મણીયાર પરિવારની નેક્સ્ટ જનરેશનનો લક્ષ્યાંક : એક એવી ડે-સ્કૂલ કરવી જે એજ્યુ. હબ સેન્ટર તરીકેનું રોલમોડેલ બને

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

બોક્સ : મેયરથી મુખ્યમંત્રીનાં સંતાનોએ મેળવ્યું સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં શિક્ષણ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ડો. વલ્લભભાઈ કથીરીયા, કલ્પકભાઈ મણીયાર, નલીનભાઈ વસા, ડો. જયદિપસિંહ ડોડિયા તથા રાજકોટનાં પ્રતિષ્ઠિત કોટક, કાનાબાર, ડેલાવાળા વગેરે પરિવારોની પેઢીઓનાં સંતાનો સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં મણીયાર પિતા-પુત્રનાં માર્ગદર્શન હેઠળ ભણી ચૂક્યા છે. મણીયાર પરિવારની બંને દીકરીઓએ પણ પિતા અને દાદાની સંસ્થામાંથી જ શિક્ષણ મેળવ્યું છે તો ભવિષ્યમાં આ દીકરીઓ પણ પિતા અને દાદાની વારસાગત મૂડી સરસ્વતી વિદ્યામંદિર સંસ્થાનું સુકાન સંભાળે તો નવાઈ નહીં.

બોક્સ : ચેરમેન અપૂર્વભાઈ મણીયાર સંચાલિત સરસ્વતી વિદ્યામંદિરનાં સંકુલો યોગ આધારિત પદ્ધતિથી શિક્ષણ આપવા સાથે મિશનરી-સેલ્ફફાઈનાન્સ એજ્યુકેશન ઈન્ડસ્ટ્રીનો જડબાતોડ જવાબ બની બાળકોનાં શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક, નૈતિક, સાંસ્કૃતિક પ્રગતિનું તથા રોજગાર અને વ્યવહારલક્ષી શિક્ષણનું પ્લેટફોર્મ બન્યાં છે. સૌરાષ્ટ્રની એકમાત્ર એવી સંસ્થા જ્યાં છેવાડાનાં વિસ્તારનાં નબળા વિદ્યાર્થીઓને સબળા બનાવી ગુજરાત બોર્ડમાં ૧૦૦ ટકા પરિણામ લાવવામાં આવે છે.

વારસામાં મળેલી લક્ષ્મીને સૌ દીપાવી જાણે અને દેવાળું પણ ફૂંકી શકે પરંતુ વારસામાં મળેલી સરસ્વતીને કોઈક જ શોભાવી અને ટકાવી શકે. પિતા પ્રવીણભાઈ મણીયારે વારસામાં આપેલાં સંસ્કારો અને સરસ્વતીને પુત્ર અપૂર્વભાઈ મણીયારે સિદ્ધહસ્ત કરી આજે સૌરાષ્ટ્રનાં શિક્ષણજગતમાં મુઠ્ઠી ઊંચેરું સ્થાન હાંસલ કર્યું છે. સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત રાજકોટની મારુતિનગર, રણછોડનગર, નવા થોરાળા અને જસદણની સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીયારનું નામ વિશિષ્ટ વિદ્યાદાન આપતા શૈક્ષણિક સંકુલોનાં સંચાલકોમાં મોખરે છે. પ્રસ્તુત છે પિતાનાં નામ અને કામને માનભેર જીવંત રાખનાર ધી નેક્સ્ટ જનરેશનનાં પુત્રની સાહસ, સમર્પણ અને સેવાકીય પ્રવૃત્તિની ગાથા..
રાજકોટનાં શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ અને તેમનાં સ્થાપક પ્રવીણભાઈ મણીયારને ભાગ્યે જ કોઈ ઓળખતું નહીં હોય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાથી લઈ સતત ૩૦ વર્ષ સુધી સિન્ડીકેટ સભ્ય તરીકે ચૂંટાયેલા એડવોકેટ પ્રવીણભાઈ રતિલાલ મણીયાર ઉર્ફે પ્રવીણ કાકાનાં હુલામણા નામથી સૌનાં વહાલાં વડીલએ શૈક્ષણિક ક્ષેત્રે સમાજસેવાનાં આશયથી ઈ.સ. ૧૯૭૯માં સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટની સ્થાપના આરએસએસ પ્રાંત સંઘસંચાલક પી.વી. દોશીસાહેબનાં ચેરમેન પદ હેઠળ કરી. સૌ પ્રથમ રાજકોટનાં સર લાખાજીરાજ રોડ પર એક નાનકડા ઓરડામાં ૧૦-૧૫ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે શિશુમંદિરથી આ શૈક્ષણિક સંસ્થાનો સૂર્યોદય થયો હતો.
