મૃત્યુ : હમ કા ઓઢાવે ચદરિયા, ચલતી બિરિયા..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 5.00 out of 5)
Loading...

મૃત્યુ : હમ કા ઓઢાવે ચદરિયા, ચલતી બિરિયા..

શ્રી.થી સ્વ.ની સફર.. ૐ શાંતિ.. શાંતિ..

પુનરપિ જમમ, પુનરપિ મરણ..

પુનરપિ જનની જઠરે શયનમ….

       જનમ-મરણનાં રહસ્ય અકબંધ રાખી ઈશ્વર પોતાની હાજરી સતત પુરાવતો રહે છે. જન્મથી મોટો કોઈ હર્ષ નથી અને મૃત્યુથી મોટી કોઈ હતાશા નથી. પ્રિયજનનું મૃત્યુ અધમુવું બનાવી છોડે છે. કોઈપણ જીવ માટે મૌત એ આખરી પડાવ છે અને એ કોઈપણ જીવની અંતિમ મંજિલ આપણાં જીવનનો રાઈટ કે લેફ્ટ ટર્ન હોઈ શકે છે. કુદરતી પામેલા મૃત્યુ કરતાં જે લોકોએ સામે ચાલીને મૌતને ભેટયું છે, પોતાનાં કે બીજાની આત્માની હત્યા કરવાનો અપરાધ કર્યો છે એમણે તેમની સમસ્યાનું સમાધાન નહીં પરંતુ તેની પાછળ છોડી ગયેલાં લોકોને પોતાનાં કર્મની સજા ભોગવવા મજબૂર કરી ખુદ ભાગી ગયાનું ઘોર કૃત્ય કર્યું છે. જીવનમાં ક્યાંરેય એકલો માણસ આત્મહત્યા કરતો નથી ને એકસાથ કેટલાંય રક્તસંબંધીઓ કુદરતી રીતે મૌતને ભેટે છે.

       જે વ્યક્તિએ, કુટુંબએ વહાલાને ગુમાવ્યાનો વિરહ અને વિયોગ અનુભવ્યો છે, સ્મશાન કે કબ્રસ્તાનમાં ઘરના આધારસ્તંભ એવાં અંગતને બાળ્યાં કે દાટ્યાં છે તેઓ મૃત્યુનું દર્દ અને ડરની દાસ્તાનથી બખૂબી વાકેફ છે. અંગત પરિચિતો, સમવયસ્ક મિત્રો, વડીલ સગા-સ્નેહીનાં જેણે અંતિમ સંસ્કાર જોયા છે, જીવનના અભિન્ન અંગ પ્રિયજનોને ગુમાવ્યાનો અહેસાસ છે, કોઈ મનગમતા પાત્રની ચિરવિદાયની અધૂરપની એ ખાલીજગ્યા આજે પણ જીવનમાં કોઈ પૂરી શકતું નથી તેનો રંજ છે એ વ્યક્તિઓ માટે ખુદનાં મૃત્યુ કરતાં બીજાનું મૃત્યુ વધુ જાન લેવા બની ગયું હોય છે. એકાએક કોઈ અજાણ્યાં વ્યક્તિનું હાર્ટ ફેઈલ થઈ જવું પણ કેટલું હર્ટ ફિલ કરાવી જાય છે. શરીરમાં વહેતું ગરમ લોહી અચાનક થીજી ઠંડુ પડી જાય, આંખોનાં પોપચાં બંધ કર્યા વિનાનાં ખુલ્લા ફાટી પડે કે પછી કાયમ માટે બંધ જ થઈ જાય ને શરીર અચેતન બની જ્યારે શારીરિક-માનસિક ક્રિયા-પ્રતિક્રિયા આપવાનું બંધ કરે એ મૃત્યુ છે.

       ખાસ કરીને વૃદ્ધત્વમાં મૃતત્વની ચાદર ધીમે ધીમે વિચાર-વર્તનમાં પ્રવેશી વાસ્તવમાં બિછાય જાય છે. જીવનના અંતિમ વર્ષોનાં જન્મદિન પણ મૃત્યુની પડછાઈમાં જ્યારે ગુજરે છે, કેક પર સળગતી મીણબત્તીમાં જ્યારે જલતી ચિતાની જ્વાળા દેખાય છે ત્યારે વિતતા દિવસોની સાથ હદયનાં ધબકારાની ઊલટી ગિનતી શરૂ થઈ ગઈ હોય તેવું લાગ્યાં કરે છે. જ્યારથી આપણો જન્મ થાય છે ત્યારથી જિંદગી રફતારથી આગળ ચાલે છે આપણાં બધાને મૃત્યુનાં દ્વાર સુધી લઈ જાય છે. ગુજરતા વર્ષ સાથ એ દ્વારથી દૂર રહેવા આપણે ભૂતકાળમાં સરી જવા પ્રયત્નો કરીએ છીએ અને બાળપણ, જવાની ને મધ્યવયસ્કતાની વાતો ફરીફરી ગુનગુનાવતા રહીએ છીએ. મૃત્યુ આવવાનું નક્કી છે એટલે હર દિવસ અને રાતની એકએક ક્ષણ આખરી હોય શકે. મૌત પછી શું છે એ કોઈ તેને પામતા પહેલાં જાણી શક્યું નથી, જાણીને કહી શક્યું નથી. આથી મૃત્યુનું રહસ્ય મૌત પહેલાં અકબંધ રહેવાનું અને મૃત્યુ બાદ? અનકહ્યું.

