પ્રથમ દ્વશ્યમાં એક ચડ્ડી-શર્ટ ગળામાં ટાઈવાળો યુનિફોર્મ પહેરેલ, ખભ્ભા પર ખુદથી અડધા વજનવાળો થેલો ઉચકેલ, વધુ લેશનનાં ડર, અજાણ્યાં ચહેરાઓનો ભય, ટીચરની સોટી કે કસોટીના ડરને કારણે શાળા જવા ન માંગતો કજીયા કરતો એક બાળક છે.
બીજા દ્વશ્યમાં એક કેપ્રી-ટીશર્ટ, ઈમ્પોટેટ ઘડિયાલ, શૂઝ પહેરેલ હળવીફુલ લેપટોપ બેગ લઈ બેફિકરાઈથી ફરતો એ જ યુવક છે જે કૉલેજથી ઘર સમય પહેલાં જવા ઈચ્છતો નથી. આ બાલ્યા-કિશોરાવસ્થાની ઢળતી અણસમજતા, માસૂમિયત, કુમારવસ્થાની નાદાની અને ઊભરતી જવાનીની જવાબદારીનાં દિવસો વચ્ચે સ્કૂલનાં શરૂનાં દિવસો અને કૉલેજનાં આખરનાં દિવસો જેટલો તફાવત છે.
શાળાએ શિક્ષણ અને શિક્ષણાર્થીઓનું એ સંગમસ્થાન છે જ્યાં દેશનું ભવિષ્ય એકતાની એ.બી.સી.ડી, કારીગરીનો કક્કો, બાદશાહી-બદમાશીની બારક્ષડી સાથ અણગમતા, ગમતા વિષયો પર અભ્યાસ કરી ખાખી પૂંઠા ચડાવેલા પાઠ્યપુસ્તકોમાં ગુજરેલી પેઢીનાં કિસ્સા, ઘટના, ઈતિહાસ પરથી આવનારી પેઢીની વ્યવસ્થાઓ, સમસ્યાઓ વિશે ભણી પરીક્ષામાં અવ્વલ આવવા માટે બધું જ ગોખી મારે છે. એ સમયે શિક્ષણમાં ગોખેલું નહીં પણ ગમતીલું જ્ઞાન પીરસવાની જરૂર વર્તાય છે, સિલેબસમાં છે એ નહીં પરંતુ સ્ટુડન્ટનાં બશમાં છે એ.. એટલે કે વિદ્યાર્થી મનમસ્તિકમાં જેમના પ્રત્યે રસ છે એ શિક્ષણ આપનાર, કઠિન કોયડાઓને સરળ બનાવી રૂચિ જગાવનાર જ શિક્ષક કદાચ સાચી શિક્ષણપ્રથાનો અમલ કરે છે એવું કહી શકાય.
એકવખત માધ્યમિક શાળામાં મને શિક્ષકે પ્રશ્ર્ન પૂછેલ હતો કે, ‘છોકરાઓ રીષેસ બાદનાં ત્રણ પીરીયડમાં હાજર રહેતા નથી, ચાલ્યાં જાય છે. શું કરવું જોઈએ તેમને છ પીરીયડ સુધી બેસાડી રાખવા?’ મને યાદ છે મેં બહું ટૂંકો ઉત્તર આપેલો, ‘સીમ્પલ છે, જો છોકરાઓને અહીં બેસાડી જ રાખવા હોય તો છોકરા-છોકરીઓનો ક્લાસ અલગ માંથી એક કરી દ્યો.’
બધાં સહપાઠી હસવા લાગતા મને ક્લાસ બહારકાઢી મૂકાયો હતો. દેકારો બોલી ઉઠ્યો હતો. મને ના સમજાયું કે સર રીસેષ બાદ ક્લાસની ઓછી સંખ્યાથી કે પછી છોકરાઓનાં ન ભણવાની આળસથી ચિતિંત છે. હું તો સેક્સ એજ્યુકેશન બાબતે પણ જણાવવા ઈચ્છતો હતો. ખૈર, તે દિવસ બાદ મેં પણ રીસેષ બાદ બન્ક મારવાનું ક્યાંરેક શરૂ કરેલું.
