ભીંત ખખડાવો તો?
તો……
મને સાંભરે રે..
ચોકનાં લીસોટાંથી ભરી મેલતાં
એ બાળપણની કાબરચીતરી ભીંત,
મને સ્મરણે રે..
પરોઢિયે બાયું છાણાં થાપતી
એ પોરની ગંધાતી ભીંત..
મને યાદ આવે રે..
પેશાબની પિચકારીયું મારતાં
એ પાદરની ખંડેર ભીંત.
મને સાદ પાડે રે..
પ્રેમિકાનાં નામ જોડે કોતરેલાં આયખાની
એ નક્સીદાર રાષ્ટ્રીય સ્મારકની જર્જરિત ભીંત..
મને આંસુડા સરાવે રે..
ભાડાંનાં મકાનમાં દટાયેલી પડેલી
એ મા–બાપુ સમી છત્રછાયાદાર ભીંત..
મને વહેવારો કરાવે રે..
શુભ અવસરે સકનનાં સાક્ષી બની
નવવધૂનાં કંકુ થાપાની છાપદાર ભીંત.
મને ઘણું કહેડાવે રે..
ગરીબનાં ઈંટચૂનાની ઓરડી પાછળની
કજિયા અને કરકસરથી લીપાયેલી ભીંત..
મને બધું સમજાવે રે..
લોહી–પરસેવાથી ભેગી કરેલી કમાણીની
આખાય જીવનની શેર મૂડી ઘરનાં ઘરની ભીંત..
મને તાન ચડાવે રે..
કાળા રૂપિયે બનેલી બીબાંઢાળ
રોનકને વેરતી વૈભવી ભીંત..
મને માન આપાવે રે..
કુળ–લાજ ને કાજને માટે
આહુતિ આપનારી પાળીયારી ભીંત..
મને નકૂચો પકડી હસાવે,
મને ખીટીએ ટિંગાડી રિસાવે,
મને ગોખલા અમથામાં છૂપાવે,
મને દરવાજા મહી આમતેમ નચાવે,
જરી જોર દઈ ભીંત ખખડાવી ત્યાં જોયું?
સંધુય પોપડાંની જેમ ખરી ન પડ્યું.
મને હેમખેમ રહેવાનાં પરચા આપે રે..
મને આડકતરો આશરો બની સાથ નિભાવે રે…
જરી ભીંત ખખડાવી ત્યાં જોયું?
મને અજાણ્યો મહેમાન જાણી
આવકારો આપવા ભીંત ડોકિયા કરે રે..