શિશુમંદિરની સ્થાપના સાથે કોઈને પણ અંદાજ ન હતો કે ટૂંકસમયમાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલનો સૂર્ય શૈક્ષણિક ક્ષેત્રે જળહળી ઉઠશે. શિશુમંદિરની સ્થાપના બાદ સંઘની વિચારધારાથી પ્રેરાઈને ભારતીય સંસ્કૃતિનાં જતન અને સવર્ધન સાથેનું મૂલ્ય શિક્ષણ મળી રહે તે હેતુસર ઈ.સ. ૧૯૮૪-૮૫માં સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલનો રેસકોર્ષ મારુતિનગર ખાતે પ્રારંભ થયો. આ તો હજુ પાશેરામાં પહેલી પૂણી હોય એમ રાજકોટને સરકારી અનુદાનની કોલેજ આપવાનાં લક્ષ્ય સાથે પ્રવીણ કાકાએ ફાર્મસી કોલેજ અને મેડિકલ કોલેજની સ્થાપનામાં સક્રિય ભૂમિકા નિભાવી. શિક્ષણને જ નતમસ્તક થવાની ચાહના અને સમાજસેવાની ખેવનાએ ૧૯૯૬ની સાલમાં પ્રવીણકાકાએ ચેરમેન પદ પરથી વી.વી.પી. એન્જિનિયરીંગ કોલેજમાં સેવા આપી. સમય પસાર થતાં દોશી સાહેબ અને મણીયાર સાહેબે વાવેલાં વિચારબીજનું વટવવૃક્ષ બન્યું અને છેલ્લાં ત્રણ દસકથી સૌરાષ્ટ્રનાં શિક્ષણ સમાજમાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલો સામાજિક-શૈક્ષણિક ચેતનાનું ધમધમતું કેન્દ્ર અને અનેરું દ્રષ્ટાંત બની રહ્યાં છે.
એક તરફ પ્રવીણ કાકા તન-મન-ધનથી શિક્ષણ સેવામાં સમર્પિત હતા તો બીજી તરફ પ્રવીણ કાકાનાં પુત્ર અપૂર્વભાઈ મણીયારે ત્રણ વર્ષની ઉંમરથી આરએસએસમાં જોડાઈ પુરુષાર્થનાં પંથે પ્રગતિનાં મુકામ સુધી પહોંચવાની સફર શરૂ કરી દીધી હતી. ૧૯૯૦ની સાલથી અપૂર્વભાઈ મણીયારે નાગપુર ખાતે સંઘની તૃતિય વર્ષ શિક્ષણ તાલિમ મેળવી ગટનાયકથી મહાનગર શારીરિક પ્રમુખ સુધીની જવાબદારી બાહોશ રીતે સંભાળી. સંઘ અને સમાજસેવા સાથે જોડાયેલા અપૂર્વભાઈ મણીયારે સિવિલ એન્જીનીયરનો અભ્યાસ પૂર્ણ કર્યો અને બાંધકામનાં વ્યવસાયમાં જોડાઈ પોતાની વ્યાવસાયિક કારકિર્દી ઘડી રહ્યા હતા. આ સાથે જ મણીયાર પરિવારનાં સમાજસેવાનાં ધર્મ અને કર્મએ અપૂર્વભાઈની શૈક્ષણિક અને સામાજિક કારકિર્દીને વેગ આપ્યો. જ્યાં તેઓને પ્રવીણ કાકાનાં સમાજસેવાનાં કાર્ય અને શૈક્ષણિક મૂલ્યોનાં સપનાંને જીવંત રાખવાના હતા. મતલબ કે, પિતાનાં શૈક્ષણિક પ્રદાનને હવે પુત્રએ જતનથી આગળ ધપાવવાનો સમય પાકી ગયો હતો.
