રાજકોટનાં યુવા અભિવ્યક્તિકારો : એકવીસમી સદીનું આધુનિક સાહિત્ય : પરિવર્તનનું પ્રગતિશીલ પ્રતિબિંબ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

સાહિત્ય એટલે શું? આ પ્રશ્નનો સીધો અને સરળ જવાબ છે : સાહિત્ય એટલે લોકો દ્વારા લોકો માટે સર્જાતી રચનાઓ. ભાષા વડે અભિવ્યક્તિ સાધવાની કલા સાહિત્ય છે. સાહિત્યનું કામ શું છે? જવાબ છે : સાહિત્યનું એક કામ કલ્પનામાં વાસ્તવિકતાનું ચિત્રણ રજૂ કરવાનું છે. દરેક લેખક-કવિની અભિવ્યક્તિમાં તેનાં અસ્તિત્વ અને અનુભવોનું પ્રતિબિંબ હોય છે. આપણે જેને ગુજરાતીમાં સાહિત્ય અને અંગ્રેજીમાં લિટરેચર કહીએ છીએ તેને સંસ્કૃતમાં ‘કાવ્ય’ જેવો વિશાળ અર્થ આપવામાં આવ્યો છે. હવે સમજાય ગયું હશે કે, તમે જે બે-ચાર લાઈનનાં જોડકણાથી લઈ નાનકડા મેસેજીસ કે ટૂંકી વાર્તાઓ, ગીતો, લેટર્સ લખો કે વાંચો છો એ બધું જ સાહિત્ય છે. ટૂંકમાં શબ્દો સાથે સંવેદના જોડાઈ ત્યાં સાહિત્યનો જન્મ થાય.
ભાષાકીય વિદ્વાનો અને સાહિત્યકારો આ વાતથી સહેમત નહીં થાય પરંતુ હકીકત છે કે, જમાનાની સાથે જેમજેમ જજબાત બદલતા ગયા છે તેમતેમ સાહિત્યનાં સ્વરૂપ અને શૈલીમાં ઘરખમ પરિવર્તન આવ્યું છે. મતલબ વાર્તા, કવિતા વગેરે એ જ રહ્યા પણ અભિવ્યક્તિનાં શબ્દો અને સ્થાન બદલાયા છે. વીસમી સદીનાં અંત ભાગમાં જન્મેલા એટલે કે, આજનાં વીસી-પચ્ચીસી આસપાસ પહુંચેલા જુવાનીયા જેને આપણે નવોદિત લેખક, કવિ તરીકે નવાજીએ છીએ તેઓ સાહિત્યનું એક નવું પાસું લઈ આવ્યા છે. જેને એકવીસમી સદીનું આધુનિક સાહિત્ય, ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરીસ ડિજીટલ લિટરેચર કહી શકાય. આ કલમવીરોને સાહિત્યનાં કોઈ નિયમ કે ભાષાની જાણકારી નથી છતાં તેમની નિખાલસ અભિવ્યક્તિએ તેઓને કલમહીરો બનાવ્યા છે.
સામાન્ય રીતે પહેલાંનાં સમયમાં સાહિત્ય અખબાર કે સામાયિકોમાં છપાતું અથવા પુસ્તકમાં પ્રકાશિત થતું જ્યારે આજે? આજે યુવા અભિવ્યક્તિ સોશિયલ મીડિયાથી લઈ સાહિત્યસભા અને અખંડઆનંદ સુધીનાં માતબર સાહિત્યક પ્લેટફોર્મ પર પ્રકાશિત થાય છે. આજે એ જ રાજકોટનાં યુવા લખવૈયાઓ વિશે જાણકારી મેળવશું જેના પરથી જાણવા મળશે કે સાહિત્યએ કરવત બદલી છે બાકી એવું કહેનારાએ આત્મમંથન કરવાની જરૂર છે કે, ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે વાંચકો ઘટતા જાય છે. જી હા.. લો આ અભિવ્યક્તિકારોની માહિતી તમે ચકાસી ગર્વ લેવાનું મન ન થાય તો કહેજો.
