વર્ચ્યુઅલ વહાલીને..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (7 votes, average: 4.71 out of 5)
Loading...

વર્ચ્યુઅલ વહાલીને..
ફ્રેન્ડરિક્વેસ્ટ સ્વીકાર્યા વિના મેસેજમાં વાતચીતનો દૌર શરૂ થાય અને દિલનાં દ્વાર સુધી કોઈ પહોંચી જાય તેવું ભાગ્યે જ બનતું હશે! આમ તો ફેસબૂક આભાસી દુનિયા છે પણ આભથી ઊચા દોસ્તીનાં સંબંધો અને સાગરથી પણ ગેહરા સ્નેહસંબંધો મેં અહી જ જોયા, સમજ્યા છે.
‘અ’ અક્ષરનાં નામથી શરૂ થતી અંજના, આરતી, અનામિકા, અનન્યા જેવી મારા સંવાદો પર રાજ કરનાર યુવતીઓમાં એ ‘અ’ અક્ષર નામથી શરૂ થતી યુવતી ‘સ્વ’ માં એકમય થઈ વિરામ લે છે. મતલબ મને મેષ રાશિની યુવતી ગમતી પણ મીન રાશિની આ યુવતી તો જસ્બાતોની એવી જાદુઈ છડી છે કે તેના પ્રોફાઇલ પિક્ચરથી માંડી પર્સનલ લાઈફની સફરનાં સમગ્ર અભ્યાસને અર્ધવિરામે અંતરને બેકાબૂ બનાવી શબ્દોને એવી રીતે પ્રસ્તુત કરે છે જાણે કે તેણીને કહવાનું મન થાય..
શબ્દો પણ કેવાકેવા કામ કરે છે,
જે લખું બધુ તારા નામ કરે છે.
હું ક્યાં કોઈ મોટો લેખક-કવિ છું,
જો જાત્રા તું જ થી ચારધામ કરે છે.
મેં ઘણી શાંત રહેતી યુવતીઓ જોઈ છે પણ તારા જેવી સ્વચ્છ નહીં. સમર્પિત જોઈ છે પણ સહનશીલ નહીં. હકારાત્મકતા અપનાવનારી છતા હઠીલી નહીં એવી મારી અંતરમનની તું આધુનિકા ઔરત છે, સાથ શ્રધ્ધાળુ ને ભણેલી.. દેશ-વિદેશોની માહિતી રાખતી.. ઓર્થોડક્સ નહીં તું મોર્ડન છે પણ ચીની શો-પીસ નહીં કુદરતનો આખરી ભારતીય ગુજરાતી યુવતીનો માસ્ટર પીસ. તું હર લિબાશમાં અદાઓ લાક્ષણિક અંદાજથી વેરતી આવે છે માટે જ તને જ્યારે જ્યારે તસવીરમાં નિહાળું છું ત્યારે ત્યારે મારે ચશ્માનાં કાચને સાફ કરવા પડે છે! કોઈ આટલું પણ સુંદર હોઈ શકે? મને ગમે છે માટે નહીં પણ ઘણાને તું ગમી જાય એવી છે માટે.. શાંત હોય તે સૌમ્ય ન હોઈ ન શકે.. જ્યારે તે તો તારી અદાની સુવાસ કઈક એવી તો વેરી છે કે હું તને હર સુગંધમાં સમાવી મેહસૂસ કરી શકું છું. મને તો સમાચાર વાંચનારીથી લઈ શાક વેચનારી સુધી બધી યુવતીમાં તું સૌથી વધુ ગમે છે,, તને થતું હશે ગમવા-ગમાડવા પર ક્યાં કોઈ ટેક્સ લાગે છે પરંતુ મારા દિલમાં બહુ ઓછાને સ્થાન છે તે હજુ તને ખ્યાલ નહીં હોય. મારા એકાંતમાં ધૂમવા પણ કેટલીક લાક્ષણિક્તા જોઈએ અને તું તો જો હવે ફેસબૂકથી લઈ સીધી ફેફસાંમાં ફરવા લાગી.. ગજબ છે યાર,,
ક્યારેક જાણીજોયને ઈરાદાપૂર્વક તકરારમાં તોફાન મચાવનારી નહીં પણ ઝગડામાંથી ઉપજતી ભીન્ન વિચારશરણીમાં શરત લગાવી હારી જઈને તારી આસપાસની વ્યક્તિઓને જીતતા પામી ખુદને ખુશ કરવામાં તું કેટલી મસક્ક્ત લેતી હશે એ હું જાણી ગયો છું. બધા સંસ્કારી તો હોય જ છે પણ સંસ્કારને પવિત્રતાથી રજૂ કરતા અમુકને જ આવડે એ રીતે તું હંમેશા સમર્પણ અને ઇજ્જતને આદર્શ મૂડી ગણે છે. સમાજનો ડર નથી પણ બગાવતનો ઇરાદો નથી. પરંપરાવાદી નથી પોતાનાવાદી. ને હર પ્રસંગે તહેવારે ઘટનાઓમાં મુખ્ય માર્ગદર્શક બની તારા ઘર-પરિવારમાં સહાયકની ભૂમિકા નીભાવે છે.