૧૯૯૯-૦૦ની સાલમાં પિતા દ્વારા સ્થપાયેલી સરસ્વતી વિદ્યામંદિર સંકુલની વ્યવસ્થાપક સમિતિમાં પુત્ર અપૂર્વભાઈ મણીયાર સદસ્ય બન્યા. મોટાભાગનાં કિસ્સાઓમાં પિતાએ સ્થાપેલા ધંધા, વ્યવસાય, પેઢી કે સંસ્થાનાં વારસદારો સીધા માલિકો-સંચાલકો બને પરંતુ આ કિસ્સામાં સીધીલીટીની સરળ સફળતા નકારી સિદ્ધાંત અને આદર્શવાદી અપૂર્વભાઈ મણીયારે પાંચ વર્ષ સુધી સંસ્થાની વ્યવસ્થાપક સમિતિમાં સેવા આપી. તેઓ પોતાનાં ખભ્ભે આવનારી જવાબદારીઓ બખૂબી વાકેફ હતા આથી ભવિષ્યમાં મસ્તક પર પહેરવાના કાંટાળાતાજની પૂર્વ તૈયારીરૂપે તેમણે સરસ્વતી વિદ્યામંદિરમાં વ્યવસ્થાપક તરીકેની સેવા આપતા-આપતા બાલવર્ગ, પ્રાથમિક વર્ગ અને શિક્ષણસંઘનાં વર્ગમાં શિક્ષક તરીકેની ફરજ બજાવી પાયાનાં શિક્ષણની સમજ મેળવી. તેઓ છેક પુના-નાગપુર સુધી જઈ વિધાર્થીઓને લેક્ચર્સ આપતા, વિવિધ જગ્યાની મુલાકાતો લઈ ત્યાંની શૈક્ષણિક પદ્ધતિઓનો તુલનાત્મક અભ્યાસ કરતા અને સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં મૂલ્યનિષ્ઠ શ્રેષ્ઠ શિક્ષણ કઈ રીતે આપી શકાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા.
આ દરમિયાન કેળવણીકાર બની ચૂકેલા પ્રવીણ કાકાનું અવસાન થતા તેમણે સ્થાપેલી અને શૈક્ષણિક મૂલ્યોથી રોપેલી સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં ચેરમેન પદની જગ્યા ખાલી થઈ. આથી સામાજિક સહકાર અને વિકાસની ભાવનાને વરેલા અપૂર્વભાઈ મણીયારની સરસ્વતી વિદ્યામંદિર સંકુલ પ્રત્યેની સંવેદનાસભર લાગણી, કાર્યનિષ્ઠા અને સામાજિક-શૈક્ષણિક સેવાનાં ઉત્તરદાયિત્વનાં ભાગરૂપે તેમજ તેઓનાં સંસ્થા પ્રત્યેનાં પ્રદાન બદલ ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બર ૨૦૧૬માં ચેરમેન પદ પર નિયુક્તિ કરવામાં આવી. સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં ચેરમેનનું પદ અપૂર્વભાઈને વારસામાં નહીં પરંતુ ૧૯૯૯થી ૨૦૧૬ પંદર વર્ષ સુધી સંસ્થાની પ્રશંશનીય ઉપલબ્ધીઓ અને પ્રસિદ્ધિમાં પાયાની ભૂમિકા ભજવવા બદલ પ્રાપ્ત થયું છે. પિતા પાસેથી પુત્રને માત્ર સંસ્કાર અને સેવાની શીખ મળી જેના થકી અપૂર્વભાઈએ અન્ય સિદ્ધિઓ પણ હાંસલ કરી હતી.
