મૌસમનો છેલ્લો વરસાદ : મોનસૂન કમ સૂન : વાવણી હોય કે લાગણી વરસાદ જરૂરી છે.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 5.00 out of 5)
Loading...

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ, એવું કાંઈ નહીં!
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો ઝળઝળિયાં!
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ, એવું કાંઈ નહીં! હવે..
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ, એવું કાંઈ નહીં ! હવે..
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ એવું કાંઈ નહીં!
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ, એવું કાઈ નહીં !
– ભગવતીકુમાર શર્મા

બાળપણથી લઈ બુઢાપા સુધી દરેક ઋતુઓનાં ઉત્સવો અને આફતોનો સૌએ અનુભવ કરવાનો રહે છે. શાળા-કોલેજની પરીક્ષાઓમાં શિયાળાની સવાર, ઉનાળાની બપોર અને લુચ્ચા વરસાદનાં નિબંધો પણ બધાએ લખ્યા અને ભણ્યા છે. ઋતુઓમાં કોઈને શિયાળાની ફૂલગુલાબી ઠંડી પસંદ હશે, કોઈને ઉનાળાની બરછટ હવા તો કોઈને ચોમાસાની મેઘધનુષી સાંજ. કોઈની તાસીરને ટાઢક માફક ન આવે તો કોઈને બફારામાં ઉકળાટ થાય તો કોઈને ટાઈમટેબલ વિના ટપકી પડતો મેહુલો અદીઠો લાગે. આ બધું તો ઠીક છે પણ, મૌસમનો છેલ્લો વરસાદ? આ પૃથ્વી અને ખાસ તો ભારતમાં જેટલી અગત્યતા દરેક ઋતુની છે એનાથી વિશેષ આવશ્યકતા ચોમાસાનાં અંતિમ તબક્કાની છે. જી હા, આપણે ત્યાં શિયાળો આવે તો ઠંડી દરરોજ રૂવાંડા ઊભા કરે, ઉનાળો આવે તો ધોમધખતો તાપ દરરોજ એનર્જી ચૂસે અને ચોમાસું બેસી જાય પછી? પછી રોજ રોજ વરસાદ પડતો નથી યાર.. મોનસૂનની સિઝનમાં રેઈન સેશનમાં આવે છે. પ્રારબ્ધવાદી પ્રજા, નિર્દોષ પશુ-પક્ષીથી લઈ બધા જ વરસાદનાં વધામણા કરવા ઉત્સુક હોય છે, જગતનો તાત ચાતકની વાટ જોઈ બેઠો હોય છે ત્યારે સમજવા જેવું છે કે, ચોમાસાંમાં જેટલું મહત્વ પ્રથમ વરસાદી તબક્કાનું છે એટલું જ મહત્વ અંતિમ વરસાદી ગાળાનું છે.
આબોહવાની વિશિષ્ટ પરિસ્થિતિ મુજબ મોસમી પવનો એટલે ચોમાસું અને એ જ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે ચોમાસાની વિદાય. અષાઢનાં મધ્યાંતરથી લઈ શ્રાવણનાં અંત સુધી અરબ સાગર પરથી આવતા વરસાદી વાદળો ઠેર-ઠેર અમી છાંટણાથી લઈ સાંબેલાધાર વરસતા રહે છે. જે ચોમાસાની ઋતુ છે. જ્યારે સપ્ટેમ્બરમાં વિધિવત રીતે ચોમાસાની વિદાય સાથે ઋતુ પરિવર્તનનો ગાળો શરૂ થાય છે. સૂર્યનાં સીધા કિરણો દક્ષિણ તરફ ખસી નૈઋત્યનાં મોસમી પવનો નબળા પડે છે. જે નરમ વંટોળનાં સ્વરૂપમાં વાય છુટાછવાયા વરસતા રવિપાકને ફાયદો કરતા જાય છે. ખેતીની સફળતાનો મોટાભાગનો આધાર અંતિમ ઋતુવર્ષા પર છે. કેમ કે, જૂન-જુલાઈ દરમિયાન ભારતમાં અડધોઅડધ જમીનમાં પાકનું વાવેતર થઈ જાય છે ત્યારે સપ્ટેમ્બરનાં મધ્યાંતર સુધીમાં વિદાય લેતા ચોમાસા અગાઉ ડાંગર, કપાસ, મગફળી, કઠોર, એરંડા(દિવેલા)નાં વાવેતરને અંતિમ તબક્કાનાં વરસાદની અતિ જરૂરિયાત રહે છે. આમ, ચોમાસાનો અંતિમ મેઘો મહામૂલો છે.
