ભવ્ય, તારી સાહિત્ય સફર ખૂબ આગળ ધપતી રહે અને ભાવકોને કરતી રહે માલામાલ. – સલીમ સોમાણી

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

સાંજનો સમય. જાહેર ઉદ્યાનમાં યોજાયેલું એક ફંક્શન. એ હતો વિમોચન-વિધિ સમારોહ. એક યુવા લેખકની એક અખબારમાં ધારાવાહિક સ્વરૂપે દર અઠવાડિયે પ્રકાશિત થયેલી પ્રથમ નવલકથાની પુસ્તક સ્વરૂપે વાંચકોને એ દિવસે આહલાદક વાતાવરણમાં મળી હતી ભવ્ય ભેટ. સમારોહમાં સ્ટેજ પર અને સ્ટેજ સામે હાજર વ્યક્તિઓ તરફ દ્રષ્ટિપાત કરતા જ ખ્યાલ આવી જાય કે યુવાલેખક કે જેણે તાજેતરમાં જ પત્રકારત્વનો અભ્યાસક્રમ પણ ઉત્કૃષ્ટતાથી ભણવાની ધગશ દાખવીને પરિણામમાં શિરમોર સ્થાન પણ પ્રાપ્ત કર્યું હતું તે પોતાની પ્રથમ નવલકથા ‘અન્યમનસ્કતા’નાં વિમોચન વખતે પોતાનો પ્રતિભાવ અને સંવેદનાં તમામ સમક્ષ ખૂબ જ સાહજીકતા અને પારદર્શિતાથી સરળ શબ્દોમાં મૂકી આપે ત્યારે મારા સહીત તમામને લાગેલું કે સાહિત્યને કદાચ એક કસબીની પ્રાપ્તિ થઇ છે. ખૂબ નમ્રતાથી અને એટલી જ ભાવની તીવ્રતાથી મને એ સમારોહનું નિમંત્રણ આપનાર એ યુવાન એટલે ભવ્ય રાવલ.
ભવ્ય રાવલનાં ફેસબૂક પર લખેલા અમુક લેખ વાંચવા મને ગમ્યા છે. વાત કોઈ સાંપ્રત ઘટના કે બનાવની હોય કે રજૂઆત કોઈ સર્જનશીલતા સાથેનાં અભિનવ પ્રયોગની હોય – ભવ્યએ મૌલિકતા અને સાહજિકતા બંને બાબતે અનન્ય કસબ દાખવવામાં મેળવી છે સફળતા. એ જ્યારે કોઈ પોસ્ટ પર કોમેન્ટ કરે તો એમાં ઊંડાણપૂર્વકની સમજદારી તેણે દાખવી દર્શાવી હોય એવું સહજપણે લાગે. અનેક મિત્રોને ભવ્ય કૈંક નવીન કરતો, સર્જન પ્રક્રિયા માટેની ઉત્સુકતા દાખવવા, ચરિતાર્થ કરવા માટે હંમેશા ઈંજન આપતો જોયો છે.
ભવ્ય એ બક્ષીબાબુને ખૂબ રસપૂર્વક વાંચ્યા છે. તેના લખાણની અસર ઘણી વખત ભવ્યનાં લેખમાં છલકાતી જણાય. કાજલ ઓઝા વૈદ્યની સર્જનયાત્રા વિશે તેની પાસેથી જ વૈચારિક આદાન-પ્રદાન બાદ ભેટ સ્વરૂપે મેળવેલી તેણીની નવલકથાનાં ઘણાં પુસ્તકો મિત્રોને વાંચવા આપીને વાંચન થકી વિકાસની તકો ઉજાગર કરવાની ભવ્યની ખેવના, પ્રયાસ મને ગમ્યો છે.
વિશ્વવિખ્યાત પુસ્તકો વાંચીને તેનું રસદર્શન કરાવવા માટે હું પુસ્તક ગોષ્ઠીની બેઠકો નિયમિતપણે ગોઠવતો હોઉં છું. ભવ્યને જ્યારે મેં આ વાત કરેલી ત્યારે તેણે પ્રતિભાવમાં બે વાત ખૂબ જ અનન્યપણે કરેલી. પ્રથમ વાતમાં તેણે કહેલું કે અનેક મિત્રોને કોઈ સિદ્ધહસ્ત લેખકનાં પુસ્તકમાંથી ઓછો સમયમાં પસાર થવા મળે એ કેટલી રૂડી વાત છે. બીજી વાત તેણે એ કરી કે અંગ્રેજી ન વાંચી શકતા લોકો માટે આ પ્રકારની બેઠક ખૂબ આશીર્વાદરૂપ છે કે તેઓ દિવ્યસાહિત્યનો અર્ક પામવામાં થાય છે આ બેઠકથી સફળ!
પોતાના પચ્ચીસમાં જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરી રહેલા ભવ્યને આ તકે આપણા બધાં વતી હું હાર્દિક અભિનંદન અને શુભેચ્છા આપીને પ્રાર્થનામયતાથી એટલું કહીશ કે ‘ભવ્ય, તારી સાહિત્ય સફર ખૂબ આગળ ધપતી રહે અને ભાવકોને કરતી રહે માલામાલ.’
– સલીમ સોમાણી