પિતાએ સ્થાપેલી સંસ્થામાં જ પિતાનાં ચેરમેન પદનાં સ્થાનને શોભાવતા સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન શ્રી અપૂર્ણભાઈ મણીયારનાં જણાવ્યાં અનુસાર પિતાની ગેરહાજરીથી જવાબદારીઓ વધી અને ભૂમિકાઓ બદલાઈ છે. તેમ છતાં સંસ્થામાં જૂની તમામ પ્રણાલીઓ યથાવત છે. કેમ કે, પિતાજી પ્રવીણભાઈ જ્યારે ચેરમેન પદ પર હતા ત્યારે તેમનું સંચાલન એકહથ્થુ ન હતું. સરસ્વતી વિદ્યામંદિર સંકુલ માટે સર્વશ્રેષ્ઠ કરી છુટવાની ભાવના ધરાવનારએ ચેરમેન બનવું, હોવું કે કોઈ પાસેથી સ્વતંત્રતા માગવી પડે એવું ક્યારેય બન્યું નથી અને બનશે પણ નહીં. અમારું એકમાત્ર લક્ષ્ય માતૃભાષામાં શિક્ષણ આપી બાળકોનાં સર્વાંગી વિકાસ સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ નિર્માણ અને સર્વશ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરવાનું છે. રાજકોટનાં મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સ્થિત તથા જસદણની એસ.વી.કે હાઈસ્કૂલનું એકમાત્ર ધ્યેય અને ઉદ્દેશ બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી ભારત દેશનાં સ્વસ્થ, સંસ્કારી સમૃદ્ધ અને કર્તવ્યવાન નાગરિક બનાવવાનું છે. રાષ્ટ્રનિર્માણની દેશહિત ભાવનાઓ તથા પરંપરાવાદી શિક્ષણ પદ્ધતિ સાથે આધુનિક ટેકનોલોજીનો સુભગ સમન્વય સાધી આ સંસ્થા વિદ્યાર્થીઓનાં ભણતર અને ગણતર સાથે એના સમગ્ર વ્યક્તિત્વનું ઘડતર અને કારકિર્દીનું ચણતર કરે છે. સૌ સમાન, સૌને સમ્માન અને પારિવારિક લાગણીસભર દરેક સંકુલનું પવિત્ર, વિનમ્ર, શાંત, સ્વચ્છ વાતાવરણ અને આચાર, વિચાર, વ્યવહાર જ સરસ્વતી વિદ્યામંદિરની આગવી ઓળખ છે. આ સંસ્થાનાં સંકુલો સંસ્થાનાં નામ સમાન જ વિદ્યાનાં ધામ, મા સરસ્વતીનાં મંદિરો છે. જ્યાં પ્રભુનાં અંશ એવા બાળકોની સેવા કરવામાં આવે છે.
હાલમાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં માત્ર શિશુમંદિરથી ધોરણ ૧૨ કોમર્સનો અભ્યાસક્રમ છે. આથી સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં ભવિષ્યમાં એક સાઈન્સ ડે-સ્કૂલ શરુ કરવાનો લક્ષ્યાંક છે. જેમાં તમામ ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થા ઈનહાઉસ એક જ સ્થળે આપવામાં આવશે. શિશુવાટિકા (બાલમંદિર)થી ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ એક જ ભવનમાં. એક એવું એજ્યુ. હબ સેન્ટર બનાવવાનો ધ્યેય છે જ્યાં મિશ્ર મીડિયમ એટલે કે અંગ્રેજી-ગુજરાતી ભાષાજ્ઞાન સાથે વિદ્યાર્થીઓને નાનપણથી પીજી લેવલ સુધી અમે ઉપયોગી શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડી શકીએ. જે અન્ય શૈક્ષણિક સંસ્થા માટે રોલમોડેલ બની રહેશે.
આવનારા સમયમાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલ વધુને વધુ મહેનત અને માર્ગદર્શન દ્વારા રાષ્ટ્રવાદ, ભારતીય સંસ્કારિતા, હિંદુ સંસ્કૃતિ અને શિક્ષણની તમામ વિભાવનાઓને સાંકળી એક એવા શૈક્ષણિક સંકુલનું નિર્માણ અને વિદ્યાર્થીલક્ષી વાતાવરણનું સ્થાપન કરશે જે ભારતને વિશ્વભરમાં શિક્ષણક્ષેત્રે ગૌરવ પ્રદાન કરશે.
અપૂર્વભાઈ મણીયારની લાઈફસ્ટોરી જેમ જ તેમની વાતોમાંથી પણ સાદગી, સેવા અને સહાયની જલક મળે છે. અપૂર્વભાઈ મણીયારની શૈક્ષણિક સંસ્થામાંથી શિક્ષણ મેળવી ચૂકેલા કે મેળવતા વિદ્યાર્થીઓમાં જોવા મળતા દેશભાવના, માનવતા, ધાર્મિકતા, શિસ્તતા, નિયમિતતા, નીતિમત્તા જેવા અનેક ગુણો અને લક્ષણો એટલી ઉચ્ચ કક્ષાએ વિકસેલા છે જાણે કે, આ સંસ્થા કળિયુગી ગુરુકુળ બની કૃષ્ણ, રામ અને અર્જુન જેવાં સમર્પિત વ્યક્તિત્વો મા ભારતીને અર્પી રાષ્ટ્રસેવા કરી રહી છે. જે શૈક્ષણિક સમાજસેવી કાર્ય પાછળ આ સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીયારનાં માર્ગદર્શનમાં ટ્રસ્ટીમંડળનાં દરેક ટ્રસ્ટીઓથી લઈ સંસ્થા સાથે જોડાયેલા દરેક નાની-મોટી વ્યક્તિની આંતરિક સમજબૂઝ, સ્વૈચ્છિક જવાબદારી, દીર્ધદ્રષ્ટા અને સામાજિક કર્તવ્યનીષ્ઠતા પાયારૂપ છે.
