ભારતીય અંડર ૧૯ રગ્બી ટિમમાં પસંદગી પામેલી અનુષાનાં બાળલગ્નનો બનાવ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

આજની હકીકત કથા હૈદરાબાદની બી. અનુષાની છે. અનુષાનો જન્મ નલગોંડા જિલ્લાનાં એક નાનકડા ગામડા કાંડકુરુમાં થયો છે. જ્યાં તેણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. નાનપણમાં અનુષા હજુ થોડી સમજણી થઈ હતી ત્યાં તેના પિતાએ ઘર છોડી બીજા લગ્ન કરી લીધા. ઘર અને પતિથી નિરાધાર થઈ ગયેલી અનુષાની મા અનુષા અને તેના ભાઈને લઈ હૈદરાબાદ આવી ગઈ. હૈદરાબાદ શહેરમાં અનુષાની મા સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી અનુષા અને તેના ભાઈનું ભરણપોષણ કરી શિક્ષણ આપી રહી હતી.
અનુષાની જિંદગી બીજી છોકરીઓની જેમ જન્મથી જ સરળ, સામાન્ય ન હતી. તેને નાની ઉંમરમાં જીવનની કડવી, વરવી વાસ્તવિકતાઓને નજીકથી જોઈ અનુભવી લીધી હતી. તન તોડ મહેનત કરી પાઈપાઈ ભેગી કરનાર મા માટે નાનકડી અનુષા ભણીગણીને કઈક કરી દેખાડવા માંગતી હતી પરંતુ મંજીલ હજુ ઘણી દૂર હતી. અનુષા ભણવા અને રમવામાં હોશિયાર હતી. ખેલ પ્રત્યે વિશેષ રુચિ દાખવનાર અનુષાને થયું એ બહુ બધું ભણશે, સરકારી નોકરી કરશે, મા અને ભાઈને મોટા સરકારી બંગલામાં લઈ જશે. બસ થોડાં જ વર્ષો.. પછી ઝોપડપટ્ટીમાં રહેવું નહીં પડે, રોજરોજ ભૂખ્યું સુવું નહીં પડે. દરરોજ એકને એક મેલાઘેલા કપડાં નહીં પહેરવા પડે. અનુષા દીવાસપ્નોમાં રાચતી હતી અને એ દીવાસપ્નોને પૂરા કરવા માટે જરૂરી મહેનત પણ કરતી હતી ત્યાં જ..
૨૦૧૭ એપ્રિલ મહિનામાં જ્યારે અનુષા ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી ત્યારે તેના લગ્ન એક ૨૬ વર્ષીય વ્યક્તિ સાથે નક્કી કરી દેવામાં આવ્યા. પોતાની સગી માએ ૧૬ વર્ષીય અનુષાનાં બાળવિવાહ પોતાનાથી ૧૦ વર્ષ મોટા પુરુષ જોડે નક્કી કરી દેતા અનુષાનાં સપના પત્તાનાં મહેલ માફક વિખેરાઈ ગયા. હજુ તો તેણે માત્ર ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી. તેને આગળ ભણવું હતું, રમતગમતમાં સ્કૂલ, પરિવાર અને દેશનું નામ રોશન કરવું હતું. ચોકીદારીનું કામ કરતી પોતાની મા અને ભાઈ માટે તેને કઈક કરી બતાવું હતું ત્યાં અચાનક જ તેનાં લગ્ન નક્કી થઈ જતા તે ઉદાસ રહેવા લાગી હતી. અનુષા જે પરિવારમાંથી આવતી હતી ત્યાં પણ તેને નાનપણથી એ જ શીખવવા અને સમજાવવામાં આવ્યું હતું કે, છોકરીઓનો જન્મ જ સાસરા પક્ષની જવાબદારીઓ ઉઠાવવા માટે થાય છે. છોકરીએ જટ પરણી સાસરીએ જવાનું હોય. દીકરી ફક્ત જન્મે પિયરમાં, દીકરીનું સાચું ઘર પિયર નહીં સાસરું હોય.