સ્કૂલકાળથી હું હંમેશાં પાછલી બેંચ પર બેસતો આવ્યો છું, કેમ કે ત્યાંથી ટીચર અને મોનિટરથી છુપાઈ આખા વર્ગ પર નજર જાય છે, સ્કૂલનો ઘંટ, ઘડિયાળનાં કાંટા,ચોકડી-મીંડુની રમત, કાગળનું પ્લેન બનાવવું કે જાત-ભાતના કિકીકયારા, અવાજોનું ઉપજાવું, રીસેષ દરમિયાન સાતતાળીની રમતમાં કોને રમાડવા કોને રંજાડવા તે બધું ત્યાં બેઠાં બેઠાં આસાનીથી નક્કી કરી શકાતું હોય છે. હું પ્રથમ ધોરણમાં હતો મારી બાજુની પાટલી પર એક છોકરી બેસતી, એક દિવસ હું સંચો ઘરે ભૂલી ગયો હતો કે ખોવાઈ ગયો હતો યાદ નથી. મારી પેન્સિલની અણી બટકી ગઈ. મેં તેની પાસે ઈશારાથી સંચો માંગ્યો અને તેણીએ સંચો આપી જમણા હાથની બે આંગળી પહોળી કરી તેનાં હોઠોની બંન્ને બાજુ રાખી ધીમેથી પૂછ્યું, ‘બિલ્લા?’ ત્યારથી આજ સુધી એ બિલ્લા હજુ અકબંધ છે જે કદાચ શિક્ષણ સાથ સ્નેહથી જોડાયેલી દોસ્તીની સૌથી મોટી વ્યાખ્યા મારાં માટે આ જ રહેશે.
હું દસમા ધોરણમાં બોર્ડમાં આવ્યો કે મને મારી પરીક્ષા કરતાં મારી આસપાસની વ્યક્તિઓને મારાં બોર્ડનાં પરિણામની ચિંતા સતાવવા લાગી હતી. સ્કૂલ અને ટ્યુશન ક્લાસની ભાગદૌડમાં ચિત્ર, ક્રિકેટ, ડાન્સ જેવાં શોખ છુટતા ગયા, આગળની કારકિર્દી માટે દસમું ધોરણ પાયો છે એવું મને સમજાવવા, શીખવાડવામાં આવ્યું. પરીક્ષાના સર્ટિફિકેટ પરથી આગળ એડમિશન લેવાનું હતું, પૈસાના સેટલમેન્ટથી નહીં માટે મહેનત કરી ફર્સ્ટ ક્લાસ તો લીધો પણ બધે જ ડિક્સટીંશનની ડિમાન્ડ હતી. માર્ક ના હોય તો મની જોઈએ!
એ સમયે જાણ્યું. શિક્ષક બનવું સરળ છે, વાલી બનવું ઉપાસના. સરસ્વતી સાથ લક્ષ્મી કમાવવા મેં સાધના કરવાનો નિશ્ર્ચય કરતાં કોમર્સ એટલે વાણિજ્યશાખામાં આગળ ભણવાનો નિર્ધાર કર્યો. ગણિત પહેલેથી જ મારો અપ્રિય વિષય હતો ત્યારે મજબૂરીએ ગણિતને ગમતો વિષય બનાવી ફરજીયાત મગજમાં આંકડા સાથ આલિંગન લઈ વાંચન-ગણન-લેખનું આગોતરું હોમવર્ક આપી દીધુ. ફરી બે વર્ષમાં બોર્ડ આવી ગયું, ફરી ફર્સ્ટ ક્લાસ અને ફરી મોંધીદાટ માંગણીઓ.
મેં શિક્ષણસફર રુકાવટ વિના આગળ ધપાવી કૉલેજમાં એડમિશન લીધું ને જાણે મને પાખો ફૂટી. સપનાની ઉડાન શરૂ થઈ. કૉલેજમાં ખૂબ મજા આવે છે પીક્ચરોમાં જોઈએ છે એવી એક સત્ય હકિકતની મૌજ જ્યાં સ્કોલરશીપનાં પૈસાથી મુવી-શોવ જોવાતા હોય છે, ફેશનએ નિયમ અને જલસૌએ કાયદો હોય છે. કૉલેજ ટાઈમમાં બાઈકની રેસ લાગતી હોય છે અને સાથ ભણતી-ગમતી છોકરીને મોબાઈલ નંબર આપવાની હોડ જામતી હોય છે, એક પુસ્તક વાંચી આખુ ગ્રુપ પરીક્ષા આપી શકે છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા દોસ્તને પોકેટમની માંથી પાર્ટી બનાવી દેવાઈ છે.ત્યારે શિક્ષણમાં ભણતર લેખન-વાંચન કરતાં અનુભવ સૌથી મોટો શિક્ષક છે એ સમજાય છે. જ્ઞાન સાથે ગમ્મત. અને ક્લાસરૂમમાં લાઈબ્રેરીઓનાં બાંકડા ઘસી નાંખનારા દોસ્તોને એટીકેટી આવે અને ખુદને ફર્સ્ટ કાલ ત્યારે ફરી એ જ્ઞાન સાથે ગમ્મતમાં રમ્મત નામનો શબ્દ જોડાય જાઈ. મહેનતથી પણ એક મોટી મહારથ કિસ્મત સાથ દે છે.