પરંપરાગત ભારતીય મૂલ્યોનું સર્વધન, સાંસ્કૃતિક વારસાનું જતન અને સંસ્કારોનાં સિંચન સાથેનું મૂલ્ય શિક્ષણ આપતી સંસ્થા એટલે ચેરમેન અપૂર્વભાઈ મણીયારનાં માર્ગદર્શનમાં વિદ્યાભારતી અખીલ ભારતીય શિક્ષા સંસ્થાન સંલગ્ન અને સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ.
અપૂર્વભાઈ મણીયારની ચેરમેન પદ પર નિયુક્તિ થતા તેમણે બાળકનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક અને આધ્યાત્મિક એમ સર્વાંગીણ વિકાસ થઈ શિક્ષણના વાતાવરણમાંથી આવતીકાલનો સુસંસ્કૃત નાગરિક કેમ સંભવી શકશે તે માટેનાં તમામ પ્રયત્નો હાથ ધર્યા. અપૂર્વભાઈ મણીયારનાં નેતૃત્વમાં સરસ્વતી વિદ્યામંદિર શિક્ષણ સંસ્થાઓએ વિદ્યાર્થીઓને જીવન જીવવાની કળા શીખવીને એક સુસંસ્કૃત સર્વાંગસંપૂર્ણ નાગરિક સમાજ કેમ અર્પી શકાય તેનું દ્રષ્ટાંત આપ્યું છે.

બોક્સ : ગુરુમંત્ર : એક વકીલનાં સામાજિક સેવાનાં આશયએ વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાનો ઉદય કર્યો તો એ જ વકીલનાં પુત્રએ સિવિલ એન્જી.ની વ્યાવસાયિક કારકિર્દીને બાજુ પર રાખી વિદ્યાર્થીઓની શૈક્ષણિક જીજીવિષાને સંતોષવામાં સેવાકીય રીતે નિમિત્ત બન્યા. સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીયાર સફળ સંચાલક, બિઝનેસમેન સાથે એક સફળ પુત્ર, પતિ, પિતા અને શિક્ષક પણ છે. તેમનાં જીવનનો ગુરુમંત્ર છે : ‘ઓલ અપ’ મતલબ કે, સમાજનાં દરેક વર્ગ અને વ્યક્તિનો વિકાસ કરવો. સૌનાં સાથ અને વિકાસમાં સ્વયંનો વિકાસ થઈ સફળતા અચૂક મળે છે. તેમનાં જીવનમાં વ્યક્તિપૂજાને સ્થાન ન હોવાથી અપૂર્વભાઈનું રોલમોડેલ કોઈ નથી પરંતુ તેઓ વૈચારિક દ્રષ્ટિએ સુરેશરાવ કેતકર, ડો. પી.વી. દોશી, મધુભાઈ કુલકર્ણી અને પિતા પ્રવીણભાઈ મણીયારને અનુસરે છે. આ સિવાય તેઓ સૌને પરિવાર અને વ્યવસાયને બેલેન્સ કરી સમાજસેવા કરવાનો સંદેશ આપે છે. જીવનમાં માત્ર ધંધાને જ કે માત્ર પરિવારને જ કે પછી સમાજસેવાને જ પોતાનું લક્ષ્ય ન બનાવી સમય, સંબંધો અને સેવાનું સંતુલન સાધી આદર્શ વ્યવસ્થાનું નિર્માણ કરવાનું સૂચવે છે. સાથોસાથ અગ્રેજી વિષયનાં જ્ઞાન સાથે માતૃભાષાનાં વૈભવને ઉજાગર કરવાનો ગુરુમંત્ર આપે છે. જેમ પ્રવીણ કાકાનું જીવન જ સંદેશ છે તેમ પ્રવીણ કાકાની પ્રતિકૃતિ અપૂર્વભાઈની સાહસ, સમર્પણ અને સેવાકીય પ્રવૃત્તિઓમાંથી સફળતા કેમ હાંસલ કરી શકાય તેનો ગુરુમંત્ર મળે છે.