અનુષાને થયું, જો એવું જ હોય તો મારી જોડે ભણતી બીજી છોકરીઓનાં વિવાહ કેમ હજુ સુધી નક્કી નથી થયા? એ બધી હજુ અપરણિત છે, સ્કૂલમાં મારાથી મોટી પણ કોઈ છોકરી પરણિત નથી. હજુ એ બધી તો આગળ ભણવા જશે, રમશે, ફરશે અને હું પરણીને સાસરે જઈશ?
અનુષાને અહેસાસ થયો કદાચ તે તેની મા માટે બોજારૂપ હશે. નહીં તો આટલી નાની ઉંમરે કોઈ મા તેની દીકરીને પરણાવી દે? એક સગો ભાઈ છે અને બીજી આ મોંઘવારી. સ્કૂલની ફી. બે ટંક જમવાનું. તે પોતે પણ ઘરકામ કરવા કશે જતી તો નથી. નહીં તો તેમાંથી પણ કઈક આવક થતી. તે માને મદદરૂપ થતી. અસંખ્ય વિચારો વચ્ચે નાની ઉંમરમાં લગ્ન નક્કી થઈ જતા અનુષા ઘર, પરિવાર અને સમાજથી નિરાશ હતી. અનુષાની મોટી માએ તેને ઘણી સમજાવી લગ્ન માટે મનાવી લીધી હતી. જોકે અનુષા લગ્ન કરવા માટે રાજી ન હતી, છતાં અનુષા માટે એ નાછુટકે સ્વીકાર્ય બન્યું.
લાચાર અનુષા પાસે પોતાનાથી દસ વર્ષ મોટા પુરુષને પરણવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. અનુષાનું વર્તમાન ભણવાનું, રમવાનું અને ભવિષ્યનું સપનું અધૂરું રહી ગયું. તેનાં લગ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવી.
લગ્નનાં થોડા દિવસો પહેલા જાણે અનુષાનાં અંતર આત્માનો અવાજ ઈશ્વર સુધી પહોંચ્યો, માનવદેહે જીવતા ફરિસ્તાઓને ઈશ્વરે અનુષાની મદદે મોકલ્યા.
બાળ અધિકાર સંગઠન બાલાલા હાક્કુલા સંઘમને હૈદરાબાદનાં એક વિસ્તારમાં બાળલગ્ન ગોઠવાયા હોવાની બાતમી મળે છે. તે સ્થાનિક પોલીસ સાથે આ અંગે ચર્ચા-વિચારણા કરી તપાસ કરે છે કે, આખરે કોના બાળલગ્ન થવા જઈ રહ્યા છે? પોલીસ અને સંસ્થાનાં માણસો સતર્ક થઈ જાય છે. નાની-નાની શેરીઓથી લઈ સોસાયટીઓ ખુંદી વળી ચાઈલ્ડ લાઈન અને પોલીસ અનુષાનાં બાળલગ્ન લગ્નની તારીખથી ૧૦ દિવસ અગાઉ જ અટકાવી દે છે. સામાજિક સંસ્થા અને પોલીસની એક ટિમ દ્વારા અનુષાની માનું કાઉંસેલિંગ કરવામાં આવે છે. તેને સમજાવવામાં આવે છે કે, બાળલગ્ન એ ગુનો છે.
કલાકોનાં કાઉંસેલિંગ બાદ અનુષાની માને પોતાની ગંભીર ભૂલ સમજાય છે. અનુષાની મા પોતાની દીકરીનાં બાળલગ્ન ન કરાવવા અને તેને આગળ ભણાવવા રાજી થાય છે.
અનુષાનાં બાળલગ્ન અટક્યા બાદ..