       મૃત્યુદર બાબતે ભારતીય સમાજમાં પુરુષોનું આયુષ્ય સ્ત્રીઓ કરતાં ઓછું છે. પુરુષો ઓછું અને સ્ત્રીઓ વધુ લાંબુ જીવે છે. આથી પરિવારમાં સૌથી વધુ માઠા પ્રસંગોની માર સ્ત્રીના ભાગે આવે છે. જેમ જન્મનાં કેન્દ્રમાં એક સ્ત્રી છે તે રીતે મૃત્યુનાં કેન્દ્રમાં પણ એક સ્ત્રી રહેલી છે. એક એવી સ્ત્રી જેનાં જીવનસાથીના મૃત્યુ બાદ સવાર યાદોથી, બપોર ખામોશીથી, સાંજ એકલતાથી અને રાત અધૂરપથી પસાર થાય છે. મને આજ સુધી એ વાત ક્યાંરેય સમજાઈ નથી કે પતિનાં મૃત્યુ બાદ પત્નીએ સફેદ કે કાળા વસ્ત્રોમાં જીવી તમામ આનંદને ત્યાગ કેમ કરવાના? પતિનાં મૃત્યુથી બીજી કોઈ મોટી સજા કે ત્યાગ શું હોઈ શકે? પતિ તો ક્યાંરેય પત્નીના મૃત્યુ બાદ મુંડન કરાવતો નથી. સફેદ કે કાળા વસ્ત્રો ધારણ કરી બ્રહ્મચર્ય અપનાવી લેતો નથી. મૃત્યુ બાબતે આવા મતભેદો કેમ? કદાચ મૃત્યુ એકસાથે, જોડેજોડે આવતું નથી એટલે..!? મૃત્યુ હુને સ્વબનાવે છે.

       મૃત્યુ એ શ્રી. થી સ્વ. ની સફર છે. ગંગાના પાણીમાં જેની અસ્તિઓ પધરાવી આત્મ શાંતિ માટે ક્રિયાકાંડ કર્યું, મુઠ્ઠી ભરી દેહ દફન સમયે મિટ્ટી જે નિસ્તેજ બદન પર ફેલાવી પોતાનાંઓને કબરમાં અલવિદા કહી, ચર્ચમાં જઈ મીણબત્તીઓ પ્રગટાવી ગોડને પ્રેય કરી, રોજ જેની હસતાં ચહેરાવાળી તસવીર પરથી નજર હટાવી ખૂણામાં જઈ ભારે હૈયે રડી દિલ હલકું કરી લીધું, જેનાં પેન્શનમાં.. પોસ્ટમાં કરેલી, વિમાની બચતમાં સંતાનનાં સારા-માઠાં પ્રસંગો ઉકેલ્યા.. એ વ્યક્તિનું નામ આજે પણ વાતવાતમાં જબાન પર આવી જાય છે. એ વ્યક્તિની આજે પણ અસહ્ય ખોટ વર્તાય છે. ભાવુકતા, ગમગીની અને કુદરતનાં ફરમાન સામે લાચાર મનુષ્ય.. અસ્તિત્વનું પૂર્ણવિરામ છે વ્યક્તિત્વનું નહીં. માણસ મરી જાય પછી પણ તેની સાથ જોડાયેલી યાદો સજીવન થઈ સ્વર્ગસ્થની હાજરી પૂરાવતી રહે છે. ડેથની ડેઈટ બધાનાં મુકદ્દરમાં લખેલી છે. આત્માને કોઈ બંધન નથી.