ડિજીટલ પ્લેટફોર્મ : જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી અભિવ્યક્તિકારોની સંખ્યામાં કૂદકે-ભૂસકે વધારો થયો છે. જો કે ખાસ સ્પષ્ટતાથી સમજજો કે, અહીં દરેક અભિવ્યક્તિ કરનારો સાહિત્ય સર્જક ગણાશે નહીં. કેમ કે, સાહિત્યની શૈલી-સ્વરૂપ પરિવર્તન પામે પણ તેનાં પ્રકાર નહીં. જેમ કે, ફેસબુક પર પૂનમ રામાણી ગુલાબો કરી એક પેઈજ ચલાવે છે જે ચાર લીટીનાં સંવાદો આધુનિક સાહિત્ય કહી શકાય. ફેસબુકમાં દરેક નાની-મોટી પોસ્ટ મૂકનાર લેખક નથી. સીમા મહેતા, એકતા ધકાણ, આકાંક્ષા ચૌહાણ જેવાં રચનાકારોએ એફબી પર લખી એટલાં ફેમર્સ થયા કે આજે તેમનું લખાણ અખબારો, પુસ્તકો અને સામયિકોમાં સ્થાન પામ્યું છે. જ્યારે ફેસબુક પર બીજા લોકો પણ ઘણુંખરું લખીને અભિવ્યક્ત થાય છે પણ તેમની અભિવ્યક્તિ એફબી પોસ્ટ પૂરતી સીમિત રહે છે. રીમેમ્બર લેખન સમય સાથે શિસ્તતા અને સમજણ માંગે છે. વર્ષો સુધી નવોદિતનું લેબલ મારી ફરનારા ક્યારેય સારા લેખક-કવિ બની શકતા નથી.
બેક ટુ સબ્જેક્ટ ડિજીટલ પ્લેટફોર્મનાં જ એક ટુલ વોટ્સઅપની જો વાત કરવામાં આવે તો ત્યાં અપર્ણા વોરા જેવા ઘણા યુવા લેખિકાઓ અંગ્રેજીમાં કલમ ચલાવે છે! તો માર્ગી મહેતાનાં નામથી પણ ઘણી નાનકડી રચનાઓ તમે વોટ્સઅપ કે અખબારોમાં વાંચી હશે. ડો. માધવી અઘારા યુવા ડોક્ટર છે પણ તેમની પાસેથી રજૂઆત શીખવા જેવી ખરી. તેઓ માત્ર શબ્દોનું સર્જન કરતા નથી, શબ્દો સાથે એક સુંદર મજાનું શબ્દોને લાગતું-વળગતું ચિત્ર પણ મૂકે. એ ચિત્ર પર તેમનાં શબ્દો શોભી ઉઠે. એ જ રીતે મધુ ધમાસાણીયા નામની વ્યક્તિ સ્વચ્છ-સુંદર અક્ષરથી લખેલી પોતાની ડાયરીનાં અંગત પાનાંઓ સીધેસીધા પોસ્ટ કરી પોતાની લાગણીઓ જાહેરમાં અભિવ્યક્ત કરી શકે છે. કોઈ જ પ્રકાશક, સંપાદક કે પ્રૂફ રીડર્સ વિના ઓન્લી રીડર્સને ગમે તો લખનાર રાજા.
સિક્કાની બીજી તરફ જોઈએ તો સાહિત્યક એપ્લીકેશન પર રાજકોટની જ કિંજલ ખૂંટ, શ્રદ્ધા વ્યાસ, કૃપા બકોરી ઘર બેઠા સરસ્વતીની સેવા-સાધના કરી લક્ષ્મી કમાઈ રહી છે તેમ કહીએ તો ખોટું નથી. આ બધા સાથે ટ્વીટરની વાત કરું તો માઈક્રોફિક્શનનાં જમાનામાં રાજ લક્કડનાં ટ્વીટ કોઈ વ્યંગબાણથી ઓછા નથી. અને જો બ્લોગની વાત કરવામાં આવે તો પણ રવિ ગોહેલ જેવા રાજકોટનાં ઘણા યુવાનો નિયમિત બ્લોગ, ડાયરી અને નોટ્સ પણ લખે છે. એટલું જ નહીં આજે લખાતો કોઈપણ નાનકડો પત્ર પણ આવનારા વર્ષોમાં ઈતિહાસનાં પાનાંમાં સ્થાન પામી સાહિત્ય કૃતિ ગણાય શકે.
અખબાર-સામાયિકો : ડિજીટલ પ્લેટફોર્મ પર લખીને અથવા સીધા જ અખબારોની પૂર્તિમાં કે સામયિકોમાં જેમની રચનાઓ સ્થાન પામી છે તેમાં તમે જયગીરી ગોસાઈ, વિકાસ કૈલા, સાગર ચૌહાણ, ધર્મિષ્ઠા પારેખ, સ્વાતી પાવાગઢી, દર્શાલી સોની, મેઘા ગોકાણી, ક્રિષ્ના ગોહેલ જેવા નવ લેખકો-કવિઓને જરૂર ક્યાંકને ક્યાંક વાંચ્યા હશે. આ બધા લોકોએ નાના-નાના અખબારો કે મોટા દૈનિકોની પૂર્તિમાં પ્રસંગોપાત પોતાની રચનાઓ આપી લેખનસફરની શુભ શરૂઆત કરી દીધી છે.