બોક્સ : સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં પ્રવીણકાકાની ખાલી પડેલી જગ્યા પર અપૂર્વભાઈ મણીયારની નિયુક્તિ માત્ર તેમના વ્યક્તિગત કૌશલ્ય અને લાક્ષણિકતાને આધારે કરવામાં આવી : બળવંતભાઈ જાની
સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ટ્રસ્ટી અને શિક્ષણજગતનાં મોભી બળવંતભાઈ જાની જણાવે છે કે, તેઓએ પ્રવીણભાઈ મણીયાર સાથે ત્રીસ વર્ષ સુધી અને અપૂર્વભાઈ મણીયાર સાથે પંદર વર્ષ સુધી સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ટ્રસ્ટમાં કાર્ય કર્યું છે. હાલમાં પણ તેઓ અપૂર્ણભાઈ મણીયાર સાથે કાર્ય કરી રહ્યા છે ત્યારે પ્રવીણ કાકાનાં અવસાન બાદ સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ટ્રસ્ટીઓ જ્યારે પ્રવીણભાઈની ચેરમેન પદની ખાલી જગ્યા પર કોને મૂકવા એ વિચારતા હતા ત્યારે સામૂહિક રીતે ટ્રસ્ટે આરએસએસનાં કાર્યો, પારિવારિક બેકગ્રાઉન્ડ અને તમામ હેતુઓને બાજુ પર રાખી માત્ર એકલા અપૂર્વભાઈની વ્યક્તિગત લાક્ષણિકતાઓ અને કૌશલ્યને ધ્યાનમાં લીધા હતા. અપૂર્વભાઈ મણીયાર પાસેથી ત્રણ બાબતો સૌએ શીખવા જેવી છે. તેમનું કોઈપણ કામને આયોજનથી અંત સુધીનું સંપૂણ સમર્પણ, ચોકસાઈપૂર્વકનું દ્રષ્ટિબિંદુ તેમજ રાષ્ટ્રીય અને સામાજિક વિચારધારા. સંસ્થા, સમાજ અને રાષ્ટ્રને હાનિ ન પહુંચે તે મુજબની દેશહિતની પ્રવૃત્તિ સાથેનું ટાઈમ મેનેજમેન્ટ અપૂર્વભાઈની આગવી લાક્ષણિકતા છે. અપૂર્વભાઈ માટે કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે વિચાર નાના નહીં પરંતુ કામનાં હોય છે. સંસ્થામાં પ્રવીણભાઈની ખાલી જગ્યાને ભરવામાં અપૂર્વભાઈ ખરા ઉતર્યા છે.
બોક્સ : અપૂર્વભાઈ મણીયારે પિતાનાં ચેરમેન પદની ગરિમા અને પારિવારિક પરંપરાને જાળવી : અનીલભાઈ કિંગર
સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ટ્રસ્ટી અને શૈક્ષણિક સેવામાં કાર્યરત પ્રો. અનીલભાઈ કિંગરનાં મતે સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ભૂતપૂર્વ ચેરમેન પ્રવીણભાઈની જેમ અપૂર્વભાઈ પણ વર્તમાન સમયમાં ચેરમેન પદ પરથી સક્રિય અને સરહાનીય ભૂમિકા ભજવી રહ્યાં છે. તેઓ પણ તેમનાં પિતાની માફક સતત કામ કરવા ટેવાયેલા છે. અપૂર્વભાઈની કોઈપણ કાર્ય પ્રત્યેની ત્વરિત નિર્ણય શક્તિ દાદ માગી લે તેવી છે. તેમણે શૈક્ષણિક સંકુલનાં ચેરમેન પદની ગરિમા અને પરંપરાને બખૂબી જાળવી રાખી છે. જ્યારે પ્રવીણભાઈ ચેરમેન પદ પર હતા ત્યારે ઉંમરની મર્યાદા અને નાદુરસ્ત તબિયતને કારણે વધુ ભાગદોડ કરી શકતા નહીં પરંતુ હાલનાં યંગ અને ટેલેન્ટેડ ચેરમેન અપૂર્વભાઈએ વિદ્યાભારતીનાં વિચાર, આદર્શ અને સંસ્કારોથી શાળા ચલાવી આધુનિક આયામોનાં સમન્વય સાથે એવા શૈક્ષણિક વાતાવરણનું સર્જન કર્યું છે જેનો કોઈ વિકલ્પ જ નથી.