       ઈનશોર્ટ જ્યારે કોઈપણ જીવ માતાનાં ગર્ભમાં હોય છે ત્યારે તેને આ દુનિયામાં આવવા મળશે કે કેમ તે નક્કી હોતું નથી પરંતુ સ્ત્રીના ગર્ભમાં પનપતો જીવ જો આ દુનિયામાં જન્મ લેશે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. અફર છે. જીવન અને મરણની બાબતમાં ઈશ્વર મને બહું ન્યાયી લાગ્યો છે કેમ કે તેણે પોતે પણ મૃત્યુનો સ્વીકાર કર્યો છે. મનુષ્યોને નાઈન્સાફી ન લાગે એ માટે ઈશ્વરે પણ આ દુનિયામાં અવતરી પૃથ્વી પરથી વિદાય લીધી છે.

       મુક્તિનાં મંત્ર, સ્વતંત્રનાનાં શ્ર્લોકનું બીજું નામ મૃત્યુ છે. કર્મોના કારાગારમાંથી છૂટેલાં આત્માને માનવજીવનમાં જગ્યા મળતી નથી. એટલે શરીરની જેમ નવા આત્માઓ પણ જન્મતા રહે છે. જીવો જીવસ્ય જીવનમનું પૈડું અવિરત ફર્યા કરે છે. જન્મનું સત્ય શું છે? મૃત્યુનું અસત્ય શું છે? ખબર નથી.

ગીતામાં મૃત્યુ વિષે કહ્યું છે : જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ.જે જન્મે છે તેનું મૌત નિશ્ચિત છે.

       નિસ્તેજ નીચેતન શરીરનું પંચમહાભૂતમાં વિલીન થઈ અસ્ત થવું એટલે જીવનનું આથમવું. જેમ નવેસરથી ઉગવા પહેલાં આથમવું જરૂરી છે તેમ નવજન્મ પામતા પહેલાં મૃત્યુ અનિવાર્ય છે. મૌત દરેક સજીવને નિર્જીવ બનાવી છોડે છે.

       આ જગતમાં કોઈ યજમાન નથી. બધા મહેમાન છે. જન્મ લઈ એકબીજાંને મળવા આવે છે, મરવા કોણ જીવે છે? કંઈક કરવા જીવવું, કંઈક બનીને મરવું. મૌત એટલે દેહત્યાગ બાદ આત્માને નવજન્મ આપવો. વર્તમાન કર્મમાંથી છૂટી જૂનાં શરીર, સંબંધો, સ્થળનો ત્યાગ કરી એક જુદા નવા પરીવેશમાં અવતરવું.

       માણસને તેનાં જન્મદિવસની તારીખ ખબર હોય છે એટલે એ જન્મદિન ઉજવાતો આવે છે. મરણદિનની તિથિ ખબર પડી જાય તો? બર્થડેઈટની જેમ ડેથની ડેઈટ માલૂમ પડી જવી જોઈએ એટલે દુ:ખની પણ મજા લઈ શકાય અને સુખની પણ કદર થઈ શકે. શરીરની કાર્યશક્તિનો ખ્યાલ આવે. અને આત્મા?

       નેન છિન્દંતિ શસ્ત્રાણિઆત્માને શસ્ત્રો મારી શકતા નથી.

       ય એન વેત્તિ હન્તારં મશ્વૈન મન્યતે હતમ

       ઉભૌ તૌ ન વિજાનીતો નામં હન્તિ ન હન્યતે

       ભગવતગીતાનાં બીજા અધ્યાયમાં કહ્યું છે, જે આ આત્માને મારવાવાળો સમજે છે અને જે એને મારેલો માને છે એ બંનેને ખબર નથી કે આત્મા મરતો નથી અને એને મારી શકાતો નથી. મતલબ કે, બ્રમ્હાંડમાં આત્મા સ્મૃતિઓની જેમ અમર છે. જીવનસફરનો અંત નથી. મૃત્યુ એ પડાવ છે. મોક્ષ શરીરને મળે છે. આત્માએ તો કાળક્રમે નિત્ય પેદા અને વિલીન થતું જ રહેવું પડે છે.

       ખૈર, મૌતએ એક જિંદગીનું પૂર્ણવિરામ છે, વાર્તાનું નહીં. આત્મા અમર છે. આત્માને ઉંમર હોતી નથી. આત્મા અવિનાષી છે. આત્મા સત્યમ, શિવમ, સુંદરમ છે. ખલિલ જીબ્રાનની ધ પ્રોફેટના અંતમાં લખેલું એક વાક્ય છે અ લિટલ વ્હાઈલ, એ મોમેન્ટ ઑફ રેસ્ટ અપોન ધ વિન્ડ, એન્ડ અનધર વુમન શેલ બર મિ! થોડાં સમય પછી, હવામાં ઝૂલતા રહેવાની એક ક્ષણ, અને હું અન્ય સ્ત્રીનો ગર્ભ બની જઈશ.. ૐ શાંતિ.. શાંતિ..