જે બીજા માટે ખૂદને ખરાબ નહીં પણ જિંદગીને ખુંખાર બનાવી જીવે છે. ઈઝારાશાહી ભૂતકાળ ધરાવે છે માટે આજ અને આવતીકાલ જીવ્ય બને એવું માનનારી તારા જેવી બહેતરીન બચ્ચીની માતાને પણ દાદ દેવી પડે છે.
તારી સાથેનો એકતરફા પ્રેમસંબંધ એ અંધકારમાં દોડતા રહેવાની એક રમત છે અને એમા એક જ દાવ કામ પર લાગે છે – તકદીર.. શરીરસંબંધ એ નફરતથી અને આત્માનો સંબંધ અંતરથી રચાય ત્યારે ખરા અર્થમાં તારું વ્યક્તિત્વ ને મારું અસ્તિત્વ ખીલે છે. ચેટમાં આવું ઘણું વાર બની ગયું છે અને હવે તો ચાહતની શરૂઆત ચેટથી જ જાય છે ને? તને થતું હશે કે બે-ચાર ફોટો લાઇક કરવાથી થોડું કોઈને ગમવા લાગી.. પરંતુ નહીં તારી આદતો જે મારા અણગમાં છે તેને પણ હવેથી હું લાઇક કરું છું ત્યારે જ તો આ સ્થિતિ છે!
યુવકને હિરો, ફિલસૂફ અને અપરાધી બનાવી રોમાન્સની ચીતા પર લેટાવી દઈ અસ્તિત્વ છીનવી લેનારી તારા જેવી યુવતીથી છટકવું ભારે મુશ્કેલ છે તારા દેહમાં છીન્નભીન્ન થઇ નવસર્જન પામવું એ મારા જેવા યુવકનું વયસ્ક બનવું છે.
હોશોહવાસ ગુમાવી બેસી રૂઝાતા ઘા ખણ્યા કરતી વખતે આવે તેવા મધુર આનંદનુ વિષચક્ર પ્રેમ કરતાં સમયે આવે ત્યારે બધુ ભૂલી માત્ર તને યાદ રાખવાની આદત પડી છે સિદ્વાંતવાદી મગજથી નહીં સ્નેહભર્યા મનથી ખડખડાટ હસી શકે ને કોઇને ખબર ન પડે એ રીતે રડી એકાક્ષરી જવાબો આપી દે છે ત્યારે મને સમજાય છે કઈક છે જ્યાં તું અટકી ગઈ છે. અને આગળ વધતાં ડરે છે! તું પરણ્યા પહેલા ઘણાનાં સ્વપ્નમાં આવી જાય એવી છે. પણ હકીકતે એકની જ બની રહે છે. તને મારામાં કઈક ગમતું હશે, કદાચ હું પણ..
મને આજની યુવતીઓમાં ઘણુ ગમતું હોતું નથી પણ તારામાં ન ગમવાનું કશું જ નથી. ઇમાનદારી, જવાબદારી ને સમજદારીએ તારી સૌથી મોટી અસ્કામત છે. ને મને પ્રેમ કરી પામી શકવો એ બહુ અઘરી કરામત.. તારા શરીર પરનાં એકાદ બે તલ, લાંબા વાળ, સવારથી રાત સુધીનું ઘર કામ અને ઓફિસ વર્ક કરી અનુભવ સાથ આકાર પામેલુ શરીર. છુટા ઘુઘરાળા વાળ ને કાળજ કરેલી આંખો. નાકની બાલીથી લઈ પગની પાની સુધી તું સૌદર્યકારા છે. કોઈ જ બનાવટી મેકઅપ કે સુંદરતાની પરત નહીં અને આમ પણ શરીર કરતા સ્વભાવ જ્યારે ચડિયાતો ને સારો હોય છે ત્યારે જીત હંમેશા લાગણીઓની થતી હોય છે. શરીરની સુંદરતા તો મારા જેવાઓ માટે સદીઓથી માત્ર શબ્દથી સ્ત્રીને સજાવવાના સાધન રહ્યાં છે.
આજે હું જ્યારે જાહેરમાં મારી મનગમતી સ્ત્રી વિશે લખું છું ત્યારે તું સામાન્ય છે પણ બીજાઓ માટે નહીં, એ મારેમન સૌથી મહત્વની વાત છે એ કહેતા અભિમાન નહી પણ ગર્વ થાય છે કેમ કે અસામાન્યતાઓ હંમેશાં આકર્ષણનું કેન્દ્ર બને જ છે પણ સાધારણ રહી સાધના ને ચાહના જેવા વિષયોમાં મહારથ હાંસલ કરનારને અકસ્માતે જ પ્રેમ થઇ જાય છે અને તેની સજા પણ શું હોઇ શકે એ જાણે છે? તું માત્ર વિચારોમાં છે વાસ્તવમાં નહીં.
લી.
તારો ફેસબૂકી ફેન