ચોમાસાનાં બે-ત્રણ રાઉન્ડનાં સારા વરસાદથી દલાલો, ડોક્ટરો, નોકરિયાત, નેતાઓથી લઈ સૌ કોઈ આનંદમય હોય છે ત્યારે ખેડૂતો હજુ પણ ક્યાંક ચિંતિત અને વ્યથિત હોય છે. કેમ કે, ચોમાસું હજુ પૂરું નથી થયું. માત્ર વાવણી થઈ છે તો બીજી તરફ વેપારવર્ગ પણ ફક્ત શરૂઆતી વરસાદથી રાજી નથી હોતા. આવનારા એક વર્ષ સુધી વેપાર-ધંધા અને જમીનમાં તેજી જળવાઈ તેથી તેઓ પણ સામાન્ય કરતા વધુ વરસાદની આશ લઈ બેઠા હોય છે ત્યારે મૌસમનો અંતિમ મેહુલો દેણું દૂર કરનારો સાબિત થાય છે. કારણ એટલું જ કે, જળ ત્યાં જીવન અને જીવન ત્યાં જળ જરૂરી.
શિયાળામાં ટાઢોડું થાય કે ન થાય, ઉનાળામાં લૂ વાય કે ન વાય મોટાભાગનાં લોકોને શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી પડે કે ન પડે તે અસરકર્તા નથી જ્યારે ચોમાસાનાં પ્રથમથી અંતિમ તબ્બકાનાં મેઘરાજાની દરેક ઈનિંગ બેલેન્સ ન રહે તો સમગ્ર જીવશ્રુષ્ટિને તેનાં પરિણામ ભોગવવા પડ્યા છે. આથી આઈ રીપીટ કે, વરસાદ ભલે સર્વે એકસમાન ન પડે પણ એકંદરે પડવો જોઈએ અને પહેલાં વરસાદ જેવો જ ચાર્મ અંતિમ વરસાદનો પણ જળવાવો જોઈએ. આપણે સૌએ જેમ પહેલાં વરસાદની સાંજ, ભજીયા અને ગાંઠિયાની મહેફિલને માણવા હરખપદુડા થઈએ છીએ તેમ જ ગમે તેવું કામ ભલેને અટકી પડે પણ વરસાદને ગાળો આપ્યા વિના આવ રે.. વરસાદ.. છેલ્લો વરસાદ.. કુછ દિન બરસો મહારાજની લાગણી સેવવા જેવી ખરી.
એમાં પણ માત્ર કૃષિ જ નહીં પરંતુ દેશભરનાં અર્થતંત્રથી લઈ સામાન્યજનોની સુખાકારી પર આધાર રાખતો મૌસમનો છેલ્લો વરસાદ આજ સુધી સાહિત્યમાં સ્થાન પામ્યો નથી! હા, વિદ્યાર્થીઓ, કવિઓ, લેખકો અને નિબંધકારોથી ઢગલાબંધ કોલમનિસ્ટોએ ચોમાસાની વાવણીથી લઈ લાગણી પર અઢળક રચનાઓ રચી હશે, ફિલ્મી ગીતો બન્યા હશે. ચોમાસાની અતિવૃષ્ટિ અને દુષ્કાળની પરિસ્થિતિ વિશે પણ લખાયું, ફિલ્માયું હશે લેકિન ચોમાસાનાં અંતિમ વરસાદની અગત્યતા અને ઉપયોગિતાથી હજુ પણ ઘણા અજાણ અને અછુતા છે. ચોમાસાનાં છેલ્લા વરસાદને વળી અર્થતંત્ર, ભૂગોળ, સાહિત્ય ઉપરાંત સંબંધો સાથે પણ એટલી જ નિસ્બત છે. જો તમોએ આ સિઝનમાં મનગમતા માણીગર સંગાથે વરસતા વરસાદે પલળીને ગરમાંગરમ ગાંઠિયા, ભજીયા સાથે સંભારા-ચટણી અને ચાની જ્યાફત ન ઉઠાવી હોય તો મૌસમનો અંતિમ વરસાદ હજુ વરસવાનો બાકી છે ત્યારે તૈયાર થઈ જાવ આ વર્ષનાં કુદરતી ફુવારાથી અંતિમવાર ફ્રેશ થઈ મોનસૂનને નેક્સ્ટ યર કમ સૂન કહેવા.. ગેટ રેડી..

ડેઝર્ટ : મૌસમનાં પ્રથમ વરસાદને વધાવવાનો પ્રિમોનસૂન પ્લાન બધા જ કરે છે પણ મૌસમનાં છેલ્લાં વરસાદને માણવાનું આયોજન કોઈ કરતું નથી. એ થાય પણ ક્યાંથી? વરુણદેવ તો અતિથી છે.