ક્રિએટીવ કન્સેપ્ટ રાઈટર-એન્કર : ડિજીટલ અને પ્રિન્ટ સિવાય પણ એક ક્ષેત્ર છે જ્યાં સાહિત્ય રચાઈ છે અને એ ક્ષેત્ર છે જ્યાં અભિવ્યક્તિનાં શબ્દોમાં સ્વર અને સંગીતનું મિલન થાય છે. વળી, આ ક્ષેત્રમાં માત્ર મનગમતું લખવાનું-બોલવાનું નહીં પણ રજૂઆતનાં રૂપિયા મળે છે. યેસ. કાજલ અગ્રાવત, ડો.અવની વ્યાસ અને તન્વી ગડોયા આજે રાજકોટનાં એવા ચહેરા છે જેણે મોટીવેશનલ અને મિમિક્રી જેવા વિષયોમાં પોતાની અભિવ્યક્તિની કળાથી એક અનેરું સ્થાન હાંસલ કર્યું છે. એ જ રીતે જયદીપ રાવલે શોર્ટ ફિલ્મ સ્ક્રીપ્ટ એન્ડ એક્ટિંગ અને મિરાજ ઉદાસે ગુજરાતી પોપ સોન્ગ્સ લખી અને લખેલું ગાઈને હજારો કમાયા અને લાખોનાં દિલ જીત્યા છે.
આ બધા પરથી જ પ્રેરણા લઈને રાજકોટનાં જ રોજીના અમલાણી, માનસી દેવમુરારિ, નિરાલી, વિભૂતિ, ભરત જેવા યુવા છોકરા-છોકરીઓ હવે લેખક-કવિ, એન્કર, સ્ક્રીપ્ટ રાઈટર બની નામ, કામ અને દામ કમાવવા માંગે છે. અરે.. હા. નવોદિતને પાપા-પગલી કરાવનારા એટલે કે, યુવા સર્જકોને લેખનનાં પાઠ શીખવનારા સલીમભાઈ સોમાણી, પારુલબેન દેસાઈ અને વનિતાબેન રાઠોડ જેવા સાહિત્યક શિક્ષકોને કેમ ભૂલી શકાય? જેઓ સિદ્ધહસ્ત લેખકો-વિવેચકોનાં આભેડછટપણાથી નિરાશ થયેલા નવ શીખીયા લેખકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. માત્ર રાજકોટનાં અભિવ્યક્તિકારો ઉર્ફ નવસર્જકો યાની નવોદિત લેખકો-કવિઓની આ તો ટૂંકમાં જાણ હતી એટલી જાણકારી પીરસી. જો વિશ્વાસનાં હોય તો આ લેખકડાઓની ડીજીટલ પ્લેટફોર્મ પર મુલાકાત લઈ સારો-નરસો અભિપ્રાય આપજો અને આ લોકો જ કેમ? આ સિવાય ઘણા બીજા પણ યુવા લેખક-કવિ હશે જ જેઓ ક્યાંકને ક્યાંક સ્વયંને અભિવ્યક્ત કરી સાહિત્યનું સર્જન કરતા હશે. તેમને પણ જરૂર જણાય ત્યાં પ્રોત્સાહન અને પ્રશિક્ષણ આપજો. અંતમાં યક્ષ પ્રશ્ન. શું તમે પણ લેખક છો કે કવિ બનવા માંગો છો?

ડેઝર્ટ : એકવીસમી સદીમાં સાહિત્ય, લેખક, કવિ, સર્જક જેવાં શબ્દોને કોઈ એક વ્યાખ્યામાં બાંધવા શક્ય નથી. લખે તે લેખક અને સર્જન કરે તે સર્જક-સાહિત્યકાર એ જૂની પેઢીનાં લેખકો-વિવેચકોએ સ્વીકારવું પડશે.

બોક્સ : દરેક સમયને પોતાની અલગ-અલગ કલાઓ હોય છે. પેઢીઓની સાથે સંગીત અને સાહિત્ય બદલાય છે. સાહિત્ય અને સંગીત સિવાય ફેશન, ખાનપાન અને બોલીઓ સાથે રહેણીકરણી બદલાતી રહે છે. સિનેમા, ચિત્રો, નાટક વગેરે પણ સમયની સાથે પરિવર્તન પામતા રહે છે. દેશ-પ્રદેશને પણ પોતાના કલા-કસબ હોય છે. એકવીસમી સદીનાં આધુનિક સમયની સાથે રાજકોટનાં યુવકોની કલા પ્રત્યેની પસંદ-ના પસંદ, અભિવ્યક્તિ અને રજૂઆત કૌશલ્યમાં પણ પરિવર્તન આવ્યું છે. રાજકોટનાં સર્જકો હવે યુથ ફેસ્ટિવલમાં જ પોતાની કલા-કરતબ દર્શાવતા નથી. જ્યાં-જ્યાં નજર કરો ત્યાં-ત્યાં રાજકોટનાં યુવા હૈયાઓ તમને લખતાં-વાંચતા-ગાતા-બોલતાં જોવા મળશે જેઓ યેનકેન પ્રકારે રાજકોટનાં લિટરેચર આઈકોન છે. હવે બે પૂઠ્ઠા વચ્ચે છપાતું લેખન જ સાહિત્ય નથી.