૧૬ વર્ષીય બી. અનુષા ભારતની અંડર ૧૯ રગ્બી ટિમમાં પસંદગી પામે છે. તે તેલંગાણા સ્ટેટ માટે ક્રિકેટ રમી ચૂકી છે, હવે એ મધ્યપ્રદેશનાં ઈન્દોરમાં યોજાનાર મહિલા ક્રિકેટ ટુનામેન્ટનું પ્રતિનિધિત્વ કરશે. નાનકડી અનુષાનું સપનું ક્રિકેટ અને રગ્બીની રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ખેલકૂદમાં ભાગ લેવાનું અને ભારતનું નામ રોશન કરવાનું છે.
છેવાડાનાં વિસ્તારમાં ઉછરેલી અને બાળલગ્ન થતા બચેલી ગરીબ અનુષાનાં જીવનનાં દરેક ક્ષેત્રનાં પ્રદર્શન અને ખેલકૂદની સિદ્ધિઓને ધ્યાનમાં લેતા રચકોંડા પોલીસ કમિશ્નર મહેશ ભાગવત દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે. હૈદરાબાદનાં સરુરનગરમાં અનુષાની અગિયારમા ધોરણનું ભણવાનું તેમજ ક્રિકેટ અને રગ્બીની પ્રેક્ટટીશ ચાલુ છે. અનુષાનાં સ્કૂલ કોચ બી રાઘવ રેડ્ડી જે જિલ્લા પરિષદ હાઈસ્કૂલ શારીરિક શિક્ષણ વિભાગનાં નિયામક છે તે અનુષાને રગ્બી અને ક્રિકેટનું પ્રશિક્ષણ આપી રહ્યાં છે. આ ઉપરાંત હૈદરાબાદ પોલીસ કેયર ટેકર બની અનુષાનાં ભણતરનો ખર્ચ ઉઠાવી રહી છે, તે શિક્ષણ અને રમતગમતમાં આગળ વધે તે માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
અંડર ૧૯ ભારતીય રગ્બી ટિમ ખેલાડી અનુષા ભણવામાં અને રમવામાં હોશિયાર છે. તેનાં બાળલગ્ન અટકાવવામાં આવ્યા ત્યારે કોઈને ખબર ન હતી કે, ટૂંકસમયમાં તે ભારતીય રગ્બી ટિમમાં સ્થાન પામશે. ક્રિકેટ ટુનાર્મેન્ટનું પ્રતિનિધત્વ કરશે. ધોરણ ૧૦માં સારા નંબરે પાસ થઈ જશે. અને હજુ પણ કોઈને ખબર નથી કે, નાનકડી અનુષા કેવા-કેવા પરાક્રમો કરી વિક્રમ સર્જશે અને પોતાની મા અને ભાઈ સાથે કરોડો ભારતીયોને ગૌરવ પ્રદાન કરશે. દીકરી અનુષાને શાબાશી..

મિરર મંથન : ચાઈલ્ડ મેરિજ પ્રોહીબીશન એક્ટ ૨૦૦૬ મુજબ ૧૮ વર્ષથી નીચેની ઉંમર ધરાવતી યુવતી અને ૨૧ વર્ષથી નીચેની ઉંમર ધરાવતા યુવકનાં લગ્ન કાનૂની દ્રષ્ટિએ ગુનાપાત્ર છે. કાયદામાં આ ગુનો કરનારને આકરી જેલ અને આર્થિક દંડની જોગવાઈ છે. ભારતમાં આજે પણ કેટલાંક વિસ્તારોમાં બાળવિવાહની કુપ્રથા હજુ પણ યથાવત છે. પોલીસ અને સામાજિક સંગઠનો બાળવિવાહ અટકાવવામાં શક્ય પ્રયત્નો કરે છે. નાની ઉંમરે છોકરીઓનાં બાળલગ્ન થઈ જતા તેનાં ભણતર અને કારકિર્દીનો અંત આવી જાય છે. અનુષાનાં બાળલગ્ન થતા અટક્યા એટલે તેનાં સપનાઓ આજે સાકાર થવા જઈ રહ્યા છે. જો અનુષાનાં બાળલગ્ન થઈ ગયા હોત તો?