કૉલેજ એ સ્થાન છે, એ સ્ટેજ આપે છે જ્યાંથી તમે જીવનપથપર પસંદ કરેલાં ક્ષેત્રમાં ટોચ પર પહોચી શકો છો. માટે જ આજે મોટેભાગે નોકરી અને છોકરીની પસંદગી પણ આ કક્ષા થઈ જતી હોય છે. અને કૉલેજકાળના અંતે..
નાનપણથી સાથ ધીંગામસ્તી કરનારા દોસ્તીને ખાતર બધું જ લૂંટાવી અને છીનવી લેતા યારો હવે બદલાઈ ચૂક્યાં, શરીર સાથ સંબંધ અને સમજણનાં કોષ્ટકો અલગ-અલગ રચાવા લાગ્યાં. કોઈ ભાવિ ડૉક્ટર, એન્જિનીયર, સી.એ., મેનેજર, કારીગર, ક્રિકેટર, બેકાર રખડતા બેરોજગાર બનવા ખુદના પસંદ કરેલ રસ્તે જઈ રહેલાં દોસ્તો..
અગ્રમતાએ પસંદ કરેલ કારકિર્દીની કક્ષામાંથી રોજગારીની તક ને પૈસા ઉપજવાની મથામણો. ચહેરા પરની કુમાશ ઊડી ગાલ પર ખીલમાંથી આંછી દાઢી ઊગવા લાગી, જ્ઞાન-આવડત-પ્રતિભા અને વિશેષ કૌશલ્ય સાથ હવે મૂલ્યાંકન થવા લાગશે જ્યાં આદર્શ-સિધ્ધાંતો અને વિશિષ્ટ કલા બજારમાં બીજા સાથે તમારી સમાનતા થતાં બચાવશે. જીવનમાં લીધેલ, શીખેલ સ્વંયના શિક્ષણની આવડતનાં, બાહ્ય જ્ઞાન અને પર્સનાલીટીનાં આધારેલોકો તમને ઓળખતા થશે. ડિગ્રીઓ ખુદનાં નામ સાથ જોડાશે. આગળ જતા યુનિવર્સીટીમાંથી અભ્યાસક્રમ પૂરો થતાં આપણે ખુદ ટીચીંગ માસ્ટર કહેવાશું!
આમ, શિક્ષણસફર સમાપ્ત થશે પરંતુ જિદંગીમાં તો કંઈક ને કંઈક શીખતા જ રહેવાનું છે કેમ કે, ફક્ત શીખવું જ નહીં પણ શીખેલું, સમજેલું ફરી ફરી શીખતા, સમજતા, સમજાવતા, જીવતા રહેવાનું નામ જ જિંદગી છે શરૂથી અંત, પાટીથી આઈપેડ, શૂન્યની સર્જન, વીસમી સદીના અંતથી એકવીસમી સદીના પ્રથમ દસકા સુધીની કમ્પલસરીથી ચોઈસ બેઈઝ સીસ્ટમ સુધીની શિક્ષણસફર, અઢળક દોસ્ત અને દુશ્મન નહીં એવાં હરિફો. અભ્યાસની ખામી, માર્ગદર્શનની કમી વચ્ચે આજ વાલી, બાળકો, યુવાનો ગુજરાતી કે પછી અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેવું-આપવું એ પણ પ્રશ્ર્ન ઉપજવા લાગ્યાં છે. આગળ ભણતર લેવા માટે ક્યાં જવુ? સેમિનાર, ઈન્ટરવ્યું, ટીચીંગ બિઝનેશના ટ્યુશનક્લાસ વચ્ચે સરસ્વતિની શરણાગતિ અને પુસ્તકિયા જ્ઞાનની અધોગતિ. ખાનગી-વ્યાપારીકરણ વચ્ચે શિક્ષણનું વધતું સ્તર. કે.જીથી કૉલેજની સફરનો અંત. હાશ.. હવે જોઈએ છે એક સારી પગારદાર નોકરી સાથ શિક્ષણમાં સારી પદ્વતિ જે શીખવે અગ્રેજી સાથ સાચી ગુજરાતી.